નારી તું નારાયણી : એ પછી પણ આ જ નારી આટલી અળખામણી કેવી રીતે હોઈ શકે?

30 November, 2022 03:58 PM IST  |  Mumbai | Manoj Joshi

પુષ્કળ સંપર્કો રહ્યા છે એટલે પણ હું કહી શકું કે આ જેકોઈ કૃત્ય થાય છે એ મૅક્સિમમ ગુજરાતી ભાષામાં જ થાય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આ વાત હું ખાસ કરીને એન્ટરટેઇનમેન્ટ જગતના મારા સાથીઓને પૂછવા માગું છું કે નારી નારાયણી છે એ આપણે સ્વીકારીએ છીએ, માનીએ છીએ. કોઈ પણ જાતની દલીલ કે તર્ક વિના અને એ પછી પણ કેમ આપણા માટે એ આટલી અળખામણી હોય છે? ખાસ કરીને વાઇફ બને કે પછી સાસુના સ્વરૂપમાં હોય ત્યારે અને ખાસ કરીને જ્યારે એવું પાત્ર હોય છે ત્યારે.

તમે જોશો તો તમને પણ દેખાશે કે વાઇફ અને સાસુ પર પુષ્કળ મજાક-મસ્તી કરવામાં આવે છે, અઢળક જોક કરવામાં આવે અને આ પાત્રોને રીતસર ઉતારી પાડવામાં આવે છે અને એ પછી અફસોસની વાત એ છે કે એનો વિરોધ પણ કરવામાં નથી આવતો. આવું જેકોઈ કૃત્ય કરે છે કે આવું જેકોઈ હીન કાર્ય કરે છે એ બધાને મારી નમ્ર અરજ છે કે કાં તો મને સમજાવો કે આવું કરવાનું કારણ શું છે? અને કાં તો મને દર્શાવો કે આ પ્રકારનું કૃત્ય કરીને આપણે શું સિદ્ધ કરવા માગીએ છીએ? 

દેશભરની અનેક ભાષાઓ સાથે પરિચય છે. પુષ્કળ સંપર્કો રહ્યા છે એટલે પણ હું કહી શકું કે આ જેકોઈ કૃત્ય થાય છે એ મૅક્સિમમ ગુજરાતી ભાષામાં જ થાય છે. ગુજરાતી ફિલ્મ હોય, ગુજરાતી નાટક હોય કે પછી ગુજરાતી હાસ્યકલાનો કોઈ કાર્યક્રમ હોય; આપણે ત્યાં વાઇફને ઉતારી પાડવામાં આવે કે પછી સાસુને એટલે કે વાઇફની મમ્મી પર જોક કરવામાં આવે એટલે એ સુપરહિટ જ હોય, પણ મારી નજરમાં આ સસ્તું સાહિત્ય છે. બની શકે કે મારી આ વાતથી કોઈને દુઃખ પણ થાય અને કોઈ નારાજ થાય, પણ આ હકીકત છે. 

હિન્દી ફિલ્મોમાં જે રીતે ગુજરાતીઓને ખરેખર હાસ્યાસ્પદ દેખાડવામાં આવે છે એ જેટલું શરમજનક છે એટલું જ શરમજનક આ કૃત્ય પણ છે. વાઇફ એ જોક નથી, એ મજાક કરવાનું અને જાહેરમાં ઉતારી પાડવામાં આવે એવું પાત્ર નથી. મેં હંમેશાં કહ્યું છે કે અર્ધાંગિની એકમાત્ર એવી વ્યક્તિ છે જે તમારા વતી તમારા સામાજિક સંબંધો સાચવી રાખવાનું કામ અત્યંત ઉમદા રીતે કરે છે અને એ પણ કોઈ પણ જાતના સ્વાર્થ વિના, લાભની અપેક્ષા રાખ્યા વિના. જે વ્યક્તિને જગતનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર મળવો જોઈએ, જે વ્યક્તિને જગતનું શ્રેષ્ઠ સન્માન મળવું જોઈએ એ વ્યક્તિને તમે કેવી રીતે દરેક વાતમાં મશ્કરીનું સાધન બનાવી શકો?

બે ઘડીના આનંદ માટે કે પછી ઘડીભરની ખુશી માટે વાઇફને મૂર્ખ, ડોબી, અક્કલમઠી અને એવું બીજુંબધું કઈ રીતે કહી શકાય? કઈ રીતે વાઇફ કે પછી સાસુને ત્રાસવાદી ગણાવી શકાય? અને કેવી રીતે તમે આને નિર્દોષ આનંદ પણ કહી શકો? આવું તો જ થઈ શકે જો તમે આ સંબંધોની ગરિમાને વાજબી ગણવા માટે સમર્થ ન હો કે પછી મનથી તૈયાર ન હો. આવું તો જ થઈ શકે જો તમારે મન આ સંબંધોનું મૂલ્ય શૂન્ય સમાન હોય. હસનારાઓને પણ આ જ વાત લાગુ પડે છે અને હસાવનારાઓને પણ આ જ વાત લાગુ પડે છે.

columnists manoj joshi