ગયા મહિને દેશમાં દુષ્કાળની પરિસ્થિતિ અને આજે જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી

19 August, 2019 04:11 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ગયા મહિને દેશમાં દુષ્કાળની પરિસ્થિતિ અને આજે જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી

દુકાળ

ત્રીસ જ દિવસ. ‌ત્રીસ જ દિવસમાં કુદરતે આખું પિક્ચર બદલી નાખ્યું. જુલાઈની શરૂઆતમાં એવું લાગતું હતું કે દેશમાં દુષ્કાળ આવશે. જ્યાં જુઓ ત્યાં પાણીની પળોજણ ચાલતી હતી અને પાણી માટે બૂમાબૂમ થતી હતી. એવું જ હતું કે જો વરસાદ નહીં આવે તો દેશની હાલત કફોડી થઈ જશે, પણ એ પછીના આ છેલ્લા ‌૩૦ દિવસમાં વાતાવરણ બદલાયું અને આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. આ કુદરતની બલિહારી છે. આ કુદરતની મહેર છે. સૃષ્ટિને અકબંધ રાખવાની જવાબદારી કુદરતની છે, પણ સાથોસાથ આ બલિહારી પહેલાં આવેલી અવસ્થા પરથી એ પણ સમજવાની અને શીખ લેવાની જરૂર છે કે જો પાણી નહીં હોય તો કેવી કફોડી હાલત થઈ જશે.

પાણીનું મૂલ્ય આજે કોઈ સમજી નથી રહ્યું. પાણી નિઃશુલ્ક છે એટલે એની કોઈ કિંમત સમજાઈ નથી રહી, પણ જો પાણી નહીં હોય તો સૃષ્ટિ નહીં હોય એ પણ સમજવાનો સમય આવી ગયો છે. ઝાડ રહેવા દીધાં નથી અને વનરાજીનું નિકંદન કાઢવાનું બાકી રાખ્યું નથી. જ્યાં જુઓ ત્યાં સિમેન્ટનાં જંગલો ઊભાં કરી દીધાં છે. ઘર, મકાન, બિલ્ડિંગ, સોસાયટી, હાઇવે, રસ્તા, સડક, બ્રિજ. કૉન્ક્રીટના આ જંગલે પાણી લાવનારી વનરાજીને ખાઈ જવાનું કામ કર્યું છે. કહેવાનો ભાવાર્થ એ નથી કે ડેવલપમેન્ટ કરવું નહીં, પણ કહેવાનો ભાવાર્થ એ તો છે જ કે આ ડેવલપમેન્ટની આડશમાં કુદરતને ભૂલવાની ભૂલ બિલકુલ કરવી નહીં. અમદાવાદ ભઠ્ઠી બની ગયું છે. દૂર-દૂર સુધી નજર કરો તો પણ એક ઝાડ દેખાય નહીં. રાજકોટની અવસ્થા પણ એવી જ છે. બોરીવલી-કાંદિવલીમાં પણ એ જ હાલત છે જે છેક મલાડ અને ગોરેગામ સુધી લંબાયેલી છે. આ નામ ઉદાહરણરૂપ છે એટલે કોઈએ આંકડા હાથમાં લઈને આવવું નહીં એ સ્પષ્ટતા પણ અત્યારે જ કરી દઉં છું.

કુદરતને, આ સૃષ્ટિને સાચવવી પડશે અને એ માટે જાગૃતિ અત્યારથી જ લઈ આવવી પડશે. શરમ આવે છે જ્યારે પેપરમાં વાંચવા અને ટીવીમાં સાંભળવા મળે છે કે એક વર્ષનું પાણી આપણી પાસે આવી ગયું. હવે આ વર્ષે પીવાના પાણીની ચિંતા કરવાની જરૂર નથી. વર્ષના પાણીના હિસાબ પર આપણે આવી ગયા છીએ અને એ પછી પણ આંખો ખૂલી નથી આપણી. જો તમારે આંખો ખોલવી હશે તો જ તમને આ સૃષ્ટિ પોતાનામાં સમાવશે. જો તમારે સમજી લેવું હશે કે આ કુદરત સાથે ચેડાં નહીં ચાલે તો જ આ કુદરત તમને એના આ વિશાળ સિંહાસન પર રાજ કરવા દેશે. બહુ કરી લીધી રમતો, બહુ રમી લીધું પર્યાવરણ સાથે. હવે જાગી જઈએ અને જાગી ગયા પછી એને માટે જેકોઈ પગલાં લેવાનાં છે એ લેવા પણ માંડીએ.

આ પણ વાંચો : નાનું કુટુંબ, સુખી રાષ્ટ્રઃ વસ્તીનિયંત્રણની વાત લાલ કિલ્લાથી, હમારા દેશ બદલ રહા હૈ

સૃષ્ટિને બચાવવાની જવાબદારી સરકારની જ નથી, એ તમારી પણ જવાબદારીનો એક ભાગ છે. કુદરતને સાચવી રાખવાની જવાબદારી પ્રશાસન એકલું ક્યારેય લઈ નહીં શકે અને એણે લેવું પણ ન જોઈએ. જો અવામની આંખો ન ખૂલે તો પ્રશાસન કશું કરી ન શકે. એક ઝાડ કૉર્પોરેશન કાપતું હોય ત્યારે તમે મૂંગા રહેશો તો તમને ભવિષ્યમાં ક્યારેય પર્યાવરણ વિશે બોલવાનો હક નહીં રહે. લડો, આ પૃથ્વી તમારી છે. ઝઘડો, આ સૃષ્ટિ તમારી છે અને મચી પડો, આ કુદરત તમારી છે.

manoj joshi columnists