કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 1)

11 March, 2019 12:21 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 1)

આનંદ

ભાઈ-ભાઈ.....

એ દિલે નાદાં...

રાતના એકાંતમાં જુહુના દરિયાકાંઠે આવેલા બંગલાની અગાશીએ ગોઠવાઈ મધુર ગીતોમાં ખોવાઈ જવું તેને ગમતું. ગ્રામોફોનમાં ગુંજતો લતાનો કંઠ તેની એકલતાને ભરી દેતો. આભમાં તારાઓની બિછાત નિહાળતાં કે પછી સામે ઘૂઘવતા સમંદરની લહેરો જોતાં નિદ્રાધીન થવાનો લુત્ફ નિરાળો.

‘તું બિલકુલ તારી મા પર પડ્યો છે આનંદ.’

પિતાના શબ્દો પડઘાયા. ઓઢવાનું સરખું કરી આનંદ આંખો મીંચી વાગોળી રહ્યો-

પિતા અરવિંદભાઈ કાપડિયા ગર્ભશ્રીમંત કુટુંબના વંશજ.

બાપ-દાદાઓના કાપડના ધંધાને તેમણે નવી દિશા આપી. ચોપાટી પરના વિખ્યાત ‘રાજવી એમ્પોરિયમ’ની બીજી શાખા પરામાં ઊભી કરવા સાથે બનારસના ઉત્પાદક સાથે મળી જરીસિલ્કમાં બાંધણીની નવતર શ્રેણી રજૂ કરી, એ બ્રૅન્ડ ખૂબ વિખ્યાત થઈ. આ અંગે તેમણે અવારનવાર બનારસ જવાનું થતું. એ મુલાકાતો દરમિયાન મા દેવયાનીને મળવાનું બન્યું ને પ્રણય છેવટે પરિણયમાં પરિણમ્યો..

ના, સાંભળવામાં સરળ લાગે એવી એ પ્રેમકહાણી નહોતી, કેમ કે દેવયાનીને મળ્યા ત્યારે અરવિંદ ઑલરેડી પરિણીત હતા! એટલું જ નહીં, દેવયાનીની મા દેવદાસી હતી.

ખરેખર તો અરવિંદ બનારસમાં કાયમ જ્યાં ઉતરતા એ હોટેલની બારીમાંથી બાજુમાં આવેલા મંદિરનો અમુક હિસ્સો દેખાતો. સદ્યસ્નાતા થઈ ઈશ્વરનું સ્તુતિગાન કરતી દેવયાનીના સૂરે તેમને ખેંચ્યા, તેના અપ્રતિમ સૌંદર્યને આભા બની નિહાળી રહ્યા એમાં વિકાર નહીં, પવિત્રતા હતી.

પછી તો જ્યારે પણ બનારસ જવાનું થાય, અરવિંદ સવારનું સંગીતપાન ચૂકતા નહીં. યુવતીનું નામ દેવયાની છે અને એ દેવદાસીની પુત્રી હોવોનું હોટેલમાંથી જાણી લીધેલું. જોકે એથી દેવયાનીના સૂર-સૌંદર્યની પાકિઝગી તેમના માટે બદલાઈ નહીં. બલકે તેમણે તેનો અવાજ રેકૉર્ડ કરી લીધેલો. મુંબઈમાં રોજ તેનું ગાન સાંભળતા એટલે પત્ની કાદંબરી હસતાં પણ - જો જો હોં, સ્વરની મોહિનીને કાન સુધી સીમિત રાખજો, હૈયે ન ઉતારતા, ત્યાં હું બિરાજું છું!

પતિ માટે આટલી ટકોર પૂરતી હતી, પત્નીને છેહ દેવાનો ઇરાદો નહોતો, પણ કુદરત જુદો જ ઘાટ ઘડી બેઠી હતી.

હોટેલરૂમની બારીમાંથી પોતાને નિહાળતી જુવાન નજરથી અજાણ નહોતી દેવયાની. ક્યારેક નયન ટકરાતાં અને એ મીઠું મલકી મુખ ફેરવી લેતી. પત્નીનાં વચન સાંભરી અરવિંદ નિર્લેપ રહેવાની કોશિશ કરતા, પણ બીજી સવારે બારી ઊઘડી જ જતી.

‘આપ ઈશ્વરમાં નથી માનતા?’

