અનિલ કપૂરના અવતાર સમા પુરુષોને મળીએ

10 May, 2021 12:57 PM IST  |  Mumbai | Ruchita Shah

જો પુરુષો ધારે તો હરહંમેશ હૅન્ડસમ દેખાઈ શકે છે. અમે કેટલાક એવા જ પુરુષો સાથે વાત કરી જેઓ નેતા કે અભિનેતા ન હોવા છતા પોતાની ઉંમરથી મિનિમમ દસ વર્ષ નાના દેખાય છે

કોણ કહેશે આમને અડસઠના?

થોડાક સમય પહેલાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને રશિયાના મોસ્ટ ગુડલુકિંગ મૅન તરીકેનો ખિતાબ ત્યાંના લોકોએ એક સર્વેમાં આપ્યો હતો. જો પુરુષો ધારે તો હરહંમેશ હૅન્ડસમ દેખાઈ શકે છે. અમે કેટલાક એવા જ પુરુષો સાથે વાત કરી જેઓ નેતા કે અભિનેતા ન હોવા છતા પોતાની ઉંમરથી મિનિમમ દસ વર્ષ નાના દેખાય છે

લગભગ બે હજાર રશિયનોને તેમના દેશમાં સૌથી વધુ હૅન્ડસમ કોણ છે અથવા ગુડલુકિંગ કોણ છે જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. એમાંથી ૧૮ ટકા પુરુષો અને ૧૭ ટકા મહિલાઓએ તેમના દેશના પ્રેસિડન્ટ ૬૮ વર્ષના વ્લાદિમીર પુતિનને રશિયાના મોસ્ટ સેક્સીએસ્ટ મૅન જાહેર કર્યા છે. ૬૮ વર્ષની ઉંમરે પણ પુરુષો આટલા જ અપીલિંગ રહી શકે છે એવું દર્શાવતો આ કંઈ પહેલવહેલો કિસ્સો નથી. આજે પણ નરેન્દ્ર મોદીથી લઈને અમિતાભ બચ્ચન જેવા કંઈકેટલાય ચહેરાઓ એવા છે જેમને ઉંમરનો રંગ ચડ્યો નથી અથવા તો તેમની ઉંમરથી તેમની લોકચાહનામાં અને તેમના દેખાવમાં ખાસ કોઈ ઓછપ જણાઈ નથી. મોટા ભાગના પુરુષો હવે પોતાના લુકને લઈને અને રહેણીકરણીને લઈને કૉન્શ્યસ છે, પરંતુ એવા પણ કેટલાક પુરુષો છે જેઓ વધતી ઉંમર સાથે આ બધી બાબતોમાં વધુ સભાન બન્યા છે. એજ સાથે તેમનો રુઆબદાર લુક વધુ અપીલિંગ બન્યો છે. તેઓ કોઈ નેતા કે અભિનેતાની કૅટેગરીમાં નથી આવતા છતાં જાતને મેઇન્ટેઇન રાખવી અને એના માટે બનતા બધા જ પ્રયાસો કરવા એ વાત માટે તેઓ સંપૂર્ણપણે પ્રિપેર્ડ છે. આજે એવા જ કેટલાક પુરુષો સાથે વાત કરીએ જેઓ પોતાના લુક, પોતાની હેલ્થ અને ફિટનેસને સો ટચ સોનાની જેમ સાચવે છે.
યંગ રહેવું છે સદાકાળ
ઘાટકોપરમાં રહેતા પ્રવીણ મંગે ફાઇનૅન્સના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. જોકે તેમનું રૂટીન સાંભળશો તો તમે દંગ રહી જવાના. કોઈ જ બાંધછોડ રૂટીનમાં નહીં. સાંજે સાત પહેલાં જમી જ લેવાનું. સમયસર પૂરતી ઊંઘ લેવાની. નિયમિત કસરત કરે છે. પ્રવીણભાઈ કહે છે, ‘પચાસ પૂરાં થઈ ગયાં છે, પરંતુ લોકો મને ચાલીસનો કહે છે. મારી દીકરી સાથે હોઉં તો તેના ભાઈ જેવો લાગું એવાં કૉમ્પ્લીમેન્ટ્સ પણ મળ્યાં છે. મારી દૃષ્ટિએ હેલ્ધી અને હૅપી રહેવાની ઇચ્છા દરેકને હોય છે, પરંતુ લોકો એને અનુરૂપ જીવન નથી જીવતા. છેલ્લી ક્ષણ સુધી તંદુરસ્ત શરીર સાથે જીવનને માણવું જોઈએ. એવામાં કોઈ મળે અને કહે કે અરે, તારી તો ઉંમર વધતી જ નથી, તું તો એવો ને એવો જ લાગે છે એવાં કોમ્પ્લીમેન્ટ્સ કોઈ આપે તો કોને ન ગમે.’
બે વર્ષ પહેલા પ્રવીણભાઈએ સાઉથ આફ્રિકામાં સ્કાય ડાઇવિંગ કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ દરેક ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો આનંદ તેઓ માણી ચૂક્યા છે. પ્રવીણભાઈ કહે છે, ‘ઉંમર તો એનું કામ કર્યા કરશે, પરંતુ વધતી ઉંમર સાથે શરીર લથડી જ જાય એ જરૂરી નથી. તમે શરીરને જેમ વાળો એમ વળશે, તમે એને જેમ ઢાળો એમ ઢળશે. હું જ નહીં, અમારા ઘરમાં મારી વાઇફ, મારી દીકરી અને મારી ૭૫ વર્ષની મમ્મી પણ હેલ્થની બાબતમાં વધુ સતર્ક છે.’
સાચી વેલ્થનું ધ્યાન
બોરીવલીમાં રહેતા ૫૩ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાકેશ શાહે એક ડાયલૉગને‌ ખૂબ ગંભીરતાથી જીવનમાં ઉતાર્યો અને આજે એનું પરિણામ આપણી સામે છે. ચાલીસ પછી ચાલીશ નહીં તો પછી તું ક્યાંય નહીં ચાલીસ. રાકેશભાઈ કહે છે, ‘ચાલીસ વર્ષ સુધી મારી જીવનશૈલી જ એવી હતી કે હું પોતાની હેલ્થનું ખાસ ધ્યાન નહોતો રાખી શકતો. સવારે સાત વાગ્યે નીકળતો ઘરેથી તો મોડી રાતે આવતો. ચાલીસ વર્ષ પૂરાં થયાં એ પછી મેં આ જીવનશૈલીમાં બદલાવ લાવવાનું નક્કી કરી લીધું. સૌથી પહેલાં તો ઘરની નજીક ઑફિસ લીધી અને ટ્રાવેલિંગનો વધેલો બધો જ સમય ફિટનેસમાં લગાવી દીધો. ૨૦૦૮થી મેં રેગ્યુલર વૉકિંગ ચાલુ કર્યું. રોજના મિનિમમ પાંચથી સાત કિલોમીટર ચાલતો. ૨૦૧૫માં રનિંગ શરૂ કર્યું અને મૅરથૉનમાં દોડવાનું શરૂ કર્યું.’
અત્યાર સુધીમાં રાકેશભાઈ લગભગ દસેક જેટલી હાફ મૅરથૉન દોડી ચૂક્યા છે. કોરોના શરૂ થયા પછી પણ લગભગ દર ઑલ્ટરનેટ દિવસે તેઓ લગભગ સાતથી આઠ કિલોમીટરની રન કરે છે. રાકેશભાઈ કહે છે, ‘હવે લોકોને સમજાઈ રહ્યું છે કે વેલ્થની જેમ જ હેલ્થનું મહત્ત્વ છે. વેલ્થ ભેગી કરવામાં તંદુરસ્તીનો ભોગ ન અપાઈ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સ્વસ્થતા સાથે જીવો એના માટે તમારે થોડુંક ધ્યાન રાખવું જ પડે. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બન્ને જરૂરી છે. રોજ સાંજે બે કલાક હું સોશ્યલ સર્વિસ માટે ફાળવું છું. લોકો મને ૩૫ વર્ષનો કહે ત્યારે ખરેખર એમ લાગે છે કે મેં રાખેલું સ્વાસ્થ્યનું ધ્યાન મને ફળ્યું છે.’

કોણ કહેશે આમને અડસઠના?

પાર્લામાં રહેતા ભરત કાપડિયા ફિટનેસની બાબતમાં રેકૉર્ડબ્રેકર છે. ૫૪ વર્ષની ઉંમરે તેમણે મૅરથૉનમાં દોડવાનું શરૂ કર્યું. સાવ અનાયાસ રનિંગ તેમના જીવનમાં આવ્યું અને હવે તેઓ બેતાલીસ કિલોમીટરની મૅરથૉનમાં દોડે છે અને તેમનાથી પ્રેરાઈને ઘણા લોકો રનિંગને ગંભીરતાથી લેવા માંડ્યા છે. અડસઠ વર્ષે પણ ચાલીસ-પિસ્તાલીસના દેખાતા ભરતભાઈ કહે છે, ‘મેં જ્યારે મૅરથૉનની ટ્રેઇનિંગ શરૂ કરી એ પણ માત્ર ટાઇમપાસ માટે એમ વિચારીને કે ૨૧ કિલોમીટરની ટ્રેઇનિં ગ લઈશ તો કમસે કમ ચાર-પાંચ કિલોમીટર તો ચાલી લઈશ. જોકે એ પહેલાં જીવનમાં ક્યારેય અડધો કિલોમીટર પણ દોડ્યો નહોતો. હું જિમમાં જતો ટાઇમપાસ માટે. લોકોને મળાય, થોડીક વાતચીત થાય. ત્યાં મેં મુંબઈ મૅરથૉનની ટ્રેઇનિંગનું બૅનર જોયું. મને નવાઈ લાગી કે દોડતા શીખવે છે આ લોકો. એ કેવી રીતે બને? માત્ર જિજ્ઞાસાને કારણે મેં તેમની પાસે પૂછપરછ કરી અને થોડો ભાવતાલ કરીને માત્ર ટાઇમપાસ માટે મૅરથૉનની ટ્રેઇનિંગ શરૂ કરી. આ મારા માટે ટર્નિંગ પૉઇન્ટ હતો. રોજની ટ્રેઇનિંગ શરૂ થઈ અને મજા આવવા માંડી. હજી પૂરેપૂરો તૈયાર નહોતો, પરંતુ મુંબઈ મૅરથૉનનો દિવસ આવ્યો ત્યારે મનમાં નક્કી કરી લીધું કે ભલે જે થવું હોય એ થાય, પણ હું એકવીસ કિલોમીટર દોડી લઈશ. ભલે પાંચ કલાક લાગે. એ ટાર્ગેટ અચીવ કર્યો અને હવે તો પ્રૅક્ટિસમાં પણ રોજના આઠથી બાર કિલોમીટર જેટલું દોડી લઉં છું. શરીર અને મન બન્ને રીતે સ્વસ્થતા છે.’
ભરતભાઈએ પહેલી મૅરથૉન લગભગ બે કલાક ૩૯ મિનિટમાં પૂરી કરી જે ખરેખર રિમાર્કેબલ ટાઇમ હતો. એ પછી અત્યાર સુધીમાં ૨૬ હાફ મૅરથૉન તેઓ દોડી ચૂક્યા છે. લગભગ ૧૫૦ જેટલા દોડવીરોને ફુલ મૅરથૉન દોડવા માટે તેમણે પ્રેર્યા છે. ગયા વર્ષે ૪.૪૭ કલાકમાં ફુલ મૅરથૉન પૂરી કરી. લગભગ પાંચેક હજાર જેટલા દોડવીરોએ ગયા વર્ષે જેમાં ભાગ લીધો હતો એ જુહુ હાફ મૅરથૉનની ઑર્ગનાઇઝિંગ કમિટીના ભરતભાઈ ચૅરમૅન છે.

 વેલ્થ ભેગી કરવામાં તંદુરસ્તીનો ભોગ ન અપાઈ જાય એનું ધ્યાન રાખવું. લોકો મને ૩૫ વર્ષનો કહે ત્યારે ખરેખર એમ લાગે છે કે મેં રાખેલું સ્વાસ્થ્યનું ધ્યાન મને ફળ્યું છે. - રાકેશ શાહ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બોરીવલી

columnists ruchita shah