જો ઘરડા ન થવું હોય તો પુરુષોએ શું કરવું જોઈએ?

18 March, 2019 01:12 PM IST  |  | વર્ષા ચિતલિયા

જો ઘરડા ન થવું હોય તો પુરુષોએ શું કરવું જોઈએ?

અનિલ કપૂર (ફાઈલ ફોટો)

મૅન્સ વર્લ્ડ

ઍન્ટિ-એજિંગ. આ શબ્દ પર માત્ર સ્ત્રીઓની ઇજારાશાહી નથી. પુરુષોને પણ હૅન્ડસમ અને યંગ દેખાવાનો પૂરો હક છે. માથા પર દેખાતા ધોળા વાળ અને ચહેરા પર દેખાતી કરચલીઓ તેમને પણ એટલી જ પરેશાન કરે છે જેટલી એક મહિલાને. યુવાન દેખાવાની ઝંખના પુરુષોને પણ હોય છે. યુવાનીને ટકાવી રાખવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. શરૂઆતથી જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઉંમરને દૂર હડસેલી શકાય છે. આજે આપણે ટૉપ ટૂ બૉટમ યંગ લુક માટે પુરુષોએ અપનાવવા જેવા સાવ સાદા અને સરળ માર્ગો વિશે વાત કરીશું.

ઍન્ટિ-એજિંગ નામ પ્રમાણે એક કુદરતી પ્રક્રિયા છે જેને તમારી ઉંમર સાથે સંબંધ છે. આપણા શરીરમાં ઉંમરની સાથે જોવા મળતા બાયોલૉજિકલ ફેરફારોને ટાળી ન શકાય. આ પ્રક્રિયાને કાયમ માટે રોકી રાખવી આપણા હાથમાં નથી, પરંતુ એક સ્તર પર એ ધીમી પડી જાય એવા પ્રયાસો જરૂર કરી શકાય. યંગ લુક માટે માત્ર ચહેરાની સુંદરતા પર નહીં, ઓવરઑલ ફિટનેસ પર ફોકસ કરવું જોઈએ. ચહેરો આકર્ષક હોય, પરંતુ પેટ વધી ગયું હોય તો? એ જ રીતે હેરસ્ટાઇલ, ડ્રેસિંગ અને ઊંઘ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ફેશ્યલ સ્કીન

જેમ-જેમ ઉંમર વધે એમ ચહેરાની ત્વચા પાતળી થતી જાય છે. આંખની આસપાસ અને માથા પર રિંકલ્સ તેમ જ ફાઇન લાઇન્સ બનવા લાગે છે. ફેશ્યલ મૂવમેન્ટ્સના કારણે આ લાઇન્સ ધીમે-ધીમે ઘેરી થતી જાય છે. ત્વચા અને મસલ્સ વચ્ચેના ફૅટી ટિશ્યુની સંખ્યા ઘટતાં ઊપસેલા ગાલમાં ખાડા પડવા લાગે છે. ગરદનની ત્વચા શિથિલ થઈ જતાં ચહેરાનું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે. સૂર્યનાં કિરણોથી ચહેરાની ત્વચા ઝડપથી વૃદ્ધ બને છે. ફેશ્યલ લુકને ટકાવી રાખવા પુરુષોએ સનસ્ક્રીન લગાવવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ. તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ સનસ્ક્રીનની પસંદગી કરવી. આ ઉપરાંત દિવસમાં બે વખત હળવા ફેસવૉશથી ચહેરો ધોવો. રાત્રે સૂતા પહેલાં મૉઇરાઇઝર ક્રીમ અથવા નાઇટ ક્રીમ લગાવવું. ડે-ટૂડે લાઇફમાં આટલું ધ્યાન રાખવાથી ચહેરા પર કરચલી તો નહીં જ પડે, રંગ પણ ઊઘડશે.

સ્કીનકૅર પ્રોડક્ટ્સ

સામાન્ય રીતે આપણે બાથરૂમમાં એવી પ્રોડક્ટ્સ રાખીએ છીએ જે બધા જ વાપરી શકે. આ રીત ખોટી છે. પુરુષોની સ્કિન હાર્ડ હોય છે તેથી તેમણે સ્કિનકૅર પ્રોડક્ટ્સની પસંદગીમાં ચીવટ રાખવી જોઈએ. યાદ રાખો કે પ્રોડક્ટ્સ બદલવા માટે સમયની રાહ જોવાની આવશ્યકતા નથી. આજથી જ ક્લીન્ઝિંગ, એક્સફોલિએટિંગ અને હાઇડ્રેટિંગ આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને સાબુ, બૉડીવૉશ અને ક્રીમ વાપરવાનું શરૂ કરી દો. ઑફિસમાંથી કે જિમમાંથી આવ્યા બાદ હૂંફાળા પાણીથી સ્નાન કરો.

ફૂડ-હૅબિટ્સ

ઍન્ટિ-એજિંગમાં ખોટી ફૂડ-હૅબિટ્સનો રોલ નકારી ન શકાય. આહારમાં શર્કરાનું પ્રમાણ વધે તો ત્વચા વહેલી વૃદ્ધ થઈ જાય છે. શુગરનો અતિરેક ત્વચાને શુષ્ક બનાવે છે. શુષ્ક ત્વચા પર કરચલી દેખાતાં વાર નથી લાગતી. સ્કિનને હાઇડ્રેટ રાખવા પાણી વધારે પીવું અને ચા-કૉફીમાં સાકરનું પ્રમાણ ઘટાડવું. મીઠાઈથી દૂર રહેશો તો ત્વચા ચુસ્ત રહેશે. યુવાન રહેવું હોય તો શુગર ઉપરાંત ઠંડાં પીણાંને પણ તિલાંજલિ આપો.

ફ્રૂટ-જૂસ અથવા નારિયેળપાણી પીવાથી ત્વચાની કુદરતી નમી જળવાઈ રહેશે. ભૂખ લાગે ત્યારે પ્રોટીનબાર અને સિંગ-ચણા ખાવા જોઈએ. તમારા શરીરને સ્વસ્થ અને નીરોગી રાખે એવા હેલ્ધી ફૂડનો આહારમાં સમાવેશ કરવાથી વૃદ્ધાવસ્થાને દૂર ધકેલી શકાય છે.

એક્સરસાઇઝ

ફૂડ-હૅબિટ્સ બદલવાની સાથે એક્સરસાઇઝ પર પણ ધ્યાન આપવું અનિવાર્ય છે. ઍન્ટિ-એજિંગનો અર્થ એટલે ચહેરો યુવાન હોવો એ નથી. ઍન્ટિ-એજિંગ એટલે તમે ફિટ ઍન્ડ ફાઇન દેખાઓ એ. ફિટનેસનું બીજું નામ જ યુવાની છે. શરીરને ચુસ્ત અને શેપમાં રાખવા વ્યાયામને સર્વાધિક પ્રાધાન્ય આપો. જિમ, યોગ, વૉકિંગ, સાઇક્લિંગ, રનિંગ, ઇન્ડોર-આઉટડોર ગેમ્સ જેવા અનેક વિકલ્પોમાંથી એકાદ પસંદ કરી નિયમિતપણે એક્સરસાઇઝ કરો. વર્કઆઉટથી ત્વચા ટાઇટ થાય છે. દરરોજ પંદર મિનિટ મેડિટેશન માટે ફાળવો.

વ્યસન

વ્યસન અનેક રોગનું મૂળ તો છે જ. એનાથી ત્વચા પણ અકાળે મૂરઝાઈ જાય છે. યુવાની ટકાવી રાખવી હોય તો વ્યસનમુક્ત જીવન અત્યંત જરૂરી છે. ધૂમ્રપાન અને આલ્કોહૉલની ટેવ ધરાવતા પુરુષોની ત્વચા પર ઉંમરની અસર વર્તાય છે. તમારી ત્વચા જ્યારે સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવે છે ત્યારે ત્વચાને ભયંકર નુકસાન થાય છે. સિગારેટમાં નિકોટિનની હાજરીથી રક્ત કોશિકાઓ સંકોચાઈ જાય છે. શરીરને આવશ્યક પોષણ અને ઑક્સિજનની માત્રા અંદર સુધી પહોંચતી નથી તેથી ત્વચા કાળી પડી જાય છે. ઍન્ટિ-એજિંગથી બચવા વહેલી તકે વ્યસનનો ત્યાગ કરો.

પૂરતી ઊંઘ

ઊંઘનો તમારી ફિટનેસ સાથે સીધો સંબંધ છે. અપૂરતી ઊંઘ અને યુવાની એકબીજાના દુશ્મન છે. માત્ર પૂરતી ઊંઘ લેવાથી પણ કંઈ નહીં વળે. સમયસર સૂવાની ટેવ પાડવી જોઈએ. રાતના મોડે સુધી જાગવાથી તમારા સ્વાસ્થ્ય અને ત્વચા પર વિપરીત અસર થાય છે. ગમે એટલાં કામ હોય પણ રાતે વહેલા સૂઈ જાઓ. આઠ કલાકની ઊંઘ લેવાથી શરીર સ્ફૂર્તિલું બને છે.

ડ્રેસિંગ

શરીરને ચુસ્ત-દુરુસ્ત રાખ્યા બાદ વસ્ત્રોની પસંદગીને ન ભૂલતા. ઘણા પુરુષો બાપદાદાના જમાનાની ફૅશનને અનુસરે છે. ઓલ્ડ ફૅશનના ક્લોધિંગ્સમાં તેઓ યુવાન હોવા છતાં પ્રૌઢ દેખાય છે. પુરુષોએ હંમેશા પર્ફેક્ટ ફિટિંગના ક્લોથ્સ પહેરવાં જોઈએ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે પેટ પર ચરબીના થર હોય એવી વ્યક્તિએ સહેજ ખૂલતાં વસ્ત્રો પહેરવાં જોઈએ, પરંતુ પુરુષોને બહુ ખૂલતાં શર્ટ અને ખભેથી ઊતરી જતાં હોય એવાં ટી-શર્ટ શોભતાં નથી. તમારી ઊંચાઈ અને વજનને અનુરૂપ વસ્ત્રો પહેરવાં જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે તમારો દેખાવ કદાચ ઍવરેજ હોય તો પણ પર્ફેક્ટ ડ્રેસિંગસેન્સ તમને યંગ લુક આપે છે.

હેરસ્ટાઇલ અને ઍક્સેસરીઝ

આજે નાની ઉંમરમાં જ માથામાં ટાલ પડી જવી એ સામાન્ય બાબત થઈ ગઈ છે, પણ જો થોડી ચીવટ રાખવામાં આવે તો વાળને ખરતા અટકાવી શકાય છે. પુરુષોએ પણ માથામાં તેલ નાખવું જોઈએ. મસાજ અને હેરસ્પા કરાવી શકાય. હેરકલર કરતા હો તો વારંવાર રંગ ચેન્જ ન કરો. બ્લૅક કલર કરતાં તમારા ઓરિજિનલ વાળના કલર સાથે મૅચ થાય એવા નૅચરલ કલર કરવાનો આગ્રહ રાખો. તમારા ટીનેજ સંતાન જેવી હેરસ્ટાઇલ રાખવાનું ટાળો. માથાના વાળ અને હેરસ્ટાઇલથી તમારા ઓવરઑલ લુકમાં ઘણો ફરક પડી જાય છે. વાળ ઉપરાંત શૂઝ, બેલ્ટ અને અન્ય ઍક્સેસરીઝ પણ તમને યંગ લુક આપશે.

એક્સપર્ટ શું કહે છે?

ઉંમર કરતાં દસ વર્ષ યંગ દેખાવા સૌથી પહેલાં તો ફિટનેસ પર જ ફોકસ કરવું જોઈએ એવો અભિપ્રાય આપતાં ઘાટકોપરના પર્સનલ ગ્રૂમિંગ ઍન્ડ હેર એક્સપર્ટ મીત ગાલા કહે છે, ‘ચાલીસ વર્ષ થાય એટલે પુરુષો યંગ લુક માટે જાગે છે. તેમને એટલું જ કહેવાનું કે ફિટનેસ વગર મેકઓવર શક્ય જ નથી. ઓવરઑલ આઉટલુક માટે એક્સરસાઇઝ અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે ચાલીસની આસપાસ ઉંમર થાય એટલે પુરુષોનું પેટ બહાર આવી જાય છે. પેટની ચરબી વધે નહીં એ માટે એક્સરસાઇઝ પર ધ્યાન આપવું જોઈએ. પુરુષોની પર્સનાલિટીમાં બ્રોડ શોલ્ડર અને બાયસેપ્સનો રોલ મહત્વનો છે. બૉડી ફિટ રાખવાથી ઉંમર દેખાતી નથી.

ફિટનેસ ઉપરાંત ક્લોધિંગ પર પણ ધ્યાન આપવું જોઈએ. ઑફિસમાં અથવા બિઝનેસ મીટિંગ્સમાં હંમેશાં કૅઝ્યુઅલ વેર પહેરવાનો આગ્રહ રાખો. જો હાઇટ ઓછી હોય તો ડાર્ક કલરના પેન્ટ પર ચેક્સવાળાં શર્ટ પહેરવાં જોઈએ. સાથે પૉઇન્ટેડ લેધર શૂઝ પહેરી શકાય. આ ડ્રેસિંગ સ્ટાઇલ પુરુષોને ટફ લુક આપે છે. વીકએન્ડમાં હૉલિડે મૂડ હોવો જોઈએ. રજાના દિવસે જીન્સ અથવા કેપ્રી સાથે ટી-શર્ટ સરસ લાગે છે. સાથે સ્પોટ્ર્સ શૂઝ પહેરો. પ્રોફેશનલ અને હૉલિડેના ક્લોધિંગને મિક્સ-અપ ન કરો.

આ પણ વાંચો : દેશના રાજકારણને લઈને યુવાનો શું વિચારે છે?

ઓવરઑલ પર્સનાલિટી માટે પુરુષોએ હેરસ્ટાઇલ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. અત્યારે સ્પાઇકી અને ફેડિંગ કટ્સ પૉપ્યુલર છે. ફેડિંગમાં કાનની ઉપર દોઢથી બે ઇંચ જગ્યા છોડી હેર કટ કરવામાં આવે છે. એ જ રીતે ડોકના પાછળના ભાગથી દોઢ-બે ઇંચ ઉપર સ્કિન દેખાય એ રીતે હેર કટ થાય. આજકાલ બિયર્ડનો ટ્રેન્ડ પણ છે. મધ્યમ વયના પુરુષોને શાર્પ બિયર્ડ યંગ લુક આપે છે. ફિટનેસ અને કરેક્ટ ફેસની સાથે ક્લોધિંગ અને લેટેસ્ટ ફૅશન ટ્રેન્ડ પર ફોકસ કરશો તો ચોક્કસ યુવાન દેખાશો.

Varsha Chitaliya columnists