કહો જોઈએ, વૉટ્સઍપ પર તમે કેટલા કલાકની પથારી પાથરીને પડ્યા રહો છો?

27 September, 2019 05:17 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

કહો જોઈએ, વૉટ્સઍપ પર તમે કેટલા કલાકની પથારી પાથરીને પડ્યા રહો છો?

વૉટ્સઍપ

સોશ્યલ મીડિયા વિશે ગઈ કાલે વાત થયા પછી બેચાર વાચકમિત્રોનો મેસેજ આવ્યો કે સોશ્યલ મીડિયાનો અતિરેક ખાળવો કઈ રીતે? આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં બીજી થોડી વાતો કરવી છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, ન્યુ ઝીલૅન્ડ આગળપડતા દેશો છે. જપાન ટેક્નૉલૉજીમાં હંમેશાં અગ્રેસર રહ્યું છે એની પણ સૌકોઈને ખબર છે અને એ પણ બધાને ખબર છે કે ન ગમતા દેશ એવા ચાઇનાએ પણ ટેક્નૉલૉજીની બાબતમાં સૌનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કરી દીધું છે. હવે અગત્યની વાત એ કે આ જેકોઈ દેશોની વાત કરી એ દેશોમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ બિલકુલ નથી. હા, ખરેખર. અમેરિકન વૉટ્સઍપને રોકડી ૨૦ મિનિટ આખા દિવસમાં આપે છે. આખા દિવસમાં ૨૦ મિનિટ. એ લોકોનું વૉટ્સઍપ તમે જુઓ તો એમાં એકથી બે ગ્રુપ તમને જોવા મળે અને એ લોકોની વૉટ્સઍપની વિન્ડોમાં રોકડી બે કે ત્રણ વ્યક્તિ સાથેની ચૅટ તમને જોવા મળે. કારણ એ જ કે એ લોકો એનો ઉપયોગ કરે છે, એનો સદુયોગ કરે છે અને એટલે જ એ લોકો ત્યાં પથારી પાથરીને બેસતા નથી. ઑસ્ટ્રેલિયાની કોઈ પણ વ્યક્તિ સાથે તમે વૉટ્સઍપ કે ફેસબુક પર વાત કરવાની કોશિશ કરશો તો તમને દેખાશે કે એ હાર્ડલી, વધુમાં વધુ કહેવાય એવી ચાર લાઇન સુધી જ તમારી સાથે ચૅટ કરશે અને એ પછી પણ તમે વાત કરવાની ચાલુ રાખી તો એ જવાબ આપવાનું બંધ કરી દેશે અને જો અગત્યની વાત હશે તો તમને મેસેજ કરીને કહી દેશે કે ફોન કરો, ફોન પર વાત કરી લઈએ.

ચાઇનાની વાત કરીએ. ચાઇના પણ આ જ રસ્તે છે. વૉટ્સઍપ પર પથારી પાથરીને એ બેસતું નથી. જરા પણ નહીં. એને તમે મેસેજ કર્યો હોય એ મેસેજનો જવાબ આપી દીધા પછી બીજી સેકન્ડે તે ત્યાંથી હટી જશે. ચાઇનીઝ લોકોને તો વધારે સમય ઑનલાઇન રહેવામાં પણ રસ નથી. તેઓ એવું જ માને છે કે સોશ્યલ મીડિયા પર ઑનલાઇન તેઓ જ હોય જેઓ નવરાધૂપ હોય. કૅનેડિયન લોકો વૉટ્સઍપથી દૂર રહેનારી પ્રજા છે અને ફેસબુકથી અંતર રાખનારી પ્રજા છે. એ કામમાં માને છે અને કામ કરીને એ આરામથી પરિવાર સાથે બેસવામાં માને છે. તમને નવાઈ લાગશે કે કૅનેડાના ૦.૦૭ ટકા લોકો જ વૉટ્સઍપનું બ્રૉડકાસ્ટ ફીચર્સ વાપરે છે. ઢગલામોઢે મેસેજ મોકલવો એ કૅનેડામાં સામાજિક ગુનો છે. આવા લોકોને જરા પણ એન્ટરટેઇન કરવામાં નથી આવતા. બે, ત્રણ અને ચાર મેસેજ પછી તમને કહેવાની તસ્દી લીધા વિના જ સીધા બ્લૉક કરી દેવામાં આવે. નવરા તમે છો સાહેબ, અમે નહીં.

આ પણ વાંચો : આજના જમાનામાં અટકને કંઈ લાગેવળગે ખરું?

આપણે સૌથી પહેલાં નવરાધૂપ લોકોની વ્યાખ્યા સમજવાની જરૂર છે. સમય છે એનો અર્થ એ નથી કે હવે એ સમયનો ખર્ચ કરવો પડે. ના જરાય નહીં. ઑસ્ટ્રે‌લિયામાં કામના માત્ર ૬ જ કલાક છે અને ૧૮ કલાક ફ્રી છે. આ ૧૮ કલાક ફ્રી હોવાનો અર્થ એ નથી કે લોકો સૂઈ જાય છે. ના, એ લોકો નથી બેડરૂમમાં ભરાઈ જતા કે નથી એ લોકો વૉટ્સઍપ પર પથારી પાથરીને સૂતા રહેતા. એ લોકો એ ૧૮ કલાકનો ઉપયોગ પોતાની આંતરિક શક્ત‌િઓ વધારવા માટે કરે છે. કેવી રીતે એ ઉપયોગ થાય છે એની વાતો કરીશું આવતી કાલે.

manoj joshi columnists