હોળી-ધુળેટીના બે દિવસ અગાઉની અરવિંદની બનારસ મુલાકાતમાં અણધાર્યું બન્યું. દેવયાનીએ સંવાદની પહેલ કરી.

‘માનું છું ને.’

‘તો દર્શને આવોને’ દેવયાનીએ આસપાસ જોઈ ઉમેર્યું, ‘બપોરે ભીડ ઓછી હોય છે.’

દેવદર્શનની એવી આસ્થા નહીં, પણ દેવીનું નિમંત્રણ ઠુકરાવાની અરવિંદની શક્તિ નહોતી.

બપોરની મીટિંગનું શેડ્યુલ બદલી એ ગંગાઘાટે આવેલા મંદિરે પહોંચ્યો.

‘તમારી નજરથી હું અજાણ નથી.’ આંખના ઇશારાથી અરવિંદને મંદિર પછવાડે દોરી જઈ દેવયાનીએ સીધી જ વાત મૂકી ‘તમારી નીયતનો અંદાજ પામવો છે મારે.’

દેવયાનીને પણ પોતાના બનારસ આગમનનો ઇંતજાર રહે છે જાણી અરવિંદ સંકોચાયો. પોતે પરિણીત પુરુષ છે અને પત્ની પહેલી વારની ગર્ભવતી છે એવું કબૂલી ક્ષમા માગી - મારી ચેષ્ટાથી તમને ગેરસમજ થઈ હોય તો એની માફી માગું છું...

દેવયાનીની મુખરેખા જોકે ન બદલાઈ, ‘તમે સત્ય કહ્યું એ જ દર્શાવે છે કે તમારી નીયત સાફ છે. તમારા લગનજીવનમાં ભંગાણ પાડવાનો મારો કોઈ ઇરાદો નથી, એટલું વિનવીશ કે તમે આ દોજખમાંથી મને ઉગારો.’

દેવદાસીની પ્રથા અને એમાં પ્રવેશેલાં દૂષણ ત્યારે અરવિંદને સમજાયાં. બાળવયે સ્ત્રીને મંદિરના દેવ સાથે પરણાવી દેવાય ને યૌવનકાળમાં પૂજારી યા ધર્મગુરુ તેનો ઉપભોગ કરે એવી પ્રાચીનકાળની પરંપરામાં ઉજ્જ્વળ ઉદાહરણો મળી આવે એમ દેવદાસી બનતી સ્ત્રી વાસનાપૂર્તિનું સાધન બની રહેતી હોવાના દાખલા ગણાવી દેવયાનીએ ઉમેર્યું હતું,

‘હોળી પછી પ્રથાના નિભાવરૂપે સાઠ વરસના બુઢ્ઢા પંડિતજી મને ભોગવશે - મારે એ જુલમ નથી સહેવો. માની જિંદગી મેં જોઈ છે, મારે મોતથી બદતર હાલત નથી ભોગવવી.’ તે સહેજ હાંફી ગઈ, ‘તમને જોઈ ઉમ્મીદ જાગી છે. તમે પરિણીત છો એટલે તમારો હાથ નહીં માગું, પણ અહીંથી દોરવામાં સાથ જરૂર માગું છું.’

આનો ઇનકાર કેમ હોય! અરવિંદે યોજના ઘડી કાઢી. આખું બનારસ ધુળેટીના રંગે રંગાયું હતું. બાજુના મંદિરમાં પણ રંગોત્સવ ઊજવાતો હતો ત્યારે મંદિરના આંગણે વાન ઊભી રહી. હોળીના રંગોથી કાબરચીતરી બનેલી દેવયાની એમાં ગોઠવાઈ. સ્ટેશને પહોંચી ત્યારે ટ્રેન ઊપડવાની તૈયારી હતી ને અરવિંદ કોચમાં મોજૂદ હતો!

મુંબઈ સુધીની યાત્રામાં ભાવિ પથ ઘડાઈ ગયો. અરવિંદે વાલકેશ્વરના ઘરની નજીક ફ્લૅટ ભાડે રાખી લીધો, ત્યાં સેટલ થવામાં દેવયાનીને કોઈ તકલીફ ન નડી. બદલામાં અરવિંદે ક્યારેય અજાણતાંય સ્પર્શવાની છૂટ નહોતી લીધી.. દેવયાની જિતાઈ.

‘હું તો તમારી થઈ, અરવિંદ. હું લગ્નનો આગ્રહ નહીં રાખુ, તમારી પત્ની, તમારા સંસારને હાનિ ન પહોંચે એ રીતે આવશો તો મારા ઘરના દ્વાર સદા તમારા માટે ખુલ્લામ છે...’

કાદંબરી માટે તેની ખેવના જોઈ અરવિંદ જાતને વધુ રોકી ન શક્યા. સુવાવડ માટે પિયર ગયેલી પત્નીના સ્વાસ્થ્યનું વિચારી તરત તો ન કહેવાયું, પણ દીકરાનાં વધામણાં વખતે સમગ્ર હકીકત જણાવી દીધી - હું હૃદયથી મજબૂર છું. દેવીને ચાહતાં ખુદને રોકી શકતો નથી, પણ તેનો સરેઆમ સ્વીકાર તારા હકાર વિના નહીં થાય એ પણ એટલું જ ચોક્કસ.

આ કેવી કસોટી! ધાવણા દીકરાને થાને ચાંપતાં કાદંબરી આંખો મીંચી ગયા. સરેઆમ સ્વીકારનો અર્થ સમજાય એમ હતો. માથે હજુ સાસુ-સસરા બેઠાં છે, એ લોકો કંઈ વહુનું બૂરું થવા દે એમ નથી. પોતાનાં માવતર સામે પડતાં પહેલાં અરવિંદ મારી મંજૂરી લઈ લેવા ઇચ્છે છે... આમાં મારું પ્રથમ સ્થાન તેમણે દર્શાવી દીધું ગણાય. એમ મારા ઇનકાર છતાં દેવયાની અરવિંદના રુદિયે તો રહેવાની જ....

‘તમે તમારા હૃદયમાં બીજી મૂરત સ્થાપી જ ચૂક્યા હો, અરવિંદ તો સમાજ-સંસારના નામે જુલમ કરવામાં હું માનતી નથી. સાથે એ પણ સ્પષ્ટ કહી દઉં કે મારી હદમાં દેવયાનીને ક્યારેય પ્રવેશ નહીં મળે. જે ક્ષણે મને મારો યા મારા દીકરાનો હક ડૂબતો લાગ્યો એ ક્ષણથી હું મિસિસ અરવિંદ કાપડિયા નહીં હોઉં... ’ કાદંબરીનું તેજ બોલી ઊઠ્યું. ‘બે સ્ત્રી વચ્ચે સમતોલન સાધી શકવાની ત્રેવડ હોય તમારી તો મારી સૌતન પાસે જવાની તમને છૂટ છે. ’

અરવિંદ સમજ્યા કે તંગ દોરડા પર ચાલવાની કસરત પોતે માંડી છે, પણ બેમાંથી કોઈને અન્યાય કરવાની નીયત નહોતી એટલે સુપેરે પાર પણ ઊતર્યા...

વહુની ખુદની સંમતિ ભાળી અરવિંદનાં માબાપ લાચાર બન્યાં. જુહુના દરિયાકાંઠે સરસ મજાનો બંગલો લઈ અરવિંદે દેવયાની સાથે વિધિવત્ બીજો સંસાર માંડ્યો. કાયદાની રૂએ તો નહીં, પણ મંદિરમાં ઈશ્વરની સાક્ષીએ ગઠબંધન બાંધ્યું ત્યારે સાક્ષીમાં સ્વયં કાદંબરી મોજૂદ હતાં. દેવયાનીએ તેમની હાજરીનો આગ્રહ રાખેલો. પતિસુખમાં ભાગ પડાવનારને જોવા-જાણવાની ઉત્કંઠતા કાદંબરીનેય હતી. ધાર્યું’તું એમ જ દેવયાની રૂપસુંદરી હતી, તેના વ્યક્તિત્વની નિર્મળતા સ્પર્શી. તેના ‘દીદી’ સંબોધનમાં મતલબ નહોતો. જોકે એથી તે મારા પતિની બીજી વારની પત્ની છે એ સત્ય નથી બદલાતું!

‘સુખી રહો’ લગ્ન પછી આશિષ માગતી દેવયાનીના માથે હાથ મૂકી કાદંબરીએ આશીર્વચન કહી ઉમેર્યું, ‘આનાથી વધુ ઉદાર હું થઈ શકું એમ નથી. યાદ રહે, આપણે એકમેકની સીમામાં અતિક્રમણ કરવાનું નથી.’

