લૉટરી (પ્રકરણ - ૨)

24 January, 2023 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘એક્ઝૅક્ટ્લી... ટ્રેન.’ સોમચંદ એક્સાઇટ હતા, ‘મને લાગે છે કે આપણે રેલવે સ્ટેશન પર ચેકિંગ મૂકવું જોઈએ. તાત્કાલિક... એ ચેકિંગ કદાચ કોઈ દિશા ક્લિયર કરે અને આપણે...’

લૉટરી (પ્રકરણ - ૨)

ફર્સ્ટ રાઇટ છોડીને બીજું બિલ્ડિંગ, ડીલક્સ અપાર્ટમેન્ટ.
આગળ વધતા પેલા યંગસ્ટરે જીન્સના પૉકેટમાંથી મોબાઇલ બહાર કાઢ્યો અને સ્ક્રીન પર ટાઇમ જોયો. મોબાઇલની ડિજિટલ ઘડિયાળ પર એક વાગીને બાવીસ મિનિટ થઈ હતી. કહેવામાં આવ્યું હતું એ મુજબ અત્યારે કમલ ઘરમાં નહીં હોય. સામાન બધો તે ઘરમાં જ રાખે છે. જો પૂરતો સમય મળી જાય તો સામાન સગેવગે કરવામાં મૅક્સિમમ અડધો કલાક થશે. જો અડધો કલાક મળી ગયો તો આવતી કાલે સવારે મુંબઈ આખામાં હાહાકાર મચી જશે.
એ યંગસ્ટરના ઉદ્વેગમાં ઉત્સાહ અને ઉમંગ ઉમેરાયા અને એ ઉત્સાહ-ઉમંગે તેના પગમાં નવેસરથી તાકાત પણ ભરી.
lll

ઇન્સ્પેક્ટર પાટીલે મોબાઇલ પર વંચાવેલી ઈ-મેઇલ ડિટેક્ટિવ સોમચંદે વાંચી લીધી હતી અને વાંચ્યા પછી હવે તેને પણ લાગ્યું હતું કે આ ઈ-મેઇલને માત્ર ધમકી ગણવાની મૂર્ખામી ન કરવી જોઈએ.
‘સર સાથે વાત કરી લઈએ?’
પાટીલે મોબાઇલ પર નંબર ડાયલ કરીને કમિશનરને ફોન જોડ્યો અને બીજી જ સેકન્ડે સામેથી ફોન રિસીવ થયો.
‘સોમચંદ હૈ સાથ મેં?’
‘હા સર...’ પાટીલના ચહેરા પર આવી ગયેલી કડપ સ્પષ્ટપણે અવાજમાં પણ ઉમેરાઈ હતી, ‘દેતા હૂં ફોન...’
‘જયહિન્દ...’ કમિશનર ધોત્રે સાથે વાત શરૂ કરતાં જ સોમચંદે કહ્યું, ‘ઍક્શન પ્લાન ઑન...’
‘હા, પર સાથ હી સાથ તુમ્હેં એક કામ ઔર ભી કરના હૈ સોમચંદ...’ કમિશનર ધોત્રેએ સૂચના આપી, ‘મૈં ચાહતા હૂં કિ તુમ બોરીવલી મેં રહો. વહાં પે અગર તુમ હોગે તો નઝર જ્યાદા તેઝ રખ પાએંગે...’
‘જી સર...’

‘ઔર દૂસરી બાત, ગુજરાત મેં તુમ્હારે જો ભો સોર્સ હૈ ઉન્હેં ભી તુમ અલર્ટ કર દો. તાકી હમ હાદસે સે દો કદમ આગે...’
‘પૉઇન્ટ નોટેડ સર...’
‘ગુડ લક...’
‘સેમ ટુ યુ એન્ડ...’ સોમચંદે ઊંડો શ્વાસ લીધો, ‘મુંબઈ ટુ...’
lll

ડીલક્સ અપાર્ટમેન્ટ.
નવું જ બિલ્ડિંગ હતું. કાં તો એ હમણાં જ રીડેવલપ થયું હતું અને કાં તો ખાલી જગ્યા પર પહેલો જ પ્લાન મૂકવામાં આવ્યો હતો.
આદમકદ ગેટ પર વૉચમૅનની કૅબિન હતી અને વૉચમૅન કૅબિનમાં બે ચૅર એકઠી કરીને આરામ કરતો હતો. 
આગંતુક સૌથી પહેલાં તો કૅબિન પાસે ગયો, પણ પછી જાણે કે વૉચમૅનને જગાડવાનો વિચાર માંડી વાળ્યો હોય એમ તે સીધો બિલ્ડિંગમાં એન્ટર થઈ ગયો. ચાર વિંગની એ સોસાયટીની બરાબર મધ્યમાં ક્લબ-હાઉસ હતું તો પાછળના ભાગમાં આવેલો સ્વિમિંગ પૂલ પણ ફ્રન્ટમાંથી જોઈ શકાતો હતો.
બિલ્ડિંગમાં કોઈ પૂછવાવાળું નહોતું એટલે આવનારા શખ્સને બીજી કોઈ ચિંતા જન્મી નહીં; પણ હા, તેના મનમાં હજી પણ એક પ્રશ્ન યથાવત્ હતો...
જવાનું કયા ફ્લૅટમાં છે?

યંગસ્ટરે પૉકેટમાંથી મોબાઇલ બહાર કાઢ્યો અને છેલ્લે ડાયલ કર્યો હતો એ જ નંબર રીડાયલ કર્યો.
‘યે શ્રી અપાર્ટમેન્ટ તો રીડેવલપમેન્ટ મેં હૈ... કમલ, બાજુ મેં...’
‘ડીલક્સમાં રહે છે એ...’ સામેથી આવેલા જવાબમાં ઉમેરો થયો, ‘મેં એની જ ચાવી આપી છે તને...’
‘ઓહ...’ ફોન કરનારાએ ચોખવટ કરતાં પૂછી પણ લીધું, ‘તો આ જ સોસાયટીની ‘ડી’ વિંગમાં...’
‘હા અને ફ્લૅટ-નંબર ૧૦૨...’ સામેથી વ્યક્તિએ સહેજ ચીવટ સાથે પૂછ્યું, ‘તું ક્યાં છે અત્યારે?’

‘‘ડી’ વિંગ મારી સામે દેખાય છે...’
‘રવિ...’ ફોન કરનારી વ્યક્તિએ પ્રેમથી કહ્યું, ‘પ્લીઝ, ધ્યાન રાખજે...’
‘ડોન્ટ વરી...’
‘મારા માટે તું...’
‘તારા માટે નહીં...’ રવિએ ઉત્સાહ સાથે કહ્યું, ‘બધા માટે... અને સાચું કહું તો ધર્મ માટે. કહ્યું છેને આપણા ધર્મમાં, અહિતની જીત કોઈ હિસાબે ન થવી જોઈએ.’
સામેથી પસાર થતાં એક આન્ટીએ કમલને ધ્યાનથી જોયો એટલે કમલ સાવચેત થયો. ફોન મૂકતાં પહેલાં તેણે કહ્યું, ‘ચિંતા નહીં કર. એવરીથિંગ વિલ બી ફાઇન...’
lll

