કન્ટેન્ટની દુનિયા : હજી ઘણું નવું આવવાનું છે, હજી ઘણી ચુનૌતીઓ દરવાજે ઊભી છે

19 January, 2023 05:25 PM IST  |  Mumbai | Manoj Joshi

સૌથી મોંઘા એવા આ ડિજિટલ પ્લૅટફૉર્મે ધીમે-ધીમે ભાવ ઘટાડીને એ સ્તર પર આવવાનું પસંદ કર્યું કે જેથી અપર મિડલક્લાસ પણ સરળતા સાથે એ પ્લાન ખરીદી શકે

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક

બે દિવસ પહેલાં ઍમેઝૉન પ્રાઇમ પર એક નવો પ્લાન આવ્યો. નેટફ્લિક્સ પણ એ જ દિશામાં છે. સૌથી મોંઘા એવા આ ડિજિટલ પ્લૅટફૉર્મે ધીમે-ધીમે ભાવ ઘટાડીને એ સ્તર પર આવવાનું પસંદ કર્યું કે જેથી અપર મિડલક્લાસ પણ સરળતા સાથે એ પ્લાન ખરીદી શકે. અહીં વાત ચાલીસી વટાવી ચૂકેલા લોકોની કરીએ છીએ. યંગસ્ટર્સને તો બે વર્ષ પહેલાં પણ નેટફ્લિક્સ સસ્તું જ લાગતું હતું અને એ તો એ ખરીદતા જ હતા. વાત હવે આગળ વધીને યંગસ્ટર્સ સિવાયના ઑડિયન્સના ગજવામાંથી પણ પૈસા કઢાવવા સુધી પહોંચી છે, પણ ખુશીની વાત એ છે કે એ માત્ર પૈસા કઢાવવાની વાત નથી પણ સામે એ જ સ્તરની કન્ટેન્ટ આપવાની પણ દુનિયા અકબંધ છે.

આ જે ચેન્જ છે એ ચેન્જ દર્શાવે છે કે આવતા સમયમાં ડિજિટલ પ્લૅટફૉર્મ વધારે સ્ટ્રૉન્ગ અને સાથોસાથ કિફાયતી પણ થવાનાં છે અને એ જ દૃષ્ટિકોણથી હવે એ આગળ વધી રહ્યાં છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે વધારે કફોડી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તો એવું જ એ સૌ માટે પણ બનવાનું છે જે લાઇવ આર્ટ સાથે સંકળાયેલું છે. વાત અહીં વાહિયાત ડર જન્માવવાની નથી, પણ જે વાત છે એમાં ક્યાંક ને ક્યાંક ચેતવણી ચોક્કસ છે. 

આ પણ વાંચો : હાશકારો લેવાનો સમય આવ્યો એવું કહેવું સહેજ પણ ખોટું નહીં ગણાય

કન્ટેન્ટની બાબતમાં જો આંખ આડા કાન કરીને ચાલવામાં આવ્યું તો એ નક્કી તમને એવું હેરાન કરશે. તમે જુઓ, ડિજિટલ પ્લૅટફૉર્મ બધી જગ્યાએ બાંધછોડ કરે છે, પણ કન્ટેન્ટની બાબતમાં એ જરા પણ ખોટી દિશામાં જવા રાજી નથી. એ પોતાનો નફો ઓછો કરીને પણ કન્ટેન્ટની બાબતમાં બાંધછોડ નથી કરતું તો એ પોતાનો પ્રૉફિટ ઓછો કરીને સતત નવો માર્કેટ-શૅર લાવવા માટે પણ મથ્યા કરે છે. જો બાકીની ઇન્ડસ્ટ્રી પણ આ બાબતમાં જાગૃતિ નહીં દેખાડે તો નક્કી એવો સમય આવીને ઊભો રહેશે કે એમણે માર્કેટ-શૅર શોધવા જવું પડશે.

લોકો ભલે કંઈ પણ કહે, એક હકીકત છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સામે ઊભું થયેલું જોખમ વધારે ઘેરું બનશે. સાહેબ, દરેક વખતે જૂની તકલીફને જ મોટી કરીને નથી જોવાતી અને જૂની તકલીફમાંથી સાંગોપાંગ નીકળી જવાની વાતને જ આધાર માની શકાતો નથી. ટીવી આવ્યું ત્યારે પણ આવી જ દલીલ થતી હતી અને પ્રાઇવેટ ચૅનલ આવી ત્યારે પણ આવી જ આર્ગ્યુમેન્ટ થતી હતી એવું કહેનારાઓએ એ ભૂલવું ન જોઈએ કે એ સમયે આક્રમણનાં બીજાં કોઈ માધ્યમો હતાં જ નહીં. આજે હરતુંફરતું મ​લ્ટિપ્લેક્સ માની લો એવો મોબાઇલ લોકોના હાથમાં છે. મનોરંજનનો ધરવ સહજ રીતે થઈ જાય એવાં પ્લૅટફૉર્મ આવી ગયાં છે અને લોકોની ઇન્કમ પણ એવી થઈ ગઈ છે કે સો-બસો અને ત્રણસો રૂપિયા એ પોતાના માટે સહજ રીતે ખર્ચી નાખે છે. મ​લ્ટિપ્લેક્સ આવ્યાં એ સમયે સિંગલ સ્ક્રીન થિયેટર ટકશે એવી દલીલો થઈ, પણ આજે શું થયું છે એ આપણે જોઈએ છીએ. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ કે હવે જો કન્ટેન્ટ નહીં આપીએ તો ઑડિયન્સ બીજી વખત સામે જોવા પણ રાજી નથી થતી. ના, ના અને ના જ. એ એક જ વાત કહે છે, પ્લીઝ, ગેટ લૉસ્ટ...

columnists manoj joshi netflix zee5 hotstar amazon prime bollywood