હર ઘર તિરંગા : રાષ્ટ્રવાદની ભાવના જગાવવાનો જે ભાવ હતો એનું પરિણામ સુંદર અને સુદૃઢ મળ્યું

16 August, 2022 05:05 PM IST  |  Mumbai | Manoj Joshi

રાષ્ટ્રવાદ એ રોજબરોજ જોવા મળતી લાગણી નથી, પણ એ લાગણી લાંબા ગાળે અને અસરકારક રીતે જીવનમાં જોવા મળતી હોય છે

હર ઘર તિરંગા

આઝાદી પર્વ નિમિત્તે આ વર્ષે દરેક વ્યક્તિ પોતાના ઘર પર તિરંગો લહેરાવે એવી જે ભાવના વ્યક્ત કરવામાં આવી હતી એનો સૌથી મોટો ફાયદો એ થયો કે લોકોના મનમાંથી એ જૂની વાત નીકળી ગઈ કે તિરંગો ઘર કે ઑફિસના કૅમ્પસ પર ન લહેરાવી શકાય. હા, આ જે વાત હતી એ છેલ્લા ૭ દાયકા દરમ્યાન એવી રીતે લોકોના મનમાં ઘૂસી ગઈ હતી કે અનેક જાહેરાતો પછી, અનેક પ્રકારના ચુકાદા આવ્યા પછી અનેક વખત સત્તાવાર રીતે ઘોષિત કર્યા પછી પણ ભણેલાગણેલાઓ સુધી પણ એ મેસેજ પહોંચ્યો નહોતો, પણ આ વખતે એ વાત અસરકારક રીતે લોકો સુધી પહોંચી ગઈ અને એને માટે આપણે સૌએ સોશ્યલ મીડિયાનો આભાર માનવો રહ્યો.

સોશ્યલ મીડિયામાં ઝીલી લેવામાં આવેલી આ વાત સામાન્ય લોકો સુધી પહોંચી અને એને લીધે ઘર-ઘર અને વ્યક્તિ-વ્યક્તિ સુધી આ સંદેશો પહોંચ્યો. જરા વિચાર તો કરો સાહેબ, કેટલી સરસ વાત અને કેવો સરસ પ્રતિસાદ. ‘હર ઘર તિરંગા’ અને ખરેખર એવું બન્યું પણ ખરું. આઝાદી પર્વ નિમિત્તે અમુક શહેરોમાં તિરંગા-રૅલી નીકળી તો અમુક શહેરોમાં તિરંગા સાથે પ્રભાતફેરી થઈ. અપાર્ટમેન્ટ તેમ જ સ્કૂલ-કૉલેજથી લઈને પ્રાઇવેટ ઑફિસના કૅમ્પસમાં પણ તિરંગો લહેરાતો જોવા મળ્યો. તિરંગાને ઘર-ઘર સુધી, જન-જન સુધી પહોંચાડીને રાષ્ટ્રવાદની ભાવના જગાડવાનો આ જે પ્રયાસ થયો એને એવો અદ્ભુત પ્રતિસાદ મળ્યો કે તમે ધારી પણ ન શકો કે કલ્પી પણ ન શકો. 

રાષ્ટ્રવાદ એ રોજબરોજ જોવા મળતી લાગણી નથી, પણ એ લાગણી લાંબા ગાળે અને અસરકારક રીતે જીવનમાં જોવા મળતી હોય છે. ટૅક્સ ભરવા જેવી નાનામાં નાની વાતથી લઈને પર દુઃખભંજન બનવાની ભાવના જન્મવી એ પણ રાષ્ટ્રવાદ છે અને રાષ્ટ્રને નુકસાન કરનારાઓને સાથ ન આપવાની લાગણી મનમાં બળવત્તર બનવી એ પણ રાષ્ટ્રવાદ છે. રાષ્ટ્રવાદની અસર મક્કમ હોય અને એટલે જ એ ક્યાંય નરી આંખે જોઈ શકાતી નથી. હર ઘર તિરંગા દ્વારા એ કામમાં મક્કમતા ઉમેરવાનું ઉત્તમ કાર્ય થયું છે અને એ કાર્યની અસર આપણને આવતાં વર્ષોમાં જોવા મળવાની છે.

ભારત જે પ્રકારે પોતાનો રંગ બદલી રહ્યું છે એ જોતાં કહેવું જ પડે કે હવે આપણો દેશ સર્વાંગી વિકાસના રસ્તે છે અને આ રસ્તા પર સૌકોઈ સુધી સુખ પહોંચાડવાની ભાવના સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કોઈ પણ રાષ્ટ્ર માટે સર્વાંગી વિકાસ જ એનું જમા પાસું હોઈ શકે. આજે પશ્ચિમના જે દેશો છે એ દેશમાં આ સર્વાંગી વિકાસનો જ ભાવ જાળવી રાખવામાં આવ્યો છે. તમે રાષ્ટ્રને ભૂલીને વિકાસ ન કરી શકો કે પછી તમે વિકાસની આંગળી પકડીને ક્યારેય રાષ્ટ્રને વીસરી ન શકો. ન ગમતા ચીને પણ આ જ વાતને સર્વોત્તમ રીતે અમલીય બનાવી છે અને અમેરિકામાં પણ તમને આ જ ભાવ જોવા મળે છે. કબૂલવું જ રહ્યું કે આપણે જે દિશામાં આગળ વધીએ છીએ એ દિશા ભારતને મહાસત્તા તરફ ખેંચી જશે એમાં કોઈ મીનમેખ નથી.

columnists manoj joshi