કથા સપ્તાહ : ત્રિકમલાલ (4)

04 July, 2019 09:54 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ

કથા સપ્તાહ : ત્રિકમલાલ (4)

પ્રતીકાત્મક તસવીર

કથા સપ્તાહ 

એક માણસ કોઈ પણ કારણ વગર સામે ચાલીને દુખી થવાનું નાટક કરીને ઘરડાઘરમાં રહેવા જવા માટે આટલોબધો ઉત્સાહી કેમ હોય? ખંજનની હાલત ખરાબ થઈ રહી હતી. એક તરફ તેને આજના યુગનો સૌથી ક્રૂર દીકરો ગણીને બાપને આપેલી તકલીફો વિશે ઘરડાઘરનો મૅનેજર લાંબુંલચક ભારેભરખમ લેક્ચર આપી રહ્યો હતો અને બીજી તરફ ત્રિકમલાલ તેને જોઈને હસી રહ્યા હતા.

ત્રિકમલાલને થયું કે હવે થોડું વધારે થશે તો ખંજન નાટક કરવાનું બંધ કરી દેશે એટલે તેમણે ચાલુ વાતે અંદર આવીને રડમસ ચહેરે કહ્યું, ‘બસ સાહેબ બસ, દીકરો ઠીકરો થાય, પણ માવતર કમાવતર ન થાય. હું નથી ઇચ્છતો કે તમે મારા વહાલસોયા દીકરાને કંઈ વધારે કહો અને હા દીકરા મારું અહીં રહેવાનું ભાડું પણ આ લે મેં પાર્ટ-ટાઇમ લોકોનાં કપડાં સીવીને બચાવેલી રકમમાંથી ભરી દઉં છું એટલે તને એની પણ તકલીફ નહીં.’ આ છેલ્લા શબ્દોએ મૅનેજરને રડાવ્યા.

ખંજનને થયું કે સ્ટેજ પર આવી ઍક્ટિંગ કરવાનું કહો તો કોઈ દિવસ ન કરે અને અત્યારે તો જો આ ડોહાને!

પૈસા આપતી વખતે હાથની ધ્રુજારી પણ તેમણે બરોબર કરી અને પછી આવીને તેની સામે ઊભા રહીને કહ્યું, ‘બેટા જીવનમાં એક ઇચ્છા છે તને ભેટવું છે, શું હું તને એક વાર ભેટી શકું?’

ખંજને જોયું કે મૅનેજર અને ક્લાર્કની આંખોમાં પાણી હતું. હજી પોતે કશું બોલે એ પહેલાં તો આમ દોડીને કાકા ખંજનને ભેટી પડ્યા. ધીમેકથી કાનમાં બોલ્યા, ‘કેવું રહ્યું ખંજનિયા?’ ખંજન પણ હવે અકળાયો અને બોલ્યો, ‘બહુ મસ્ત, હવે તમે મારી ઍક્ટિંગ પણ જુઓ.’

પોતાને ગમ્યું ન હોય એમ ત્રિકમકાકાને ધક્કો મારીને મૅનેજરસાહેબને તેણે કહ્યું, ‘મારી પાસે આમ ઇમોશનલ થવાનો ટાઇમ નથી અને હા કાકા... ઓ સૉરી એટલે તમારા કાકા અને મારા બાપાને છુપાવી-છુપાવીને બીડીઓ પીવાની બહુ ટેવ છે. તેમના ડૉક્ટરે કહ્યું છે કે વધારે બીડી પીશે તો વહેલા મરી જશે એટલે તેઓ બીડી ન પીએ એ જોજો.’

મૅનેજર આટલા દુખી કાકાના રોગ વિશે જાણીને વધારે દુખી થયા. તેમણે ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંખો લૂંછતાં કહ્યું, ‘અમારે ત્યાં કોઈ પણ પ્રકારનો નશો કરવાની છૂટ નથી એટલે બીડી પીવી તો શક્ય જ નથી.’

ખંજનના નાખેલા દાવથી ત્રિકમલાલ મૂંઝાયા. હજી તેઓ કશું બોલે એ પહેલાં ખંજને બીજો બૉલ નાખ્યો‍, ‘ના આમ બોલો એમ નહીં ચાલે. આ મારા બાપા બહુ ચાલુ છે. તપાસો તેમનાં ખિસ્સાં અને બૅગ બન્ને તપાસો.’ બોલતાં-બોલતાં તેણે ત્રિકમલાલને આંખ મારી.

