આજના જમાનામાં અટકને કંઈ લાગેવળગે ખરું?

Published: Sep 27, 2019, 16:40 IST | યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા | મુંબઈ

થોડાક દિવસો પહેલા એક કાર્યક્રમમાં વિડિયો કૉન્ફરન્સિંગથી સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના યુવાનોને પોતાની સરનેમ શું છે એનાથી કોઈ ફરક પડતો નથી.

પાર્થ ગાંધી, પ્રિન્સી સતીકુવર અને યશ કૂવાવાલા
પાર્થ ગાંધી, પ્રિન્સી સતીકુવર અને યશ કૂવાવાલા

થોડાક દિવસો પહેલા એક કાર્યક્રમમાં વિડિયો કૉન્ફરન્સિંગથી સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના યુવાનોને પોતાની સરનેમ શું છે એનાથી કોઈ ફરક પડતો નથી. આ નવું ભારત છે, નવી વિચારધારા છે. દેશના યુવાનો સક્ષમ છે, તેમને કોઈ ટૅગની જરૂર નથી. પોતાના દમ પર આગળ આવનારા યુવાનોના પરિવારો નથી બૅન્ક-બૅલૅન્સ ધરાવતા કે નથી તેમની એવી શાખ. તેમ છતાં આ યુવાનોએ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. વાતમાં દમ તો છે. વર્ષો પહેલાં શેક્સપિયરે કહ્યું હતું કે વૉટ ઇઝ ઇન અ નેમ? હવે મોદીસાહેબ કહી રહ્યા છે, ‘વૉટ ઇઝ ઇન અ સરનેમ?’ આ વાતને થોડી ટ્વિસ્ટ કરીને યુવાનોને પૂછ્યું ત્યારે કેવા ઇન્ટરેસ્ટિંગ જવાબ મળ્યા એ વાંચી લો.

નામની પાછળ લાગતી અટક સામાજિક પ્રથાથી વિશેષ કંઈ નથી - પાર્થ ગાંધી

કોઈ ચોક્કસ સરનેમ માટે લોકોને ગમો કે અણગમો હોઈ શકે, પરંતુ એનાથી આપણે શું? એવો જવાબ આપતાં કાંદિવલીનો પાર્થ ગાંધી કહે છે, ‘મારા ફ્રેન્ડ્સ મને માત્ર ગાંધી કહીને બોલાવે છે, પાર્થ કોઈ બોલતું જ નથી. ક્યારેક મજાક કરે કે ભાઈ, તું કઈ ગાંધી ફૅમિલીથી બિલૉન્ગ કરે છે, મહાત્મા ગાંધી કે રાહુલ ગાંધી? હું કહું કે આપણી તો અલગ જ કમ્યુનિટી છે. અમારી જનરેશન ઓપન માઇન્ડેડ છે. તેમની લાઇફમાં આ બધી બાબત ખાસ મહત્વની નથી. મોદીજીએ સરસ કહ્યું છે કે સરનેમ મેં ક્યા રખા હૈ? તમારામાં ટૅલન્ટ હોય તો અટક સાથે દુનિયાને કોઈ ફરક પડતો નથી અને પડવો પણ ન જોઈએ. મારી નજરમાં નામની પાછળ લાગતી અટક સામાજિક પ્રથાથી વિશેષ કંઈ નથી. બધે કંઈ બાપ-દાદાનું નામ ન ચાલે. આજના યુગમાં સક્સેસફુલ થવાનો એક જ ફન્ડા છે, તમને મળેલી તકને ઝડપી લો અને પુરવાર કરો કે તમારામાં દમ છે.’

હિસ્ટરી જાણ્યા પછી સરનેમ ગમવા લાગી - મિતી ચંદુરા

૨૧ વર્ષની બીએમએ ગ્રૅજ્યુએટ મિતિ ચંદુરાને નાનપણમાં પોતાની સરનેમ પ્રત્યે અણગમો હતો એ વિશે વાત કરતાં તે કહે છે, ‘સ્કૂલમાં ટીચર્સ સરનેમથી બોલાવે ત્યારે મને ગમતું નહોતું. ચંદુરા કંઈ સરનેમ હોય? એક વાર મમ્મીને પૂછ્યું કે તારી પિયરમાં સરનેમ શાહ છે અને હવે તું ચંદુરા બની ગઈ તો કેવું ફીલ કરે છે? અમારી સરનેમ પાછળની હિસ્ટરી જાણ્યા પછી મને ગમવા લાગી. ગુજરાતમાં ચંદુર નામે એક ગામ છે જ્યાં અમારાં કુળદેવીનું મંદિર છે. તેથી અમે ચંદુરા કહેવાઈએ છીએ. કૉલેજમાં આવ્યા પછી પ્રોફેસરો સરનેમથી બોલાવતાં તો પ્રાઉડ ફીલ થતું કે વાહ! કેવી યુનિક આઇડેન્ટિટી! અમારા ઘરમાં બધાંનો ટોન થોડો હાઈ છે અને મસ્તીખોર પણ ખરાં. કોઈક વાર સરનેમને આગળ કરીને કહી દઈએ કે ચંદુરા કંઈ કાચાંપોચાં ન હોય હોં! મજાની વાત એ છે કે સરનેમ પરથી લોકોને અમારી કમ્યુનિટીની ખબર નથી પડતી. મારો દેખાવ જોઈને લોકો પંજાબી હશે એવું ધારી લે અને સરનેમથી વળી કંઈક જુદું જ ધારે. લોકો કન્ફ્યુઝ થાય એ બહુ ગમે.’

