કથા સપ્તાહ : આંસુની આરપાર (2)

21 May, 2019 07:03 PM IST  |  | વર્ષા અડાલજા - કથા સપ્તાહ

કથા સપ્તાહ : આંસુની આરપાર (2)

પ્રતીકાત્મક તસવીર

કથા સપ્તાહ

ડોરબેલ ફરી રણકી ઊઠી. ઉપરાઉપર. આક્રમક.

ઓહ! જેસિકા આવી પણ ગઈ! વિચારમાં ને વિચારમાં કેટલો સમય થઈ ગયો!

જે ક્ષણથી તે ડરી રહી હતી, એ ક્ષણ સાથે મોંમેળાપ કરવા માંડ જાતને તૈયાર કરી હતી તે હવે સામે આવીને ઊભી રહેવાની હતી. એણે બારણું ખોલ્યું, ગીની આયેશા સાથે ઊભી હતી. અંદર આવતાં તે બોલી,

‘શું કરતી હતી મમ્મી તું? ક્યારની બેલ વગાડું છું... ઓહ! ઓકે.’

ચોતરફ નજર ફેરવતાં તે જોઈ રહી.

‘તો મૅડમ ઘર ગોઠવવામાં બિઝી છે. નવા કર્ટન્સ, કુશન કવર્સ... ક્યા બાત હૈ મમ્મીજી! અને આ ટિપોઈ! સરસ. હવે એ બોલ આ બધું કિસ ખુશીમેં?’

ગીની સોફામાં બેસી પડી. નાની બોલતી આયેશા અરુંધતીને વળગી પડી. તેને વહાલ કરતાં અરુંધતીએ તેની ગમતી રોકિંગ ચૅર પર બેસાડી.

‘ખુશી તો ગીની આપણા ગેટ-ટુગેધરની. જોકે પડદા કેવા જૂના થઈ ગયા હતા. યાદ છે તારાં લગ્ન વખતે...’

‘હા મમ્મી, આપણે સાથે જ તો શૉપિંગ કર્યું હતું. આ તો શું કે જેસિકામૅમ પધારે છે છેક સાત સાગર પારથી એટલે બધું નવું તો કરવું પડે.’

‘ગીની!’

એમાં શું ખોટું કહ્યું? પપ્પા તેને લઈ ઘરેથી નીકળી ગયા... હું ત્યારે ૭ વર્ષની હતી રાઇટ! અને જેસિકા ૧૧ વર્ષની. સૉરી ૧૧ વર્ષ અને ત્રણ મહિના. પછી તેણે ક્યારે ઘરમાં પગ મૂકયો છે? ન્યુ ઝીલૅન્ડથી ઇન્ડિયા આવે ત્યારે એ સાસરે મહાલે, ઇન્ડિયામાં ફરતી ફરે, આપણને વળી હોટેલમાં ક્યારેક મળી લે. આજે વળી ભલી રહેવા કબૂલ થઈ.’

અરુંધતીને પણ ડર તો હતો કે જેસિકા હોટેલમાં જ રહેશે. છૂટાછેડા થયા ત્યારે માત્ર છેડાછેડીની ગાંઠ જ નહોતી છૂટી, પણ બીજું પણ ઘણું છૂટું પડી ગયું હતું. એક પુત્રી ખોઈ દીધી હતી. ‘સારુ થયું પપ્પા તેને લઈ ગયા.’

ગીનીએ જાણે તેના વિચારનો તંતુ પકડી લીધો.

‘નહીં તો રોજ ઝઘડા થાત. તે મને કેટલું હેરાન કરતી. હું તને કમ્પ્લેન કરું તોય તું તેને મનાવવાના ચક્કરમાં...

ગીનીના સ્વરમાં કડવાશ ઊભરી આવી.

‘ ના ના એવું નથી બેટા, પણ મને એમ કે... તેને સમજાવું... તો...’

‘તો? તો શું? પપ્પા તેને ફરી ચડાવવાના હતા એની તને ખબર હતી. મારો તેની સાથેનો છેલ્લો બર્થડે હું આજેય ભૂલી નથી. તેણે મને બાથરૂમમાં પૂરી દઈ સ્વિચ-ઑફ કરી દીધી હતી! મારો તો જીવ જ નીકળી ગયો હતો.’

તેને પણ કેમ ન યાદ હોય! બન્ને દીકરીઓની સામે રજત સાથેનો એ પહેલો ઝઘડો. તે તો ગીનીને પાડોશમાં શોધવા ગયેલી એટલે બાથરૂમમાં ગીનીનું રડવું તેને ખબર જ ન પડી. રજત આ જ રોકિંગ ચૅર પર વ્હીસ્કીનો ગ્લાસ લઈ ઝૂલતો હતો અને જેસિકા વિડિયો ગેમ રમતી હતી. એ ઘરમાં પાછી ફરી અને બાથરૂમમાં મોં ધોવા ગઈ ત્યારે ફરસ પર રડીને સૂઈ ગયેલી ગીનીને જોઈ તે સળગી ઊઠેલી. હવે શું થશે એ સમજતી જેસિકા રજતના ખોળામાં ભરાઈ રહી હતી.

‘ગીનીને તેં બાથરૂમમાં પૂરી દીધી?’ તરત રજત બોલ્યો,

‘રિલૅક્સ, અંબિકાસ્વરૂપ અરુંધતીદેવી. જસ્ટ ફન.’

‘એટલે તારે મન આ રમત છે?’

‘લુક ડીયર...’

‘સ્ટૉપ કૉલિંગ મી ડિયર.’

‘યસ. ટ્રુ. ખોટું શું કામ બોલવું? બે બહેનોને તેં દુશ્મન બનાવી દીધી છે.’

‘આને તું રમત ગણે છે? રમત જ છેને, લાવ, જેસિકાને પૂરી દઉં?’

જેસિકા ચીસ પાડી ઊઠી,

‘ડોન્ટ ટચ મી બીચ.’

એ સ્તબ્ધ થઈ ગઈ હતી. અગિયાર વર્ષની દીકરીને મોંએ આવી ગંદી ગાળો! રજત જેસિકાની જિંદગીને નર્ક બનાવીને જ જંપશે. એ જ રાત્રે તેણે મનમાં ગાંઠ વાળી હતી. ડિવૉર્સ. એ સિવાય કોઈ રસ્તો નથી. કુટુંબને એક રાખવા તે ઘણું મથી હતી, પણ હવે બસ. દીકરીઓ છે. ફૅમિલી કોર્ટ તેને જ કબજો આપશે, દીકરીઓનું કાઉન્સેલિંગ કરાવશે...

કેવાં સપનાં જોયાં હતાં!

આયેશા રોકિંગ ચૅરમાં ઊંઘી ગઈ હતી. ગીની તેને બેડરૂમમાં લઈ ગઈ. રસોડામાં ગઈ, સ્ટીમિંગ હૉટ કૉફીના મગ લઈ આવી.

‘ચલ મમ્મી, બાલ્કનીમાં બેસીએ. મૅડમ આવતી જ હશે... કે પછી હોટેલમાં ચાલી જશે... કંઈ કહેવાય નહીં. બન્ને બાલ્કનીમાં આવ્યાં. ઢળતી સાંજે મરીન ડ્રાઇવની સ્કાયલાઇન ઝગમગી ઊઠી હતી. દૂર સુધી ફેલાયેલો દરિયો ઓટમાં પાછળ ઠેલાતો જતો હતો અને અંદર ડૂબેલા, ગોપિત કાળા ભૂખરા ખડકોએ જબરાઈથી માથું બહાર કાઢ્યું હતું. હજી પાળી પર, ફૂટપાથ પર સહેલાણીઓની ભીડ હતી. મોબાઇલમાં સૂર્યાસ્ત સાથે સેલ્ફી લઈ રહ્યા હતા.

અરુંધતીએ કૉફીનો ઘૂંટ ભર્યો. સરસ હતી. નીરજ કહેતો, ‘સાસુમા તમારી દીકરી કુકિંગ ક્વીન છે, પણ તેને સમજાતું નહોતું. ડિવૉર્સની ઘેરી અસર ગીની પર પડી હતી. સારું છે જજે તેને ચેમ્બરમાં બોલાવી નહોતી. તેનો કબજો તો હતો જ. જજે જેસિકાને બોલાવી પૂછ્યું હતું, તને કોની સાથે રહેવુ ગમશે. તરત જવાબ, પપ્પા.

‘વાય મમ્મી?’

અચાનક પુછાયેલા પ્રશ્નથી અરુંધતી ચમકી ગઈ.

‘આટલા વર્ષે શું કામ આપણે ભેગાં થવાનું, સાથે રહેવાનું? હવે શું છે જેસિકા સાથે તે તું પાછી સંબંધ જોડવા માગે છે? તને એવી ઠગારી આશા છે કે તું રડશે ઍઝ યુઝ્વલ, પછી બધાં હસતાં રમતાં એક ફૅમિલી થઈ જઈશું?’

ના. એમ નથી... પણ એક છેલ્લી વાર...’

ગીની પાસે આવી. સ્નેહસભર કંઠે બોલી

‘મા! તું હજી એ ભ્રમમાં જીવે છે? કેટલાં વર્ષો થઈ ગયાં. હું ભૂલી ગઈ છું. તું પણ ભૂલી જા.’

ગીની સાથે આવી નિકટતાની ક્ષણો ઓછી મળતી. તેનાં કૉલેજનાં વર્ષોમાં તે શરમાળ અને અંતરમુખી હતી. નીરજ જેવો પ્રેમાળ અને સમજદાર સાથીદાર શોધી લાવી ત્યારે તેને અપાર આનંદ થયો હતો. તેના સંસારમાં તે ઠરીઠામ થઈ હતી, પણ તેના સ્વરમાં ક્યારેક હજી કડવાશની છાંટ ભળી જતી.

‘ગીની, હું મા છું...’

‘ઓકે, તું એ વાત જાણે છે, જેસિકા તને મા ગણે છે? તેને દરકાર પણ છે? ફોન પર વાત કરે છે ત્યારે હાય હલ્લો કરવા ખાતર જ ને! પણ મારી વાત તને ક્યારે સમજાઈ છે? લો, નીચે જો. ટૅક્સીમાંથી મૅડમ ઊતરી રહ્યાં છે. સાથે એક જ દીકરો દેખાય છે, બીજાને ન્યુ ઝીલૅન્ડની હવા ખાવા મૂકીને આવી લાગે છે. નહીં તો તેના પરમ પૂજ્ય પિતા લઈ ગયા હશે. વૉટ સે મમ્મા! કંકુ ચોખાની થાળી તૈયાર છે?’

અરુંધતીએ ગીનીનો હાથ પકડી લીધો,

‘પ્લીઝ, તું લડતી નહીં તેની સાથે.’

‘એક્યુઝ મી મૉમ! તું જાણે છે અમે હાર્ડલી સાથે રહ્યાં છીએ અને બધો વખત તેણે જ મને હેરાન કરી છે ત્યારે તું મને આમ કહેશે!’

‘આઇ ઍમ સારી બેટા... હું એમ નથી કહેવા માગતી...’

‘તું આજેય કન્ફ્યુસ્ડ છે, થાય છે એ ઘરમાં પગ મૂકે એ પહેલાં ભાગી છૂટું.’

અરુંધતીએ ગભરાઈને હાથ પકડી લીધો. ગીની હસી પડી.

ઓકે. રિલૅક્સ, પણ તે જો તારું કે મારું અપમાન કરશે તો હું ચૂપ નહીં રહું. લો, ક્વીન આવી ગઈ. ખોલો મહેલના દરવાજા. હું નહીં ઉઘાડું.’

અરુંધતીએ ઉતાવળે ચાલતાં બારણું ખોલ્યું. જેસિકા હતી અને સાથે અમાન હતો, ફેસબુક પર જોયેલા ફોટા પરથી ઓળખી ગઈ. વૉચમૅન અંદર આવી બે બૅગ મૂકી ગયો. જેસિકા ક્ષણભર ઉંબર પર જ ઊભી રહી, મા-દીકરીની નજર મળી. તરત તે બોલી,

‘વેલકમ બેટા’ અને અમાન તરફ હાથ લંબાવ્યા. તે શરમાઈને જેસિકાની પાછળ ભરાયો. સ્મિત જેવું કરતી તે અંદર આવી. ગીની સોફામાંથી ઊભી થઈ,

‘હલ્લો જેસિકા. ફ્લાઇટ ડિલે થઈ?’

‘ઓ યસ,’ બોલતી તે ગીનીની સામે બેસી પડી. થોડી મૌન ક્ષણો ધીમાં ડગલાં ભરતી પસાર થઈ. હવામાં ઓથાર હતો. અરુંધતીએ છાતીમાં ભીંસ અનુભવી. જાણે કશુંક બનતાં બનતાં અટકી ગયું હતું અને હવે હિંસક જાનવરની જેમ તરાપ મારવા તત્પર હતું. થાકેલી, આળસ મરડતી જેસિકા સામે તેણે જોયુ. રજતની આંગળી પકડી, ઉંબરો ઓળંગતાં જેસિકાએ તેની સામે જોયું હતું, એ જ રુઆબદાર ગરદનનો મરોડ, હોઠ પર વંકાયેલું સ્મિત, આંખમાં તીખી ધારની ચમક... ના. જેસિકા નથી બદલાઈ. કંઈ નહીં, આવી એટલું બસ છે.

ગીની સોફામાં પગ લઈ નિરાંતે બેઠી હતી, બન્નેને જોતી હતી. શું બનવાનું છે એની કલ્પના નહોતી, પણ આજે તે ડરવાની નહોતી. જેસિકા તેના જીવનમાં કશું નહોતી. જેસિકા બગાસું ખાતાં આળસ મરડીને ઊભી થઈ કે તરત અરુંધતીએ કહ્યું,

‘લૉન્ગ ફ્લાઇટ પછી તું થાકી ગઈ હોઈશ. શાવર લઈ ફ્રેશ થા ત્યાં ખાવાનું મૂકું છું. તારી ભાવતી બૅક્ડ ડિશ છે. પછી જલદી સૂઈ જજે.’

ગીની કિચનમાં ગઈ. તરત જેસિકા બોલી,

આ પણ વાંચો : કથા સપ્તાહ : આંસુની આરપાર (1)

‘નો ડિનર પ્લીઝ. ટાયર્ડ. સવારે મને ઉઠાડતી નહીં. શો માય બેડરૂમ.’

‘તારા જ બેડરૂમમાં... કહેતાં અરુંધતી ટ્રોલીબૅગ લઈ ગઈ. ઊંઘતા અમાનને ઉઠાડી જેસિકા બેડરૂમમાં ચાલી ગઈ. ગીની બહાર આવી ત્યાં જેસિકાએ ધડામ બારણું બંધ કરી દીધું. અરુંધતીએ કોઈ ગુનો કર્યો હોય એમ તીખી નજરથી તેને જોતી ગીની ફરી કિચનમાં ચાલી ગઈ.

અરુંધતી સ્તબ્ધ ઊભી રહી ગઈ. ક્ષણભર થયું તેણે જેસિકાને બોલાવી ભૂલ તો નહોતી કરી! તેણે ફરી મન મક્કમ કર્યું, ના. હવે ફેંસલો કરવો જ જોઈએ. ગીની ટ્રેમાં ખાવાનું બોલ્સમાં લઈને આવી.

અરુંધતીએ કહ્યું, ‘ચાલ આપણે જમી લઈએ.’

અને બન્ન ટેબલ પર ગોઠવાયાં.

columnists