Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : સાઇબર બુલિંગનો શિકાર તો નથી ને તમારું સંતાન?

કૉલમ : સાઇબર બુલિંગનો શિકાર તો નથી ને તમારું સંતાન?

10 May, 2019 10:04 AM IST |
વર્ષા ચિતલિયા - યંગ વર્લ્ડ

કૉલમ : સાઇબર બુલિંગનો શિકાર તો નથી ને તમારું સંતાન?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યંગ વર્લ્ડ

કેસ સ્ટડી નં. ૧: એક ૧૪ વર્ષનો ટીનેજ બૉય રોજ પેરન્ટ્સ સામે સ્કૂલ બદલવા માટે ધમપછાડા કરે. કારણ પૂછો તો જણાવે નહીં. રાબેતા મુજબ પેરન્ટ્સને થયું કે સ્ટડીનું પ્રેશર હશે એટલે જીદ કરતો હશે. પેરન્ટ્સે આ બાબતને ગંભીરતાથી લીધી નહીં એમાં પુત્ર ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. ડિપ્રેશનનું કારણ સ્ટડીનું પ્રેશર નહીં, પણ ક્લાસમેટ્સ દ્વારા કરવામાં આવતી સતામણી હતી.



કેસ સ્ટડી નં. ૨: એક ટીનેજરના સુસાઇડના કેસના ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે ફેસબુક પર પોસ્ટ કરેલા વેકેશન ફોટા વાઇરલ થઈ જતાં ડિપ્રેશનમાં આવી આવું પગલું ભર્યું હતું. ટીનેજરના ફોટાને સેવ કરી ઇન્ટરનેટ પર વાઇરલ કરવામાં આવ્યા હતા.


ઉપરોક્ત કેસ સ્ટડીથી સ્પષ્ટ થાય છે કે આજની જનરેશન સાઇબર બુલિંગનો શિકાર બની રહી છે. એક સોશ્યલ મીડિયા વેબસાઇટે કરેલા સર્વે અનુસાર વિશ્વમાં થતા સાઇબર બુલિંગના કિસ્સામાં ભારતીય બાળકોની સંખ્યા ઘણી વધારે છે. ઇન્ટરનેટ દ્વારા થતી પજવણી અને અણછાજતી ટિપ્પણી (કમેન્ટ્સ)ની બાળકના કુમળા માનસ પર ગંભીર અસર થાય છે. અભ્યાસ કહે છે કે દસથી પંદર વર્ષની ઉંમરનાં હજારો બાળકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ ધરાવે છે. મોટા ભાગના કેસમાં પેરન્ટ્સ આ બાબતથી અજાણ હોય છે. સાઇબર બુલિંગ શું છે? તેમ જ તમારાં સંતાનો કેવા સ્ટ્રેસમાંથી પસાર થઈ શકે છે એ વિશે જાણી લો.

શું છે સાઇબર બુલિંગ?


ઈ-મેઇલ, સોશ્યલ મીડિયા ટેક્સ્ટ, ઍપ્લિકેશન્સ, બ્લૉગ્સ, આપત્તિજનક પિક્ચર્સ અને વિડિયો જેવા ડિજિટલ મીડિયાના માધ્યમથી કરવામાં આવતી હેરાનગતિને સાઇબર બુલિંગ કહેવાય એમ જણાવતાં કમ્યુનિકેશન સ્કિલ એક્સપર્ટ અને યંગકિડ્સ માટે વર્કશોપ હૅન્ડલ કરતાં ડૉક્યાર્ડનાં સમીના બરોડાવાલા કહે છે, ‘સાઇબર બુલિંગ બે પ્રકારે થઈ શકે છે. ક્રિમિનલ અને જનરલ. ઇન્ટરનેટના માધ્યમથી ધાકધમકી આપવી, બદલો લેવાની ભાવનાથી હાનિ પહોંચાડવી, પર્સનલ ઇન્ફર્મેશનનો મિસયુઝ કરવો, ફોટા અને મેસેજ દ્વારા કરવામાં આવતી સતામણીને ક્રિમિનલ બુલિંગ કહેવાય. આમાં પૉર્ન ફિલ્મનો પણ રોલ હોઈ શકે છે. સામાન્ય રીતે સ્કૂલ કિડ્સથી લઈને મૅરેજની એજ ધરાવતા યુવાનો ક્રિમિનલ બુલિંગનો શિકાર બને છે. જનરલ બુલિંગના કેસ મોટા ભાગે સ્કૂલ અને કૉલેજ સ્ટુડન્ટ્સમાં જોવા મળે છે. આ પ્રકારની પજવણીને તમે સામાન્ય ભાષામાં રેગિંગ પણ કહી શકો. ફ્રેન્ડ્સ અથવા સ્કૂલમેટ્સની નિર્દોષ મજાકમસ્તી ક્યારેક એવા સ્તર પર પહોંચી જાય છે કે ભોગ બનનાર સ્ટુડન્ટ ડિપ્રેશનમાં સરી જાય છે અથવા ખોટું પગલું ભરી બેસે છે. આપણે ત્યાં આવા કિસ્સાઓ વધુ બને છે.’

