શ્રેષ્ઠ શ્રીલંકા : દેશ કપરા કાળમાંથી પસાર થાય છે ત્યારે એનું નામ રોશન કરનારી ટીમને શત-શત પ્રણામ

15 September, 2022 11:45 AM IST  |  Mumbai | Manoj Joshi

શ્રીલંકાની ક્રિકેટ ટીમે પુરવાર કર્યું કે સંજોગો કોઈ પણ હોય, તમારે તમારું કામ નિષ્ઠાપૂર્વક કરવાનું હોય અને સર્વોચ્ચ રીતે પૂરું પણ કરવાનું હોય.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વાત ચાલુ છે ‘બ્રહ્માસ્ત્ર’ની અને એ જ વાત હજી આગળ પણ કરવાની છે, પણ સાચું કહું તો બે દિવસથી એક ઘટના કેડો નથી મૂકતી. શ્રીલંકાની એશિયા કપમાં વિક્ટરી. રવિવારે રાતે પાકિસ્તાનને હરાવીને શ્રીલંકા એશિયાનું ચૅમ્પિયન પુરવાર થયું. ક્રિકેટમાં બહુ રસ નહીં, પણ શ્રીલંકાની જીતે ખરેખર મન મોહી લીધું અને એ પણ એવી રીતે કે આજે, ૭૨ કલાક પછી પણ એ વિક્ટરી મનમાંથી હટતી નથી.

નેવું ટકા, ના, કદાચ સોએ સો ટકા લોકોના મનમાં એક જ વાત હતી કે ઇન્ડિયા એશિયા કપ જીતશે, પણ પાકિસ્તાન અને શ્રીલંકાએ ઇન્ડિયાને પાછળ રાખીને પહેલો ઝાટકો આપ્યો અને એનાથી પણ મોટો ઝાટકો શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને આપ્યો. એ ઝાટકામાં ક્યાંય શ્રીલંકન પ્લેયરના ફૉર્મની વાત નહોતી; પણ વાત હતી એ દેશની જે દેશ અત્યારના તબક્કે અકલ્પનીય આર્થિક કટોકટી ભોગવી રહ્યો છે. એવી આર્થિક કટોકટી જેનો વિચાર સુધ્ધાં કોઈ કરી ન શકે. શ્રીલંકન કટોકટીએ અત્યારે એ દેશના બધા જ સ્તરે છોતરાં કાઢી નાખ્યાં છે. અસાધારણ પરિસ્થિતિ દેશમાં ઊભી કરી નાખી છે. પેટ્રોલથી માંડીને એક પણ પ્રકારની કૉમોડિટી હવે રહી નથી અને એને લીધે દેશની જનતામાં રીતસર દાવાનળ ફાટ્યો છે. ટૂરિસ્ટ પર નિર્ધારિત એવો આ દેશ અત્યારે ટૂરિસ્ટ પણ આવકારી શકે એ અવસ્થામાં રહ્યો નથી. મોંઘવારીએ ત્રાહિમામ્ પોકારાવી દીધું છે અને સ્કૂલથી માંડીને સંસદ સુધ્ધાં અનિયમિત સ્તરે સ્થગિત થઈ ગઈ છે. લોકો અનાજ માટે વલખાં મારે છે અને એવા સમયે એ જ દેશની ક્રિકેટ એશિયાની બેસ્ટ ક્રિકેટ ટીમ પુરવાર થઈને બહાર આવે છે.

હૅટ્સ ઑફ.

ટીમને પ્રૅક્ટિસ માટે મેદાન નહોતાં, પ્લેયર્સને મહેનતાણું મળતું નહોતું અને એ પછી પણ ટીમ પૂરેપૂરા જુસ્સા સાથે રમે છે અને એ રમતનું બેસ્ટ પરિણામ પણ લાવીને સૌની સામે મૂકે છે. ખરેખર, સન્માનથી માથું ઝૂકી જાય છે અને ઝૂકવું જ જોઈએ. શ્રીલંકાની ક્રિકેટ ટીમે પુરવાર કર્યું કે સંજોગો કોઈ પણ હોય, તમારે તમારું કામ નિષ્ઠાપૂર્વક કરવાનું હોય અને સર્વોચ્ચ રીતે પૂરું પણ કરવાનું હોય.

ટીમે એ જ કામ કર્યું. શ્રીલંકાની ટીમને કોઈએ ક્યાંય ગણી નહોતી અને એનું કારણ એ જ હતું કે દેશ પોતે અત્યારે જ્યારે ટકી રહેવા માટે ઝઝૂમે છે ત્યારે એની ટીમ શું ઉકાળી લેવાની; પણ ના, ખોટા પડ્યા બધા અને ટીમે ઉકાળીને દેખાડી દીધું. એ રિઝલ્ટ લાવીને એણે સૌની સામે મૂકી દીધું જેની કલ્પના પણ દૂર-દૂર સુધી કોઈએ નહોતી કરી. ખરેખર શ્રીલંકન ટીમના ઝનૂન અને જુસ્સા માટે આપણે સૌએ એને બિરદાવવી જોઈએ. બે દિવસ દરમ્યાન એક પણ ન્યુઝપેપરમાં આ સંદર્ભના ન્યુઝ જોયા નહીં એટલે જીવ વધારે ચૂંથાતો હતો. મનમાં થઈ રહેલો એ ચૂંથારો કહેતો હતો કે આ જ સાચો સમય છે અને આ જ સાચી જીત છે. સઘળા સંજોગો કપરા હોય એવા સમયે તમે સર્વોચ્ચ પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરો એ જ સાચી વિક્ટરી કહેવાય. ભારત અને ભારતીય ટીમે શ્રીલંકન ટીમ પાસેથી શીખવાની જરૂર છે, સમજવાની જરૂર છે કે સુવિધા નહીં, સપનું હોવું જોઈએ અને સપનું જ સર્વોચ્ચ છે.

columnists manoj joshi sri lanka cricket news asia cup