રાષ્ટ્રભાવના જાતે પ્રબળ ન બની શકો તો ઇઝરાયલના રસ્તે ચાલી લેવું

06 September, 2019 07:54 AM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ?- મનોજ નવનીત જોષી

રાષ્ટ્રભાવના જાતે પ્રબળ ન બની શકો તો ઇઝરાયલના રસ્તે ચાલી લેવું

આમ તો શરમજનક કહેવાય, પણ આવું કરવું પડે એવી જ અવસ્થા છે અત્યારે. દેશને જો કોઈ વાતની કમી હોય તો એ છે રાષ્ટ્રભાવની, રાષ્ટ્રભક્તિની. આવું થવાનું કારણ એ જ છે કે રાષ્ટ્ર તો આપણી પાસે જ રહેવાનું છે. એ નથી છોડીને જઈ શકવાનું કે નથી એ તમને પણ તરછોડી દેવાનું. આ જે ભાવના મનમાં જન્મી ગઈ છે અને ઘર કરી ગઈ છે એ જ રાષ્ટ્રભાવને સાચી રીતે પ્રગટ થવા નથી દેતી.

મને ઘણા પૂછે કે રાષ્ટ્રભાવના એટલે શું? આઝાદી દિવસ પણ અમે ઊજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ પણ અમે સેલિબ્રેટ કરીએ છીએ. સમયસર ટૅક્સ અને બીજાં કૉર્પોરેશનના વેરાઓ પણ જમા કરાવી દઈએ છીએ. કોઈ ભ્રષ્ટાચાર કરતા નથી અને અમારા હસ્તક હોય છે ત્યાં પણ ભ્રષ્ટાચાર થવા દેતા નથી. બહુ સારી વાત છે. જો આ તમે કરતા હો તો જરા પણ ખોટું નથી અને એને ગણાવવાની પણ જરૂર નથી. પહેલી વાત તો એ કે તમે જો સાચું કરતા હો તો એ દેશ પર ઉપકાર નથી, નથી જ નથી. એ તમારી ફરજ છે અને તમે એ નિભાવી રહ્યા છો. તમારા ઘરમાં તમારા બાપુજી સાથે રહેતા હો ત્યારે તમે એવું ગણાવવા બેસો છો ખરા કે તમે તેમને બપોરે જમાડ્યા, પછી તેમને પાણી આપ્યું, પછી તેઓ બપોરે સૂઈ ગયા તો તેમની રૂમનો પંખો ચાલુ કરી આપ્યો? ગણાવો છો, નહીંને?
તો પછી એ જ ગણતરી વિનાની જિંદગી દેશ માટે હોવી જોઈએ. તમે જેકંઈ કરો છો એની સામે તમને જેકંઈ મળી રહ્યું છે એનો પણ હિસાબ કરવાની જરૂર છે એક વાર.

રાતે જે શાંતિની ઊંઘ લો છો એ તમારી વસૂલી છે અને નિષ્ફિકર થઈને જે બહારગામ ફરવા માટે નીકળી જાઓ છો એ પણ તમારી વસૂલીનો જ એક ભાગ છે. જરા વિચાર કરો કે પોલીસને પગાર તમારે ચૂકવવાનો હોય તો તમારી શું હાલત થાય? રસ્તા પર ઊભેલા ટ્રાફિક કૉન્સ્ટેબલ તમારા પૈસે જીવતો હોય તો તમારી દશા કેવી માઠી બેસે? રોડ-રસ્તા દેશની સરકારે બનાવ્યા છે, પણ જો એ તમારે બનાવવાના હોય તો શું થાય? કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ કે ટૅક્સ ભરી દેવો કે વેરાઓ ભરવાનો અર્થ એવો નથી કે તમે રાષ્ટ્રભક્ત છો. રાષ્ટ્રભાવને સમજવાની તાતી જરૂરિયાત છે અને એ ત્યારે જ સમજાશે જ્યારે કોઈ ત્રાહિત રસ્તા પર કચરો ફેંકતો હશે અને તમારો જીવ બળી જશે. કોઈ ઝાડ કાપતું હશે અને તમારો જીવ ઊકળી ઊઠશે. કોઈ રસ્તા પર દીકરીની છેડતી કરશે અને તમારો ખોફ જન્મી જશે.

આ પણ વાંચો:છાકટા થનારાઓને સજા એટલા માટે આપો કે જેથી ધર્મની ગરિમા અકબંધ રહે

રાષ્ટ્રભાવના એ છે જેમાં રાષ્ટ્ર તમારે માટે નહીં ,પણ તમે રાષ્ટ્ર માટે જીવતા થઈ ગયા હો. ઇઝરાયલ જઈને એક વખત જુઓ તમે ત્યારે તમને ખબર પડશે કે રાષ્ટ્રભાવના કેવી હોય. ઘરના કોઈ પણ એક સભ્યએ આર્મીમાં રહેવું એ કમ્પલ્સરી છે. જો એક જ દીકરી હોય તો દીકરીએ રહેવાનું અને ધારો કે તમારે કોઈ સંતાન નથી તો તમારા હસબન્ડ-વાઇફમાંથી કોઈ એકે રહેવાનું અને એમાં જૉઇન થતાં પહેલાં તમારે એ ટ્રેઇનિંગ પણ લેવાની. આ જ કારણે આજે ચારે બાજુથી દુશ્મન વચ્ચે ઘેરાયેલું હોવા છતાં ઇઝરાયલનો વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. ઇઝરાયલ પાસેથી ભારતે શીખ લેવી પડે છે અને એ જ દેખાડે છે કે ઇઝરાયલ બનવાનો સમય આવી ગયો છે.ઇઝરાયલ બનવા માટે શું કરવું એની વાતો કરીશું આવતી કાલે.

columnists gujarati mid-day