છેલ્લો શો : ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ સાડલો પહેરીને વધાવવા પડે એવા સમાચાર આ ફિલ્મે આપી દીધા છે

23 September, 2022 04:07 PM IST  |  Mumbai | Manoj Joshi

ખરેખર આ એક એવા સમાચાર છે જે મને-તમને સૌને એ સમજાવવા માટે કાફી છે કે ભવિષ્યમાં અનેક નવા ચમકારા તમને જોવા મળવાના છે.

છેલ્લો શો : ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ સાડલો પહેરીને વધાવવા પડે એવા સમાચાર આ ફિલ્મે આપી દીધા છે

ઑસ્કર, સાહેબ, બીજે ક્યાંય નહીં, પણ સીધી ઑસ્કરમાં આ ફિલ્મ પહોંચી ગઈ છે. ભલે એ બનાવી એક એનઆરઆઇએ, પણ એ છે તો ગુજરાતી જને, ભલે એ બનાવી અમેરિકામાં રહેતા એક યુવાને, પણ એ બની તો તમારા ગુજરાતમાં જ છેને. ‘છેલ્લો શો’ની સામે હરીફાઈમાં ધુરંધરોની ફિલ્મો હતી, સેંકડો કરોડોમાં બનેલી ફિલ્મ હતી, તો એવી પણ ફિલ્મો હતી જેણે ઇતિહાસની એવી વાતો કરી હતી જે રૂંવાડાં ઊભાં કરી જાય. હા, ‘કશ્મીર ફાઇલ્સ’. ભલભલાને ધ્રુજાવી દે એવી એ ફિલ્મની સામે ‘છેલ્લો દિવસ’ ઑસ્કરની રેસમાં આગળ નીકળી ગઈ તો મલયાલમ અને કન્નડની એવી ફિલ્મો પણ આ ફિલ્મને ટક્કર આપવા માટે હતી જ અને એને માટે પણ ભારોભાર ચર્ચા થઈ છે, પરંતુ એ પછી પણ ‘છેલ્લો દિવસ’ પસંદ કરવામાં આવી છે. ખરેખર આ એક એવા સમાચાર છે જે મને-તમને સૌને એ સમજાવવા માટે કાફી છે કે ભવિષ્યમાં અનેક નવા ચમકારા તમને જોવા મળવાના છે.

‘છેલ્લો દિવસ’ ગુજરાતી છે એટલે સિલેક્ટ નથી થઈ, પણ એનો જે વિષય છે એ વિષયની આજના સમયમાં તાતી જરૂર હતી અને એટલે જ એને ઑસ્કરમાં મોકલવામાં આવી છે. આમ તો આ ફિલ્મ એના ડિરેક્ટર-પ્રોડ્યુસર પાન નલિન એટલે કે નલિન પંડ્યાની જ લાઇફનો એક ભાગ છે, પણ એમાં સિનેમૅટિક ક્રીએટિવિટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા એક એવા છોકરાની આસપાસ ફરે છે જે છોકરો દરરોજ થિયેટર સામે ઊભો રહે છે અને મોઢામાંથી લાળ પાડે છે. તેને ફિલ્મ જોવી છે, પણ નાનું ગામ અને બાપની ટૂંકી કમાણી એટલે ફિલ્મ જોવા જઈ શકતો નથી. તમને કહી દઉં, આ ફિલ્મમાં ચલાળા ગામનું બૅકગ્રાઉન્ડ લેવામાં આવ્યું છે.

વેકેશન પડે છે અને પેલા નાના છોકરાને રસ્તો મળી જાય છે. તે થિયેટરના એક્ઝિબિશનરૂમના ઇન્ચાર્જને ખાવાની લાલચમાં ફોડે છે અને પેલો ખાવાની લાયમાં છોકરાને દરરોજ ફિલ્મ જોવા માટે પ્રોજેક્ટરરૂમમાં આવવા દે છે. છોકરો દરરોજ ફિલ્મ જુએ અને બીજા દિવસે પોતાના બધા ભાઈબંધને એની સ્ટોરી કહે. છોકરામાં ક્રીએટિવિટીના ગુણ ખીલતા જાય છે. ૨૪ કલાક તેના મનમાં હવે પેલું સિનેમા જ ચાલે છે અને એ સિનેમા જોવા જવાના મૂડ વચ્ચે જ આખા દિવસને અને દિવસ દરમ્યાન આવતા તમામ પ્રકારના ત્રાસને સહન કરીને આગળ નીકળી જાય છે, પણ એક દિવસ એવો આવીને ઊભો રહે છે કે તે ફિલ્મ જોવા જાય છે અને પ્રોજેક્ટરરૂમનો ઇન્ચાર્જ તેને કાઢી મૂકે છે. કહે છે કે કાલે રાતે છેલ્લો શો પૂરો થઈ ગયો, હવે થિયેટર બંધ થાય છે.

જેને થિયેટર સાથે કે પછી પોતાની રોજીરોટી સાથે કોઈ નિસબત નથી એવા એ નાનકડા છોકરાને હાડોહાડ લાગી આવે છે અને આજે આ જ પરિસ્થિતિ છે. સિંગલ સ્ક્રીન ઑલમોસ્ટ ખતમ થઈ ગઈ છે તો પૅન્ડેમિક પછી મલ્ટિપ્લેક્સની પણ આ જ હાલત છે. દેશ અને દુનિયામાં આ જે લાગણી છે એ લાગણીને ‘છેલ્લો દિવસ’ સાવ જ અનાયાસ દર્શાવી રહી છે અને એ જ કારણ છે કે એ ફિલ્મને વધાવી લેવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ માટે ખરેખર આંખો ખોલવાના આ દિવસો છે. વાત અને વિષયને કાલે અહીંથી જ આગળ વધારીશું, ત્યાં સુધી અસ્તુ...

columnists manoj joshi