જનરલ બુલિંગ વિશે વધુ માહિતી આપતાં સમીના કહે છે, ‘ફિઝિકલ અને ડિજિટલ બન્ને રીતે બુલિંગ થાય છે. ઘણી વાર સાવ સામાન્ય લાગતી વાત તમારા સંતાનને બુલિંગનો શિકાર બનાવે છે. બીજાનું ટિફિન છીનવીને ખાઈ જવું, ક્લાસ ઍક્ટિવિટીમાં આગળ હોય એવા સ્ટુડન્ટ માટે અનટૂવર્ડ કમન્ટે્સ કરવી, દાદાગીરી કરવી, અપિયરન્સને લઈને ચીડવવું વગેરે ફિઝિક્લ બુલિંગ છે. ડિજિટલ વર્લ્ડની એન્ટ્રી બાદ આ જ વસ્તુ ઇન્ટરનેટ દ્વારા થાય છે.’

કઈ રીતે થાય

બુલિંગ કઈ રીતે થાય એને સમજવા માટે સમીનાએ હૅન્ડલ કરેલા બીજા કિસ્સા જોઈએ. પેરન્ટ્સ વર્કિંગ હોવાથી પાંચ વર્ષની ઉંમરથી જ એક બાળક ઘરમાં એકલો રહેતો હતો. નાનપણથી જ સ્કૂલમાં કોઈની સાથે હળતોમળતો નહીં. ટીનેજમાં પ્રવેશતાં જ ઇન્ટરનેટના સંપર્કમાં આવ્યો અને બુલિંગનો શિકાર બન્યો. ઇન્ટરનેટ પર કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતાં-કરતાં તેણે પોતાની બધી સ્ટોરી કહી દીધી. ટીનેજર તેની વાતમાં એટલો આવી ગયો કે અંગત માહિતી પણ શૅર કરવા લાગ્યો. પોતાની બધી જ સ્ટોરી કહેવા લાગ્યો. એક દિવસ તેની મમ્મીને ખબર પડી કે અને તે સતર્ક થઈ ગઈ. સામે પક્ષે માત્ર ટીનેજરથી પાંચ વર્ષ મોટો છોકરો હતો, જે તેની વિગતો એકઠી કરતો હતો. અહીં મમ્મીની સજાગતાના કારણે ક્રિમિનલ બુલિંગનો ભોગ બનતાં રહી ગયો.

અન્ય એક કેસમાં સાતમા ધોરણના છોકરાને ટીચરે આખા ક્લાસ સામે એક વાર લૂઝર કહી દીધું. ત્યારથી બધા તેને લૂઝર કહી ચીડવવા લાગ્યા. સ્કૂલ લેવલ પર એક સ્ટુડન્ટને ટાર્ગેટ કરી આખો ક્લાસ હેરાન કરે છે. સ્કૂલના વૉટ્સઍપ ગ્રુપમાં પણ તેનું નામ લૂઝર પડી ગયું. હવે એ ગ્રુપ છોડે તો હોમવર્ક વગેરેની ખબર ન પડે અને એમાં રહેવાથી રોજ બુલિંગનો ભોગ બન્યા કરે. આવા કિસ્સામાં બાળક પેરન્ટ્સને કહે તો પણ એની વાત સાંભળવામાં આવતી નથી. સ્કૂલમેટ્સ દ્વારા થતા સાઇબર બુલિંગના કારણે બાળકોનો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય છે.

પેરન્ટ્સનો રોલ

એક સમય હતો જ્યારે પેરન્ટ્સ તેમનાં સંતાનોને કમ્પ્યુટર વાપરતાં જોઈને પોરસાતાં હતાં. તેમને લાગતું હતું કે વાહ, મારું સંતાન સ્માર્ટ છે, પરંતુ મોબાઇલની એન્ટ્રી બાદ ઇન્ટરનેટના ઉપયોગનો જે અતિરેક થઈ રહ્યો છે એનાથી પેરન્ટ્સે ચેતવાની જરૂર છે. તેમને ખબર પણ નથી હોતી કે ટીનેજ સંતાનો કેટલાં અકાઉન્ટ ધરાવે છે અને કોની સાથે વાત કરે છે. સંતાનો પેરન્ટ્સ સાથે બધી વાત શૅર કરતા નથી કારણ કે તેમને પકડાઈ જવાથી ઠપકો મળશે એવો ભય સતાવે છે. અહીં બુલિંગ કરનારની હિંમત વધી જાય છે. બે જનરેશન વચ્ચે આ બાબત કમ્યુનિકેશનનો અભાવ સંતાનોના સ્ટ્રેસનું મુખ્ય કારણ બને છે.

આ પણ વાંચો : કૉલમ : બજરંગબલી બાળકોના કેમ ફેવરિટ છે?

કેટલાક કિસ્સામાં પેરન્ટ્સ (ભોગ બનનાર અને બુલિંગ કરનાર બન્ને બાળકોના) ડિસ્કશન માટે તૈયાર થતાં નથી અથવા તેમની વચ્ચે આ બાબતે ઝઘડો થઈ જાય છે એમ જણાવતાં સમીના કહે છે, ‘દરેક પેરન્ટ્સને એમ લાગે છે કે મારા સંતાનનો આમાં વાંક નથી. શરૂઆત સામે પક્ષેથી થઈ હતી. તેઓ કાં તો ઓવર-પ્રોટેક્ટિવ હોય છે કાં તો બુલિંગને એકદમ જ હળવાશથી લેતા હોય છે. મારી સલાહ છે કે પેરન્ટ્સે સંતાનોની ઑનલાઇન લાઇફ પર નજર રાખવી જોઈએ. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર તેઓ શું પોસ્ટ કરે છે એના પર ધ્યાન આપો. સંતાનના ક્લાસમેટ્સના પેરન્ટ્સ અને શિક્ષકોને સમયાંતરે મળો. ક્રિમિનલ માઇન્ડ, ઍબ્યુઝ લૅન્ગવેજ અને પ્લેઝન્ટ કમેન્ટ્સ વચ્ચે શું અંતર છે એની જાણકારી આપો. ગુડ ટચ અને બૅડ ટચ વિશેની સમજ આપો. સૌથી મહત્વનું એ કે તેમને તમારો સમય આપો. સંતાનોનો ખોવાયેલો આત્મવિશ્વાસ પરત આવે એ માટે જરૂર પડે તો કાઉન્સેલિંગનો સહારો લો. તમારી દેખરેખ હેઠળ તેઓ સલામત છે એ વાતનો વિશ્વાસ તેમને ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકશે. એક વાત પેરન્ટ્સે નોંધી લેવાની જરૂર છે. આ ઉંમરમાં બનેલી અઘટિત ઘટના બાળકને જિંદગીભર માટે ડિપ્રેશનમાં ધકેલી શકે છે. કહેવાય છે ને કે નાનપણનાં સંસ્મરણો માનસપટ પર છવાયેલાં રહે છે. તેના કુમળા મન પર સારી વાતો યાદ રહે એવું વાતાવરણ ઊભું કરો.’

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2019 10:04 AM IST | | વર્ષા ચિતલિયા - યંગ વર્લ્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK