કથા-સપ્તાહ: જુગાર- (માનવીના ગુણ-દોષ 4)

31 January, 2019 01:57 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: જુગાર- (માનવીના ગુણ-દોષ 4)

પ્રતીકાત્મક તસવીર

માનવીના ગુણ-દોષ

‘હાય! ધીસ ઇઝ હરહાઇનેસ અનન્યા જાડેજા. લખવા-બખવાનું આપણને ફાવે નહીં અને અનન્યાની સ્પીચનો લહાવો તમને ક્યારે મળવાનો, એટલે આજે આ રેકૉર્ડિંગ કરવા બેઠી છું. શું કામ એવા સવાલ મને નહીં કરવાના? જે ઘડીએ મનમાં જે આવ્યું કરી-કહી નાખવાનું, બસ! ધૅટ ઇઝ માયસેલ્ફ.

વેલ, સાંજના સાત થયા છે. હમણાં જ દેવલાલી પહોંચી. ફ્રેશ થઈને વરંડાના હીંચકે ઝૂલતા-ઝૂલતા આ બધું રેકૉર્ડ કરી રહી છું.

આઇ લવ ધિસ પ્લેસ. માય ડિયર હસબન્ડ, પૉઇન્ટ ટુ બી નોટેડ, હું પહેલાં જાઉં ને તમે જીવતા હો, બાય ગૉડ ગ્રેસ, તો મારી અંતિમયાત્રા દેવલાલીથી નીકળે એવું અશ્યૉર કરજો.

વાઉ, આમ કહેતાં મારી પાંપણે અશ્રુબુંદ પણ બાઝે છે! અનન્યા ઇઝ મેલ્ટિંગ? નો વે, રોનાધોના ઇઝ નૉટ ઑફ માય ટાઇપ. અનન્યા બ્રૅન્ડમાં અફરાતફરી હોય, ધૂમધડાકા હોય. આંસુનો નો સ્કોપ. અને જેની પાસે મારા જેવી ફૅમિલી હોય તેને દુ:ખ સ્પર્શે પણ કેમ?

બિગિન વિથ માય પેરન્ટ્સ. નરેન્દ્રસિંહ-સૂર્યાકુંવરીની દીકરી હોવાનું મને હંમેશાં અભિમાન રહેવાનું. દીકરીને દરિયા જેટલું વહાલ તો ઘણા કરે, પણ સાત પેઢીએ અવતરેલી દીકરીને તેમણે જેટલા આકાશો આપ્યા એટલી કોઈની મગદૂર નથી. કદાચ એટલે જ પપ્પાની વરસીએ મોટા ભાઈએ હું તારા પિતાના સ્થાને છું એવું કંઈક કહ્યું ત્યારે ત્યાં ને ત્યાં મારાથી કહેવાઈ ગયેલું : મારા પપ્પાની જગ્યા કોઈ લઈ ન શકે! કારણ, પોતાની દીકરીને મારા જેટલી આઝાદી મોટા ભાઈથી ક્યાં અપાઈ છે?

હા, મારું કહેવું કદાચ ધૃષ્ટતા હશે; બાકી ભાઈ તરીકે મારા બેઉ ભાઈઓ અને ભાભીઓ પણ બેમિસાલ રહ્યાં છે. મારા વહેવારનું, વલણનું માઠું લાગતું હોય તોય કદી મને જતાવ્યું નથી.

એમ તો મારાં સાસુ-સસરાએ પણ મને ક્યાં બરદાસ્ત નથી કરી? બરદાસ્ત જેવો શબ્દ હું મારા માટે એટલા માટે વાપરું છું કેમ કે વહુ તરીકે મને સ્વીકારવાનું સરળ નથી એની મને જાણ છે... હું તેમનેય ન બોલવાનું બોલી છું, સાથે એ પણ સાચું કે મારા દિલમાં તેમનું જે સ્થાન છે એ ક્યારેય ખૂલીને બતાવી ન શકી. શું કરું, હું આવી જ છું. ઈશ્વર સામે એટલી ફરિયાદ રહેવાની કે તેણે મારા-અજયનાં માવતરને બહુ વહેલાં તેડાવી લીધાં...

પણ તેમના જવાથી તેમનું નામ નહીં જાય. તેમની સ્મૃતિ કાયમ રહી જાય એ માટે મેં કંઈક નિર્ધાર્યું છે. એક નોખી-અનોખી ટાઉનશિપ; જ્યાં ઓલ્ડ એજ હોમ હોય, અનાથાશ્રમ હોય, ચૅરિટેબલ હૉસ્પિટલ હોય, શિક્ષણધામ હોય - એને નામ મારાં પપ્પા-મમ્મીનું અને સાસુ-સસરાનું મળે! આ કામ માટે અધધધ પૈસો જોઈએ અને એ માટે મને પિયરના ખજાનામાંથી મારો હિસ્સો જોઈએ! મારે મારું સર્વસ્વ આ પ્રોજેક્ટ પાછળ લૂંટાવી દેવું છે.

મને ખાતરી છે, મારા ભાગ માગવા પાછળ આવું કારણ કોઈએ કલ્પ્યું નહીં હોય... ખરેખર તો મારે ભાઈઓ પાસે હિસ્સો માગવાનો ન હોય, તેમણે મને સામેની આપ્યો જ હોત; પણ મારા પ્રોજેક્ટ બાબત હું એટલી એક્સાઇટ હતી કે હિસ્સાની વાત મૂકી ને પછી વાત વધતાં સ્વભાવગત તુમાખીથી કોર્ટમાં જવાનું પણ કહી બેઠી... જે, જોકે હું ક્યારેય જવાની નહોતી. મારામાં એટલું શાણપણ તો ખરું હોં!

ભાઈ-ભાભીઓએ ત્યારથી બોલવાનું બંધ કર્યું છે, પણ આ રિસામણાં-અબોલાનો બહુ જલદી અંત આવી જવાનો... દેશના ટોચના આર્કિટેક્ટ્સ-ડિઝાઇનર્સ પાસેથી મેં પ્લાન મગાવ્યા છે અને એની છણાવટ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે વલસાડના અંબરીષ વીમાદલાલને નિયુક્ત કર્યો છે. તેના ફાધર હિંમતગઢના ડ્રાફ્ટમૅન તરીકે પપ્પાની ઓળખમાં હતા. સલાહકાર તરીકે વીમાદલાલ ઘણો ઉપયોગી નીવડ્યો. પાછલા થોડા વીક-એન્ડથી અમે દેવલાલી ખાતે મળીએ છીએ. મારા સ્વજનોની પુણ્યસ્મૃતિમાં થનારા પ્રોજેક્ટની રૂપરેખા અહીં જ સાકાર થવી ઘટેને. અમારો પ્લાન ઑલમોસ્ટ તૈયાર છે. સોમવારે અજયને લઈ પિયર જઈ આનો ધડાકો કરીશ ત્યારે દરેક રીસ, કડવાહટ ઓગળી જવાની... બાકીની કસર ભાભીની લાપસીની મીઠાશ પૂરી કરી દેશે.

વેઇટ-વેઇટ. મારી સ્પીચનો હજી અંત નથી આવ્યો. હું મારા હબી, મારા પતિ વિશે કંઈ ન કહું એ કેમ ચાલે?

મને મારા પિતા જેટલી જ નિર્બંધતા મને મારા પતિએ આપી છે. મેં તેમને કહેલું પણ કે મારી સાથેનું લગ્નજીવન આસાન નહીં હોય... પણ તેમણે મારા માટે તો એટલું જ આસાન રાખ્યું છે. મેં કદી કહ્યું નથી, જતાવ્યું નથી; પણ તમે મને નખશિખ ગમો છો અજય, મારા પડખે હો ત્યારે ને મારું પડખું સેવતા હો ત્યારે તો ખાસ! યુ હૅવ અ કિલર ઇન્સ્ટિક્ટ. આ અનન્યા જાડેજાનું સર્ટિફિકેટ છે!

પણ તમે મને સૌથી વધારે ક્યારે ગમો છો કહું? જ્યારે હું કોઈ તોફાની કમેન્ટ કરું ને તમારા કાનની બૂટ લાલ થઈ જાય અજય, ત્યારે એ રૂપ પર સમરકંદ બુખારા ઓવારી જતી હોઉં છું હું. રાજા અજયસિંહની રાણી હોવાનું પારાવાર ગૌરવ અનુભવું છું. હું અનન્યા, અનન્યા રહી શકું છું. પાનાંની રમતમાં કોઈને બિન્દાસપણે પતિને દાવમાં મૂકવાનું કહી શકું છું, જુવાન વીમાદલાલ સાથે બંગલાના એકાંતમાં રહી શકું છું.

કેમ કે હું જાણું છું કે હું ગમે એટલી બોલ્ડ હોઉં મારું ચારિhય અકબંધ છે. મારાં માતા-પિતાને એમાં હતો એટલો જ વિશ્વાસ મારા પતિને પણ છે... એક પુત્રીને, પત્નીને બીજું શું જોઈએ?

ઓકે. ફાઇન, બહુ થઈ સેન્ટી ટૉક્સ. બહુ બોલી હું. એવું પણ જેની મને ફાવટ નથી. હવે એક કામ કરી લઉં. વીમાદલાલ આવે એ પહેલાં બધી પ્રપોઝલની સમરી જોઈ જાઉં... મેઇડ ખાવાનું બનાવીને ગઈ છે, હમીદસિંહ (સિક્યૉરિટી)ને મેં વીમાદલાલના આગમન બાબત કહી રાખ્યું છે. તમને પણ કહી જાઉં છું - આઇ લવ માય ફૅમિલી!

***

રાજમાતાએ પ્લેયર બંધ કર્યું.

‘મને મારો રાજમાતા, ફિટકારો!’ અજયે રાજમાતાના ખોળામાં માથું મૂક્યું, ‘હું મારી અનન્યાને જાણી ન શક્યો, જાળવી ન શક્યો! બલ્કે તેના ચાબખાઓથી હું એટલો આળો થયો કે અનન્યાને મારી નાખવાની વિચારધારા કેળવી. એ સાંજે સાળાસાહેબો દેવલાલી આવવાના ન થયા હોત તો કદાચ મેં અનન્યાની હત્યા કરી હોત!’

ના, આ કબૂલાત ઘટનાના પંદર દિવસ પછી નવી નહોતી રાજમાતા માટે.

એ સાંજે, કહો કે ઊઘડતી રાત્રે પોતે વીમાદલાલ સાથે દેવલાલીના આ જ બંગલામાં આવ્યાં ત્યારે વૉચમૅને અદબથી ઝાંપો ખોલ્યો હતો. તેના વદન પરથી ક્યાંય કશું અણધાર્યું બન્યાનો અણસાર આવ્યો નહોતો.

ડોરબેલ રણકાવી, પણ સંચાર ન વર્તાતાં દરવાજો ઠોકી જોયો તો એ માત્ર ઠેલેલો નીકળ્યો... પણ પછી ભીતર ડગ મૂકતાં જ ચોંકી જવાયું : બે સ્ત્રી લાશ બનીને ફર્શ પર પડી હતી!

સામી દીવાલ તરફ પડેલી સ્ત્રી ઓળખાઈ ગઈ. તે અનન્યા હતી. તેના માથામાં પાછલા હિસ્સામાં ઘા થયો હતો. દીવાલ પર લટકાવેલા લોખંડના ચીંધરા શોપીસ પર પણ લોહીના ધબ્બા હતા. ત્યાંથી ટપકેલા લોહીનાં નિશાન ફર્શ પર સાફ દેખાતાં હતાં...

અનન્યાની સામે પડેલી સ્ત્રી રાજમાતા અને વીમાદલાલ બેઉ માટે અજાણી હતી. તેણે લમણામાં ગોળી મારીને આત્મહત્યા કરી હોય એમ ગન પણ તેના હાથમાં હતી. લોહી તાજું છે, ઘટનાને હજી અડધો કલાકથી વધુ સમય નહીં થયો હોય. બે મરણ થયાં એની વૉચમૅનને ભનક પણ નથી?

‘આપણે પહેલાં પોલીસને જાણ કરીએ અને પછી વૉચમૅનને તેડાવીએ.’

ધારણા બહારનું દૃશ્ય જોઈને વીમાદલાલની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. રાજમાતાએ સીધી કમિશનરને જ વાત કરી. ફોન પત્યો કે પ્રાંગણમાં બે કાર અટકી. વીરનગરથી મહાવીરસિંહ-જયસિંહ અને મુંબઈથી અજયસિંહ આવી પહોંચ્યા હતા...

...રડારોળ ચાલી. અનન્યાનું મૃત્યુ કોણે ધાર્યું હોય? રાજમાતાના સ્થાને વીમાદલાલ એકલો હોત તો-તો તે પણ શંકાના દાયરામાં આવી ગયો હોત! પણ તેના આગમનનું પ્રયોજન રાજમાતા પાસે જાણીને ભાઈઓ-પતિ અવાક્ થઈ ગયેલા.

‘ખજાનામાં ભાગ માગવાની તેની જીદ મને સમજાણી મહાવીરસિંહ, પછી અહીં આવવાનું મારું પ્રયોજન કેવળ અનન્યાને અભિનંદન આપવાનું રહ્યું; પણ હું મોડી પડી.’

‘મને મારી જાત પર શરમ છૂટે છે. અમે માન્યું કે આવા જ કોઈ પુરુષે તેને ભાગ માગવા ચડાવી હોય... અરેરેરે.’

‘અને તમે આવવાના થયા સાળાસાહેબ તો હું અનન્યાનો કાતિલ થતો મટ્યો.’ અજયસિંહે ત્યારે જ પોતાનો ઇરાદો કબૂલી લીધેલો.

‘આ બીજી સ્ત્રી કોણ છે?’ રાજમાતાએ પૂછતાં અજયસિંહે ડોક ધુણાવેલી, ‘ચહેરો જોયેલો છે, પણ ઓળખ પડતી નથી.’

દરમ્યાન વૉચમૅન હમીદસિંહને તેડાવતાં તે ડઘાયો હતો.

‘આ શું થઈ ગયું?’ તેનાં અશ્રુ ધસી આવ્યાં એમાં બનાવટ નહોતી લાગી. ‘અરેરેરે, કલાક પહેલાં ધારિણીબહેન મળવા આવ્યાં ત્યારે તો મૅડમ હીંચકેથી ઊઠીને હજી ભીતર જ ગયાં હતાં. મેં ઇન્ટરકૉમ પર પૂછ્યું તો કહે મોકલ.’

ધારિણી. અજયસિંહનાં જડબાં તંગ થયાં. અનન્યાએ તેના વર નિનાદને દાવમાં મૂકવા કહ્યું’તું. એ બદલ તેણે મને ચેતવ્યો ને સાચું કહું તો અનન્યાને મારવાના મારા ઇરાદાને એનાથી જ હવા મળી...

‘ત્યારે તો અમને પણ તેણે ભડકાવ્યા હોય... ’ મહાવીરસિંહે સ્વીકારી લીધું.

‘વીમાદલાલ તો આવતા હોય એટલે મૅડમને પૂછવાની જરૂર ન હોય, બલ્કે તેમણે જ મને તેમના આગમન વિશે કહેલું...’ હમીદે કહ્યું હતું, ‘આજે મૅડમ થોડાં અલગ લાગ્યાં. હીંચકે બેસીને મોબાઇલમાં જાણે શું બોલ-બોલ કરતાં હતાં!’

આમ તો પોલીસ આવે ત્યાં સુધી કોઈ ચીજને અડવું ન જોઈએ, પણ આ સંજોગોમાં એટલી ધીરજ કોને રહે? અનન્યાનો મોબાઇલ ડ્રૉઅ૨ પર પડેલો દેખાયો. એનું લેટેસ્ટ રેકૉર્ડિંગ સાંભYયા પછી અજય-મહાવીર-જયને સંભાળવા મુશ્કેલ બનેલા...

પછી તો પોલીસ આવી, પંચનામું થયું. ધારિણીના પતિ નિનાદને જાણ કરાઈ. તે પણ કેવો આઘાત પામેલો.

‘ધારિણીએ મને કહ્યું નહીં કે તે દેવલાલી આવવાની છે! બાકી હું પણ હજી સાંજે જ નાશિકના અમારા વીક-એન્ડ હાઉસ પહોંચ્યો.’

જોડે તેની સેક્રેટરી હતી એવું બહુ જાહેર નથી થયું, પણ નિનાદે છુપાવ્યું નહોતું. તેની રંગિનીયત છાની નથી. ધારિણીને એનો કદાચ વાંધો નહોતો. ‘હોય તો પણ મને કદી જતાવ્યું નથી... વી રિસ્પેક્ટેડ ઈચઅધર્સ ઇન્ડિવિઝ્યુઅલિટી.’

હાઈ સોસાયટીનો સામાન્ય ગણાતો એવો આ ટ્રેન્ડ હવે સમાજના તમામ વગોર્માં વાઇરસની જેમ પ્રસરી રહ્યો છે.

‘અજય-અનન્યા જોડે હાય-હલો પૂરતી ઓળખાણ-સંબંધ ખરા, પણ એથી અનન્યાએ ધારિણીને મને પત્તાંની બાજીના દાવમાં મૂકવાનું કહ્યું હોવાનું મારી જાણમાં નથી.. આઇ ઍમ સૉરી, પણ અનન્યાની આવી હરકત કઈ પત્ની બરદાસ્ત કરી શકે? બની શકે કે અજયસિંહ-મહાવીરસિંહને ચેતવ્યા પછી પણ ધરવ ન થતાં તે અનન્યા જોડે ઝઘડવા આવી હોય. એમાં મામલો બીચકતાં બેઉ હાથાપાઈ પર આવી જતાં ધારિણીનો ધક્કો લાગતાં અનન્યા શોપીસ સાથે અથડાઈ; એટલા જોરથી કે નારિયેળની જેમ વધેરાઈ, લોહીની ધાર વહી ને તે હંમેશ માટે ફસડાઈ પડી! પોતાના હાથે થયેલી હત્યા જોઈને હેબતાયેલી ધારિણીએ ગભરાઈને લમણે ગોળીને મારી આત્મહત્યા કરી લીધી!’

સિનારિયો આવું સૂચવતો હતો, પણ વાસ્તવમાંય આમ જ બન્યું હોઈ શકે ખરું? ધારિણી ઝઘડવા આવે એ સમજાય, બોલાચાલીમાં અનન્યાને ધક્કો દેતાં તેનું અકસ્માત મૃત્યુ થાય એ પણ સ્વીકાર્ય; પણ ધારિણીની આત્મહત્યાનું પગલું ગળે કેમ ઊતરે! સાઇલેન્સરને કા૨ણે ગોળીબા૨નો અવાજ ન થયો હોય, હમીદને કાનમાં ભૂંગળાં નાખીને મોબાઇલ પર ગીતો સાંભળવાની ટેવ છે એટલે તેણે ઝઘડો પણ ન સાંભળ્યો હોય એમ બને; પણ અનન્યા સાથે ઝઘડવા આવેલી સ્ત્રી પોતાના હાથે તેની હત્યા થતાં બચવાની તરકીબ લડાવે, સીધી આત્મહત્યા શું કામ કરે? અરે, જે ઘટનાનું કોઈ સાક્ષી નથી ત્યાંથી ચૂપચાપ સરકી જવાનો ચાન્સ લેવા જેટલીયે સભાનતા દાખવ્યા વિના તે સુસાઇડ કરે એ જરા વધુપડતું નથી? ધારિણી એટલી નાજુક, ઊર્મિશીલ પણ નહોતી. ના, તેનું અંતિમ પગલું ઉતાવળિયું છે એટલું જ અધકચરું છે...

પોલીસ આ જ દિશામાં તપાસ કરી રહી છે, પણ કશી નોંધપાત્ર પ્રગતિ નથી. બે સ્ત્રીઓ વચ્ચે તેમના આખરી મેળાપમાં શું થયું એ રહસ્ય ક્યારેય ખૂલશે ખરું?

આ પણ વાંચો : કથા-સપ્તાહ: જુગાર- (માનવીના ગુણ-દોષ 3)

દરમ્યાન અનન્યાની અંતિમયાત્રા દેવલાલીથી નીકળી. પરિવારજનોને રડતા મૂકીને તે ગઈ... આજે તેની વરસી પણ વળી ગઈ. એ નિમિત્તે દેવલાલી આવેલાં રાજમાતાએ અત્યારે, વિધિ પછી ફ૨ી તેની સ્૫ીચ સાંભળીને ભાંગી પડેલા અજયસિંહને સધિયારો પાઠવ્યો, ‘અનન્યા પોતાની શરતોએ જીવી. પોતાના અણધાર્યા અંજામ માટે આવી વ્યક્તિઓ ખુદ જવાબદાર હોય છે. પોતાની નિર્બંધતા બીજાને કેટલું કનડતી હશે એનો વિચાર અનન્યાએ કર્યો હોત તો બીજાના પતિને જુગારના દાવમાં મૂકવાની મજાક ન માંડી હોત.’ મીનળદેવી સહેજ હાંફી ગયાં, ‘સાચી શ્રદ્ધાંજલિ તો એ જ કહેવાય કે તમે ત્રણે થઈને અનન્યાનું સ્વપ્ન સાકાર કરો... ખજાનાની મૂડીનો આનાથી વિશેષ સદુપયોગ હોઈ ન શકે.’

‘અવશ્ય રાજમાતા...’ ત્રણે પુરુષોના રણકારમાં અનન્યાનું સ્મિત પડઘાતું લાગ્યું રાજમાતાને.

છતાં ખૂનનું રહસ્ય હજી વણઊકલ્યું છે ને એના શકમંદમાં આ ત્રણેનો સમાવેશ પણ હોવાનો જ!

(આવતી કાલે સમાપ્ત)

columnists