ડ્રીમ્સ લિમિટેડ

08 April, 2021 01:04 PM IST  |  Mumbai | Varsha Chitaliya

લૉકડાઉનના કારણે ગયા વર્ષે વેડિંગ સીઝન સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી, જ્યારે આ વખતે ધામધૂમથી લગ્ન કરી શકાશે એવી સૌને અપેક્ષા હતી. જોકે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઇડલાઇને ફરીથી ટુ બી મૅરિડ કપલ્સને એ જ અસમંજસમાં લાવીને મૂકી દીધાં છે.

વિધિ વોરાણી અને ધ્રુમિલ રાવલ, કરણ જોબલિયા અને ઉર્વી સંઘવી, વૈભવ સંઘવી અને નીલમ પૂજ

લગ્ન સમારંભના જલસાની તૈયારી ચાલતી હોય, પ્રી-વેડિંગ ફોટોશૂટ, સંગીતસંધ્યા, લગ્નની મુખ્ય વિધિ, રિસેપ્શન જેવાં ત્રણ-ચાર ફંક્શન માટે જુદા-જુદા ડિઝાઇનર ડ્રેસના ઑર્ડર અપાઈ ગયા હોય, મનનો માણીગર બૅન્ડ-બાજા લઈને પરણવા આવશે એવાં સપનાંઓ જોતી કન્યા સામે અચાનક આવેલી કોવિડ ગાઇડલાઇનને કારણે લાઇફની મોસ્ટ મેમરેબલ ઇવેન્ટમાંથી કંઈક મિસ થઈ જશે એવી ફીલિંગ આવ્યા વગર ન રહે. લગ્ન સમારંભમાં મહેમાનોની યાદી પર કાપ મૂકવામાં આવતાં તેમ જ નાઇટ કરફ્યુની જાહેરાતથી મુંબઈના ટુ બી મૅરિડ કપલ્સ અત્યારે મેન્ટલ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યાં છે. લગ્નની શરણાઈ વાગવાને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ કેવા ફેરફાર કરવાની ફરજ પડી શકે છે તેમ જ તેઓ શું અનુભવે છે એ જોઈએ.

એક્સાઇટમેન્ટ ટેન્શનમાં કન્વર્ટ થઈ ગયું - વિધિ વોરાણી અને ધ્રુમિલ રાવલ

બાવીસમી મેના રોજ ઘાટકોપરની વિધિ વોરાણી અને અંધેરીના ધ્રુમિલ રાવલનાં લગ્ન છે. તેમના વેડિંગની તમામ ઇવેન્ટ્સમાં પહેરવાના ડિઝાઇનર આઉટફિટ્સ ઑલમોસ્ટ રેડી થઈ ગયા છે. જોકે હાલની પરિસ્થિતિમાં એક્સાઇટમેન્ટ ટેન્શનમાં કન્વર્ટ થઈ ગયું છે એમ જણાવતાં વિધિ કહે છે, ‘ડિસેમ્બર મહિનામાં અમારા એન્ગેજમેન્ટ થયાં ત્યારે લાગતું હતું કે મે એન્ડ સુધીમાં પરિસ્થિતિ થાળે પડી જશે. ગયા વર્ષે અનેક કપલ્સનાં ડ્રીમ અધૂરાં રહી ગયાં હતાં, એવું અમારી સાથે નહીં થાય. ગેસ્ટનું લિસ્ટ બહુ લાંબું નથી બનાવ્યું તોય અંગત સ્વજનો અને ક્લોઝ ફ્રેન્ડ્સ મળીને બસો મહેમાનોને આમંત્રણ આપવાના હતા, પણ હવે એમાં પણ કટ ઑફ કરવું પડશે. લગ્નનો સમય મોડી સાંજનો હતો.  જો નાઇટ કરફ્યુ હશે તો ટાઇમિંગ ચેન્જ કરવો પડશે અને સંગીતસંધ્યાનો કાર્યક્રમ કૅન્સલ થઈ શકે છે એ મોટું ટેન્શન છે.’

હું ઓન્લી ચાઇલ્ડ છું અને વિધિના ઘરમાં પહેલો પ્રસંગ હોવાથી બન્નેના પરિવારમાં ચાલી રહેલી જોરદાર તૈયારી પર અચાનક બ્રેક લાગી ગઈ છે. એક વર્ષ પછી ફરી હતાં ત્યાં આવી ગયાં એમ જણાવતાં થોડી નિરાશા સાથે ધ્રુમિલ કહે છે, ‘લગ્ન એવી ઇવેન્ટ છે જેમાં બ્રાઇડ અને ગ્રૂમ તેમ જ બન્નેની ફૅમિલી ઇમોશનલી કનેક્ટેડ હોય છે. ઘણાબધા ચેન્જિસ કરવા પડશે એમ વિચારીને બધાં સ્ટ્રેસ ફીલ કરીએ છીએ. લિમિટેડ ગેસ્ટમાં સંગીતની મ્યુઝિકલ ઇવેન્ટનો મતલબ નહીં રહે. જોકે ગેસ્ટને વર્ચ્યુઅલ વેડિંગનું ઇન્વિટેશન આપવા વિશે હજી પ્લાન નથી કર્યું. આવતા મહિનામાં કેવી છૂટછાટ મળશે એની રાહ જોઈ જોઈશું. હનીમૂનનું પ્લાનિંગ પણ શું કરવું સમજાતું નથી. ઇન્ડિયામાં પ્રતિબંધ હશે તો ઇન્ટરનૅશનલ ડેસ્ટિનેશન પર જઈશું.’

એક્સાઇટમેન્ટ વગર લાઇફ સ્ટાર્ટ કરવી પડશે - કરણ જોબલિયા અને ઉર્વી સંઘવી

આઠમી મેએ હૉલમાં અઢીસો મહેમાનોની ઉપસ્થિતિમાં થનારાં લગ્નમાં હવે કદાચ માત્ર ફૅમિલીના પચીસેક જણ હશે. મીરા રોડના કરણ જોબલિયા અને ભાઈંદરની ઉર્વી સંઘવીએ ક્યારેય વિચાર્યું નહોતું કે વર્તમાન સંજોગો સાથે સમજૂતી કરી દા શરૂઆત કરવી પડશે. ત્રીસ એપ્રિલ સુધી તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો જ છે અને મે મહિનાની શરૂઆતમાં સોશ્યલ ગેધરિંગની મંજૂરી મળે એવું લાગતું નથી તેથી પેરન્ટ્સની ઇચ્છાને માન આપી સાદાઈથી લગ્ન કરી લઈશું એવો જવાબ આપતાં કરણ કહે છે, ‘ગયા વર્ષે ઘણાં કપલે ધામધૂમથી લગ્ન કરવાની આશાએ પ્રસંગ મુલતવી રાખ્યો હતો પણ ફરીથી એ જ પરિસ્થિતિ છે. ડી ડેના દિવસે પહેરવાના આઉટફિટ્સ અને જ્વેલરી રેડી છે. હૉલ, કેટરર્સ, ફોટોગ્રાફર બધાનું બુકિંગ થઈ ગયું છે. જોકે ગાઇડલાઇનમાં વારંવાર ફેરફારના કારણે તેમને સ્ટૅન્ડબાય રાખ્યા છે. કદાચ ઘરમેળે લગ્ન આટોપી લેવાં પડશે, કારણ કે કોરોનાનો અંત ક્યારે થશે ખબર નથી. પેરન્ટ્સની ઇચ્છાને માન આપી અમારે પણ લાઇફ સ્ટાર્ટ કરવી પડશે.’

કોરોનાએ મૂડ ખરાબ કરી નાખ્યો એમ જણાવતાં ઉર્વી કહે છે, ‘અમારી સાઇડથી પણ તમામ તૈયારી થઈ ગઈ છે. બધું શૉપિંગ કરી લીધું છે, પણ ધામધૂમની ઇચ્છા પર કોરોનાએ પાણી ફેરવી નાખ્યું છે. અમારા ઘણા રિલેટિવ્સ અમદાવાદથી આવવાના હતા તેમનું કૅન્સલ થશે. ઘરના સભ્યો પણ બધા આવી નહીં શકીએ ત્યાં ફ્રેન્ડ્સને ક્યાંથી ઇન્વાઇટ કરીશું? પ્રોફેશનલ ફોટોગ્રાફી તો ભૂલી જવી પડશે. બ્યુટીપાર્લર બંધ થઈ જતાં લગ્ન પહેલાંની બ્યુટી ટ્રીટમેન્ટનું શું થશે એનું ટેન્શન થઈ ગયું છે. ડર છે કે લગ્નના દિવસે બ્યુટિશ્યન ના પાડી દેશે તો મેકઅપ પણ જાતે કરવો પડશે.’

કોરોનાએ ધમાલ-મસ્તીનાં બધાં સપનાં તોડી નાખ્યાં - વૈભવ સંઘવી અને નીલમ પૂજ

દસ વર્ષ પછી પરિવારમાં લગ્નનો પ્રસંગ આવ્યો હોવાથી મલાડના વૈભવ સંઘવીના ઘરમાં ધમાલ ચાલતી હતી. બાવીસમી મેના આયોજિત આ પ્રસંગ માટે હૉલ, કેટરિંગ, ફોટોગ્રાફર, સિંગર બધાંનું બુકિંગ થઈ ગયું છે. તેમની ફિયાન્સી જોગેશ્વરીની નીલમ પૂજ મ્યુઝિકલ ઇવેન્ટસ માટે જબરદસ્ત એક્સાઇટ હતી. કોરોના ગાઇડલાઇનના કારણે હવે બન્નેનો મૂડ આઉટ થઈ ગયો છે. નીલમ કહે છે, ‘કોને બોલાવવા અને કોને ના પાડવી એ અસંમજસ છે. કઝિોન્સ અને ફ્રેન્ડ્સ તો ડાન્સ માટે એક્સાઇટેડ છે. મને પૂછ્યા કરે છે કે ફિફ્ટીના લિસ્ટમાં અમે છીએ કે નહીં? આટલા લોકોની પરમિશનમાં તો ઘરના પણ બધા નહીં આવી શકે એમાં એ લોકોને શું જવાબ આપું? લગ્નના દિવસે હેવી આઇટફિટ્સ પહેરીને તૈયાર થયાં હોઈએ અને ન્યુ મૅરિડ કપલને જોવા માટે મહેમાનો જ ન હોય તો દિલ તૂટી જાય. સિંગર સાથેનો એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ કૅન્સલ કરવો પડશે. મને લાગે છે કે લગ્નમાં માત્ર વડીલો હશે. મસ્તી-ડાન્સ માટે અમારા એજ ગ્રુપમાંથી કોઈ આવી ન શકે તો સિંગર બોલાવવાનો મતલબ નથી રહેતો. બસ, ફેરા ફરીને પરણી જાઓ એવી ઇવેન્ટ હશે.’

વાસ્તવમાં અમારું સગપણ ઘરમેળે નક્કી થયું છે. મહેમાનોની હાજરીમાં આગલા દિવસે સગાઈ અને બીજા દિવસે લગ્ન એમ બે પ્રસંગ સાથે થવાના છે. ચારસો મહેમાનો સાથે જબરદસ્ત જલસો કરવાનું પ્લાનિંગ હતું. સપનાં તૂટી ગયા જેવું ફીલ થાય છે એમ જણાવતાં વૈભવ કહે છે, ‘આઉટફિટ્સનું શૉપિંગ ચાલી રહ્યું હતું ત્યાં જ લૉકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. હવે ફૅમિલીના પાંચ-પચીસ મેમ્બરની હાજરીમાં પરણી જવું પડશે. મારી અને નીલમની ઇચ્છા ડિસેમ્બર સુધી લગ્ન મુલતવી રાખવાની છે, પરંતુ પેરન્ટ્સનું કહેવું છે કે સંજોગો પ્રમાણે લગ્ન લઈ લેવાં જોઈએ. આઘાં ઠેલવાનો કોઈ મતલબ નથી. મૅરેજની ઇવેન્ટ જ નહીં, હનીમૂન માટે કાશ્મીર જવાનું પણ ડામાડોળ લાગે છે.’

columnists Varsha Chitaliya