પાવર પળોજણઃ કુદરતી ઊર્જાનો વપરાશ વધે એ જ છે આજના સમયની અનિવાર્યતા

21 August, 2019 02:44 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

પાવર પળોજણઃ કુદરતી ઊર્જાનો વપરાશ વધે એ જ છે આજના સમયની અનિવાર્યતા

ઉર્જા

ઇલેક્ટ્રિસિટી મોંઘી થતી જાય છે અને આવતા સમયમાં એ હજી પણ વધારે મોંઘી થવાની છે. જો આજે પણ સમજદારી વાપરવામાં નહીં આવે, સમજણશક્તિનો ઉપયોગ કરવામાં નહીં આવે કે બુદ્ધિપૂર્વકનાં પગલાં લેવામાં નહીં આવે તો એક તબક્કો એવો આવી જશે કે આખા ઘરના બજેટની રકમમાંથી ૩૦થી ૪૦ ટકા રકમ માત્ર ઇલેક્ટ્રિસિટી જ લઈ જશે અને જે તબક્કે એવું બનશે એ તબક્કે પેટમાં તેલ રેડાશે. જાગી જવાની જરૂર છે. જો તમે આજે નહીં જાગો તો આવતા સમયમાં રડવાનો વારો આવશે. કહેવાનો ભાવાર્થ એ નથી કે ઇલેક્ટ્રિસિટીની બચત કરો. કહેવાનો ભાવાર્થ એ પણ નથી કે પાવર વાપરવાનું ઓછું કરી દો. જ્યાં આવશ્યકતા છે ત્યાં કરકસરનો પણ કોઈ અર્થ સરવાનો નથી અને જો મૉર્ગન સ્ટૅનલીના સિદ્ધાંતને પકડીને ચાલીએ તો ખર્ચ ઘટાડવાને બદલે આવક વધારવાના રસ્તા વિચારવા જોઈએ. જોકે અહીં એક નહીં, બે રસ્તા છે.

આવક વધારવી એ થયો પહેલો રસ્તો અને બીજો રસ્તો છે કુદરતી ઊર્જાનો ઉપયોગ કરવો કે પછી એ ઉપયોગ વધારવો. સૂર્ય અદ્ભુત શક્ત‌િનો ભંડાર છે. સૌરઊર્જા વિશે વાતો થાય છે, પણ એના ઉપયોગની દિશામાં વળવાનું કામ કોઈ કરી નથી રહ્યું. આપણી પાસે તો દરિયાકાંઠો પણ છે અને ઇઝરાયલ દરિયામાંથી એનર્જી પેદા કરીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે, પણ આ વાતને સરકારે ધ્યાન પર લેવાની છે. મારે અને તમારે માટે આ વાત લાગુ નથી પડતી. આપણને લાગુ પડે છે સૌરઊર્જા. જો ઇચ્છતા હો કે પાવરની બાબતમાં આપણે સ્વાવલંબી બનીએ તો સૂર્ય પાસે રહેલી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. સોલર ગિઝર હવે જૂની વાત છે અને એનો જો તમે ઉપયોગ કરતા હો તો એ સારી જ વાત છે, પણ તમે જો સોલર પૅનલનો ઉપયોગ કરતા થઈ જાઓ તો એનો ભરપૂર લાભ થશે.

સોલર પૅનલથી આખેઆખું ઘર પ્રકાશમય બનતું હોય એવું ગુજરાતમાં બને છે. ગુજરાતની એક કૉલેજ તો આખી આ સોલર એનર્જી પર જ ચાલે છે. મજાની વાત એ છે કે એ કૉલેજ તો દર વર્ષે ગ્રિડ એટલે કે પાવર સપ્લાય કરતી કંપની પાસેથી સામા પૈસા પણ કમાય છે. આપણે પણ એમ કરી શકીએ છીએ. આપણી સોસાયટીની ટેરેસ ખાલી જ પડી છે. એનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો. નથી આપણે ગુજરાતમાં રહેતા જ્યાં આપણને ટેરેસ પર દર ઉત્તરાયણે ચડવું હોય. ટેરેસમાં મોટા ભાગે તાળું જ લાગેલું રહે છે અને ટેરેસની સાફસફાઈ પણ નથી થતી. આ ટેરેસને તમે તમારું ઊર્જાકેન્દ્ર બનાવી શકો છો. સ્વાભાવિક રીતે તમે આખી સોસાયટીને તો એનો પાવર ન આપી શકો, પણ ઍટ લીસ્ટ સોસાયટી આખી આ સોલર એનર્જી પર નિર્ભર થઈ જશે અને એને કારણે સોસાયટીની લાઇટો અને સબમર્સિબલ એના પર ચાલતાં થઈ જશે.

આ પણ વાંચો : શાંતિ કાશ્મીરનીઃ હિન્દુસ્તાને હંમેશાં પીઠ પાછળ ઘા ખાવાનો અનુભવ કર્યો છે, સબૂર

સોલર એનર્જી અત્યારના તબક્કે ગુજરાતમાં ખૂબ પૉપ્યુલર થઈ છે અને લોકોએ સફળતા સાથે એના પ્રયોગ કર્યા છે, પણ આપણે એ બાબતમાં પાછળ છીએ. કોઈ પણ જાતના મેઇન્ટેન્સ વિનાની આ સોલર એનર્જીની દિશામાં મુંબઈએ આગળ વધવાની જરૂર છે. જો મુંબઈ આગળ વધશે તો એની હવા આખા દેશમાં ફેલાશે અને આગેવાનીનો લાભ મુંબઈને મળશે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે અનિવાર્ય સંજોગો આવી ગયા છે. પસંદગી તમારે કરવાની છે. કાં તો આવક વધારો અને કાં તો ઊર્જાનો નવો સ્રોત વિકસાવો.

manoj joshi columnists