કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 5)

Mar 08, 2019, 13:42 IST

અનિલે વધુ એક વાર ચિઠ્ઠી વાંચી:

કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 5)
જવાની

અનિલે વધુ એક વાર ચિઠ્ઠી વાંચી:

મારા પ્રાણોથીયે અધિક વહાલા અનિલ,

મારા ભૂતકાળનો એક ટુકડો અનાવૃત થયાને આજે મહિનો થયો, કહો કે તમે-જ્હાનવી મારાથી દૂર થયાં એને મહિનો થયો! જાણું છું કે મારા બયાનમાં તમને શંકા નહીં હોય, મારું યૌવન મેં પ્રથમ વાર તમને જ સોંપ્યું એ તમે તો જાણો પણને. જ્હાનવીને તમે સમજાવ્યું પણ હશે. જોકે એથી મારો દોષ ઘટતો નથી. તમારી પાસે, જ્હાનવી પાસે મારાથી રૂઠવાનું દરેક કારણ છે; પણ બેઉ વિના હું પીંજાઉં છું. તમે બાપ-દીકરી એવાં રહો જાણે મારી હાજરી જ નથી! ન ઘરની બહાર નીકળતાં હું જાઉં છું એમ કહેવાનું કે ન આવતાં ટહુકો પૂરવાનો. બેડરૂમમાંય એ જ હિમશિલા!

તમે-જ્હાનવીએ છેવટે રૂટીનમાં પરોવાવાનું નક્કી કર્યું એમાં જ્હાનવીના કૉલેજ જવાની મને વધુ ફિકર હતી. આસ્તિકે કરેલા ધડાકા પછી આર્ષે જ્હાનવીની કન્સર્ન દાખવવા પૂરતોય કૉલ નથી જોડ્યો. તેણે પરણવું ન હોય તો બહાનું મળી ગયું. તે કૉલેજમાં ઇમોશનલી ડિસ્ટર્બ જ્હાનવીનો ગેરલાભ તો નહીં ઉઠાવેને!

એને બદલે જુદું જ થયું. આસ્તિક ઍન્ડ ફૅમિલીએ મારી બદનામી કરવા માંડી જેના છાંટા આપણા સમાજ અને જ્હાનવીની કૉલેજ સુધી પહોંચ્યા... હૉસ્ટેલથી જ્હાનવીએ મારા પર ફોન રણકાવ્યો ત્યારે હું ખુશ થઈ હતી, પણ તેણે શું કહ્યું? - તમારું પાપ આજે મારી હૉસ્ટેલના છાપરે ચડીને પોકારે છે મિસિસ શાહ. કોઈ મારી દયા ખાય છે તો ઘણાને લાગે છે કે મારી માની જેમ હું પણ અવેલેબલ છું! આવું કરનારો આર્ષ મારા મન પરથી ઊતરી ગયો, પણ તમારું હું શું કરું? મારા અસ્તિત્વમાંથી તમારો અંશ થઈ રીતે કાપું?

તેના સવાલોનો કોઈ જવાબ નહોતો મારી પાસે. સમાજમાં થતી કૂથલીથી થાકીને તમે પણ મારા સાથમાં સજા હોવાનું કહ્યું ત્યારે મારો ધીરજબંધ તૂટ્યો અનિલ... કંઈક તો મારે કરવું રહ્યું પણ શું? આત્મહત્યા વહોરીને ખાનદાનની વધુ એક વગોવણીનું કારણ બનવું નહોતું. એમાં જીવતી રહી તો તમને કદાચ એ ઇમોશનલ બ્લૅકમેઇલિંગ જેવું પણ લાગે... તમને સજામુક્ત કરવાનો એક જ માર્ગ મને જચ્યો અનિલ. તમારાથી, જ્હાનવીથી, આ ઘરથી દૂર થઈ જવાનો! એ માટે છૂટાછેડાની કાયદાકીય કાર્યવાહીની જરૂર હું નથી જોતી. માટે બસ, એમ જ નીકળી જાઉં છું. ક્યાં જઈશ, શું કરીશ ખબર નથી; પણ કોઈ ખોટું પગલું નહીં ભરું. જવાનીની એક ભૂલની સજા મેં ઓઢી લીધી એના દાખલા પરથી મારી દીકરી જવાનીમાં ચૂકશે નહીં એવી આશા છે. અને તમે ખુશ રહેજો, હસતા રહેજો અનિલ; તો મારું ગયું સાર્થક.