બોરીવલીમાં એન્ટર થતાંની સાથે જ સોમચંદ જીપમાંથી ઊતરી ગયા. 
‘પાટીલ, એ બધા એરિયામાં ચેકિંગ વધારો જ્યાં નૉન-ગુજરાતી વધારે રહે છે.’ સોમચંદે ચોખવટ પણ કરી, ‘કોઈ ગુજરાતી આ કામ નહીં કરે. ગૅરન્ટી. આ કામ માટે મુસ્લિમનો ઉપયોગ પણ કરવામાં નહીં આવે એ પણ નક્કી છે. પૉસિબલ છે કે આ કામ કરવા નૉર્થના ભાડૂતીઓને તૈયાર કરવામાં આવે...’
‘રાઇટ...’ પાટીલ સહમત થયા, ‘ગુજરાતમાં જે આરડીએક્સ ઊતર્યો છે એ મુંબઈ આવે તો...’
‘અરે હા... એની એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે.’ આજુબાજુમાં જોઈને સોમચંદે પાટીલને સૂચના આપી, ‘ડૂ વન થિંગ. તું જીપ પાર્ક કરી દે. પાંચ મિનિટ અહીં જ વાત કરીએ... જરૂરી છે.’
‘શ્યૉર...’
પોલીસની જીપ સામે તો કોણ વિરોધ કરવાનું હોય, પણ પાટીલ નહોતો ઇચ્છતો કે કોઈના ધ્યાનમાં પોલીસની જીપ આવે. એટલે તે ફ્લાયઓવરની નીચે જીપ પાર્ક કરવા સહેજ આગળ ગયો અને સોમચંદ નૅશનલ પાર્કની ફુટપાથ પર તેની રાહ જોતા ઊભા રહ્યા.
lll

ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પાર્કિંગ હતું એટલે ડી-વિંગનો ૧૦૨ નંબરનો ફ્લૅટ ટેક્નિકલી થર્ડ ફ્લોર પર હતો. લિફ્ટ જેવી રેસિડેન્શિયલ ઝોનના પહેલા માળ પર ઊભી રહી કે રવિ એમાંથી બહાર આવ્યો.
કમલ શર્મા જે ફ્લૅટમાં રહેતો હતો એ કોઈ વિનાયક ચુડાસમાના નામે હતો. નેમપ્લેટમાં વિનાયકનું જ નામ હતું.
આ એક, આ ત્રણ નંબર...
એક પછી એક ફ્લૅટ પર નજર કરતાં રવિએ નોટિસ કર્યું કે ફ્લૅટને નંબર ઍન્ટિ-ક્લૉક દિશાથી આપ્યા હતા અને એ રીતે જોતાં એક નંબરનો ફ્લૅટ બિલ્ડિંગના પાછળના ભાગમાં આવતો હતો, જ્યારે બે અને ત્રણ નંબરના ફ્લૅટ ફ્રન્ટ ભાગમાં આવતા તો ચાર નંબરનો ફ્લૅટ ફરી પાછળના ભાગે આવતો.

૧૦૨ નંબરનો ફ્લૅટ ચકાસીને રવિ ધીમેકથી એ ફ્લૅટ તરફ આગળ વધ્યો. આ ફ્લૅટની સામે આવતા ફ્લૅટનો સેફ્ટી ડૉર બંધ હતો, પણ જાળીવાળા આ દરવાજાની પાછળથી કમલના ફ્લૅટમાં જોઈ શકાતું હતું. ફ્લોર પરના બીજા બે ફ્લૅટમાં પણ એ જ અવસ્થા હતી. બન્ને ફ્લૅટમાં સેફ્ટી ડૉર બંધ હતા, પણ મેઇન ડોર ખુલ્લો હતો.
કમલ બપોરે લંચ માટે આવતો નથી. બેટર છે એ સમયે...
રવિએ ધીમેકથી ખિસ્સામાં હાથ નાખ્યો. 
શિયાળાની અસર વચ્ચે ઠંડીગાર ચાવીના સ્પર્શે રવિના શરીરમાં ગરમી લાવી દીધી.
ખિસ્સામાંથી ચાવી બહાર કાઢીને રવિએ કી-હૉલમાં દાખલ કરી અને જમણી બાજુએ સહેજ ધક્કો માર્યો. 
ખટાક.

