તારણહાર (પ્રકરણ ૧)

13 February, 2023 11:36 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

પિતા બળદેવભાઈનો ઇન્કમ ટૅક્સ ખાતામાં ટ્રાન્સફરેબલ જૉબ એટલે વતન જામનગરથી માંડીને ઘણાં શહેરોમાં પોસ્ટિંગના બહાને રહેવાનું બન્યું. સંસારમાં પતિ-પત્ની અને તેમની પરી! ઇન્કમ ટૅક્સ ઑફિસરનો મોભો વીસરીને બળદેવભાઈ દીકરી સાથે સંતાકૂકડી પણ રમે!

તારણહાર (પ્રકરણ ૧)

અજીબ દાસ્તાં હૈ યે... 
દૂર ક્યાંક ગૂંજતા લતાના ગીતે તેના હોઠ મલકી પડ્યા. હજી ગઈ કાલે જ આકાર સાથે થયેલો સંવાદ સાંભરી ગયો:
‘તેં આ વાઇરલ થયેલો વિડિયો જોયો, શ્રાવણી? પૅરિસની ધરતી પર ગોરા સ્ટ્રીટ સિંગરે પાકિસ્તાની ગર્લ માટે લતાજીનું ‘અજીબ દાસ્તાં હૈ યે...’ ગાયું...’
‘રિયલી? હાઉ રોમૅન્ટિક!’
અને જાણે મારા આવું કહેવાની જ રાહ જોતા હોય એમ આકારે પૂછી લીધું, ‘કોઈ તારા માટે આમ ગીત ગાય તો તને ગમે?’

એને બદલે આકાર એમ પૂછત કે હું તારા માટે ગીત ગાઉં તો તને ગમે? 
- તો જવાબ વાળવાના મને હોશ હોત ખરા? અરે, હરખની મારી હું ત્યાં જ બેહોશ થઈને ઢળી પડી હોત! 
શ્રાવણીના વદન પર અત્યારે પણ શરમનો શેરડો ફરી વળ્યો. આકુને જવાબ વળાય એ પહેલાં બિઝનેસ કૉલે વાત જોકે અધૂરી રહી... માંડ છ મહિનાના સહેવાસમાં કોઈ રુદિયે આમ ઘર કરી જાય એવું ક્યાં ધાર્યું હતું! સાચે જ જિંદગીની દાસ્તાન અજીબ છે... 

શ્રાવણી વાગોળી રહી.
માબાપની એકની એક દીકરી તરીકે શ્રાવણી ભારે લાડકોડમાં ઊછરી. પિતા બળદેવભાઈનો ઇન્કમ ટૅક્સ ખાતામાં ટ્રાન્સફરેબલ જૉબ એટલે વતન જામનગરથી માંડીને ઘણાં શહેરોમાં પોસ્ટિંગના બહાને રહેવાનું બન્યું. સંસારમાં પતિ-પત્ની અને તેમની પરી! ઇન્કમ ટૅક્સ ઑફિસરનો મોભો વિસરીને બળદેવભાઈ દીકરી સાથે સંતાકૂકડી પણ રમે! પપ્પાની હાજરીમાં માલા મમ્મી હોમવર્કની કચકચ પણ ન કરે! 

‘બસ, એક જ ફરિયાદ છે... મમ્મી મને એક મિનિટ માટે છોડતી નથી. સ્કૂલમાં લેવા-મૂકવા આવે, રિસેસમાં ટિફિન લઈને આવે... કોઈની મમ્મી આવું નથી કરતી.’
બાર વરસની શ્રાવણી મોં ચડાવીને ફરિયાદ કરતી ને પપ્પા હસી નાખતા : મમ્મી તો છે જ એવી! કહીને વાત ફેરવી કાઢતા. મા પણ ખોટું લગાડવાને બદલે તેમના હાસ્યમાં સૂર પુરાવતી. શ્રાવણી પોતે પણ તાત્પૂરતી રાવ ભૂલી જતી, પરંતુ આ મુદ્દો ફરી પાછો ઊખળતો પણ ખરો. 
‘મમ્મી પડછાયાની જેમ તારી સાથે રહે એથી તું ક્યારેક અકળાય છે શ્રાવણી, પણ માની સાવચેતીમાં ભૂતકાળની એક ઘટના છે જે હવે તારે પણ જાણવી જોઈએ... તું રેણુમાસીને તો ઓળખે છે...’

‘કોણ? પેલાં સુરતવાળાં? તે તો મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ જેવાં છે... વરસે એકાદ વાર આપણે તેમના ઘરે જઈએ. વિધવા માસી એકલપંડા. મને કેટલાં લાડ લડાવે. ક્યારેક તેઓ આપણા ઘરે બે દિવસ માટે આવે ને મા તેમને અઠવાડિયા વિના જવા ન દે... આઇ ટેલ યુ, નિહારમામાની ફૅમિલી આવે એના કરતાં વધુ ભાવથી મા રેણુમાસીને સાચવતી હોય છે...’ 
‘એમાં ખરેખર તો ઋણ ચૂકવવાની ભાવના છે બેટા.’ બળદેવભાઈ સહેજ ગંભીર બનતા, ‘કેટલાક લોકો આપણા જીવનમાં એવી ભૂમિકા ભજવી જાય જેનો ગણ આપણે ભૂલી શકીએ નહીં.’
છેવટે વેકેશનમાં ગામના ઘરે શિયાળાની રાત્રિમાં વરંડાની બેઠકે તાપણું કરીને મા-પિતાએ કહેલી આજથી ત્રેવીસેક વરસ અગાઉની એ ઘટના આજે પણ એટલી જ તાજી છે... 
ઊંડો શ્વાસ લઈને શ્રાવણીએ એ ઘટના વાગોળી. 

પપ્પાનું પોસ્ટિંગ ત્યારે સુરત. હું માંડ બે વરસની. સુરતમાં અડાજણ ખાતે ધરમવીર અપાર્ટમેન્ટમાં પપ્પાએ ભાડેથી ફ્લૅટ રાખેલો. ચાર માળનાં ત્રણ બિલ્ડિંગ ધરાવતી સુઘડ સોસાયટી, એક માળ પર બે જ ફ્લૅટ અને અમારી સામેનો ફ્લૅટ રેણુમાસી-બ્રિજમાસાનો. 
બ્રિજમાસા. સદગત માસાને તસવીરોમાં જોયા છે. ઊંચા-પહોળા કદ-કાઠીનો આકર્ષક દેખાવ. ત્યારે ત્રીસેક વરસની ઉંમર. ત્રીજી ગલીમાં તેમની સ્ટેશનરીની દુકાન. પૈસો સારો, સ્વભાવ સારો. રેણુમાસી જોડે તેમનું પાંચ વરસનું લગ્નજીવન સુખથી છલોછલ. સામસામે રહેતાં સરખી વયનાં કપલ્સને બહુ જલદી ગોઠી ગયું. ક્યારેક નાઇટ શોમાં મૂવી જોવાનું થયું તો બળદેવ-માલા નાનકડી બાળકીને તેમને સોંપીને જઈ શકે એટલી ઘરવટ. 

અને પછી એક દિવસ..
અત્યારે પણ શ્રાવણી સમક્ષ સાંભળેલી એ ઘટના ચલચિત્રરૂપે તાદૃશ થઈ રહી...

રવિની સવાર છે. મા બીમાર હોવાથી રેણુ પાછલા મહિનાથી વડોદરાના પિયરે છે. બ્રિજની ચિંતા નથી, કેમ કે તેની સવારની ચાથી રાતના વાળુ સુધીની સગવડ માલા સાચવી લે છે. આમ તો રવિવારે બળદેવ-બ્રિજ ડુમસના દરિયાકિનારે દોડવા જતા હોય, પણ ઑડિટને કારણે બળદેવ પણ બે દિવસ આઉટ ઑફ ટાઉન છે.
‘સો ગેટિંગ બોર!’

દીવાનખંડના હીંચકે ગોઠવાઈને બ્રિજ રેણુને ફોન પર કંટાળો જતાવે છે. બેઉ ઘરના દરવાજા ખુલ્લા છે એટલે આ બાજુ શ્રાવણીને ખીચડી ખવડાવતી માલા તેમનો સંવાદ સાંભળીને મલકી લે છે : જો શ્રાવણી, તારી રેણુમાસી જતાં માસા કેવા એકલા પડી ગયા!
‘સમજું છું બ્રિજ, પણ હજી અઠવાડિયું મારે રોકાવું પડશે... આટલો જોગ સાચવી લો. અને કંટાળ્યા હો તો સામેથી તમારા રમકડા જેવી શ્રાવણીને તેડી લાવો...’
બ્રિજે જવું ન પડ્યું. કલાકેકમાં માલા જ ટિફિન લઈને આવી, ‘બ્રિજભાઈ, તમે ઘરે હો તો શ્રાવણીને મૂકીને બજારનાં કામ પતાવી આવું.’ 
‘એમાં પૂછવાનું ન હોય ભાભી!’

બ્રિજનું જમવાનું પત્યું એની થોડી વારે આવીને માલાએ શ્રાવણીને બેડરૂમના પલંગ પર મૂકીને આજુબાજુ તકિયા ગોઠવી દીધા. પંખો ચાલુ કરીને તે બહાર આવી, ‘બ્રિજભાઈ, વેજિટેબલ માર્કેટ જાઉં છું. બીજાં પણ નાનાં-મોટાં કામ છે. આવતાં ચાર-પાંચ ક્લાક થશે. આમ તો શ્રાવણીને જમાડીને ઊંઘાડી દીધી છે. ડાયપર પહેરાવ્યું છે એટલે તે જાગશે નહીં, પણ જાગે તો આ દૂધ પીવડાવી દેજો..’ 

‘ઓહો ભાભી, તમે તો પહેલી વાર તેને અહીં ડ્રૉપ કરતાં હો એમ સૂચનાઓ આપો છો! તમે નિરાંતે જાવ. હું છું પછી તમારી દીકરી તમને કે બળદેવને યાદે નહીં કરે!’ 
‘એય ખરું!’ સ્મિત ફરકાવીને માલા નીકળી.... 
...કલાકેક પછી બ્રિજને સિગારેટની તલપ લાગી. જોયું તો બૉક્સ ખાલી! સિગારેટના બંધાણીથી કશ વિના રહેવાય નહીં! આજે વળી લિફ્ટમૅન પણ નથી, નહીંતર તેને મોકલીને મગાવી દેત... ગલીના નાકે ગલ્લાવાળો છે, ચલને હું જ લઈ આવું... પંદર મિનિટથી વધુ સમય નહીં લાગે. એટલામાં કઈ શ્રાવણી જાગી નથી જવાની! 
અને દરવાજો બંધ કરીને બ્રિજ સિગારેટ લેવા નીકળ્યો... ગલ્લે બે-ત્રણ ઓળખીતા ભટકાતાં બીજી દસ-બાર મિનિટ વાતોમાં નીકળી ગઈ. બાપ રે, બિચારી છોકરી જાગી ન ગઈ હોય તો સારું!
ફટાફટ લિફ્ટમાં ચોથા માળે પહોંચ્યો. લૉબીમાં પગ મૂકતાં જ આંખો પહોળી થઈ : મારા ફ્લૅટનો દરવાજો કોઈએ ધક્કો મારીને તોડ્યો હોય એમ ખુલ્લો કેમ! 
ધડકતા હૈયે અંદર પહોંચતાં જ બ્રિજ ચીખી ઊઠ્યો : અર્ણવસિંહ, તારી આ મજાલ!

ચોવીસેક વરસનો અર્ણવસિંહ સોસાયટીનો સફાઈ-કામદાર હતો. મૂળ યુપીનો, પણ પિતાજી વરસોથી ગુજરાતમાં સ્થાયી થયેલા અને અર્ણવનો જન્મ-ઉછેર પણ સુરતમાં. મીઠાબોલો જુવાન શરીરે ખડતલ અને કામકાજમાં પાવરધો. નગરપાલિકાના સફાઈ કૉન્ટ્રૅક્ટમાં રોજ પર જનારો આજુબાજુની સાત સોસાયટીમાં પણ ફરી વળીને બે-ત્રણ પગાર જેટલું કમાઈ લેતો. માબાપના નિધન પછી સંસારમાં એકલો હતો. આ વરસે દેશ જઈને લગ્ન કરવાનો છું એવું માલા-રેણુ જેવી ‘ભાભી’ઓને કહેતો ખરો... અર્ણવ શ્રાવણીને એકલી ભાળીને આ શું કરવા જઈ રહ્યો છે? 
ખરેખર તો બ્રિજના બેડરૂમની બારી લૉબીમાં પડે છે. એને આમ તો પડદા ઢળેલા હોય, પણ કર્ટન સરખો ઢંકાયો નહીં હોય એટલે બાળકીને જોઈને અર્ણવે બેલ રણકાવી હશે. ઘરમાં કોઈ નથીની ખાતરી થતાં તે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યો અને પૅન્ટ સરકાવીને બે વરસની સૂતી બાળકી જોડે આ શું અનર્થ કરવા જઈ રહ્યો છે?
ખરા વખતે ટપકીને બ્રિજે શ્રાવણીને તો રહેંસાતાં ઉગારી લીધી, પણ એના વિક્ષેપે ગિન્નાયેલો અર્ણવસિંહ પોલીસમાં સોંપવાની ધમકીએ ભાન ભૂલ્યો ને ગજવામાંથી ચાકુ કાઢીને બ્રિજના પેટમાં હુલાવ્યું : ખચ, ખચ, ખચ... 

આ પણ વાંચો: ઘમંડ (પ્રકરણ ૧)

... બજાર ગયેલી માલા પરત થઈ ત્યારે બ્રિજના ફ્લૅટનો દરવાજો ખુલ્લો હતો, રૂમના પલંગ પર શ્રાવણી હજી સૂતી હતી. નીચે ફર્શ પર લોહીલુહાણ પડેલા બ્રિજને જોઈને માલાએ ચીસાચીસ કરી મૂકી... ના, બ્રિજ મર્યો નહોતો. શ્વાસોની થોડી મૂડી હજી બાકી હતી. 
માલાએ ખબર આપતાં બળદેવ-રેણુ દોડી આવ્યાં. મોડી રાત્રે હૉસ્પિટલમાં થોડી વાર પૂરતા બ્રિજને હોશ આવ્યા. ડૂબતી આંખે રૂમમાં ઊભેલાં રેણુ, બળદેવ-માલાને જોઈને તેણે ડૉક્ટર-પોલીસની હાજરીમાં અંતિમ નિવેદનરૂપે આખી ઘટના વર્ણવીને હોશ ગુમાવ્યા અને પરોઢ થતાં જિંદગીનો જંગ હારી ગયો... 
lll

૨૩ વરસ અગાઉની એ ઘટનાનો અંજામ સાંભરીને શ્રાવણીએ નિ:શ્વાસ નાખ્યો.
બ્રિજમાસાના બયાને હરકતમાં આવેલી પોલીસે તપાસ માંડી, પણ તેમને મારીને અર્ણવ ખોલીએ સુધ્ધાં નહોતો ગયો. શહેર છોડી ચૂકેલો તે એવો અંતરધ્યાન થયો કે આજ સુધી તેનો પત્તો મળ્યો નથી! સંભવ છે કે તે હયાત પણ ન હોય! 
ખેર, બ્રિજમાસાનું બલિદાન જાણીને રેણુમાસી પ્રત્યે પપ્પા-મમ્મીનો અહોભાવ સમજાય એમ હતો. શ્રાવણીની ખુદની તેમને જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ. રેણુમાસીના વહાલમાં તેનો ભાવ પણ ભળ્યો. 

‘બ્રિજભાઈની હત્યા પછી અમે એ અપાર્ટમેન્ટ જ છોડી દીધો. રેણુએ ઘોડદોડ રોડ પર ફ્લૅટ લીધો. ત્રણેક માસમાં તારા પપ્પાની બદલી થતાં આપણે સુરત છોડવું પડ્યું... અમે બહુ સમજાવી’તી રેણુને : હજી તારી ઉંમર શું છે? પતિ-સંતાન વિના જન્મારો કેમ વીતશે? તું બીજાં લગ્ન કરી લે... પણ તે ન માની : બ્રિજનું સ્થાન હું કોઈને ન દઈ શકું...’ 
કેવું ઉમદા વ્યક્તિત્વ! પૈસાનું સુખ ભલે રહ્યું, વિધવા તરીકે બિચારાં કે દયામણા બનવાને બદલે રેણુમાસી આજે પણ સુરતમાં સ્ટેશનરીની દુકાન ચલાવીને ખુમારીભેર જીવે છે, હરેફરે છે. 
‘માસી, મને ઉગારવામાં માસાએ પ્રાણ ખોયા... મારા માટે તો તે તારણહાર બન્યા, પણ તમે તમારું સિંદૂર ખોયું. તમને હું અળખામણી નથી લાગતી?’
હજી ગયા મહિને રેણુમાસી મુંબઈના અમારા આ ઘરે આવ્યાં ત્યારે પોતે પૂછેલું.

૧૮ની ઉંમરે શ્રાવણી કૉલેજમાં આવી ત્યારે વિથ પ્રમોશન બળદેવભાઈની મુંબઈ ટ્રાન્સફર થઈ હતી. ગ્રાન્ટ રોડની કૉલેજમાં શ્રાવણીનું ઍડ્મિશન થયું. પેડર રોડ ખાતે લક્ઝુરિયસ ફ્લૅટ ખાતા તરફથી મળ્યો હતો. આત્મવિશ્વાસના સિંચનથી ઓપતી શ્રાવણી સાથે અહીં માએ પડછયાની જેમ રહેવાની જરૂર નહોતી. 
રેણુમાસીએ પણ જવાબમાં એવું જ કહેલું : તું બહુ ઠાવકી થઈ ગઈ શ્રાવણી!

‘અને બ્યુટિફુલ નહીં?’ વધુ વખાણ ખપતાં હોય એમ શ્રાવણી લુચ્ચું હસતી ને રેણુમાસી તેના ગાલે ટપલી મારતાં, ‘સુંદર તો તું નાનપણથી. કેટલી ક્યુટ દેખાતી!’
‘યા, ક્યારેક જૂનાં આલબમ ખોલીને બેસીએ ત્યારે મા અચૂક સાંભરે કે મારી સુરતના નાનપણની મોટા ભાગની તસવીરો બ્રિજમાસાએ તેમના કૅમેરામાં પાડેલી. માસા પાસે એ જમાનામાં ઇમ્પોર્ટેડ ડિજિટલ કૅમેરા હતો!’

‘યા, બ્રિજને ફોટો-વિડિયો ઉતારવાનો બહુ શોખ...’ રેણુમાસી ક્યાંક ખોવાતાં, ઉદાસ બનતાં ને શ્રાવણી તેમના ખોળામાં માથું મૂકતી, ‘મને બચાવવા તેમણે જીવ ખોયો... પપ્પા સાચું કહે છે, મારા તારણહારનું ઋણ કઈ રીતે ફેડીશ?’
‘બ્રિજનું તારા પર કોઈ ઋણ નથી. અરે, દીકરી પર તે ઋણ હોય! અને તે તને મૂકીને સિગારેટ લેવા ગયો એ તેની ભૂલ નહીં?’
પોતાને સમજાવવા પતિની ભૂલ ખોળતાં રેણુમાસીને શ્રાવણી વળગીને રડી પડતી.
‘પાગલ છોકરી!’ રેણુમાસી મીઠું ઠપકારતાં, ‘આમ જ માસીને રડાવતી રહીશ તો માસી કટ્ટી કરી લેશે. થોડાં આંસુ તારી કન્યાવિદાય માટે પણ રહેવા દે!’ 
કન્યાવિદાય. શ્રાવણીના ચહેરા પર અત્યારે પણ સુરખી છવાઈ.

કૉલેજ પતાવી શ્રાવણી એક-બે જગ્યાએ કામનો અનુભવ લઈને છ મહિના અગાઉ વેડિંગ પ્લાનર તરીકે ખારની એ.એસ. (આકાર શાહ) ઇવેન્ટ કંપનીમાં જોડાઈ હતી. મોસ્ટ હૅન્ડસમ અને એવા જ ડાયનૅમિક બૉસ જોડે તેનું ટ્યુનિંગ જામી ગયું. મા હવે મારાં લગ્ન માટે અધીરી થઈ છે, તેને કહી દઉં કે હું આકુને દિલ દઈ ચૂકી છું?
નારે ના. હજીયે આકુએ ખૂલીને ક્યાં કશું કહ્યું છે! પ્રણયના એકરારની પહેલ પ્રીતમે કરવાની હોય. માવતરના નિધન પછી તે આમેય સંસારમાં એકલા છે, તેમને ક્યાં કોઈને પૂછવાનું રહે છે! વેલ-સેટલ્ડ છે, પોતાનો કારોબાર છે, સાંતાક્રુઝના દરિયાકિનારે પેન્ટહાઉસ છે. તેમની પ્રીત હું અનુભવી શકું છું, મારું હૈયું તેમને પણ પરખાય છે. તોય જાણે ચાહતના એકરારમાં તેમને શું રોકતું હશે! 

આકારનો એકરાર ઝંખતી શ્રાવણીને ક્યાં જાણ હતી કે પોતાની પ્રણયગાથા ૨૩ વરસ અગાઉની ઘટનાના અનુસંધાનમાં નિમિત્ત બનવાની છે!

વધુ આવતી કાલે 

columnists Sameet Purvesh Shroff