એક હતી શ્રદ્ધા : યુવાન દીકરીને તેની દુનિયામાં એકલી રહેવા દેવાને બદલે તેની દુનિયામાં લટાર મારતા રહો

25 November, 2022 12:16 PM IST  |  Mumbai | Manoj Joshi

બળાપો કાઢે ત્યારે તેને બેસાડીને જરા પ્રેમથી, સ્નેહ સાથે આખી વાત સમજાવો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બહુ જરૂરી છે કે દીકરીઓ પર નજર રાખો. આજના આ મૉડર્ન સમયમાં ઘણાને એવું લાગી શકે કે આ માનસિકતા જુનવાણી છે પણ સાહેબ, જીવનમાં એટલું આધુનિક બનવું જરા પણ જરૂરી નથી કે તમે તમારાં જ મૂળ ભૂલીને તમારાં સંતાનોને જોખમનાં વમળમાં આફતાબ જેવા દાનવના હાથમાં ધરી દો. ના, જરા પણ જરૂરી નથી. એવા આધુનિક બનવા કરતાં જુનવાણી બની રહેવામાં સાર છે અને એ સારના ભાગરૂપે જ તમને કહેવાનું કે દીકરીઓ પર નજર રાખો. તમારું ફૂલ છે એ. ગાર્ડનમાં ઊગતા ફૂલને કોઈની નજર ન લાગે એની તકેદારી આપણે રાખીએ છીએ. તમારા છોડને કોઈ લઈ ન જાય એની ચિંતા પણ આપણે કરતા જ હોઈએ છીએ, તો આ તો સાક્ષાત્ લક્ષ્મી છે, તેની ચિંતા કરવી એ તો તમારી ફરજ છે અને એના પર નજર રાખવી એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે.

કબૂલ કે દીકરી મોટી થઈ ગઈ છે. માન્યું કે દીકરી યુવાન છે અને એ પણ મંજૂર કે તમારી દીકરીને પોતાની એક દુનિયા છે, જેમાં તમારું કોઈ સ્થાન નથી અને તમારે સ્થાન લેવાનું પણ નથી. બસ, તમારે તો એ દુનિયામાં કોઈ જોખમી માણસ છે કે નહીં એના પર નજર રાખવાની છે અને એ નજર રાખવાના હેતુથી જ દીકરીની દુનિયામાં દાખલ થતા રહેવાનું છે, સમયાંતરે, જે જરૂરી છે.
શક્ય છે કે તમારી દીકરીને એ ગમશે નહીં. શક્ય છે કે એ બળાપો કાઢશે, પણ એ બળાપો કાઢે ત્યારે તેને બેસાડીને જરા પ્રેમથી, સ્નેહ સાથે આખી વાત સમજાવો. તમારી સમજાવટ જેટલી અસરકારક હશે એટલી જ સરળતાથી તેને વાત સમજાવાની છે એ પણ એટલું જ સાચું છે. આપણે આ બધું કરીએ છીએ કે કરતા થવાનાં છીએ તો એની પાછળ એક જ હેતુ છે, બીજો કોઈ શ્રદ્ધા જેવો કેસ ન બને. બીજી કોઈ દીકરી આવા હેવાન આફતાબના હાથમાં ન આવે અને એવું ન ધારી બેસે કે આ પારેવું તેની માલિકીનું છે.

શ્રદ્ધા કે પછી એ પ્રકારની દીકરીઓના કેસમાં એ જ બને છે કે આ હેવાન તેમને ભોળવે છે અને ભોળવ્યા પછી એવી અપેક્ષા રાખે છે કે તે આગળના તમામ સંબંધો કાપી નાખે અને ભરોસાના આધારે આ દીકરીઓ એ જ ભૂલ કરે છે. આફતાબ કેન્દ્રવર્તુળ બને છે અને દીકરી એ પરિઘ પર ફર્યા કરે છે. પાછા જવું હોય છે પણ તૂટેલા સંબંધોના દાવે એ દિશામાં ફરી પગ પણ માંડી શકાતા નથી અને એ માંડી શકતી નથી એટલે નાછૂટકે એ બધું ચલાવવું પડે છે જેની તેણે કલ્પના પણ નથી કરી હોતી. બહેતર છે કે એવો સમય આવે એના કરતાં આજે થોડા જુનવાણી બનીએ અને જુનવાણી બની દીકરીઓના ગ્રુપ-સર્કલને જાણવાથી માંડીને તેના મોબાઇલમાં પણ નજર નાખતાં રહીએ. હેતુ સારો છે એટલે કરવામાં આવતી આ જાસૂસી માટે શરમ પણ અનુભવવાની નથી. દીકરીના ભવિષ્ય માટે અને તમારા સંતોષ માટે આ કાર્ય કરવાનું છે. તમે ન કરી શકો તો તમારે વાઇફને પૂરા ભરોસામાં લઈને આ જ કામ સોંપવાનું છે અને તેના થકી આ કાર્ય કરવાનું છે. કહ્યું એમ, દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવાનું છે. કહ્યું એમ, તમારી દીકરી શ્રદ્ધા ન બને એવા હેતુથી કરવાનું છે.

columnists manoj joshi