અમારા ભગવાન મહાન : પોતાની લાઇન મોટી કરવાની આ નીતિ જ પાપનો ખાડો મોટો કરતી જશે

21 September, 2022 12:49 PM IST  |  Mumbai | Manoj Joshi

તમારા શબ્દો જો અર્થસભર ન હોય, વાજબી ન હોય અને કોઈને હીન પ્રકારની લાગણી ન કરાવતા હોય એનું ધ્યાન રાખવામાં આવે તો જ એને વાણીસ્વતંત્રતાનો ઉપયોગ કર્યો કહેવાય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આજકાલ સોશ્યલ મીડિયા પર એક વિવાદ પુષ્કળ ચાલ્યો છે. ચોક્કસ સંપ્રદાયના કેટલાક ભગવાધારી સાધુઓ રામ-કૃષ્ણ અને શંકર માટે હીન કહેવાય એવા શબ્દોમાં વાત કરે છે અને વાત કરતાં પોતાના સંપ્રદાયની મોટી-મોટી વાતો કરે છે. કોઈને પણ એ હક છે, કોઈને પણ અધિકાર છે કે એ પોતાના સંપ્રદાયના સ્થાપક કે પછી મોવડી વિશે મોટી વાતો કરે. આપણને વાંધો નથી અને આપણા વાંધાની કોઈ કિંમત હોય પણ નહીં, પણ તમારી એ મોટી-મોટી વાતો કરવાની માનસિકતા વચ્ચે તમે અન્ય ધર્મનાં દેવી-દેવતાને એમાં ખેંચો અને તેમની બદબોઈ કરો તો એ બહુ ખરાબ અને શરમજનક વાત છે, પણ આવી શરમજનક વાતો થઈ રહી છે, ઑન-કૅમેરા થાય છે અને એવી વાતો કર્યા પછી પાછા આ મહાનુભાવો સામી છાતીએ કહે પણ છે કે એ તો એવું જ છે એટલે જ અમે કહીએ છીએ.

અગાઉ એક વખત કહ્યું હતું કે વાણીસ્વતંત્રતાનો અર્થ બરાબર સમજવો જોઈએ. તમારા શબ્દો જો અર્થસભર ન હોય, વાજબી ન હોય અને કોઈને હીન પ્રકારની લાગણી ન કરાવતા હોય એનું ધ્યાન રાખવામાં આવે તો જ એને વાણીસ્વતંત્રતાનો ઉપયોગ કર્યો કહેવાય, પણ જો તમે વાણી-વિલાસ કરતા હો, જો તમે ગેરવાજબી રીતે બીજાને ઉતારી પાડતા હો તો એ વાણીસ્વતંત્રતા બિલકુલ ન કહેવાય, ક્યારેય ન કહેવાય.

આવી વાતો સાંભળતા નહીં, આવી વાતો સ્વીકારતા નહીં અને આવી વાતોને ચલાવી લેતા નહીં, જરા પણ નહીં. અમુક સંપ્રદાયોએ આ પ્રકારના બફાટ કર્યા અને એનો એ સમયે વિરોધ ન થયો એટલે જ એ ભગવાધારી ફાટીને ધુમાડે ગયા અને એ સ્તર પર હનુમાનજી, રામ, શિવજી અને કૃષ્ણ વિશે બફાટ કરવા માંડ્યા કે પહેલાં સોશ્યલ મીડિયા અને હવે સામાજિક સ્તરે એનો વિરોધ શરૂ થયો છે. વિરોધ પણ એ સ્તરે શરૂ થયો છે કે લોકોને એ બાવાઓ સામે પોલીસ-ફરિયાદથી ઓછું કંઈ ખપતું નથી અને જરૂર પણ એ જ છે. આજે જ્યારે જાહેર સ્થળે કે જાહેર મંચ પર પણ કોઈની ધાર્મિક લાગણીઓ ન દુભાય એનું ધ્યાન રાખવામાં આવે છે ત્યારે તમે કૅમેરા સામે કરોડો દિલોમાં વસતા દેવતા વિશે ઘસાતું બોલો અને ઘસાતું બોલીને તમારા ભગવાધારીની લાલ કરો એ તે ક્યાંનો ન્યાય! બહુ હિંમત હોય તો એક વખત જીઝસ કે પછી અલ્લાહ વિશે આવો બફાટ કરીને દેખાડો, તમને પાંચમી મિનિટે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે એની ગૅરન્ટી કોઈએ આપવાની જરૂર નથી, કારણ કે એ ખાતરી તમને પોતાને છે અને એટલે જ તમે એવી ભૂલ કરતા નથી. જો તમને ખબર હોય કે ક્યાં શું પરિણામ આવે તો તમને એ પણ ખબર હશે કે ક્યાં શું કરીએ તો ચાલી જાય? આ જ વાત દેખાડે છે કે તમને હિન્દુત્વ સાથે નિસ્બત નથી અને તમે એનાથી ડરતા પણ નથી, પણ ભૂલતા નહીં; આ શિવજીના ભક્તો જાગશે તો એક પણ કપડું શરીર પર નહીં રહેવા દે અને શ્વાસ પણ રોકી દેશે.

નહીં કરો આવી ભૂલ. જાતને મોટી દેખાડવા નહીં કોઈને નીચા કરો. કોઈને નીચા દેખાડીને આજે તમે તો વધારે નિમ્ન સ્તરે આવી જ ગયા છો અને એટલે જ તો સોશ્યલ મીડિયા પર તમારા નામના છાજિયા શરૂ થઈ ગયા છે.

columnists manoj joshi