સ્ત્રી સહકર્મીઓ સાથે વાત કરતાં પુરુષોને લાગે છે ડર

16 September, 2019 03:26 PM IST  |  | મૅન્સ વર્લ્ડ - અર્પણા શિરિષ

સ્ત્રી સહકર્મીઓ સાથે વાત કરતાં પુરુષોને લાગે છે ડર

ચેતતો નર સદા સુખી. #MeTooના આ કાળમાં આ કહેવતને પુરુષો કંઈક વધુ જ સિરિયસલી લઈ રહ્યા છે. LeanIn.Org અને સર્વે મંકી નામની બે કંપનીઓએ છેલ્લાં બે વર્ષમાં ઑફિસમાં સ્ત્રીઓ અને પુરુષોને કેવા અનુભવો થાય છે એ જાણવા માટે એક સ્ટડી કર્યો હતો. જોકે પહેલાંના સમયમાં સ્ત્રીઓને ઑફિસમાં ભરપૂર સપોર્ટ આપનારા પુરુષો આજે પોતાની ફીમેલ કો-વર્કરથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. #Metooના વિશ્વવ્યાપી ઊહાપોહ બાદ ખાસ કરીને મૅનેજર લેવલના પુરુષો પોતાનાથી જુનિયર ફીમેલ કો-વર્કર સાથે કામ કરવાનું ટાળી રહ્યા છે અને આવા પુરુષોની સંખ્યામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ૩૨ ટકાનો વધારો જોવા મળ્યો છે. તેઓ વન-ઑન-વન મીટિંગ, કામ માટે સાથે ટ્રાવેલ કરવાનું તેમ જ ઑફિશ્યલ ડિનર પર જવાનું સુધ્ધાં ટાળે છે; કારણ ફક્ત એ કે સામેવાળી વ્યક્તિ ક્યાંક અજુગતું તો નહીં વિચારેને! જોકે આ વધતા જતા કમ્યુનિકેશન ગૅપનો ભોગ કંપનીને આપવો પડે છે. ચાલો જાણીએ આ વિષે પુરુષોનું શું કહેવું છે.

પ્રોફેશનલિઝમ જરૂરી

પુરુષો જ્યારે બીજા પુરુષ સહકર્મીઓ સાથે હોય ત્યારે જે બોલી શકે એ એક ફીમેલની હાજરીમાં બોલવામાં અચકાય છે. પછી એ બીજા સહકર્મીની પંચાત હોય કે પછી કોઈ પર્સનલ વાત. તેમને લાગે છે કે સામેવાળી વ્યક્તિ એને પર્સનલી લઈ લેશે. આ વિશે વાત કરતાં એક કૉર્પોરેટ કંપનીમાં એચઆર હેડ તરીકે કામ કરતા કરણ માખણિયા કહે છે, ‘જો કંપની નાની હોય કે જ્યાં ફીમેલ એમ્પ્લૉયીની સંખ્યા ઓછી હોય ત્યાં આવો કમ્યુનિકેશન ગૅપ જોવા મળે છે. જોકે મોટી કૉર્પોરેટ કંપનીઓમાં કે જ્યાં પ્રોફેશનલ અપ્રોચ અપનાવવામાં આવે છે ત્યાં આવા પ્રૉબ્લેમ્સ નથી જોવા મળતા. જોકે #MeToo બાદ હવે પુરુષો વધુ સતર્ક રહે છે એ વાત સાચી છે.’

આ વાત સાથે સહમત થતાં એક ફાઇનૅન્સ કંપનીના સ્ટેટ હેડ વિરલ ગાલા કહે છે, ‘જો આપણે પ્રોફેશનલ રહીએ તો સામેવાળી વ્યક્તિ પણ એ જ રીતે રહે છે. તકલીફ ત્યારે આવે છે જ્યારે મહિલા કે પુરુષ બેમાંથી એક હાઈ પોઝિશન પર હોય અને એકબીજા પ્રત્યે પ્રોફેશનલ રહીને માન ન જાળવતી હોય. આવામાં કમ્યુનિકેશન ગૅપ વધી જાય છે અને કંપનીનું કામ અફેક્ટ થાય છે.’
વિચારીને વાત કરવી પડે

ગમેતેટલા ફ્રેન્ડલી હોઈએ તોયે સ્ત્રી સહકર્મીઓ સાથે વિચારીને વાત કરવી પડે છે એવું કહેતાં વિરલ ઉમેરે છે, ‘કોઈ જોક કે કમેન્ટ પુરુષો કૅઝ્યુઅલી ઍક્સેપ્ટ કરી લે છે, જ્યારે સ્ત્રીઓ કેટલીક વાર પર્સનલી લઈ લે છે. એટલે એક પુરુષ તરીકે મને જે વાત સામાન્ય લાગે કદાચ એ સ્ત્રી માટે એટલી ફ્રેન્ડ્લી ન હોય. દરેક વ્યક્તિ જોકને જોક તરીકે જ લે એવું નથી. અને એનો અંજામ ખરાબ આવી શકે. એટલે ઑફિસમાં વાત કરતાં પહેલાં વિચારવું પડે.’

આ વિશે વધુ વાત કરતાં સૉફ્ટવેર કંપની સાથે સંકળાયેલા નાલાસોપારાના ચેતન દેઢિયા કહે છે, ‘સંવાદ કમ્ફર્ટ લેવલ જોઈને કરવો પડે. જો એક જ ટીમમાં બધા એક લેવલ પર હોય તો કમ્ફર્ટ લેવલ હોય છે. આવામાં મજાકમસ્તી ચાલે, પણ ફીમેલ કો-વર્કર જ્યારે સિનિયર કે જુનિયર લેવલ પર હોય કે પછી ઑર્ગેનાઇઝેશનમાં નવી હોય તો માન જાળવીને અને સંભાળીને વર્તવું પડે અને વર્તવું જ જોઈએ.’

ઑફિસ રોમૅન્સ જવાબદાર

જો #MeTooની અસર ઑફિસમાં ન થાય એવી ઇચ્છા હોય તો ઑફિસ રોમૅન્સથી દૂર રહેવું જોઈએ એવું જણાવતાં કરણ માખણિયા કહે છે, ‘ગમે તે કંપનીમાં મેલ-ફીમેલ એકસાથે આખો દિવસ હોય ત્યારે અટ્રૅક્શન અને ફ્રેન્ડશિપ સામાન્ય છે. પણ ઑફિસ રોમૅન્સથી દૂર રહેવું જોઈએ, કારણ કે જ્યારે બે એમ્પ્લૉયી વચ્ચે આ પ્રકારના સંબંધો હોય તો નુકસાન કંપનીને અને બીજા એમ્પ્લૉયીઓને થાય છે. આવામાં બીજા કર્મચારીઓ સાથે અન્યાય થઈ શકે છે. તેમ જ આવા સંબંધો જ્યારે તૂટે ત્યારે પરિણામ ગંભીર આવે છે. છેવટે નુકસાન કંપની વેઠે છે. એટલે ઑફિસમાં સહકર્મીઓ સાથે બને એટલા પ્રોફેશનલ સંબંધો જ રાખવા જોઈએ.’

આ પણ વાંચો: ડેડ બૉડ : પુરુષોમાં કસરત ન કરવાનું એક નવું કારણ

કંપનીનો રોલ પણ મહત્ત્વનો

કંપની બધા કર્મચારીઓને સમાન દૃષ્ટિએ જુએ એ પણ મહત્ત્વનું છે. ખાસ કરીને અપ્રેઝલ સમયે જો એક જ લેવલ અને ડેઝિગ્નેશન પર કામ કરતાં મેલ અને ફીમેલ કર્મચારી વચ્ચે ભેદભાવ થાય તો એવામાં બીજી વ્યક્તિની ભાવનાઓ દુભાય છે. જો ફીમેલને અહીં પ્રાધાન્ય આપવામાં આવે તો પુરુષો ડિસકરેજ થઈને સ્ત્રીઓ માટે પૂર્વગ્રહ બાંધી બેસે છે. તેમ જ ભવિષ્યમાં સ્ત્રીઓ સાથે કામ કરવાનું ટાળે એવું પણ બની શકે. આ જ વસ્તુ રજાઓની બાબતે પણ બની શકે છે. એટલે દરેક એમ્પ્લૉયી સાથે તેની જેન્ડરને ધ્યાનમાં ન રાખતાં પ્રોફેશનલ અપ્રોચ અને ઓપન ડોર કલ્ચર આપવાની જવાબદારી કંપનીની છે. આ વિશે પોતાનો અનુભવ શૅર કરતાં ચેતન દેઢિયા કહે છે, ‘મારો અત્યાર સુધીનો સ્ત્રી સહકર્મી સાથેનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. મારી ભૂતપૂર્વ બૉસ એક ફીમેલ હતી, પણ તેમણે ક્યારેય કોઈ પ્રકારનું નેગેટિવ વર્તન કર્યું નહોતું, જેના લીધે કમ્યુનિકેશન ગૅપ વર્તાયો નથી.’

પુરુષો માટે ટિપ્સ

-કોઈ પણ પ્રકારની એવી વાતચીત કે વર્તન ટાળવું જેના લીધે સામેવાળી સ્ત્રી અનકમ્ફર્ટેબલ થતી હોય.

-ઑફિસમાં રોમૅન્ટિક રિલેશનશિપ ટાળવી. જેટલી નિકટતા વધશે એટલું જ જોખમ પણ.

-સ્ત્રી સહકર્મી પ્રત્યે કોઈ પૂર્વગ્રહ ન બાંધવો. છોકરી છે એટલે આટલી મોટી પોઝિશન મળેજને કે પછી તે તો બધાની ફેવરિટ છે, આવી નેગેટિવ ટિપ્પણીઓ કરવાનું ટાળવું. આવા વિચારોને લીધે તમે સ્ત્રી સહકર્મી સાથે હેલ્ધી રિલેશન નહીં જાળવી શકો.

-જોક્સ આર નૉટ ફની ફૉર એવરી વન. એટલે કોઈની લાગણી દુભાય એવી કે દ્વિઅર્થી રમૂજો ફીમેલ કો-વર્કર સામે કરવાનું ટાળવું.

-આફ્ટર ઑફિસ સોશ્યલ મીટિંગ અને ડિનર બને તો ટાળી શકાય.
- કરણ માખણિયા, હ્યુમન રિસોર્સ હેડ, જુહુ


columnists gujarati mid-day