ભાઈઓ અને ભાઈઓ, કઈ રીતે રહેશો ચોમાસામાં સ્ટાઇિલશ?

22 July, 2019 10:55 AM IST  |  મુંબઈ ડેસ્ક

ભાઈઓ અને ભાઈઓ, કઈ રીતે રહેશો ચોમાસામાં સ્ટાઇિલશ?

ચોમાસું અને પુરુષો માટેની સ્ટાઇલિંગ

મૅન્સ વર્લ્ડ

મુંબઈમાં ચોમાસું અધધધ ટ્રાવેલિંગ, ટ્રાફિક અને પાણી ભરાવાની ધમાચકડીને કારણે કપડાંની બાબતમાં સૌથી વધુ અગવડ આપનારું છે. મહિલાઓ પાસે મૉન્સૂનમાં ઝડપથી સુકાઈ જાય એવાં કપડાંના ઘણા ઑપ્શન છે, જ્યારે પુરુષો પાસે એ પડકારજનક બાબત બની જાય છે. રોજ પહેરાતાં ફૉર્મલ પૅન્ટ-શર્ટ અથવા જીન્સ-ટી-શર્ટ ચોમાસામાં તકલીફ વધારનારાં બની જાય છે. તો કઈ રીતે પુરુષોએ ચોમાસામાં પોતાનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ જાળવી રાખવું એના પર નજર કરીએ.

જીન્સ જ ગમતાં હોય તો
જીન્સ પુરુષોને ગમતા પોષાકમાંનો ઑલટાઇમ પર્યાય છે. જીન્સ જોકે ચોમાસામાં ત્રાસદાયી બની જાય છે, કારણ કે જાડું ફૅબ્રિક હોવાને કારણે એને સુકાતાં ખૂબ વાર લાગે છે. એથી એ ન પહેરો તો ખૂબ સારું, પરંતુ ચોમાસામાં જો જીન્સ પહેરવું જ હોય તો સ્ટ્રેચ થાય એવાં ડેનિમ પહેરો. એમાં થોડા ટકા સ્પેન્ડિક્સ હોય છે જે ઝડપથી સુકાય છે અને સ્ટ્રેચેબલ હોવાને લીધે ચામડી પર ચોંટી પણ નથી રહેતું. વધુમાં સ્ટ્રેચ ડેનિમ સાદા ઓરિજિનલ ડેનિમ કરતાં ચોમાસામાં પહેરવા માટે સારો પર્યાય છે. જો ડેનિમમાં હજી પ્રયોગો કરવા હોય તો બ્લુ ડેનિમ ચોમાસામાં રેકમન્ડેડ છે. આનું ફૅબ્રિક કૉટન વૂલ ફૅબ્રિક હોય છે જેને ડાઇ નથી કરવામાં આવતું અને એ સૉફ્ટ લાગે છે. પરંતુ સૉફ્ટ હોવાને લીધે એ ઓછું ટકશે એવું નથી, હકીકતમાં બ્લુ ડેનિમ વધુ ટકાઉ હોય છે તેમ જ એમાં રહેલું કૉટન ઝડપથી સુકાય છે. આ ફૅબ્રિકથી રૅશિસ પણ નહીં થાય.

રંગીન બની જાઓ થોડા
વરસાદના થોડા ડલ અને આળસ ઉપજાવનારા વાતાવરણને થોડું રંગીન બનાવવા માટે તમારા પહેરવેશમાં બ્રાઇટ રંગો ઉમેરી શકાય. લાઇટ કલરફુલ ફૅબ્રિક અને પ્રિન્ટની મદદથી વૉર્ડરોબને હૅપનિંગ બનાવી શકાય. પ્રિન્ટેડ ટી-શર્ટ અને લાઇટ કૉટનનાં શર્ટ મૉન્સૂનમાં મસ્ટ હૅવ છે. આ સીઝનમાં તમે કૅઝ્યુઅલ શર્ટ પણ પહેરી શકો છો. કૅઝ્યુઅલ લુક આપતું જૅકેટ થોડા ફન અને સૉફિસ્ટિકેટેડ લુક આપશે. રંગોમાં પણ ખૂબબધા પર્યાય છે. આ સીઝનના કલર સ્કેલમાં સમાવેશ થાય છે બ્રાઉન, ગ્રીન અને પર્પલના શેડનો. ઑરેન્જ અને પિન્ક પણ આ સીઝનમાં હૉટ ફેવરિટ છે. મૉન્સૂન એક્સ્પીરિયન્સને અપલિફ્ટ કરવા માટે બેજ પણ એક નવો જોડાયેલો અને સોબર રંગ છે.

કાર્ગો શૉર્ટ્સ
આ શૉર્ટ્સ આમ તો વષોર્થી પુરુષોમાં લોકપ્રિય છે, પણ પહેલાં એ કૉલેજમાં કે ઑફિસમાં નહોતી પહેરાતી. હવે આ કૂલ અને ફન્કી લુક આપતી શૉર્ટ્સ ઇનફૉર્મલ ઑફિસવેઅરથી લઈને કૉલેજના કૅમ્પસ સુધી બધે જ ફેમસ થઈ ગઈ છે. આ શૉર્ટ્સ ગોઠણ સુધીની અથવા એનાથી થોડી વધુ લંબાઈની આવે છે. કૅઝ્યુઅલ ડ્રેસકોડ ધરાવતી ઑફિસમાં પણ હવે લોકો કાર્ગો શૉર્ટ્સ પહેરતા થયા છે.

આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

પગમાં શું પહેરશો?

મૉન્સૂનમાં ચંપલ પહેરવાનું ટાળવું. એના કરતાં કિટોઝ, સૅન્ડલ્સ કે શૂઝ પહેરવાં. પૅક શૂઝ પહેરવાથી અંદર પગ ભીના રહેશે એવો ડર હોય તો જ્યારે અનુકૂળ લાગે ત્યારે થોડી વાર માટે શૂઝ કાઢી નાખો અને હવામાં પગને સુકાવા દો.

columnists