- તમે સ્વીકારો કે ન સ્વીકારો, સાતો જનમ તમારી જ અવનિ!

ચિઠ્ઠી ફોલ્ડ કરતાં અનિલની પાંપણે બે બુંદ જામી.

અવનિને ઘર છોડ્યે આજે પંદર દિવસ થવાના... જાણે તે ક્યાં હશે? ફોન-પૈસા કશું જ લઈ નથી ગઈ...

‘તેને એમ કે આપણે તેની ચિંતામાં અડધા થઈ જઈશું...’ માના જવા વિશે જાણીને મુંબઈ દોડી આવેલી જ્હાનવીનો રોષ ઊલટો વધુ ભડક્યો હતો, ‘એક તો તેણે લફરું કર્યું, તમારાથી છપાવ્યું ને જાહેર થયું તો ઘર છોડવાનું ત્રાગું! ગઈ તો ભલે ગઈ.’

ગઈ તો ભલે ગઈ... ત્યારે તો પોતેય જોશમાં ને જોશમાં જાતને સમજાવી દીધી. આખરે અવનિ તેની મરજીથી ગઈ છે, અમે નથી કાઢી!

જ્હાનવી બે દહાડા રહી એ સારું લાગ્યું. પછી પણ ઑફિસનો ટાઇમ સડસડાટ વહી જતો. તકલીફ ઘરમાં થતી. ના, કામકાજ અને રાંધવા માટે તો મેઇડની સવલત કરી દીધી. આ તો ઘૂંટાતી એકલતામાં સળવળતા મનોમંથનની વેદના છે.

અવનિ, અવનિ તેં આવું કર્યું? માન્યું જવાનીમાં બહેકી જવાય, તેં તારું શીલ જાળવ્યું એમાંય શક નહીં; પણ પતિ-પત્નીનો સંબંધ આવ૨ણ વિનાનો હોય છે, તું નિરાવૃત ન થઈ શકી. સાસુમાના સોગંદે તને રોકી, ૫ણ તેમના દેહાંત બાદ તો તું કહી જ શકી હોત... આજે નજીક-દૂરનાં સગાં પણ મહેણું મારવાની જેમ ખેરખબર પૂછતાં હોય છે : અવનિ કેમ છે? ઘણું કંઈક સાંભળ્યું છે તેના માટે!

આવા સમયે નિરુત્તર બની જવાની લાચારી મને પજવે છે. છે આનો કોઈ ઇલાજ તારી પાસે? અને જ્હાનવી. તારી કરણીએ આપણી દીકરીના સુખ પર પ્રfનાર્થ મૂકી દીધો છે એ પરખાય છે?

આંખે ઝળઝળિયાં બાઝતાં.

‘વહુ બેટા, પહેલા જમણો પગ અંદર મૂકજે.’

રાત્રે હૉલના સોફે જ લંબાવતાં નજર દરવાજા તરફ જતી ને અવનિના ગૃહપ્રવેશનું દૃશ્ય ઊપસતું. તેને ભીતર લઈને આરતી ઉતારતી મા દેખાતી. ત્યાંથી નજર ઘુમાવતો ને પોતાનો બેડરૂમ સુહાગખંડ બની જતો.

‘મારી પાસેથી તને શું અપેક્ષા છે?’ દુલ્હનનો ઘૂમટો ઉઠાવીને પોતે એક તબક્કે પૂછી લે છે.

‘એટલી જ કે તમારા હૃદયમાંથી તમે મને ક્યારેય નહીં ત્યાગો.’

શયનખંડની બત્તી બુઝાય છે અને ફરી સ્વિચ પડે કે અવનિનો સ્વર પડઘાય છે - હું મા બનવાની છું અનિલ!

જુઓ, આ જ્હાનવીને અમે હૉસ્પિટલમાંથી ઘરે લઈ આવ્યા. કેવો કિલ્લોલ છવાયો છે. અવનિનું વહાલ થાનમાં ભરાય છે. જ્હાનવી રડે કે તેની આંખોમાંથી ગંગાજમના વહેવા માંડે. કદી હું માંદો પડું તો આખું ઘર ઉપર-નીચે કરી નાખે.

‘અમે તો ધન્ય થયાં અનિલ આવી વહુ પામીને...’ છેલ્લા દિવસોમાં આવું સતત બોલતી મા દેખાઈ, ‘પહેલાં તારા પપ્પાની અને હવે મારી ચાકરીમાં તેણે જાણે ભેખ લીધો છે. છ મહિનાથી ખાટલામાં છું. મારો ગંદવાડ તે સાફ કરે છે, મને ચોખ્ખી રાખે છે. હરવા-ફરવાનાં બધાં સુખ ત્યાગીને મારી આસપાસ મંડરાતી વહુ તારી-જ્હાનવીની કાળજીમાંય ચૂકતી નથી.. અવનિ તો કહેતી જ હોય છે કે દીકરાની જેમ વહુનું •ણ ન હોય, તોય ઈશ્વર પાસે આવતા જન્મે તને દીકરા તરીકે નહીં, અવનિને પુત્રીરૂપે માગું છું જેથી લાડ લડાવીને એનું સાટું વાળી શકું!’

અને એ જ માની વિદાય પર મને વજ્રની બનીને જાળવતી અવનિ...

- આમાં રાજ ક્યાં છે?

આજે આ સવાલે આંચકાભેર બેઠો થઈ ગયો અનિલ. સામી દીવાલે લગાવેલા ફોટોમાં મા કહેતી સંભળાઈ : ક્યાં છે અમારી વહુ, અનિલ? તારા રામ હોવાનો અમને ગર્વ હતો; પણ જોજે, તું ક્યાંક સીતાને ત્યાગનારો રામ તો નથી બન્યોને!

અનિલે આખા ઘરમાં નજર દોડાવી. ભીંતેભીંતો પૂછતી હતી : ક્યાં છે

અમારી અવનિ?

જવાબ દેવાની શક્તિ ન હોય એમ અનિલે કાને હાથ દાબી દીધા.

‘આઇ ઍમ સો સ્ર્કેડ પપ્પા!’ જ્હાનવી હજીયે ધ્રૂજી જતી હતી.

હજી ગઈ કાલે તેની ક્લાસમેટ રુચિએ હૉસ્ટેલની ટેરેસ પરથી પડતું મૂકીને સુસાઇડ કર્યું. તે બે માસની પ્રેગ્નન્ટ હતી. કોઈના પ્રેમમાં હશે તેણે ધોકો દેતાં રુચિએ મરવાનું પસંદ કર્યું એ ઘટનાએ જ્હાનવીએ એવી હચમચાવી મૂકી કે તાબડતોબ બસ પકડીને મુંબઈ આવતી રહી.

‘ફર્શ પર પટકાયેલી રુચિની છબિમાં મને મારી સૂરત દેખાય છે પપ્પા... આજે મને સમજાય છે કે મમ્મી ખબરદાર કેમ રહેતી હતી, મને કયા વળાંકથી બચાવવા માગતી હતી!’

મમ્મી. માના અફેરે આર્ષ સાથેનો રિશ્તો બંધાતાં પહેલાં જ તૂટ્યાની ચુભન એટલી તીવþ હતી કે જ્હાનવીના પ્રત્યાઘાતમાં એનો પડઘો પડતો. જોકે આર્ષે કૉïલેજમાં પણ અવનિનો અપપ્રચાર કરતાં જ્હાનવીનો મોહ તરડાયો.

‘મૉમની કરણીને કારણે તું, તારો પરિવાર મને ન સ્વીકારે એ સમજી શકું; પણ મારું અંગત ઉછાળીને તું દૂરીનું બહાનું ઊભું કરે એ જ સૂચવે છે કે તેં કદી મને ચાહી જ નહોતી... સારું થયું કે માથેરાનની હોટેલમાં પપ્પા-મમ્મી સમયસર આવી ગયેલાં. પ્રેમના નામે લૂંટાતાં તો હું બચી ગઈ!’

આર્ષને મોઢામોઢ આવું કહ્યા પછી જ્હાનવીએ તેને હૈયાની હદબહાર

ફંગોળી નાખેલો.

જોકે કાલના બનાવ પછી તેની સખીઓ પણ અવનિને જુદા જ સંદર્ભમાં સાંભરતી : આપણા બધામાં તારી મૉમ ખબરદાર હતી. ગમે એ કહો, પેરન્ટ્સની ચોંપ હોય તો સંતાન ભૂલ કરતું અટકે જ.

