છાકટા થનારાઓને સજા એટલા માટે આપો કે જેથી ધર્મની ગરિમા અકબંધ રહે

05 September, 2019 10:24 AM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

છાકટા થનારાઓને સજા એટલા માટે આપો કે જેથી ધર્મની ગરિમા અકબંધ રહે

બાપ્પાને લઈ આવતી વખતે સુરતમાં કેટલાક યુવાનોએ જે પ્રકારની છાકટાગીરી કરી એ શરમજનક છે. આઠ યુવકોને પોલીસે પકડી લીધા છે અને તેની સામે કાયદેસરનાં પગલાં લેવાની જાહેરાત પણ કરી દીધી છે, પણ મારું કહેવું એ છે કે એ સજા તો તેણે જે છાકટાગીરી દેખાડી એની થશે, પણ આસ્થાને જે લાંછન લાગ્યું છે એનું શું? ધર્મના નામે જે પ્રકારનો તોર તેમણે દેખાડી દીધો એનું શું? હાથમાં દારૂની બોટલ પકડીને જે રીતે તેમણે કાયદાનો ખુલ્લેઆમ ભંગ કર્યો એનું શું? સજા થવી જોઈએ, સ્ટ્રીક્ટ સજા થવી જોઈએ જેથી ધર્મની ગરિમાને જે ઠેસ પહોંચી છે એનું વળતર ધર્મના સ્થાનમાં જમા થાય.

હજી ગઈ કાલે જ આપણે વાત કરી કે બાપ્પા તમારે ત્યાં આવે છે એનો અર્થ એ નથી કે બીજાને એમને લીધે ખલેલ પડે, તકલીફ પડે. ના, જરા પણ એવું ન થવું જોઈએ. ધર્મની પહેલી શરત છે કે બીજાને કોઈ જાતની કનડગત નહીં કરો. મહાઆરતી અને મહાનમાઝનો કન્સેપ્ટ એટલે જ અમલમાં મૂકવા દેવા માટે સુપ્રીમ કોર્ટ રાજી નથી. જો તમે આસ્થાના નામે કંઈ પણ ધતિંગ ચલાવો તો એ કેવી રીતે માન્ય રહી શકે? બાપ્પા આવે છે એટલે તમે દારૂ પીઓ, નશો કરો એ કેમ ચાલી શકે અને ચાલવું પણ શું કામ જોઈએ? ધર્મ સંયમ શીખવે છે. એ જ સંયમનો તમે અનાદર કરો છો. ધર્મ શ્રદ્ધા આપે છે, ધર્મ સુખ આપે છે પણ જો તમારા સુખની વ્યાખ્યા ઐય્યાશી હોય તો તમને ધર્મના રસ્તે ચાલવાનો પણ કોઈ હક નથી.

સુરતથી વાઇરલ થયેલો એ વિડિયો જોઈને મને ખરેખર ગુસ્સો આવે છે. હું તો કહીશ કે એ જે આઠ યુવકની અરેસ્ટ થઈ છે એ આઠ યુવકની સાથોસાથ એ ગણપતિનું પણ વિસર્જન કરી દેવું જોઈએ. દેકારો બોલી જવો જોઈએ. ગણપતિ શું આવા યુવાનોના મંડળમાં ખુશીથી રહી શકે ખરા? જે ગણપતિ આવીને દુનિયાને સુખ આપવાની જહેમત લેવાના છે એના આગમનને આવી રીતે તમે કેવી રીતે વધાવી શકો? ધર્મ અને વ્યસનના નાતે હવે નિયમો બનવા જોઈએ. ધાર્મિક તહેવારોના દિવસોમાં ડ્રાય-ડે જાહેર કરી દેવામાં આવે તો એ અતિઉત્તમ અને ધારો કે એવું ન થઈ શકે તો એ દિવસે દારૂ ખરીદનારાને વીસ ટકા વધારે પૈસા ચૂકવવાના. વધારાની આ વીસ ટકાની રકમ હૉસ્પિટલમાં જમા કરાવી દેવાની. હેલ્થ ટૅક્સના નામે ઉઘરાવો આ રકમ. જો વેચાણ ઘટી જાય તો પણ સારું છે અને વેચાણ વધી જાય તો પણ ખુશીની વાત છે. વીસ ટકા રકમ ગરીબ લોકોના સ્વાસ્થ્ય માટે વાપરી શકાશે.

આ પણ વાંચો: ગણપતિબાપ્પા મોરયાઃ દુંદાળાને આપો સ્ટેશનરી પ્રસાદમાં અને દુઃખહર્તા બનો બાળકોના

કહેવાનો ભાવાર્થ, આ સૂચનનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે ધર્મની ગરિમા અકબંધ રહે અને એ અકબંધ રહેશે તો જ ધાર્મિક આસ્થા જળવાયેલી રહેશે. જો આપણે ધર્મની ઉજવણી કરવી હોય તો આપણે એ ઉત્સવ માટેની લાયકાત પણ કેળવવી પડશે. આપણે ઉત્સવની લાયકાતમાં ક્યારેક પાછા પડી જઈએ છીએ. દુનિયા જાણે કે આપણી જાગીર હોય એવું વર્તવા માંડીએ છીએ. મેં અનેક લોકો એવા જોયા છે કે રસ્તા પર એવી રીતે મંડપ બનાવી લે જાણે કે ગણપતિને કોઈએ કશું કહેવાનું જ નહીં. ભાઈ, આ બરાબર નથી. નડતર નહીં બનો, નડતર નહીં ઊભી કરો. એ કર્યા પછી જે ઉજવણી કરીએ છીએ એનું જ નામ ઉત્સવ છે. બાકી તો તમારી ઉજવણી જોહકુમની બની જશે અને જો એવું બન્યું તો ગણપતિને મજા નહીં આવે એ પણ નક્કી છે.

 

columnists manoj joshi