પહેલી વાર મળનારા મને પારસી સમજે છે - યશ કૂવાવાલા

૨૨ વર્ષનો એન્જિનિયરિંગ ગ્રૅજ્યુએટ યશ કૂવાવાલા કહે છે, ‘મારી સરનેમ પરથી લોકો મને ગુજરાતી નહીં પણ પારસી સમજે છે. મારે તેમને સમજાવવું પડે કે હું અસલ ગુજરાતી છું. એકાદ વાર પપ્પા પાસેથી સરનેમ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો તો પપ્પાએ કહ્યું કે મને ખબર નથી, આગળથી ચાલી આવે છે. મારા એક કઝિન કાકાની સરનેમ રિબિનવાલા છે. મારું માનવું છે કે પહેલાંના સમયમાં લોકો પોતાના વ્યવસાય અથવા ગામના નામથી ઓળખાતા હતા. મારી સરનેમ આ રીતે રેલવન્ટ હશે. જોકે મને બહુ મજા પડે છે. ખાસ કરીને મારા ફ્રેન્ડ્સ જ્યારે એમ કહે કે વાહ, તારે તો ભાઈ દુબઈમાં તેલના કૂવા છે. પેટ્રોલના ભાવ વધે કે ઘટે, તને કંઈ ફરક નહીં પડે. જલસા છે! કોઈક વાર વળી એમ પણ કહે કે કૂવામાં કંઈ છે કે નહીં? વિચિત્ર સરનેમ જ મારી ઓળખ છે. યશ નામવાળા અન્ય લોકો કરતાં હું જુદો તરી આવું છું એની ક્રેડિટ મારી સરનેમને આપવી પડે.’

મારી સરનેમ લોકોને વિયર્ડ લાગે છે, પણ મારી આઇડેન્ટિટી છે - પ્રિન્સી સતીકુવર

દેશના વડાપ્રધાને સરનેમ વિશે જે વાત કરી છે એ વૈશ્વિક સ્તરે ભારતને રેપ્રિઝેન્ટ કરવા વિશેની છે. દેશના યુવાનોને એ રીતે સરનેમથી કોઈ ફરક પડતો નથી એવો અભિપ્રાય આપતાં બોરીવલીની સ્ટુડન્ટ પ્રિન્સી સતીકુવર કહે છે, ‘પ્રોફેશનલ લેવલ પર તમારું કામ બોલે છે, સરનેમ નહીં. દાખલા તરીકે અક્ષયકુમારે તેનું નામ બદલ્યું છે. જો તે રાજીવ ભાટિયા તરીકે કામ કરતો હોત તોપણ પૉપ્યુલર જ હોત, કારણ કે તેની ઍક્ટિંગમાં દમ છે. બીજી બાજુ કપૂરને લઈ લો. બૉલીવૂડમાં કપૂર માત્ર સરનેમ નથી, બ્રૅન્ડ છે. સક્સેસ થવા ટૅલન્ટ જરૂરી છે તો કેટલીક વાર બ્રૅન્ડ તમને પુશ કરવાનું કામ પણ કરે છે. આજકાલ લોકોને બ્યુટિફુલ સાઉન્ડ ગમે છે તેથી નામ ચેન્જ કરે છે. નાનપણમાં મને એમ થતું હતું કે આવી તે કેવી સરનેમ? કાશ, મારું નામ પ્રિન્સી ઑબેરૉય હોત! કેવો વટ પડે! જેમ-જેમ મોટી થતી ગઈ એમ સમજાયું કે કોઈ પણ વ્યક્તિનું નામ અને અટક તેના જીવનનો અગત્યનો ભાગ હોય છે, જેને ત્યજી ન શકાય. મારી સરનેમ લોકોને ભલે વિયર્ડ લાગે, મારી આઇડેન્ટિટી છે.’

સરનેમને કારણે મને સ્પેશ્યલ અટેન્શન મળે છે - જય મોદી

વિલેપાર્લેનો ટિનેજર જય મોદી કૉલર ટાઇટ કરીને કહે છે, ‘વડા પ્રધાને ભલે કહ્યું કે સરનેમનું મહત્વ નથી, પણ મને તો એના કારણે જ સ્પેશ્યલ અટેન્શન અને રિસ્પેક્ટ મળે છે. ફ્રેન્ડ સર્કલમાં જેવી મારી એન્ટ્રી થાય, બધા કહે, આવો આવો મોદી સાહેબ! મને તો ગર્વ થાય કે વાહ! મારી સરનેમમાં કેટલો પ્રભાવ છે! આજે આખી દુનિયા મોદી મોદીનો નારો લગાવતી હોય ત્યારે મારા નામની પાછળ આ અટક લાગવી એ કોઈ અચીવમેન્ટથી કમ નથી! જોકે, મોદી અટક હોવી કૉઇન્સિડન્ટ જ છે, તોપણ મને બહુ સારું લાગે છે. ફૉરેન કન્ટ્રીમાં તો લોકો નામ કરતાં સરનેમને વધુ મહત્વ આપે છે. માઇકલ જૅક્સન હોય કે ડોનલ્ડ ટ્રમ્પ, અટકથી જ વધુ ઓળખાય છે. આપણે એવું માનીએ છીએ કે સરનેમ મૅટર કરતી નથી, પરંતુ મારું માનવું છે કે ઘણી વાર તમારી સરનેમ મોટિવેશન અથવા ડી-મોટિવેશનનું કામ કરે છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK