ઇલેક્શન: જો ઈશ્વરે ધાર્યું તો હવે મળીશું 5 વર્ષ પછી 2024ના મે મહિનામાં

19 May, 2019 11:04 AM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ઇલેક્શન: જો ઈશ્વરે ધાર્યું તો હવે મળીશું 5 વર્ષ પછી 2024ના મે મહિનામાં

ઈલેક્શન

આમ તો આ માત્ર ધારણા છે, બાકી આપણા દેશને આદત પડી ગઈ છે વચગાળાના ઇલેક્શનની અને મધ્યવર્તી ચૂંટણીઓની. વચ્ચે સરકાર ઊથલે એ જોવાની પણ આપણી તૈયારી હોય છે અને સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો મત પસાર કરીને સરકાર ચેન્જ કરવાનો પ્રયાસ થાય એ પણ આપણને જોવાની આદત પડી ગઈ છે. આપણને આદત પડી ગઈ છે કરોડો રૂપિયાના ખર્ચે થતા ઇલેક્શનની પણ જો ગુરુવારના રિઝલ્ટમાં ઈશ્વરે ધાર્યું તો હવે લોકસભાનું ઇલેક્શન આપણને ૨૦૨૪ના મે મહિનામાં નવેસરથી જોવા મળશે. સરકાર કોની બને છે એ મહત્વનું છે, પણ એની ચર્ચા હવે અસ્થાને છે. સરકાર કેવી આવે છે એ અગત્યનું છે, પણ અત્યારે એ ચર્ચાને કોઈ સ્થાન નથી. મુદ્દો માત્ર એટલો છે કે આજે અંતિમ તબક્કાનું વોટિંગ પૂરું થયા પછી હવે આપણે માત્ર રિઝલ્ટની ધારણા બાંધીને બેસવાનું છે.

આજનું વોટિંગ પૂરું થવાની સાથે જ ઓપિનિયન પોલનો રાફડો ફાટશે અને ઢગલાબંધ ઓપિનિયન પોલ આવવા માંડશે. બીજેપીને આટલી બેઠક મળશે અને કૉન્ગ્રેસને આટલી બેઠક મળશે. સાથીપક્ષો અને અપક્ષો આટલી બેઠકો લઈ જશે અને સરકાર આ પાર્ટીની બનશે. અગાઉ આ ઓપિનિયન પોલ ઇલેક્શન પહેલાં જ આવવા માંડતા હતા, પણ ઇલેક્શન કમિશનને લાગ્યું કે એના આંકડાઓની અસર સામાન્ય વિચારધારા ધરાવતા મતદારો પર પડે છે એટલે આચારસંહિતા લાગુ થાય એ સમયથી ઓપિનિયન પોલ પર બૅન મૂકી દેવામાં આવ્યો અને લાગેલા આ બૅન પછી ઓપિનિયન પોલનું મહત્વ પણ ઘટવાનું શરૂ થઈ ગયું. લગ્ન પૂરાં થઈ ગયા પછી ગવાનારાં ફટાણાંઓ જેવું મહત્વ રહ્યું છે આ ઓપિનિયન પોલનું. યાદ રાખજો કે લગ્ન પછી ગાવામાં આવેલાં ફટાણાં સાંભળવા માટે કોઈ બેસતું નથી અને એવો સમય પણ હવે કોઈ પાસે નથી. વરરાજા કન્યાને લઈને રવાના થઈ ગયા પછી શું કામ કોઈ સાસુ-સસરા કે જેઠ-જેઠાણી અને નણંદની બદબોઈ સાંભળે, પણ ન્યુઝ-ચૅનલ પોતાના બેચાર કલાક ઓછા કરવા માટે ઓપિનિયન પોલ કરશે અને એના પર પછી લાંબીલચક ચર્ચાઓ પણ કરશે.

ગુરુવાર... ગુરુવારે બપોર સુધીમાં રિઝલ્ટ સ્પષ્ટ થવા માંડશે. આમ તો શરૂઆતના કલાકોમાં જ ટ્રેન્ડ ખબર પડવા માંડશે, પણ આ વખતે ઇલેક્શન દરમ્યાન જે પ્રકારના ઉતાર-ચડાવ આવ્યા છે એ જોતાં એવું બની શકે ખરું કે ૧૨ વાગ્યા પહેલાં સ્પષ્ટતા સાથે દેશમાં કોની સરકાર બનશે અને કોણ વડા પ્રધાન બનશે એની ખબર ન પડે, પણ એટલું નક્કી છે કે ચાર વાગ્યા સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ જશે અને એ જાહેરાત સાથે સાંજની વિજયરૅલીની કે પછી બન્ને પક્ષના મહાનુભાવોની જાહેર સભાની જાહેરાત થઈ જાય. અપેક્ષા એટલી માત્ર છે કે સરકાર એવી બને જે દેશના વિકાસને આગળ ધપાવે.

આ પણ વાંચો : કૉલમ: તમારે મુંબઈને જીવવાલાયક બનાવવા શું કરવાનું છે?

હમણાં થોડા સમય પહેલાં સ્ટૉકમાર્કેટમાં એવી વાત પ્રસરી હતી કે ડાબેરીઓ આગળ નીકળી જશે અને એ નક્કી કરશે કે સરકાર કોની બનવા દેવી. આ અફવા માત્રએ મુંબઈ સ્ટૉક એક્સચેન્જના ઇન્ડેક્સનો મોટો ભાગ તોડી નાખ્યો અને બધાને ૭૦ના દસકામાં જ્યૉર્જ ફર્નાન્ડિસે લગાવેલો કોકાકોલા પરનો પ્રતિબંધ યાદ આવી ગયો હતો. અફકોર્સ, આજે એ શક્ય નથી, પણ જો આવું જરાસરખુંય કાંઈ બન્યું તો દેશનું ધનોતપનોત નીકળી જશે એ નક્કી છે.

manoj joshi Election 2019 columnists