૨૮ વર્ષની યાત્રા : આ જર્નીને કોઈ નાનીસૂની કહી ન શકે, માની ન શકે અને ધારી પણ ન શકે

24 February, 2023 02:44 PM IST  |  Mumbai | Manoj Joshi

મિડ-ડે’ ટીમ પાસે જે આઇડિયા છે, એની પાસે જે વિચારો છે અને એની પાસે રજૂઆતની જે શૈલી છે એ અદ્ભુત છે.

૨૮ વર્ષની યાત્રા : આ જર્નીને કોઈ નાનીસૂની કહી ન શકે, માની ન શકે અને ધારી પણ ન શકે

ઉંમરનો પડાવ જ્યારે ૨૮ વર્ષ પર આવે ત્યારે માણસ ઑલમોસ્ટ ૩૩ ટકા જિંદગી પસાર કરી ચૂક્યો હોય છે, પણ ‘મિડ-ડે’ને એ વાત લાગુ નથી પડતી. ‘મિડ-ડે’ આજે પણ જે તરોતાઝા રહીને કામ કરે છે એ જોતાં એવું જ લાગે કે ખરેખર આ ન્યુઝપેપર એવું છે કે એ દિવસે-દિવસે યંગ થતું જાય છે.

‘મિડ-ડે’ને આજે ૨૮ વર્ષ થયાં. જોવા જાઓ તો આ કાંઈ નાનો સમયગાળો નથી અને આમ જુઓ તો, આ સમયગાળો ખાસ્સો મોટો પણ નથી, પરંતુ આપણે એ બધામાં પડવાને બદલે એ જ જોવાનું છે કે આજની તારીખે પણ આ એકમાત્ર એવું પેપર છે જે હજી પણ વાચક સાથે લાઇવ છે. ‘મિડ-ડે’ની આ જ ખાસિયત છે. સદાબહાર રહેવાની એની આ માનસિકતાને કારણે જ અહીંનું કામ સરળ નથી. નાનામાં નાની વાતમાં લેવાતી ચીવટ અને મોટામાં મોટી વાતને ધ્યાનમાં રાખીને આગળ ચાલવાની જે નીતિ છે એ નીતિ ખરા અર્થમાં ‘મિડ-ડે’ને બેસ્ટ બનાવે છે અને એ પણ દરરોજ.

આ એ સમય છે જે સમયે પ્રિન્ટ મીડિયા ઝઝૂમે છે, પણ ‘મિડ-ડે’એ ક્યારેય કોઈ ઝંઝાવાત જોવો નથી પડ્યો અને એનો જશ જો કોઈને હોય તો એ મૅનેજમેન્ટ અને ‘મિડ-ડે’ ટીમને છે. ‘મિડ-ડે’ ટીમ પાસે જે આઇડિયા છે, એની પાસે જે વિચારો છે અને એની પાસે રજૂઆતની જે શૈલી છે એ અદ્ભુત છે. બીજાં ન્યુઝપેપર તમે જુઓ તો તમારે કહેવું પડે કે એ બધાંને હવે રીતસર થાક વર્તાય છે, પણ ‘મિડ-ડે’માં તમને થાક નહીં દેખાય. થાક પણ નહીં દેખાય અને કંટાળો પણ નહીં વર્તાય. એ દરરોજ સવારે તરોતાઝા બની, નવી એનર્જી સાથે મેદાનમાં આવે છે અને મેદાનમાં આવેલી એ ટીમને દરેક ક્ષેત્રના સર્વોચ્ચ લોકોનો સાથ મળતો જાય છે.

આ પણ વાંચો:  શો-ઑફને નહીં પણ જરૂરિયાતને પ્રાધાન્ય

‘મિડ-ડે’ની ડિઝાઇનિંગ ટીમ જુઓ, ‘મિડ-ડે’ની ફીચર્સ ટીમ જુઓ, ન્યુઝથી માંડીને વ્યુઝ સુધીનાં દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલી ટીમને પણ જોઈ લો, તમને ખરેખર એવું લાગી આવે કે આ ટીમ ૨૪ કલાક ‘મિડ-ડે’નો જ વિચાર કરતી હશે કે શું?

હા, એનો જ વિચાર કરતી હોય છે અને એ જ ‘મિડ-ડે’ની સફળતાનો રાઝ છે. મારું ‘મિડ-ડે’ સાથે હોવું એ એની આ જે એનર્જી છે એ જ કારણ છે. આ જે એનર્જી છે એમાં ક્યાંક ને ક્યાંક તાજગી છે, ક્યાંક ને ક્યાંક એવી ફ્રેશનેસ છે જે તમને જ નહીં, તમારા મૂડને પણ એવરગ્રીન કરી જાય છે. નાનામાં નાના ખૂણા માટે અને નાનામાં નાના આઇકૉન માટે પણ જે મહેનત કરવામાં આવી છે એ મહેનત મેં જોઈ છે, સાંભળી છે અને એટલે જ કહું છું કે ‘મિડ-ડે’નું સફળતાનો મુખ્ય રાઝ એનું આ ડેડિકેશન છે. એક સમય હતો જ્યારે ન્યુઝપેપર ઘરે પહોંચતાં નહોતાં. કોવિડે લાવેલા પૅન્ડેમિક સમયની આ વાત છે. એ સમયે ‘મિડ-ડે’ એકમાત્ર એવું પેપર હતું જે જોવાની મને તાલાવેલી રહેતી. પૅન્ડેમિક સમયે મેં જેટલો સ્ટડી આ પેપરનો કર્યો છે એટલો સ્ટડી બીજા કોઈ મીડિયાનો નથી કર્યો. નકારાત્મકતાને હાંકી કાઢવાની માનસિકતા અને એ પણ કોઈને કહ્યા વિના જો કોઈએ સૌથી પહેલાં વાપરી હોય તો એ ‘મિડ-ડે’ હતું.

બીજું તો શું કહું, બસ એટલું જ કહેવું છે, લૉન્ગ લિવ ‘મિડ-ડે’.

columnists manoj joshi gujarati mid-day sunday mid-day