ભારતીય પુરુષ પોતાનાથી વધુ કમાતી મહિલાના પતિ હોવનું ગર્વ લે?

13 May, 2019 02:15 PM IST  |  | વર્ષા ચિતલિયા - મૅન્સ વર્લ્ડ

ભારતીય પુરુષ પોતાનાથી વધુ કમાતી મહિલાના પતિ હોવનું ગર્વ લે?

પ્રતીકાત્મક તસવીર

મૅન્સ વર્લ્ડ

થોડા સમય પહેલાં મુંબઈના એક કપલે આલીશાન ફ્લૅટ ખરીદ્યો. ઘર ખરીદવા માટેની કુલ રકમમાંથી સિત્તેર ટકા રકમ પત્નીની કમાણીમાંથી ચૂકવવામાં આવી હતી. આ વાતની જ્યારે સગાં-સંબંધીઓ અને લાગતાવળગતા લોકોને ખબર પડી ત્યારે બધાને આશ્ચર્ય થયું. આવકની બાબતમાં સુપિરિયર ગણાતા ભારતીય પુરુષો હવે પત્નીની કમાણીમાંથી ખરીદેલા ઘરમાં રહેવાનું પસંદ કરે એટલા ઉદાર થઈ ગયા છે એ વાત ગળે ઊતરે છે?

એક ઑનલાઇન ન્યુઝ ઍપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે વધતાં પ્રેમલગ્નો, મહિલા સશક્તીકરણ અને ઘટતા જેન્ડર પે ગૅપના કારણે પુરુષોની માનસિકતા અને પરંપરાગત વિચારધારામાં પરિવર્તન આવ્યું છે. આ સર્વેમાં ૨૦થી ૩૫ વર્ષની વયના એક લાખ ત્રીસ હજારથી વધુ લોકો સાથે વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચામાં ભાગ લેનારી ૮૪ ટકા યુવતીઓએ કહ્યું હતું કે પોતાના કરતાં ઓછી ઇન્કમ ધરાવતા યુવક સાથે પરણવામાં તેમને વાંધો નથી. માત્ર સાત ટકા પુરુષોએ કબૂલ્યું હતું કે પત્ની વધુ કમાતી હોય તો તેમનો ઈગો હર્ટ થાય છે. એનો અર્થ ૯૩ ટકા પુરુષો વધુ આવક ધરાવતી પત્નીને સ્વીકારતા થયા છે. આ સર્વે સાથે કેટલા લોકો સહમત છે?

શું ખરેખર પુરુષોની માનસિકતામાં પરિવર્તન આવ્યું છે? પુરુષપ્રધાન વિચારસરણી ધરાવતા આપણા દેશમાં પત્ની વધુ કમાતી હોય એ બાબત સહન કરી શકે એવા પુરુષો કેટલા હશે ચાલો જાણીએ.

વધુ આવક ધરાવતી વ્યક્તિ હુકૂમત ચલાવે તો ઈગો હર્ટ થાય - પ્રશાંત ભગત

પત્ની પોતાની કમાણીનો રોફ બતાવે તો પુરુષના અહંકારને ઠેસ પહોંચે છે એવો મત વ્યક્ત કરતાં પ્રશાંત ભગત કહે છે, ‘અત્યાર સુધી પુરુષો જ કમાતા હતા, પણ એમનામાં આ બાબત ઈગો જોવા નથી મળ્યો. એ જ રીતે પત્નીની આવક વધુ હોય તો તેનો ઍટિટ્યુડ ચેન્જ થવો ન જોઈએ. કોણ વધુ કમાય છે એના કરતાં કોણ પોતાની જવાબદારી સમજે છે એ વધુ મહત્વનું છે. જો બન્ને પોતાની જવાબદારી સમજે તો કમાણીને લઈને ક્લેશ થતો નથી. પત્ની જ્યારે પોતાની કમાણી બતાવવાનું શરૂ કરે છે અને હકૂમત ચલાવે છે ત્યારે પતિ સહન નથી કરી શકતો. પત્નીનો ઍટિટ્યુડ બદલાય તો ડખા થાય.’

ધંધાકીય મંદી અને વર્તમાન પરિસ્થિતિને જોતાં સ્ત્રીએ આત્મનિર્ભર રહેવું જરૂરી છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘આજે કામધંધા ઠંડા પડી જવાના લીધે ઘણાના ઘરમાં પત્નીની આવકથી સપોર્ટ મળે છે. સમયની સાથે પુરુષોનો સ્વભાવ નરમ પડ્યો છે. ઉપરોક્ત સર્વેમાં ઘણી યુવતીઓનું કહેવું છે કે પોતાના કરતાં ઓછી કમાણી કરતા પુરુષો સાથે પરણવામાં તેમને વાંધો નથી અને યુવકોને પણ વધુ કમાતી પત્ની ચાલશે એવું જાણવા મળ્યું છે. આ બાબત મારું માનવું છે કે લગ્ન એ લૉટરી જેવું છે. પહેલાં તમે બાંધછોડ કરવા તૈયાર થયા હો અને પછી આ જ બાબત બન્ને વચ્ચે મતભેદનું કારણ બને એવી શક્યતા નકારી ન શકાય.’

વીમેન એમ્પાવરમેન્ટના યુગમાં પુરુષો સહનશીલ બન્યા છે - જગન મહેતા

હવે આવક કરતાં કરીઅરને પ્રાધાન્ય આપવામાં આવે છે એવો અભિપ્રાય આપતાં જગન મહેતા કહે છે, ‘એક સમય હતો જ્યારે માતા-પિતા દીકરી માટે વધુ કમાતો છોકરો શોધતાં હતાં. જમાઈ એક વેંત ઊંચો હોવો જોઈએ એ વિચારધારા હતી. હવે સમય બદલાયો છે. આજની યુવતીઓ પોતાનો નિર્ણય જાતે લે છે. પાત્ર પસંદ કરતી વખતે યુવક કેટલું કમાય છે એના કરતાં કયા ફીલ્ડમાં છે અને એનું ફ્યુચર શું છે એના પર ફોકસ રાખે છે. તેઓ એવું વિચારે છે કે અત્યારે ભલે ઓછું કમાય છે, પણ ફ્યુચર સારું છે એટલે ઇન્કમ વધવાની છે. સામે યુવકો પણ આવું વિચારતા થયા છે તેથી લગ્ન સમયે કોની આવક વધુ છે એ પ્રશ્ન મહત્વનો રહ્યો નથી. વીમેન એમ્પાવરમેન્ટના યુગમાં પુરુષો પરંપરાગત વિચારધારામાંથી બહાર નીકળી સહનશીલ બન્યા છે એ વાત સો ટકા સાચી છે.’

પહેલાંના સમયમાં બૈરાંઓ લગભગ ઘરમાં જ રહેતાં હતાં. એજ્યુકેશનના અભાવે પતિ જ ઘરનો મુખિયા હતો તેથી તેમની વિચારસરણી જુદી હતી એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘એ જમાનામાં કદાચ પરિસ્થિતિના કારણે કોઈ બૈરાં કામ કરતાં હશે તો તેમની આવક ગૃહઉદ્યોગ સુધી સીમિત હતી. આજે પણ અશિક્ષિત અને સદીઓથી ચાલી આવતી વિચારસરણીને અનુસરનારા પુરુષો હશે, પરંતુ મેટ્રો અને મિની મેટ્રો સિટીમાં રહેતા દરેક જનરેશનના પુરુષો પત્નીના મજબૂત વ્યક્તિત્વ અને ઉચ્ચ આવકને સ્વીકારવા જેટલા ઉદાર બન્યા છે.’

પત્ની ઘર ચલાવે એ બહુ ઓછા પુરુષો સહન કરી શકે - સોનલ જાગાની

પત્ની વધુ કમાતી હોય તો પુરુષોનો ઈગો હર્ટ થાય છે એવો જવાબ આપતાં સોનલ જાગાની કહે છે, ‘પુરુષ બ્રેડ વિનર છે એવી માનસિકતામાંથી બહાર નીકળવાની હિંમત બહુ ઓછાં પુરુષોમાં જોવા મળે છે. તેઓ એવું માને છે કે મારી પત્ની વધુ કમાશે તો મારા પર રુઆબ કરશે, સમાજમાં મારી આબરૂ જશે, મારી ઇમેજ ખરાબ થશે. આ માન્યતા સદંતર ખોટી છે. ઘર બન્નેનું છે તો કોઈ પણ ચલાવે એનાથી શું ફરક પડે છે? મોંઘવારીના જમાનામાં બન્ને મળીને કામ કરે અને ઘરમાં વધુ પૈસા આવે એમાં ખોટું શું છે? બધામાં આવી સમજ હોતી નથી.’

મારી અંગત વાત કરું તો હું મારા હસબન્ડ કરતાં વધુ કમાઉં છું એમ બોલતાં તેઓ કહે છે, ‘મારા હસબન્ડનો સારો બિઝનેસ હતો. કામધંધો પડી ભાંગ્યો અને આર્થિક ખેંચ વર્તાવા લાગી ત્યારે મેં સામેથી કહ્યું કે મને નોકરી કરવા દો. આજે હું કામ કરું છું એનું શ્રેય માત્ર હસબન્ડને જ નહીં, સાસુ-સસરાને પણ જાય છે. સ્ત્રીસહજ સ્વભાવના કારણે ક્યારેક પત્ની કહી દે કે હું તમારા કરતાં વધુ પૈસા લાવું છું તો પુરુષોએ તેને પૉઝિટિવ લેવું જોઈએ. આવું કહેવા પાછળનો હેતુ સંભળાવવાનો જરાય હોતો નથી. એ તમને આગળ વધવા માટે અને સંઘર્ષ કરવા માટે મોટિવેટ કરે છે એવું વિચારો તો તમારા અહંકારને ઠેસ ન પહોંચે.’

ઇન્ડિયાના પુરુષો કંઈ વધુ કમાતી બૈરીને સહન કરતા હશે? - હિના મોદી

પુરુષો હળાહળ જૂઠું બોલે છે એવો આક્રોશ વ્યક્ત કરતાં હીના મોદી કહે છે, ‘ભારતીય પુરુષની માનસિકતા ક્યારેય બદલાવાની નથી. તેઓ પહેલાં પણ ઘરના સર્વેસર્વા હતા અને આજે પણ તેમનું જ ચાલે છે. સ્ત્રી વધુ કમાતી હોય કે ઓછું એને ઘર અને બહાર બન્ને મોરચે લડવું પડે છે. અરે, ઘર પત્નીની કમાણી પર ચાલતું હોય ને તો પણ ઘરમાં દાદાગીરી તો પુરુષની જ ચાલે છે. મેં એવા પુરુષો જોયા છે જેઓ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરે છે. તેઓ એવું સમજે છે કે સ્ત્રી પોતાની આવડતથી વધુ કમાઈ ન શકે. વધુ કમાવા માટે તેણે આડો રસ્તો જ અપનાવ્યો હશે. પતિ કરતાં પત્ની આગળ નીકળી જાય એ આપણા દેશનો પુરુષ સાંખી લે એ વાતમાં દમ નથી.’

આ પણ વાંચો : કૉલમ : સાઇબર બુલિંગનો શિકાર તો નથી ને તમારું સંતાન?

સમયની સાથે પરિવર્તન આવ્યું હશે તો પણ એવા પુરુષોની સંખ્યા આજે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હશે એમ જણાવતાં તેઓ કહે છે, ‘આપણે ત્યાં નાનપણથી જ પુરુષને શીખવાડવામાં આવ્યું છે કે તમે સુપિરિયર છો. મને વધુ કમાતી પત્ની સાથે લગ્ન કરવામાં વાંધો નથી એવું કહેનારા યુવકો હશે એ વાત ગળે ઊતરતી નથી. વિદેશની વાત અને રહેણીકરણી જુદી છે. આપણા દેશમાં હજી બે દાયકા સુધી પુરુષોની માનસિકતા બદલાય એવું મને તો લાગતું નથી.’

columnists Varsha Chitaliya