આ સમજ કહો કે શરત, પણ અરવિંદના બેય સંસાર નભી ગયા... રહેવાનું કાદંબરી સાથે, પણ મહિનામાં પંદર રાત્રિ દેવયાનીના બંગલે ગાળવાની છૂટ. દિવાળી, નૂતન વર્ષ જેવા તહેવારમાં અડધી વેળ અહીં, અડધી ત્યાં. બીજાં લગ્નના બીજા વરસે આનંદ જન્મ્યો, તેનેય મોટા દીકરા અમિત જેવી જ પરવરિશ મળે એ માટે અરવિંદ કટિબદ્ધ હતા.

અમિત-આનંદ વચ્ચે દોઢ વરસનો વયભેદ. મોટાં થતાં બાળકોને નાનપણમાં ઘણા સવાલો પજવતા. ધીરે-ધીરે સત્ય સમજાતું ગયું.

‘મા, ડેડી આવું કરી જ કેમ શકે? તને પરણ્યા પછી કોઈ બીજી સ્ત્રીને જીવનમાં સ્થાન આપી જ કેમ શકે?’ અમિતમાં આક્રોશ જાગતો.

કોઈ સામાન્ય સ્ત્રી હોત તો રોદણાં રડી પુત્રને પિતા વિરુદ્ધ ભડકાવ્યો હોત, પણ આ તો કાદંબરી.

‘જે થયું એ મારી અનુમતિથી જ થયું. અમિત, તારા પિતા તેમની ફરજમાં ક્યાંય ચૂક્યા નથી. તું તેમના માનમાં ન ચૂકીશ.’

‘મા, મને ગુસ્સો પેલી બીજી સ્ત્રી પર આવે છે. તેને એક દીકરો પણ છે?’

‘છે. આનંદ એનું નામ. જોકે તારો ગુસ્સો ગેરવાજબી છે, બેટા. આપણી સુખસીમાની બીજી બાજુ રહેનારાઓનાં સુખદુ:ખની પ૨વા કે ઈર્ષા આપણે શું કામ કરવી?’

આ બાજુ દેવયાની આનંદને જુદી રીતે સમજાવતાં, ‘કાદંબરીદીદીનું હૈયું વિશાળ છે. કઈ સ્ત્રી પોતાની સૌતનને સુખી થવાના આશીર્વાદ આપે? અમિત તારાથી મોટો છે, આનંદ, તેને રામના સ્થાને માનજે. ભાઈ ભાઈ ઝઘડે નહીં, સમજ્યો?’

આનંદ ડોક ધુણાવતો. મા-પિતાની પ્રેમકહાણી તેને અદ્ભુત લાગતી. પછીથી દાદા-દાદી તો ન રહ્યાં, પણ કાબંદરીમા-અમિતને જોવા-મળવાની જિજ્ઞાસા જાગતી, પણ એ સંભવ ક્યાં હતું?

સમાજમાં અરવિંદભાઈના બે સંસાર સ્વીકૃત હતા. બેઉને અલગ રાખવાની ચીવટ અરવિંદભાઈએ ત્યાં સુધીની રાખેલી કે અમિત-આનંદની સ્કૂલ જુદી, જે ફંક્શનમાં કાદંબરી સાથે હોય ત્યાં દેવયાનીની હાજરી ન હોય.

આનંદ ટ્વેલ્થમાં હતો ત્યારે દેવયાની હૃદયરોગના અણધાર્યા હુમલામાં ઊકલી ગઈ. અરવિંદભાઈ ભાંગી પડેલા, આનંદ જડવત્ બનેલો. સ્મશાનમાં માની લાશ ચિતા પર ખડકાઈ ત્યારેય તેને અશ્રુ ન ફૂટ્યાં. એવા સમયે મમતાભર્યો હાથ માથે ફર્યો, ‘દીકરા આનંદ!’

એ કાદંબરી હતાં. પળ પૂરતી આનંદને તેના દેવયાની માની મૂરત દેખાઈ. એ કાદંબરીને વળગી પડ્યો, ‘મા!’

કાદંબરી કંઈ ન બોલ્યાં. આનંદનો શોક વહ્યા પછી તેના જેવડો જ એક છોકરો નજીક આવ્યો, ધીરેથી પરંતુ તમતમતા સ્વરે બોલ્યો - તે મારી છે. તારી મા તો ગુજરી ગઈ.

