લૉટરી (પ્રકરણ - ૧)

23 January, 2023 10:13 AM IST  |  Mumbai | Rashmin Shah

‘આવેલો આરડીએક્સ ગુજરાતથી મુંબઈમાં એન્ટર થવાની ઇન્ફર્મેશન પણ મળી છે... એવા સમયે બોરીવલીથી પાર્લા અને વધારે વિચારીએ તો બાંદરા સુધીના એરિયા પર ધ્યાન રાખવાનું છે અને સાથોસાથ આવી કોઈ હરકત થવાની હોય તો એને પહેલાં રોકવાની પણ છે’

લૉટરી (પ્રકરણ - ૧)

ઉનાળો શરૂ થવાના દિવસો આવી ગયા હતા અને એ પછી પણ વાતાવરણમાં ઠંડી અકબંધ હતી. પહેલી વાર... પહેલી વાર મુંબઈમાં ઠંડીના ચમકારા જોવા મળ્યા હતા અને એમાં પણ બોરીવલી તો આખા મુંબઈ કરતાં વધારે કફોડી હાલત વચ્ચે હતું. ઉનાળામાં જે નૅશનલ પાર્ક આશીર્વાદ બનતું એ જ નૅશનલ પાર્ક આ શિયાળે અભિશાપ બનીને આખા બોરીવલીને મુંબઈ કરતાં પણ વધારે ઠંડીનો અહેસાસ કરાવતું હતું.

બપોરે અગિયાર વાગ્યે પણ પાતળું સ્વેટર પહેરી રાખવું પડે એવી ઠંડી બોરીવલીના એ વિસ્તારોમાં અકબંધ હતી જે નૅશનલ પાર્કની પાસે આવ્યા હતા.
નૅશનલ પાર્ક પરથી ચળાઈને આવતી ઠંડી હવા આ વિસ્તારોના રસ્તા પર વીંઝાતી હતી અને વીંઝાતી એ હવાને લીધે મીઠો તડકો પણ જાણે કે નબળો પડી ગયો હોય એવી હાલત ઊભી હતી. રવિવારને લીધે જે બજારોમાં અવરજવર હતી એ જ બજારો આજે સોમવારના દિવસે ઠંડીગાર હતી. ઊઘડતા વીક વચ્ચે પણ રસ્તાઓ પ્રમાણ ઓછો ટ્રાફિક દેખાડતા હતા, પણ એના પર થયેલા ખોદકામને લીધે ટ્રાફિકનો ભાર વધારે દેખાતો હતો.

એક તરફ ખોદાયેલો રસ્તો અને બીજી તરફ એકબીજાને ટચ કરી બેસે એવી વાહનોની અવરજવર વચ્ચે પચ્ચીસેક વર્ષનો એક યુવાન ઝડપભેર પગ ઉપાડીને આગળ વધતો હતો. તેના આગળ વધતા પગમાં વેગ હતો તો ચહેરા પર ઉદ્વેગ અને આંખોમાં અકળામણ. ઠંડી હોવા છતાં તેણે શરીર પર હાફ સ્લીવ્સનું ટી-શર્ટ માત્ર પહેર્યું હતું. જાણે કે બહારના ઠંડાગાર વાતાવરણ વચ્ચે શરીરની અંદરનો તાપ વધારે આકરો હોય એ રીતે તે યુવાનના કપાળ પર પ્રસ્વેદબિંદુ પ્રસરી ગયાં હતાં. તેની ચાલમાં રહેલી ઝડપ કહેતી હતી કે કાં તો તેને ક્યાંક પહોંચવાની ઉતાવળ હતી અને કાં તો... કાં તો આ જગ્યાએથી નીકળી જવાની ઉતાવળ.
lll‘હલો...’ 
કંટાળા સાથે ડિટેક્ટિવ સોમચંદે ફોન ઉપાડ્યો, પણ તેમના કંટાળાને સહેજ પણ ગણકાર્યા વિના ઇન્સ્પેક્ટર પાટીલ સીધા મુદ્દાની વાત પર આવી ગયા...
‘ક્યાં છો?’
‘તારી રગરગમાં...’ લાઇન રોમૅન્ટિક હતી, પણ એમાં રહેલું ખુન્નસ પણ એટલું જ તીવ્ર હતું, ‘કામ શું છે એ ફાટને જલદી...’
‘કમિશનરે અર્જન્ટ મીટિંગ બોલાવી હતી.’ પાટીલ પૉઇન્ટ પર આવ્યા, ‘તારી સાથે એની વાત કરવાની છે.’
‘કમિશનરની જીભ પર મેંદી મૂકી’તી?’ સોમચંદને ખબર નહોતી કે ઑલરેડી કમિશનરના ત્રણ કૉલ મિસ્ડ-કૉલમાં હતા, ‘તેમણે ફોન કર્યો હોત તો શું જવાનું હતું?’
‘મને નથી ખબર... પણ મને કૉલ આવ્યો એટલે હું સીધો આવી ગયો છું...’
સોમચંદ સમજી ગયા કે પાટીલ બિલ્ડિંગની બહાર વેઇટ કરે છે એટલે તેણે જવાબ આપી દીધો...
‘શાવર લેવાનો હજી બાકી છે.’
‘નવડાવી હું દઈશ... તું જલદી બહાર આવ. બહુ અગત્યની વાત છે.’
‘કારણ?’
‘સિમિલર ટુ ૯/૧૧...’
સોમચંદની આંખ સામે અમેરિકામાં ઘટેલી ૧૧ સપ્ટેમ્બરની ઘટના આવી ગઈ અને જેવી આંખ સામે ઘટના આવી કે તરત જ તેને પોતાની એ દિવસની ઍક્ટિવિટી પણ યાદ આવી ગઈ.
lll

પ્લેન હાઇજૅક કરીને આતંકવાદીઓએ જે દિવસે અમેરિકામાં આતંક મચાવ્યો હતો એ સાંજે તે ગુજરાતી નાટક ‘આવજો વ્હાલા ફરી મળીશું’ જોવા માટે ગયા હતા. નાટક હજી શરૂ થયું નહોતું એટલે તે દોસ્ત દેવેન ભોજાણી સાથે બૅકસ્ટેજમાં હતા ત્યારે જ નાટકના રાઇટર-ડિરેક્ટર આતિશ કાપડિયાએ આવીને ન્યુઝ આપ્યા હતા...
‘અમેરિકામાં લાદેને પ્લેન હાઇજૅક કર્યાં અને એ પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એન્ટર થઈ ગયાં... આખું ટ્રેડ સેન્ટર...’
એ સમયે હજી સ્માર્ટફોન નહોતા આવ્યા એટલે નૅચરલી શું બન્યું એ જાણવા માટે માત્ર ટીવી જ સોર્સ હતો. નાટકની તૈયારીઓ ચાલતી હતી એટલે સ્વાભાવિક રીતે કાલાકાર-કસબીઓ તો ભાગ્યા નહોતા, પણ નાટક જોવાની ઇચ્છાને બાજુ પર મૂકીને ડિટેક્ટિવ સોમચંદ તરત જ બહાર નીકળીને ભવન્સની સામે આવેલા આઇસક્રીમ પાર્લર પર પહોંચી ગયા.
‘ન્યુઝ-ચૅનલ લગાના...’ 

આ પણ વાંચો : બેઈમાની

મ્યુઝિક ચૅનલ તરત ચેન્જ કરવામાં આવી અને ટીવીની સ્ક્રીન પર વર્લ્ડ ટ્રેડ સેન્ટર દેખાયું. ટાવરની બરાબર મધ્યમાં જાણે કે આગ લાગી હોય એવા ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા અને બૅકગ્રાઉન્ડમાં ટીવી-ઍન્કરની કૉમેન્ટરી ચાલુ હતી...
‘ઇસ હાદસે કિ ઝિમ્મેદારી ઓસામા બિન લાદેન કે લશ્કર-એ-તોયબા સંગઠનને લી હૈ... સૂત્રો કે મુતાબિક પૅન્ટાગોન પે ભી હવાઈ જહાજ સે હમલા કિયા ગયા હૈ...’
lll

‘સિમિલર ટુ ૯/૧૧...’ ઇન્સ્પેક્ટર પાટીલનો અવાજ મોબાઇલમાંથી આવતો હતો, ‘કમ ફાસ્ટ... વાત કરવાની છે. અર્જન્ટ...’
‘ઓકે...’
ડિટેક્ટિવ સોમચંદ ચાલુ મોબાઇલે જ ઘરની બહાર નીકળી ગયા. ફ્લૅટનો દરવાજો બંધ કરવાની તસ્દી પણ તેણે લીધી નહીં અને લિફ્ટની રાહ જોયા વિના જ તે થર્ડ ફ્લોરથી નીચે ઊતરવા માંડ્યા.
‘ઍનીબડી ઇઝ વિથ યુ?’
વધારે કશું પૂછવું કે નહીં એ બાબતમાં આ વાક્ય કોડવર્ડ તરીકે વપરાતું. જો જવાબ હકારમાં આવે તો એના વિશે વધારે વાત ન કરવી. અન્યથા આ ટૉપિકને આગળ વધારવાની પરમિશન સમજી લેવી.
‘હા...’ ઇન્સ્પેક્ટર પાટીલે ટૉપિક પણ ચેન્જ કર્યો, ‘અંદર આવું કે તું આવે છે?’
‘આવી ગયો...’ સોમચંદ બિલ્ડિંગના ગેટ તરફ આગળ વધવા માંડ્યા હતા, ‘ઑલરેડી ગેટ પણ દેખાય છે અને તારું વાઇટ શર્ટ પણ દેખાય છે... એક સેકન્ડ.’
જીપની બહાર વેઇટ કરતા પાટીલે પાછળ ફરીને ખાતરી કરી લીધી અને પછી ફોન કટ કરી તે જીપમાં ગોઠવાયા. જીપમાં કોઈ નહોતું. સોમચંદ આવીને તરત જીપમાં દાખલ થયા અને અકળામણ પણ વ્યક્ત કરી દીધી...
‘કોઈ નથી તો પણ...’
‘ફોન પર વાત કરવાની મનાઈ છે... એવો ડાઉટ છે કે અમુક મોબાઇલ પણ ટેરરિસ્ટોએ હૅક કર્યા છે.’
‘હં...’ સોમચંદ મૂળ વાત પર આવ્યા, ‘શું થયું, માંડીને વાત કર...’
lll

બોરીવલીની સડક પર ઉતાવળે આગળ વધતા પેલા યંગસ્ટરે હથેળીથી મસ્તક પર બાઝેલાં પ્રસ્વેદબિંદુ લૂંછ્યાં અને બેફિકરાઈ સાથે તેણે હાથમાં આવેલો એ પરસેવો ટી-શર્ટ પર લૂછી નાખ્યો.
તેની ચાલમાં સહેજ પણ નરમાશ નહોતી આવી. થાક પણ હવે તેના ચહેરા પર દેખાતો હતો. અલબત્ત, એ થાક પછી પણ તેની ઝડપમાં કોઈ ફરક નહોતો પડ્યો. જેમ ચાલમાં ફરક નહોતો પડ્યો એવી જ રીતે તેની નજરમાં પણ ફરક નહોતો પડ્યો. રસ્તા પરથી પસાર થતાં-થતાં તે થોડી-થોડી વારે પોતાની જમણી બાજુએ આવતાં બિલ્ડિંગો પર નજર કરતો જતો હતો. 
બે-ચાર બિલ્ડિંગ પસાર કર્યા પછી તે યંગસ્ટરે પોતાના ડાબા હાથની હથેળીમાં જોયું. 
શ્રી અપાર્ટમેન્ટ.
હથેળી પર લખાયેલું બિલ્ડિંગનું નામ ફરી વાંચી લીધા પછી તે યંગસ્ટર આગળ વધ્યો અને વધુ બે અપાર્ટમેન્ટ ક્રૉસ કરીને ત્રીજી સોસાયટી પાસે આવ્યો, પણ એ મેદાન હતું એટલે થોડું આગળ વધીને તે આગલી સોસાયટીએ પહોંચ્યો.
પ્રભુ હાઇટ્સ.

સોસાયટીના ગેટ પર લખેલું નામ વાંચીને હવે તે મૂંઝાયો. ઊભા રહીને તેણે આજુબાજુમાં નજર કરી, પણ કહેવામાં આવ્યું હતું એ મુજબનો કોઈ અપાર્ટમેન્ટ આસપાસમાં દેખાયો નહીં એટલે ઉતાવળે રસ્તો ક્રૉસ કરીને તે સામે આવેલા પ્રોવિઝન સ્ટોર પર ગયો.
‘આસપાસ મેં કહીં શ્રી અપાર્ટમેન્ટ...’
‘સામને હૈ વો...’ પ્રોવિઝન સ્ટોરવાળાએ તેની સામે નજર કરવાની પણ તસ્દી લીધી નહોતી, ‘રીડેવલપમેન્ટ મેં ગયા...’
ઓહ ફિસ... હવે?
તે યુવાનના ચહેરા પર બદલાયેલા ભાવ જો પેલા દુકાનદારે જોયા હોત તો ચોક્કસપણે તેને પેલા પર દયા આવી હોત, પણ મેઇન રોડ પર આવેલી દુકાન પર રોજ સેંકડો લોકો ઍડ્રેસ પૂછવા આવતા હોવાથી એ દુકાનના માલિકને ટપાલી બનવામાં કોઈ રસ નહોતો.
lll

‘સવારે ઈ-મેઇલ આવી છે...’ ઇન્સ્પેક્ટર પાટીલે વાત શરૂ કરી, ‘મુંબઈમાં બૉમ્બ-બ્લાસ્ટની ધમકી છે. લખ્યું છે કે જો ટેરરિસ્ટ ડૉક્ટર જુનૈદને છોડવામાં નહીં આવે તો ત્રણ દિવસમાં બ્લાસ્ટ કરવામાં આવશે.’
‘ધમકી જ હોય એવું પણ બનેને...’
‘ચાન્સ લઈ શકાય એવી ઈ-મેઇલ નથી...’ પાટીલે ખૂલવાનું શરૂ કર્યું, ‘મેઇલ ખાસ્સી લાંબી છે. તને ફૉર્વર્ડ નહીં થાય. કોઈને પણ ફૉર્વર્ડ નથી થઈ, પણ અમે એનો ફોટો લઈ લીધો છે...’
પાટીલે મોબાઇલ સોમચંદ સામે ધર્યો.
‘વાંચ...’
સોમચંદ મેઇલ વાંચતા હતા એ દરમ્યાન પણ ઇન્સ્પેક્ટર પાટીલે વાત કહેવાની ચાલુ રાખી...
‘મેઇલમાં કહ્યા મુજબ આ વખતે ગુજરાતી એરિયા ટાર્ગેટ પર છે અને એવું કરવાનું રીઝન ક્લિયર છે કે દેશના વડા પ્રધાન ગુજરાતી છે એવા સમયે જો ગુજરાતીઓને વધારે ડૅમેજ થાય તો...’
‘વડા પ્રધાન બન્યા પછી માણસ કોઈ એક કમ્યુનિટીનો નથી રહેતો પાટીલ...’
‘ઍગ્રી, પણ એવું ટેરરિસ્ટો માને એ જરૂર નથીને?’ સોમચંદની વાતમાં તથ્ય હતું, ‘આર્ગ્યુમેન્ટ વિના તું વાતને સમજવાની કોશિશ કરે એ અત્યારે બહુ જરૂરી છે.’
‘હં, બોલ...’ મોબાઇલ સાઇડ પર મૂકીને સોમચંદે કન્ટિન્યુટી આપી, ‘ગુજરાતી એરિયા પર ફોકસ છે.’
‘બીજી વાત. છેલ્લા ચાર દિવસમાં ગુજરાતમાં પણ એવા ન્યુઝ છે કે પાકિસ્તાનથી આરડીએક્સ આવ્યો છે.’
‘હં...’

આ પણ વાંચો :  1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-૨૫)

‘આવેલો આરડીએક્સ ગુજરાતથી મુંબઈમાં એન્ટર થવાની ઇન્ફર્મેશન પણ મળી છે... એવા સમયે બોરીવલીથી પાર્લા અને વધારે વિચારીએ તો બાંદરા સુધીના એરિયા પર ધ્યાન રાખવાનું છે અને સાથોસાથ આવી કોઈ હરકત થવાની હોય તો એને પહેલાં રોકવાની પણ છે.’
‘હાઇવે ચેકિંગ?’
‘સ્ટાર્ટેડ...’ પાટીલે અપડેટ કરતાં કહ્યું, ‘આ ઉપરાંત હેવી વેહિકલની લેન અલગ કરીને નાનામાં નાની જગ્યાએ ચેક કરવાનો ઑર્ડર આપી દીધો છે તો દરિયાઈ માર્ગે મુંબઈની બૉર્ડર સીલ કરી દેવામાં આવી છે...’
‘હં...’
‘ગુજરાતી સબર્બ્સમાં ચેકિંગ તો વધાર્યું જ છે અને એ માટે પ્રાઇવેટ એજન્સીના સ્ટાફને પણ હાયર કરવાનો ઑર્ડર આપી દીધો છે.’
‘હં...’ ડિટેક્ટિવ સોમચંદે સૂચન કર્યું, ‘મૉલ, થિયેટર્સ...’
‘બંધ કરાવવાથી પૅનિક થશે એટલે ઑર્ડર મુજબ આ બન્ને જગ્યાએ પબ્લિકના વીસ ટકા જેટલો પોલીસ-સ્ટાફ તહેનાત રહેશે...’
lll

‘સર, યહીં પે કમલ શર્મા...’
પહેલી વાર દુકાનદારે પેલા યંગસ્ટરની સામે જોયું. કમલ શર્માને તે ઓળખતો હતો. ઍક્ચ્યુઅલી કમલ શર્મા જેવો ગ્રાહક તેની પાસે હોવાનો તેને ગર્વ પણ હતો. એકલો માણસ અને એ પછી પણ તેનું મન્થ્લી બિલ સહેજે પંદર-વીસ હજાર પર પહોંચે. દુકાન પર આવ્યો હોય તો ઊભા-ઊભા જ હજાર રૂપિયા ખર્ચી નાખે અને રસ્તા પરથી નીકળતાં ગરીબ બાળકોને મોંઘીદાટ ચૉકલેટ આપીને તેમને રાજી કરે.
પેલા યંગસ્ટરનો હાથ હજી પણ મેદાન થઈ ગયેલા શ્રી અપાર્ટમેન્ટના પ્લૉટ તરફ હતો. કમલ શર્મા પહેલાં શ્રીમાં રહેતો હતો, પણ શ્રી રીડેવલપમેન્ટમાં ગયું એટલે તેણે નાછૂટકે ફ્લૅટ બદલવો પડ્યો. જોકે કમલને બીજા એરિયામાં જવું નહોતું એટલે તેણે માર્કેટરેટ કરતાં વધારે રેન્ટ ચૂકવીને આ જ એરિયામાં ડીલક્સ અપાર્ટમેન્ટમાં ફ્લૅટ ભાડે રાખ્યો.
‘યહાં સે સીધા... ફર્સ્ટ રાઇટ છોડ કે લેફ્ટ મેં દૂસરા બિલ્ડિંગ...’ દુકાનદારે પેલાને પૂછી લીધું, ‘અગર કુછ દેના હૈ તો દે દો, કમલજી દિન મેં દો-તીન બાર યહાં પે આતે રહતે હૈ...’
‘જી નહીં, મિલના થા ઉનસે...’
દુકાનદાર કંઈ વધુ પૂછે એ પહેલાં એ યંગસ્ટર ત્યાંથી આગળ નીકળી ગયો.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah