બૅન્કોનું વિલીનીકરણઃ અપના દેશ સુધર રહા હૈ, અપના દેશ બદલ રહા હૈ

01 September, 2019 02:18 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

બૅન્કોનું વિલીનીકરણઃ અપના દેશ સુધર રહા હૈ, અપના દેશ બદલ રહા હૈ

પ્રતીકાત્મક તસવીર

આમ તો ઇકૉનૉમિક્સ સાથે મારે કંઈ લેવાદેવા નથી, પણ અત્યારે જે પ્રકારે જાતજાતના નિયમો બની રહ્યા છે એ જોઈને ચોક્કસ એ દિશામાં ધ્યાન ખેંચાઈ જાય અને ધ્યાન ખેંચાઈ જાય એટલે થોડી પૃચ્છા કરી લેવાનું મન પણ થઈ આવે. વધુ બૅન્કોના વિલીનીકરણની જાહેરાત આવી ગઈ. બૅન્કોના વિલીનીકરણની આ જાહેરાત હકીકતમાં શું પરિણામ આપશે એ જાણવાની તસ્દી સૌ કોઈએ પોતપોતાની રીતે લેવી જોઈએ, કારણ કે નૅશનલાઇઝ્ડ બૅન્કોનું એકબીજામાં મર્જ થવું એ ખરેખર હકારાત્મક બાબત છે. અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા જેવા વેલડેવલપ્ડ કન્ટ્રીને જોશો તો તમને દેખાશે કે એ દેશોમાં નૅશનલાઇઝ્ડ બૅન્કોના ઢગલાઓ નથી અને એવું હોવાનાં કારણો પણ છે.

પૈસો એ રાષ્ટ્રીય સંપત્ત‌િ છે અને એ સંપત્ત‌િને સાચવી રાખવી હોય તો એની માટે નિયમો પણ કડક હોવા જોઈશે અને જેટલાં બને એટલે છીંડાંઓ પણ ડામી દેવા પડશે. આ પ્રક્રિયાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. નૅશનલાઇઝ્ડ બૅન્કોના આ મર્જરના કારણે આલિયાની ટોપી માલિયાને અને માલિયાની ટોપી આલિયાને પહેરાવવાની જે નીતિ ભૂતકાળમાં સેંકડો લોકોએ અખ્તયાર કરી છે એ બધાની માટેના રસ્તાઓ કાયમ બંધ થઈ જશે.

એક બૅન્કને છેતરીને બીજી બૅન્ક પાસે પણ એ જ રસ્તો અપનાવવાની જે નીતિ ભૂતકાળમાં જોવા મળી હતી એ નીતિ હવે અમલમાં નહીં મૂકી શકાય. એવી ચોરબાઝારીઓ પણ હવે બંધ થઈ જશે અને યુનિયન બૅન્કની પાસે રજૂ કરેલાં પેપર્સના આધારે જ સ્ટેટ બૅન્ક પાસેથી પણ લોન લેવાની કુટ‌િલ નીતિઓ પણ હવે અમલમાં નહીં આવી શકે.

આમ પણ એ રસ્તાઓ અઘરા જ હતા, પણ કહેવાતા કેટલાક ભ્રષ્ટ નેતાઓની બદદુઆથી આ પ્રકારનાં કામો થઈ જતાં અને ખોટા લાભો લેવાતા હતા, પણ હવે એવા લાભો લઈ નહીં શકાય. જરા જુઓ તમે, જેટલી બૅન્કો હતી એના કરતાં હવે અડધી બૅન્કો થઈ ગઈ છે કે પછી થઈ જવાની છે. આવા સમયે લોન માટેના જે કોઈ ઑપ્શન્સ હતા એ પણ સ્વાભાવિક રીતે હવે ઘટી જવાના છે. લોનના ઑપ્શન્સ ઘટશે એટલે બૅન્કને પણ લાભ થશે અને વહીવટી ખર્ચમાં પણ રાહત મળવાની છે. આ રાહતનો લાભ પણ સીધો બૅન્કને મળવાનો છે. બૅન્કની નફાકીય હાલત સુધરશે જેનો સીધો લાભ દેશને અને દેશના વિકાસકાર્યને જોવા મળશે.

નૅશનલાઇઝ્ડ બૅન્ક મર્જ કરવાનું આ કામ સૌથી પહેલી ટર્મમાં જ બીજેપી કરવાની હતી, પણ એ કામ હવેના સમયમાં શરૂ થયું છે. એની રૂપરેખા લગભગ તૈયાર હતી. એ રૂપરેખા મુજબ દેશમાં સાતથી આઠ જ નૅશનલાઇઝ્ડ બૅન્ક રાખવાનું વિચારવામાં આવ્યું હતું તો સાથોસાથ પ્રાઇવેટ બૅન્કો પણ ઘટાડવાની નીતિ અપનાવવા વિશે રિઝર્વ બૅન્ક અને ફાઇનૅન્સ મિનિસ્ટરી વચ્ચે ચર્ચાઓ થઈ છે. બૅન્ક કે ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટનું રોમટીરિયલ જ નાણાં છે એવા સમયે નાણાંનો સ્રોત જેટલો વધુ હોય એટલું મંદીમય વાતાવરણ બને, પણ જો એના સ્રોત ઘટાડી નાખવામાં આવે તો મોનોપૉલી ઊભી થાય અને નાણાક્ષેત્રમાં મોનોપૉલી વધુ મહત્વની છે.

આ પણ વાંચો : પાકિસ્તાનને પાઠ ભણાવોઃ જો આપણે નહીં ભણાવીએ તો હવે પાકિસ્તાનીઓ જ એ દિશામાં આગળ વધશે

બૅન્કનું મર્જર દેખાડે છે કે આપણો દેશ સુધરી રહ્યો છે, બદલી રહ્યો છે અને વિકાસ કરી રહ્યો છે. એ વિકાસ જેની આપણે આટલા સમયથી રાહ જોતા હતા.

manoj joshi columnists