ત્રણ લીવરના લૉકનું પહેલું લીવર ખૂલ્યું, પણ એના અવાજે રવિના શરીરમાં રહેલાં ભયનાં તમામ દ્વાર પણ ખોલી નાખ્યાં.
ધક... ધક... ધક...
રવિના હૃદયની ધડકન વંદે ભારત ટ્રેનની ઝડપે દોડતી થઈ ગઈ. 
લૉક ખોલ્યા પછી અડધી સેકન્ડ રવિ એમ જ ઊભો રહ્યો અને એ પછી તેણે પીઠ તરફ આવેલા ફ્લૅટના ડૉર તરફ જોઈ લીધું. અંદર કોઈ હરકત નહોતી એટલે રવિમાં સહેજ હિંમત આવી અને તેણે ઊંડો શ્વાસ લીધો.

હવે એકઝાટકે.
મનોમન નક્કી કરીને રવિએ ચાવી ફેરવી દરવાજાના લૉકનાં બન્ને લીવર ખોલ્યાં.
લૉક ખૂલવાને કારણે પૉર્ચમાં એ અવાજ એવો તે પડઘા પાડી ગયો કે કોઈ પણ વ્યક્તિનું ધ્યાન એ દિશામાં ખેંચાય, પણ રવિનું નસીબ જોર કરતું હતું કે બપોરની વામકુ​​િક્ષમાં બિઝી એવી ગુજરાતી પ્રજાએ બહાર નજર કરવાની દરકાર સુધ્ધાં કરી નહીં.

ત્રણ લીવર ખૂલતાં જ મેઇન ડોર ખૂલી ગયો અને રવિએ ફ્લૅટના દરવાજાને સહેજ ધક્કો માર્યો કે તરત દરવાજો અંદરની બાજુએ ખૂલી ગયો.
રવિ ફ્લૅટમાં દાખલ થયો. અલબત્ત, ફ્લૅટમાં દાખલ થતાં પહેલાં તેણે એ જ પૉર્ચ પર આવેલા બાકીના ત્રણેત્રણ ફ્લૅટ પર નજર કરી લીધી હતી. એ ફ્લૅટમાં કોઈ જાતની અવરજવર દેખાઈ નહીં એટલે તે ધીમેકથી ફ્લૅટમાં દાખલ થયો અને દાખલ થયા પછી સહેજ પણ અવાજ ન આવે એની સાવચેતી સાથે ફ્લૅટનો દરવાજો બંધ કરી દીધો.
મેઇન ડોર બંધ કર્યા પછી રવિએ પહેલું કામ મોબાઇલમાં ટાઇમ જોવાનું કર્યું હતું.
મોબાઇલની ડિજિટલ ઘડિયાળ સમય દેખાડતી હતી - બપોરના એક વાગીને પ૧ મિનિટનો. 
રવિએ મનોમન હિસાબ કર્યો. સવાબે પહેલાં કામ પૂરું કરવા માટે હવે તેની પાસે માત્ર ચોવીસ મિનિટ હતી. 
ચોવીસ મિનિટ.

યૉર ટાઇમ સ્ટાર્ટ્સ નાઓ.
રવિએ મનોમન પોતાની જાતને કહ્યું.
રવિ જે મિનિટે ફ્લૅટમાં દાખલ થતો હતો એ સમયે ડિટેક્ટિવ સોમચંદ અને ઇન્સ્પેક્ટર પાટીલ પણ એક સ્ટ્રૅટેજી બનાવતા હતા, જે સ્ટ્રૅટેજી રવિ માટે ભારોભાર નડતર બનવાની હતી; પણ રવિને એનો અંદાજ સુધ્ધાં નહોતો.

lll આ પણ વાંચો : લૉટરી (પ્રકરણ - ૧)

‘બોલ સોમચંદ...’
જીપ પાર્ક કરીને આવેલા ઇન્સ્પેક્ટર પાટીલે સહેજ ઉતાવળ સાથે પૂછ્યું અને તેમની ઉતાવળ પાછળ કારણ પણ હતું.
ચારસોથી વધારે પોલીસકર્મીઓને ટાઉનથી બોરીવલી મોકલવામાં આવતા હતા, જે સૌને ઇમજિયેટ ઍક્શનથી ડ્યુટી સોંપવાની હતી. 
‘ધ્યાનથી સાંભળ...’ સોમચંદ બિલકુલ ઍક્શન મોડમાં હતા, ‘જો ગુજરાતમાં આરડીએક્સ ઊતરવાની જે વાત છે એ સાચી હોય તો સૌથી પહેલું કામ એ આરડીએક્સને અહીં, મુંબઈમાં દાખલ થતાં રોકવું જોઈએ.’
‘ટાસ્ક ફોર્સ કામ પર છે...’
‘એટલાથી નહીં ચાલે.’ સોમચંદે સ્પષ્ટતા સાથે કહ્યું, ‘મને નથી લાગતું કે ૧૯૯૨ના બ્લાસ્ટ પછી આ વખતે કોઈ હિસાબે એક્સપ્લોઝિવ મોકલવા માટે હાઇવનો ઉપયોગ થાય. નૉટ પૉસિબલ.’
‘તો?’

ઇન્સ્પેક્ટર પાટીલની આંખ ચમકી હતી, જે સોમચંદે પણ જોયું હતું.
‘યસ પાટીલ...’ સોમચંદે પાટીલના બન્ને ખભા પકડી લીધા હતા, ‘બાય-રોડ એ આવે એવા ચાન્સિસ મને નથી દેખાતા અને જો મારું અનુમાન સાચું હોય તો બે જ રસ્તા બાકી રહે છે. એક, દરિયાઈ માર્ગે અને કાં તો...’
‘ટ્રેન?’
‘એક્ઝૅક્ટ્લી... ટ્રેન.’ સોમચંદ એક્સાઇટ હતા, ‘મને લાગે છે કે આપણે રેલવે સ્ટેશન પર ચેકિંગ મૂકવું જોઈએ. તાત્કાલિક... એ ચેકિંગ કદાચ કોઈ દિશા ક્લિયર કરે અને આપણે...’
‘ડન...’ ઇન્સ્પેક્ટર પાટીલે મોબાઇલ હાથમાં લીધો, ‘અત્યારે જ વાત કરીએ અને એવું લાગે તો તું પણ રેલવે પોલીસ સાથે વાત કરી લે...’
પોતાની વાત પૂરી થાય એ પહેલાં તો પાટીલે ફોન સુધ્ધાં લગાવી દીધો હતો.

‘હેલો...’ જેવો સામેથી ફોન રિસીવ થયો કે તરત પાટીલે કહ્યું, ‘બોરીવલી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પાટીલ બોલતોય...’
‘બતાઇયે...’
‘જલદીમાં જલદી રેલવે ડીઆઇને મળવું છે...’ પાટીલે ચોખવટ સાથે કહ્યું, ‘આ જ મિનિટે... અમે પાંચ મિનિટમાં બોરીવલી સ્ટેશન પર પહોંચીએ છીએ.’
ફોન કટ કરીને પાટીલે સોમચંદ સામે જોયું.
‘જીપ લેવા જવામાં ટાઇમ નથી બગાડવો... શૉર્ટકટ મને ખબર છે. મૂવ...’
સોમચંદ અને પાટીલ સ્ટેશન તરફ ભાગ્યા. એ સમયે રવિ લક્ઝરી અપાર્ટમેન્ટની ‘ડી’ વિંગના ૧૦૨ નંબરના ફ્લૅટને ધ્યાનથી જોતો હતો. તેણે આ ફ્લૅટમાંથી હવે એ શોધવાનું હતું જેમાં મુંબઈમાં બ્લાસ્ટ કરવાની ક્ષમતા હતી.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah