એક ઝુંબેશ ભેળસેળ વિરુદ્ધ: શુદ્ધ, સાત્વિક અને શ્રેષ્ઠ દરેક નાગરિકનો હક

07 June, 2019 02:44 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

એક ઝુંબેશ ભેળસેળ વિરુદ્ધ: શુદ્ધ, સાત્વિક અને શ્રેષ્ઠ દરેક નાગરિકનો હક

હા અને એની માગણી પણ ન કરવાની હોય, કારણ કે જેમ શુદ્ધ અને સાત્વિક એ દરેક નાગરિકનો હક છે એવી જ રીતે દરેક સરકારની ફરજ છે કે આ પ્રકારની ખાદ્ય સામગ્રી એકેક નાગરિક સુધી પહોંચે એની ચીવટ રાખે અને એ દિશામાં કામ કરે. ભેળસેળની બાબતમાં આપણે કાયદાઓ હજી વધારે કડક અને અસરકારક બનાવવાની જરૂર છે. ભેળસેળની બાબતને ઓછામાં ઓછી ગંભીરતા સાથે લેવામાં આવે છે જે અયોગ્ય છે. જેની સીધી માઠી અસર સ્વાસ્થ્ય પર થઈ રહી છે, માણસના જીવ સાથે થઈ રહી છે એને તમે કેવી રીતે અવગણી શકો. અવગણવી પણ ન જોઈએ, પરંતુ એની અવગણના થાય છે અને થઈ રહેલી આ અવગણનાને અટકાવવાની છે.

હોટેલ, રેસ્ટોરાંમાંથી અખાદ્ય કહેવાય એવી કૅટેગરીમાંથી સામગ્રી પકડાય છે અને એ પકડાયા પછી એને નષ્ટ કરવામાં આવે છે, પણ એટલાથી શું વાત પૂરી થઈ જાય છે? કેરીને કાર્બાઇડથી પકાવવાનું કૃત્ય કરતાં લોકો પકડાય છે અને એ કેરીનો નાશ પણ થાય છે, પરંતુ શું અહીંયા વાત પૂરી થઈ ગઈ? જરા વિચાર તો કરો કે એ કેરી કે પેલું રેસ્ટોરાંમાંથી પકડાયેલું ફૂડ જો લોકોના પેટ સુધી પહોંચ્યું હોત તો કેવી હાલત થઈ હોત. આ કૃત્ય જરા પણ નાનું નથી. કર્મની દૃષ્ટિએ પણ આ મહાપાપ છે અને ધર્મની દૃષ્ટિએ પણ આ અનૈતિક કૃત્ય છે. કડકમાં કડક સજા થવી જોઈએ અને એ સજાનો અમલ થાય એ પણ જોવું જોઈએ.

તમને અનુકૂળ ન હોય તો તમે ભાવ વધારી દો, પૂરતો નફો લો અને એ પછી પણ તમને ફાવે નહીં તો તમે બેફામ નફાખોરી કરો, પણ ભેળસેળ ન કરો. જો માણસમાં થતી ભેળસેળ તમે સહન ન કરી શકતા હો તો આ તો માણસના ધાનમાં થતી ભેળસેળ છે. ભેળસેળિયો ધર્મ તમને નથી ચાલતો, ભેળસેળવાળા વિચારો તમે સ્વીકારવા રાજી નથી અને ભેળસેળ સાથેની નીતિ તમને કબૂલ નથી તો પછી એ ભેળસેળ કેવી રીતે અનાજમાં થઈ શકે. ભેળસેળ જ નહીં, પાક લેવા માટે પણ વાપરવામાં આવતાં અમુક ફર્ટિલાઇઝર જીવ માટે જોખમ ઊભાં કરનારાં છે અને એ પછી પણ એનો ઉપયોગ સતત થતો રહે છે. ઉકરડાના કાંઠે અને ગટરની અટારીએ શાકભાજી ઉગાડવામાં આવે છે.

આ પણ વાંચો : કૉલમ: લોકલ ટ્રેન અને લાઇફ ટ્રેઇનિંગ

આ પ્રકારે ઊગતાં શાકભાજી ઘર-ઘર સુધી પહોંચે છે. અમેરિકા હતો ત્યારે એક મિત્ર સાથે આ બાબતમાં વાત થઈ ત્યારે તેણે ઇન્ટરનેટ પર અમુક એવી વરાઇટીનાં નામો કાઢી આપ્યાં, જેનો જગતના મોટા ભાગના દેશોમાં બૅન કરવામાં આવ્યો છે, પણ આપણે ત્યાં એ બધી આઇટમો મળી રહી છે. ફાર્મા કંપનીઓ પણ દેશની અભણ પ્રજાનો ભરપુર દુરુપયોગ કરી રહી છે તો પૅકેજ્ડ ફૂડ અને ડ્રિન્ક્સ સાથે જોડાયેલી કંપનીઓ પણ એનો ભરપેટ ગેરલાભ લે છે. જેની આવશ્યકતા નથી એવા કેમિકલ અને પ્રીઝર્વેટિવ્સ વાપરવામાં આવે છે જે અકલ્પનીય કહેવાય એવી બીમારી આપનારા છે. સરકારે આ બાબતમાં જાગૃતિ લાવવાનું કામ કરવાની જરૂર છે. નવા નિયમો સાથે આગળ આવવાની જરૂર છે અને પ્રજાની સુખાકારી માટે જરૂરી સ્પષ્ટતા સાથેના લેબલ પણ બનાવવાની જરૂર છે. જો એવું થશે તો જ આપણે મહાસત્તા બનવાની દિશામાં ઉપાડેલું પગલું વાજબી ગણાશે.

manoj joshi columnists