ઑપરેશન મેઘચક્ર : આવું પાપ કરનારાઓને દેશે જ નહીં, નાગરિકોએ પણ ક્યારેય માફ ન કરવા જોઈએ

28 September, 2022 05:51 PM IST  |  Mumbai | Manoj Joshi

હું તો કહીશ કે ગૌમાંસનું સેવન કરવું અને ચાઇલ્ડ પૉર્નોગ્રાફીને પ્રોત્સાહન આપવાના રસ્તે ચાલવું એ બન્ને સરખાં પાપ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે.com)

શરમની વાત છે. ખરેખર શરમની વાત છે કે ભારત સરકારે મળેલી માહિતીના આધારે ઑપરેશન ડિઝાઇન કરવું પડે અને મેઘચક્રના નામે ૧૨ દિવસ બધું રિસર્ચ કરી ૫૦થી વધારે જગ્યાએ રેઇડ પાડવી પડે. રેઇડ શું કામ પાડી એ તો હવે તમે જાણો જ છો. ચાઇલ્ડ પૉર્ન. જે બાળકના જીવનમાં હજી નાનપણ ગયું નથી, જેણે હજી યુવાની જોઈ નથી, જેને હજી ટીનએજની શાલિનતા પણ સ્પર્શી નથી એ બાળકના જીવનમાં પૉર્નોગ્રાફી ઉમેરી દેનારા નરાધમ પ્રાણીઓને દેશ તો માફ નહીં જ કરે, પણ ધારો કે એવું બને કે કાયદાની છટકબારીનો લાભ લઈ એ ક્યાંય પણ બહાર આવી જાય તો નાગરિકો તેને ક્યારેય માફ ન કરે, ક્યારેય નહીં.

જગતનું સૌથી નરાધમ જો કોઈ હોય તો એ આ છે. હું તો કહીશ કે ગૌમાંસનું સેવન કરવું અને ચાઇલ્ડ પૉર્નોગ્રાફીને પ્રોત્સાહન આપવાના રસ્તે ચાલવું એ બન્ને સરખાં પાપ છે અને આવા પાપીઓને નામ પૂરતા પણ બક્ષવા ન જોઈએ. આ ઑપરેશનમાં પકડાયેલા અને સીધા જ આ નરાધમ કૃત્ય સાથે જોડાયેલા સૌકોઈને તો સજા થવી જ જોઈએ, પણ એ લોકોને સજા કરવાની સાથોસાથ એ બધાને પણ સજા કરજો જેમને આ બધી ખબર હોવા છતાં ચુપકીદી સેવીને બેઠા હતા. ધારી તો નથી શકાતું, પણ એમ છતાં, માનો કે તેઓ તેમના ફૅમિલી મેમ્બર હોય તો પણ તેમને ન છોડતા અને છોડવા ન જ જોઈએ.

અગાઉ આપણે ત્યાંની એક સેલિબ્રિટીના નરાધમ હસબન્ડે પૉર્નોગ્રાફીનું કામ કર્યું હતું અને તેની અટકાયત થઈ હતી, જોકે આજે તે બહાર છે, પણ કહેવા એ માગું છું કે આ પૉર્નોગ્રાફીની સહેજ પણ અવગણના ન કરો અને ભૂલથી પણ કાયદાની કોઈ છટકબારી તે લઈ લે એવું ન રહેવા દો. પૉર્નોગ્રાફી એક એવું દૂષણ છે જે તમારા સમાજને કોરી ખાય છે. દારૂ અને ડ્રગ્સનું વ્યસન જેટલું વ્યક્તિને ફોલી ખાય છે એટલું જ ફોલી ખાવાનું કામ આ પૉર્નોગ્રાફી કરે છે.

જરા વિચાર તો કરો કે તમારા દેશમાં સેક્સ એજ્યુકેશનને કાયદેસર કરવામાં નથી આવ્યું, એવા સમયે જ્યારે લોકોના માનસ પર આ વિષયની ગંભીરતાનો કોઈ અણસાર નથી આવ્યો અને આપણી જ પ્રજાને આ નરાધમો એવું-એવું આપી રહ્યા છે જે પોતાના ઘરમાં પણ કોઈ કાળે સ્વીકારી ન શકે. કહે છે કે ડાકણ પણ એક ઘર છોડે, પણ આ પૉર્નોગ્રાફીના પાપીઓ તો એનાથી પણ બદતર પુરવાર થયા છે. તેમણે આપણા જ દેશની પ્રજાનો બન્ને પ્રકારનો દુરુપયોગ કર્યો છે. તેની આંખોમાં ઝેર પણ રોપ્યું અને બીજાની આંખોમાં ઝેર વાવવા માટે એનો દુરુપયોગ પણ કર્યો. 
ઑપરેશન મેઘચક્ર હજી પૂરું નથી થયું. આ કામ એક વર્ષ સુધી ચાલુ રહેવાનું છે, પણ એકસાથે જેટલાં સ્થળે રેઇડ પાડી છે એ જોતાં એવું માનવામાં આવે છે કે આ નરાધમો થોડો સમય અન્ડરગ્રાઉન્ડ થઈ જશે, પણ જેવા તેઓ બહાર આવશે કે ફરીથી આ કામ ચાલુ થશે. પ્લીઝ, ચાલુ જ રાખજો આ કામ અને કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કડકમાં કડક પગલાં લઈને તેમને કાલાપાની મોકલો.

columnists manoj joshi central bureau of investigation cyber crime