એક હતી શ્રદ્ધા : પારિવારિક ઉપેક્ષા જ સંતાનોને ખોટી દિશામાં ખેંચી જવાનું કામ કરે છે

21 November, 2022 04:32 PM IST  |  Mumbai | Manoj Joshi

લવ-જેહાદના અનેક કિસ્સા બને છે ત્યારે તમારી દીકરી સાથે એટલી નિકટતા વધારો કે એ આવા ચુંગાલમાં ફસાઈ ન જાય.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દરેક પ્રેમકહાનીનો અંત સુખદ નથી હોતો. દરેક લવ-સ્ટોરીમાં અંતે એવું નથી બનતું કે રાજા-રાણી ભેગાં થયાં અને પછી બન્નેએ ખાધું, પીધું અને રાજ કર્યું. ના, દરેક પ્રેમકથા આ એક અંત પર આવીને નથી ઊભી રહેતી. કેટલીક કથા સેંકડો લોકોનાં કાળજાં ચીરીને આગળ નીકળી જાય છે. ગયા વીકમાં એવું જ બન્યું અને જાત પર બહુ કાબૂ કર્યો કે આ વિષય પર હમણાં વાત નથી કરવી, કારણ કે તાત્કાલિક રીતે આપવામાં આવેલા જવાબમાં લાગણીઓનો ઓચ્છવ વધારે હોય છે, જે સમય વીતતાં તમને ખોટી પણ લાગી શકે છે.

શ્રદ્ધા નામની છોકરીએ એક છોકરાને પ્રેમ કર્યો, પોતાને મૅચ્યોર સમજી મા-બાપ સાથેનો સંપર્ક પણ તેણે કાપી નાખ્યો અને પછી દરેક જીવનમાં બને એવી રીતે થોડા રોઝી દિવસોના અંતે ઘાતકી અને નિર્દયી રીતે તેની હત્યા થઈ.

દરેક વખતે તમે પસંદ કરેલું પાત્ર સાચું જ કે સારું એવું ધારીને એ પાત્ર કે સંબંધોનો વિરોધ કરનારાં માબાપ ખોટાં છે એવું ધારી લેવું ભૂલભર્યું છે. પ્રેમ કરવો એ ક્યારેય ગુનો છે જ નહીં, પણ જ્યારે તમને લાગે, સમજાય કે તમે ખોટી જગ્યાએ ફસાઈ રહ્યા છો તો જેટલું બને એટલું જલદી એ ચક્રવ્યૂહમાંથી નીકળી જવું હિતાવહ છે. લવ-જેહાદના અનેક કિસ્સા બને છે ત્યારે તમારી દીકરી સાથે એટલી નિકટતા વધારો કે એ આવા ચુંગાલમાં ફસાઈ ન જાય. પ્રત્યેક માબાપ માટે આ અત્યંત જરૂરી છે, કારણ કે કિસ્સો લાખોમાં એક બનતો હોય છે, પણ એ કરોડોને ધ્રુજાવી નાખવાની ક્ષમતા ધરાવતો હોય છે અને એવું, આપણી લાડકવાયી સાથે ન બને એ જોવાની પહેલી, અંતિમ અને એ વચ્ચેના તમામ ગાળાની જવાબદારી માબાપની પોતાની છે.

પરિવારમાંથી મળતી ઉપેક્ષાનો લાભ જ્યારે ખોટી રીતે ત્રાહિત વ્યક્તિ લઈ જાય છે ત્યારે એ પ્રકારના સંબંધોની શરૂઆત થાય છે, જે તમને હચમચાવી નાખે છે. જો જીવનમાં સૌથી કષ્ટદાયી કંઈ હોય તો એ પરિવારની ઉપેક્ષા છે અને એ ઉપેક્ષાભર્યું વર્તન બીજું કોઈ નહીં, પણ પારિવારિક સભ્યો દ્વારા જ થતું હોય છે. બહેતર છે કે આપણે પારિવારિક સંબંધોમાં સુધારો લાવીએ, જેથી બહાર ફરતાં ગીધડાંઓને આપણી વહાલસોયી દીકરીનો શિકાર કરવાની તક ન મળે.

શ્રદ્ધાના કિસ્સામાં પહેલો વાંક એ પરિવારનો છે જેની એ દીકરી છે. હા, આ હકીકત છે અને આ હકીકત કહેવી હતી એટલે જ આખી ઘટનાને વીકથી પણ વધારે લાંબો સમય થઈ ગયો એ પછી એની વાત અહીં શરૂ કરી છે.

પરિવારની પહેલી ભૂલ કે દીકરી છેક આ હદે કોઈના પ્રેમમાં આંધળી થાય અને એ પછી પણ તેમને ખબર ન હોય. ધારો કે ખબર હોય તો તેમણે એ તમામ હકીકતો સામે લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને ધારો કે, ધારો કે એ પ્રયાસ કર્યા પછી પણ દીકરીની આંખો ન ઊઘડી હોય તો પણ પ્રયાસો પડતા મૂકવા ન જોઈએ. ભલામાણસ, એ તમારી દીકરી છે. ભૂલ કરવાનો તેને પૂરો હક છે અને એટલી જ જવાબદારી તમારી છે કે તમે સતત તેની આગળ-પાછળ રહી એ ભૂલને સુધારો. એવો તે કેવો તમારો ઈગો છે કે તમે માબાપ થઈને તેને આમ રઝળતી મૂકી દો. નહીં કરો આવી ભૂલ. બે હાથ જોડીને કહું છું. અન્યથા, જીવનમાં ક્યારેય જાતને માફ નહીં કરી શકો તમે. ક્યારેય નહીં.

columnists manoj joshi murder case