અપનાવો આ મહાનુભાવોને: જેટલો સમય પસાર કર્યો એટલો સમય પસાર કરવાનો નથી હવે

04 October, 2019 03:43 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

અપનાવો આ મહાનુભાવોને: જેટલો સમય પસાર કર્યો એટલો સમય પસાર કરવાનો નથી હવે

અકબર અને બીરબલ

અકબર અને બીરબલની આ વાર્તા આમ તો બહુ પૉપ્યુલર છે એટલે ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક એ તમને સાંભળવામાં આવી હોય એવું બની શકે, પણ વાર્તા અગત્યની છે એટલે મંદીના આ માહોલમાં આ વાર્તાને એક વખત ફરી યાદ કરી લેવામાં સાર છે.

એક દિવસ અકબરનો સિપાહી બીરબલના ઘરે પહોંચ્યો. ઘરે જઈને કહ્યું કે તાત્કાલિક દરબારમાં આવો, બાદશાહને ખાસ કામ છે. બીરબલ જમવાનું અટકાવીને સીધો દરબારમાં જવા માટે રવાના થઈ ગયો. દરબારમાં તે પહોંચ્યો, તેણે જઈને જોયું કે અકબર બાદશાહ એકદમ શાંત અને ધીરગંભીર અવસ્થામાં બેઠા હતા. દરબારીઓ પણ સાથે બેઠા હતા. સૌકોઈ જાણે કે બીરબલની જ રાહ જોતા હતા. બીરબલે આવીને જહાંપનાને લળીને સલામી આપી અને પછી નમ્રભાવે પૂછ્યું, ‘હુકમ કરો બાદશાહ.’

‘બીરબલ, મને એક જ વાક્યમાં બે સવાલનો જવાબ આપ, જેમાં મને સુખ પણ મળે અને એ સુખની સાથોસાથ એ જ જવાબથી મને દુઃખ પણ થાય.’

બીરબલના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે બાદશાહની આંખોમાં આંખ માંડી અને પછી ધીમેકથી દરબારમાં બેઠેલા સૌ દરબારી સામે જોયું. દરબારીઓના ચહેરા પર પણ સ્મિત હતું, પણ એ સ્મિતમાં ખંધાઈ હતી જેની આદત બીરબલને લાંબા સમયથી હતી. સૌકોઈને તેની ઈર્ષ્યા આવતી, તેના અને અકબર વચ્ચે રહેલી સંબંધોની સંવાદિતતાની ઈર્ષ્યા થતી અને એટલે જ જ્યારે પણ બીરબલ કોઈ જગ્યાએ ફસાઈ જાય કે અટવાઈ જાય ત્યારે બધા રાજી થતા અને મનોમન ઇચ્છા પણ રાખતા કે હવે બીરબલને જબરી સજા આપવામાં આવે. જોકે આ ઇચ્છા ક્યારેય પૂરી થતી નહીં એ પણ અત્યાર સુધીના સમયમાં પુરવાર થઈ ગયું હતું અને એમ છતાં આ ઇચ્છા અકબંધ રહેતી.

‘બીરબલ, જવાબ આપ મને. એક શબ્દમાં મને જવાબ આપ જે સાંભળ્યા પછી માણસને ખુશી પણ થાય અને માણસને દુઃખ પણ થાય.’

‘સમય.’ બીરબલે અકબરની સામે જોયું. ‘જહાંપના, સમય. આ એક શબ્દ જ આનો જવાબ હોઈ શકે. જો સારો સમય માણસ જીવતો હોય તો વીતી રહેલા સમયથી તેને દુઃખ થાય અને જો માણસ પર આફતનું આભ તૂટી પડ્યું હોય તો વીતી રહેલો સમય તેને સૌથી વધારે સાંત્વનાનું સુખ આપવાનું કામ કરે. સમય. આ એક જ શબ્દ એવો છે જે વીતી રહ્યો છે, પસાર થઈ રહ્યો છે.’

આ પણ વાંચો : અપનાવો આ મહાનુભાવોને : ચાણક્ય અને બીરબલ પાસેથી જીવનની કઈ વાત શીખશો તમે?

આ જ જવાબ આપવાનો છે સૌકોઈને, સમય. મંદીનું વાતાવરણ છે અત્યારે. આ સમયમાં જેકોઈ તકલીફ પડી રહી છે એ સમય પણ પસાર થઈ રહ્યો છે અને પસાર થઈ રહેલા સમય વચ્ચે ઓછામાં ઓછી તકલીફવાળો નવો સમય આવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈ કાલે હતી એટલી તકલીફ આજે નથી અને આજે છે એટલી તકલીફ આવતી કાલે રહેવાની નથી. આ બન્ને તથ્યને સમજવાની જરૂર છે. જે આવ્યું એ જવાનું છે અને જે જવાનું છે એનાથી વધારે સારી અવસ્થા આવવાની છે. આ મંદી કંઈ લાંબો સમય ટકવાની નથી. મારા ફાધર નવનીત જોષીએ કહેલી એક વાત મને કાયમ યાદ રહેવાની છે. નાનપણથી તેમના મોઢે એ એક વાત વારંવાર સાંભળી છે, ‘જેટલો સમય પસાર કર્યો એટલો સમય હવે પસાર કરવાનો નથી.’

યાદ રહે, જેટલો સમય પસાર કર્યો એટલો સમય હવે પસાર કરવાનો નથી.

columnists manoj joshi