ત્રિકમલાલ આમ અણધાર્યા હુમલા માટે તૈયાર નહોતા..‍. મૅનેજરે તેમનાં ખિસ્સાં અને બૅગમાં ભરેલી બીડી ખાલી કરી.

ખંજને જાણે બદલો વાળ્યો હોય એમ કાકાને હાથ જોડીને ફૉર્માલિટી પૂરી કરીને નીકળી ગયો.

મૅનેજર ખુદ ત્રિકમલાલને તેમની ૩૨ નંબરની રૂમ સુધી મૂકવા આવ્યા. સાંજની આરતી વખતે ભેગા થયેલા બધાને ત્રિકમલાલની ઓળખાણ કરાવી. સૌ સમદુખિયાઓએ ત્રિકમલાલ વિશે જાણી તેમને સથવારો આપ્યો.

લગભગ ત્રણ દિવસ આમ જ વીત્યા અને ત્રણ દિવસમાં તો ત્રિકમલાલે આખા ઘરડાઘરને માથે લીધું.

સામાન્ય રીતે ઘરડાઘરની રૂમોમાં ભગવાનના ફોટો અને દીકરા-દીકરીઓના ફોટો લગાડ્યા હોય ત્યાં ખાટલાની પાછળની દીવાલે મધુબાલાનાં મોટાં-મોટાં બે પોસ્ટર લાગ્યાં હતાં. રોજ રાતે ૯ વાગ્યે સન્નાટો થઈ જતાં ઘરડાઘરમાં ૩૨ નંબરની રૂમમાં રાત્રિબેઠકો થવા માંડી. સંગીતના જલસા શરૂ થયા.

હજી હમણાં સુધી વહેલી સવારે ઊઠીને નિત્યકર્મ પતાવીને જે ઘરડા લોકો પ્રાર્થનાસભામાં જઈને ધ્યાન કરતા કે પછી પાઠ વાંચતા તેઓમાંના મોટા ભાગના હવે કૅરમ, ચેસ અને પત્તાં રમવા લાગ્યા. સ્ટેજ પર ઊભા રહી લોકોને કસરત કરાવવાની પણ શરૂઆત થઈ ગઈ.

એક સવારે ભીના ચૂનાની ડોલ લઈને એક હાથમાં બ્રશ સાથે ત્રિકમલાલ નીકળ્યા અને દીવાલો પર લખેલાં ડિપ્રેસિવ સ્લોગનોને શોધી-શોધીને એના પર ચૂનો લગાડ્યો. સાંજે સૌને ભેગા કરીને કહી દીધું કે આપણા બાપદાદાઓના દુશ્મન હતા અંગ્રેજો એટલે તેમણે ‘અંગ્રેજો ભારત છોડો’નો નારો અપનાવ્યો હતો. અત્યારે આપણો સૌથી મોટો દુશમન છે ડિપ્રેશન એટલે આપણે નવું સ્લોગન બનાવવાનું છે, ‘ડિપ્રેશન... ઘરડાઘર છોડો...’

તેમની પૉઝિટિવિટી અને ઝિંદાદિલીએ ત્યાં રહેલા ઘરડાઓના નીરસ જીવનમાં આશાની એક નવી સવાર ઉગાડી હતી. રસોડામાં શાક સમારતાં-સમારતાં બહેનોને કવિતા સંભળાવવાની હોય કે પછી ડાયાબિટીઝથી ડરીને વર્ષોથી નહીં ચાખેલી જલેબીની પાર્ટી કરવાની હોય, ત્રિકમકાકાએ આમ જોવા જઈએ તો સૌને રવાડે ચડાવેલા.

તેમનું માનવું સ્પષ્ટ હતું કે મૃત્યુ તો આવવાનું છે જ તો પછી રિબાઈ અને અને દુખી થઈને કેમ એને ભેટવું?

વહાલ નામનો વાઇરસ એ માણસે બહુ બેખૂબીથી ઘરડાઘરમાં પ્રસરાવ્યો. ઘરડાઘરની વચ્ચે આવેલા બગીચામાં એક મોટું વૃક્ષ હતું ત્યાં એક દિવસ જઈને મોટા દોરડા લટકાવીને નીચે એક પાટિયાનો હીંચકો બાંધ્યો. જેવા સૌકોઈ સવારના પોતપોતાની રૂમમાંથી બહાર નીકળ્યા કે ત્રિકમલાલ જોરજોરથી હીંચકો ખાવા લાગ્યા. ઉંમર નામનું પાટિયું માથે મારીને બેસી ગયેલા લોકો માટે ‘આવું તે કંઈ કરાય’નો પ્રશ્ન મનમાં ઊઠ્યો, પણ સૌકોઈને ત્રિકમલાલનો હસતો ચહેરો અને ઝૂલતી ખૂમારી ગમી ગઈ. ત્યારે પહેલી વાર એ હીંચકે બેસવા માટે ઘરડાઓમાં ઇચ્છા જન્મી. સાવ નીરસતાના રણમાં ત્રિકમલાલે આનંદની પરબ બનાવી.

આ બધી મજામાં બીડી પીવાની લત પણ છૂટી ગઈ. અલગ-અલગ લોકોના નામે દાન અપાવડાવી ત્રિકમકાકાએ અહીં જાતજાતની સુવિધાઓ ઊભી કરી. મૅનેજર સાથે સાઠગાંઠ કરી પહેલી વાર ઘરડાઘરની ટૂર કોઈ ધાર્મિક સ્થળની જગ્યાએ થિયેટરમાં પછી વૉટર પાર્ક અને શાનદાર હોટેલમાં ડિનર કરાવીને પાછી આવી.

જીવતરથી કંટાળી ગયેલા નીરસ લોકો માટે આ માણસ દેવદૂત બનીને આવેલો. થોડા ઘરડાઓને લઈને નાટક બનાવ્યું અને પોતાની ડાયરેક્શનની ખણજ પણ ત્યાં પૂરી કરી.

લાઇબ્રેરીમાં પુસ્તકો હોય કે પછી ઍક્ટિવિટી રૂમોમાં એસી, ત્રિકમલાલે કશે પાછીપાની ન કરી.

આખરે ખંજન દ્વારા બીજા નાટકવાળા કળાકારોને એક જગ્યાએ ભેગા કર્યા. પોતે ત્યાં જઈ આટલા દિવ માં શું કર્યું એ કહ્યું અને જ્યારે એક જણે પૂછ્યું કે કેમ કર્યું? તો જવાબમાં સરસમજાની સ્માઇલ સાથે કહ્યું, ‘ખબર નથી, પણ જે કર્યું એમાં મજા પડી.‍ હવે તમારો વારો છે એ મજા લેવાનો...’

સૌને સમજણ ન પડી. કાકાએ સૌને તૈયાર કર્યા. ઘરડાઘરમાં રહેતા લોકોનો અંગત બાયોડેટા આપ્યો. કોને શું ગમે છે અને કોણ કઈ વાત પર ડિપ્રેસ થઈ જાય છે એ સઘળાની માહિતી આપીને કહ્યું, ‘સ્ટેજ પર બહુ નાટકો કર્યાં, હવે જીવનના મંચ પર નાટક કરવાનો વખત છે. લોકો બાળક દત્તક લે, તમારે મા-બાપ દત્તક લેવાનાં છે.’

આ સાંભળીને સૌની આંખો ચમકી. ત્રિકમલાલે તરત જ બાજી સંભાળી લીધી કે એટલે તમારે તેમને ઘરે નથી લાવવાનાં... પણ અઠવાડિયે એક દિવસ ૩થી ૪ કલાક તેમની સાથે વિતાવવાનું પ્રૉમિસ આપવાનું છે. તેમની સાથે વાતો કરવાની ઍક્ટિંગ કરવાની છે. મારા માટે આટલું કરશો?’

કયારેય કોઈની પાસે કશું ન માગનાર માણસે આજે કશું માગ્યું હતું... સૌકોઈ આ કામ માટે તૈયાર હતા અને બધાની વચ્ચેથી બૂમ પાડીને છેક પાછળ બેઠેલા ખંજનને કહ્યું, ‘દીકરા, તું રહેવા દેજે. ત્યાં ન ફરકતો...’

આ પણ વાંચો : કથા સપ્તાહ : ત્રિકમલાલ (3)

ખંજને હસીને હાથ હલાવ્યો. સૌકોઈ કલાકારોએ તેમનો બોલ પાળ્યો અને આજેય પાળે છે. ત્રિકમલાલે ઘરડાઘર છોડ્યું એ પછી પણ કેટલાંય વર્ષો સુધી ત્યાં નિયમિત જવાનો નિયમ પાળ્યો હતો. (ક્રમશઃ)

columnists