તે અમિત હતો. પોતાના પ્રત્યે કાદંબરીમાની કુમાશને બદલે તેનામાં રૂક્ષતા હતી. આનંદ ડઘાયો.

‘અમિત!’ નજીક ઊભાં કાદંબરી દીકરાની વર્તણૂકે સમસમી ગયાં, ‘આ વખત છે આવી વાત કરવાનો?’

‘આ જ સમય છે, મા.’ અમિતે નરવા કંઠે કહી દીધું, ‘મારા પપ્પા મને વહેંચાયેલા મળ્યા, હું મારી માને વહેંચવા નથી માગતો. તારે આનંદને અપનાવવો હોય તો અમિત તારો દીકરો નહીં રહે!’

અમિતની દૃઢતામાં અઢારની ઉંમરના જુવાનની પુખ્તતા હતી. કાદંબરી લાચાર બન્યાં. આનંદને સાંભર્યું. મા કહેતી - ભાઈ ભાઈ ઝઘડે નહીં! તે એક કદમ પાછળ હટ્યો - અમિતભાઈ, મા તમારાં જ રહેશે.

૧૬-૧૭ વરસના છોકરામાં આવી સૂઝ! કાદંબરીને દેવયાનીની કેળવણી પરખાઈ, અમિત નિલેર્પ જ રહ્યો.

સ્મશાનનો ઘટનાક્રમ જાણી અરવિંદભાઈ એટલું જ બોલ્યા - આપણા દીકરાઓ હવે કુમળો છોડ નથી રહ્યા કે વાળ્યે એમ વળી જાય... દેવયાનીના જતાં તેં આનંદની કાળજી રાખવા ચાહી એ પૂરતું છે, કાદંબરી, પણ એથી અમિતને ઓછું ન આવવું જોઈએ. આનંદ પ્રત્યે તે નિ:સ્પૃહ રહે એ ચાલે, તેને નફરત કરતો ન થવો જોઈએ.’

આ સમજે બે ઘરની દૂરી મિટાવવાની સંભાવના નાશવંત બની.

‘એથી તું અમિત પ્રત્યે આળો ન બનતો આનંદ.’ અરવિંદભાઈ નાના દીકરાને કહેતા. હવે જુહુના ઘરે જ વધુ રહેતા.

‘નિશ્ચિંત રહેજો ડેડી, રામની કોઈ બાબતનું લક્ષ્મણને ખોટું નહીં લાગે.’

આ નર્યા વેવલાવેડા નહોતા. સંબંધને પારખવાની, જાળવવાની નિષ્ઠા હતી; દેવયાનીના સંસ્કાર હતા. એ તો ત્યાં સુધી અરવિંદભાઈને કહેતો કે તમે કાદંબરીમા-અમિતનેય સમય આપો, હું એકલો રહી જાણીશ.

તેણે જાતને અનેકવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત કરી દીધી. દેખાવમાં અત્યંત સોહામણો આનંદ સ્વભાવે અંતર્મુખી. આનંદનું મિત્રવર્તુળ ઝાઝું ન મળે, પણ તેની સરળતા, ખુશમિજાજીપણું કૉલેજ અને પછી વેપારમાં પણ સૌ કોઈને સ્પર્શી જતા.

‘કાશ તે અમિતને પણ સ્પર્શતું હોત તો જીવતેજીવ બે દીકરાને એક થતાં જોઈ શકત... ’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 5)

વરસ અગાઉ અવસાન પામેલા અરવિંદભાઈને આટલો એક અફસોસ રહ્યો. અલબત્ત, તેમણે માલ-મિલકત-વેપારના સરખા હિસ્સા પાડી વિખવાદનું કોઈ કારણ રાખ્યું નહોતું. પચીસનો થયેલો આનંદ પણ વેપારમાં ઘડાઈ ચૂકેલો.

બે ભાઈઓ એક થતાં જોવાની તેમની આખરી ઇચ્છા ક્યારેય પૂરી નહીં થાય?

અત્યારે, વિચારમેળો સમેટતાં આનંદને થયું, આનો જવાબ તો લલાટના લેખ લખનાર વિધાતા પાસે જ હોય! (ક્રમશ:)

columnists Sameet Purvesh Shroff