ગદ્ગદ થતી જ્હાનવીની આંખો ખૂલી ગઈ હોય એમ પહેલી વાર માને સાંભરવામાં કડવાશ નથી, ‘જવાનીમાં તેણે કરેલી ભૂલ મને બરબાદ થતી અટકાવી ગઈ એટલું જ એનું તાત્પર્ય ન હોય?’

અનિલ સ્થિર બન્યો.

‘દીકરીના સવાલે મારી સમજબારી ખૂલી ગઈ અવનિ...’

વાઇરલ થયેલા વિડિયોમાં અનિલ કહી રહ્યો છે, ‘મહત્વ ભૂલનું નહીં, એમાંથી મળેલા પદાર્થપાઠનું હોવું ઘટે; જે તેં બરાબર પચાવ્યો અને તો દીકરીમાં એનું પુનરાવર્તન ટળ્યું. ઘટનાનું આ જ તાત્પર્ય હોય અવનિ તો એના કહેવાયા-ન કહેવાયાનાં રિસામણાં પણ શું કામ! વહુ તરીકે, ભાર્યા તરીકે, મા તરીકે તું ક્યારેય, ક્યાંય ચૂકી ન હોય તો અમને બીજી નિસબત શું હોવી જોઈએ? અમારા માટે જાત ઘસનારીનું માન-સ્વમાન જાળવવામાં હું ચૂક્યો અવનિ. તારી વિરુદ્ધ બોલનારાઓને ત્રાડ પાડીને ચૂપ ન કરી શક્યો. સાવ એકલી-અટૂલી પડી ગયેલી તને જાળવી ન શક્યો... હાથ જોડીને એની જાહેરમાં માફી માગું છું અવનિ. મને એનાં સંકોચ-શરમ નથી. અલબત્ત, લાગણીનું જાહેર પ્રદર્શન તને પસંદ નથી, કરેલું ગણાવવામાં તું માનતી નથી એ જાણવા છતાં આ વિડિયો પોસ્ટ કરું છું જેથી એક સબક તરીકે મને પણ યાદ રહે અને બીજાને પણ તારા ચારિhયને સમજવાની સદ્બુદ્ધિ સાંપડે! જોકે લોકોના દૃષ્ટિકોણથી મને-જ્હાનવીને ફરક નથી પડતો.

‘યસ મૉમ!’ હવે જ્હાનવી વિડિયોમાં દેખાય છે, માફી માગીને ઉમેરે છે, ‘તારી રોક-ટકોર વિના બધું અધૂÊરું લાગે છે. તું પાછી નહીં ફરી તો હું ફરી ભટકીયે જાઉં હોં! વી મિસ યુ મૉમ, વી લવ યુ..’

‘અઠવાડિયા પછી આપણી ૨૩મી ઍનિવર્સરી છે અવનિ. આ મેસેજ તને પહોંચે અને તું અમને માફ કરી શકે તો પાછા ફરવામાં તું ઘડીનું મોડું નહીં કરે એની અમને ખાતરી છે... તારા ઇન્તેજારમાં અમારી આંખો પથરાઈ છે અવનિ, આવવામાં દેર ન કરતી!’

જ્હાનવીએ પોસ્ટ કરેલો વિડિયો જોતજોતામાં વાઇરલ બન્યો.

પત્નીએ તેની જુવાનીમાં કશી નાદની કરી હશે, એનો વરસો પછી ઉલ્લેખ થતાં પતિ-પુત્રીએ તેને અસ્પૃશ્ય ગણી; પણ છેવટે તેમને પોતાની ભૂલ સમજાતાં જાહેરમાં માફી માગવાનું કૃત્ય લગભગ દરેકને સ્પર્શી ગયું. મીડિયામાં આની નોંધ લેવાઈ : પત્નીને મનાવવા, તેડાવવા ઇન્ટરનેટનો આવો સહારો લેવાનો કદાચ આ પહેલો કિસ્સો છે! આનું પરિણામ શું આવે છે એ જોવાનું છે!

અને એક રાત્રે ડોરબેલ રણકી. જોયું તો અવનિ!

‘એક મિનિટ...’ જ્હાનવી કિચનમાં દોડી, ચોખાનો કુંભ લઈ આવી, ‘મૉમ, પહેલાં જમણો પગ અંદર મૂકજે.’

અનિલ-અવનિ માટે સમય જાણે રિવર્સમાં ગયો. એ જ આવકાર, એ જ હકથી માનો ગૃહપ્રવેશ કરવાની દીકરીની ચેષ્ટા ઘણુંબધું કહી ગઈ.

ભીત૨ આવતી અવનિ બેઉને બાથમાં લઈને રડી. આ સુખ માટે કેટલું તડપી છે પોતે!

‘વિડિયો પોસ્ટ કરીને તમે તો મને હિરોઇન જેવી બનાવી દીધી. બોરીવલીના આશ્રમમાં એની જ વાતો ચાલે.’

ઘરેથી નીકળીને અવનિ રાહ ભૂલેલી કન્યાઓ માટેના આશ્રમમાં મૅટ્રન તરીકે રહી. જોકે ત્યાં અવનિની ગાથા કોઈને માલૂમ નહોતી, પણ વિડિયોમાં અવનિનો ઉલ્લેખ થતાં કોઈએ અમસ્તી જ જાણ કરી : જો, તારા જ નામવાળી એકાદ બાઈ માટે તેનાં વર-દીકરીએ કેટલો ઇમોશનલ વિડિયો મૂક્યો છે! વિડિયો જોઈને હૈયું હાથ ન રહ્યું, પાછા ફરવામાં દેર શાની?

‘તમારી કરણીના બદલામા હું એટલું જ કહીશ અનિલ-જ્હાનવી - હું ધન્ય થઈ. મારા ભૂતકાળ, મારી કૂથલીમાંથી આઝાદ થઈ.’

‘મૉમ, નો રોનાધોના!’ ભીની આંખો લૂછીને જ્હાનવીએ મોબાઇલ કાઢ્યો, ‘સેલ્ફી પોસ્ટ કરી શ્રોતાઓને વિડિયોનો સુખાંત તો દર્શાવીએ.’

માતા-પિતા-પુત્રીના સેલ્ફીમાં ઝિલાયેલું સુખ હવે શાશ્વત રહેવાનું એટલું ચોક્કસ!

‘વી આર સૉરી.’

અવનિનું ઘર હવે પૂર્વવત્ છે. જ્હાનવીએ થ્રો કરેલી મૅરેજ-ઍનિવર્સરીની પાર્ટીમાં ક્યાંય અવનિની નિંદા નહોતી. દામ્પત્યને જોવાના તેમના દૃષ્ટિકોણની સરાહના થયા પછી સમાજના અવનિ માટેના માપદંડ બદલાયા જે છેવટે આસ્તિક, વંદના-આર્ષને પણ તેમના દ્વારે દોરી લાવ્યાં. માફી માગીને આસ્તિકે પ્રસ્તાવ મૂક્યો, ‘અમને ક્ષમા કરી શકો તો આર્ષનું કહેણ મૂકીએ છીએ. હવે તો તે પણ સગાઈ માટે તૈયાર છે.’

સાંભળીને પતિ-પત્ની પુત્રીને ટાંપી રહ્યાં.

‘થૅન્ક્સ અંકલ, પણ જે બન્યું એ પછી મારા માટે આર્ષ, રાજ, આસ્તિકમાં ફેર નથી. જીવનસાથી તરીકે હું ઝંખીશ અવનિના અનિલ જેવાને. હું અવનિ બનીશ એમાં મને શ્રદ્ધા છે, પણ આર્ષમાં અનિલ બનવાના ગુણ દેખાય ત્યારે આવજો એટલું કહી શકું.’

માને બદનામ કરનારાઓને આનાથી યોગ્ય જવાબ હોઈ ન શકે. સાંભળીને વીલા મોઢે નીકળી જવા સિવાય બીજું થઈ શું શકે?

‘આજે મારા અંશમાં મને તારું પ્રતિબિંબ લાગે છે અવનિ.’ અનિલે કહ્યું.

કૃતાર્થ થતી અવનિ ટહુકી, ‘બસ, તેને તેનો અનિલ મળી રહે કે ગંગા નહાયા!’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 4)

‘આમીન...’ જ્હાનવી ઠાવકાઈથી બોલી ને ત્રણે હસી પડ્યાં એમાં સુખદ ભાવિનો પડઘો પણ હતો.

(સમાપ્ત)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK