ઇલેક્શન અને અવામ : દેશને રામરાજ્ય બનાવવા માટે ઘરની બહાર નીકળવું શું કામ અનિવાર્ય છે?

28 November, 2022 04:14 PM IST  |  Mumbai | Manoj Joshi

ક સમય હતો જ્યારે આ વર્ગ જ વોટિંગ માટે બહાર નીકળતો અને આપણામાં નીરસતા આવી ગઈ હતી, પણ હવે ઊલટું બની ગયું છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બહુ સીધો જવાબ છે આનો. જો તમે બહાર નહીં નીકળો તો એ લોકોનું રાજ રહેશે જે લોકો ઘરની બહાર નીકળીને સત્તા પોતાના હાથમાં લેશે અને એટલે જ દેશને રામરાજ્ય બનાવવા માટે ઘરની બહાર નીકળવું અનિવાર્ય છે. અનિવાર્ય છે મતદાન માટે જાઓ એ અને અનિવાર્ય છે કે મતદાન માટે તમે બીજાને પણ જાગ્રત કરો.

હવે એ સમજાવવાના દિવસો ગયા કે તમારો વોટ કીમતી છે. આપણે સમજતા થઈ ગયા છીએ કે આપણો વોટ બહુ કીમતી છે, પણ એક વર્ગ હજી પણ એવો છે જે વોટ‌િંગની બાબતમાં નીરસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજના સમયમાં પહેલાં કરતાં જરા ઊંધો સિનારિયો છે. એક સમય હતો જ્યારે આ વર્ગ જ વોટિંગ માટે બહાર નીકળતો અને આપણામાં નીરસતા આવી ગઈ હતી, પણ હવે ઊલટું બની ગયું છે. હવે આપણે બહાર નીકળીએ છીએ. ભણેલાગણેલા લોકો મતદાન કરતા થઈ ગયા છે અને સામા પક્ષે આ જે વર્ગ છે એ મતદાન માટે નીરસ થઈ ગયો છે. તેમને સમજાવો, કહો કે આ નીરસતા વચ્ચે તો તેણે ખાસ મતદાન માટે જવાનું છે.

મતદાન એક જ એવી પ્રક્ર‌િયા છે જે આ દેશની સત્તાથી માંડીને સિકલ બદલી શકશે. મતદાન વિના તમે કોઈ રીતે એ કાર્ય કરી શકવાના નથી. જે યોગ્ય લાગે તેને મતદાન કરવા માટે બહાર નીકળો. જે ગમે તેને મતદાન કરવા માટે બહાર આવો અને ધારો કે કોઈ ગમતું ન હોય, કોઈ વાજબી ઉમેદવાર દેખાતું ન હોય તો તો તમારે ખાસ બહાર નીકળવું જોઈએ અને એ ઉમેદવારને જાકારો આપવાનું કામ કરવું જોઈએ. આજ સુધી આ કામ એક પણ સ્ટેટના એક પણ રાજ્યની વિધાનસભામાં નથી થયું કે ન તો સંસદભવનમાં થયું છે. કરો, જાકારો આપો અને ગાઈવગાડીને જાકારો આપો, જેથી પાર્ટીઓને પણ ખબર પડે કે લોકોને તમે આ રીતે છેતરશો તો નહીં ચાલે, પણ આ ખબર ત્યારે જ પડશે જ્યારે તમે મતદાન કરવા માટે બહાર આવીને NATO (નન ઑફ ધ અબોવ)નું બટન દબાવીને જે ઉમેદવારો છે એ બધાને જાકારો આપશો.

મતદાન તમે કરતા થઈ ગયા હો તો તમારે મતદાન ન કરતા લોકોને આગળ ધપાવવાના છે અને તેમને લઈને મતદાન માટે નીકળવાનું છે. લોકશાહી માટે જો કંઈ સૌથી વધારે જોખમી હોય તો એ છે નીરસતા અને આ નીરસતા હવે આપણે સૌએ કાઢવાની છે. નજીકના સમયની વાત કરીએ તો ગુજરાતનું ઇલેક્શન સૌથી પહેલાં આવે છે, જેમાં તમારે કદાચ મતદાન કરવા જવાનું ન હોય તો તમારે આ જ વાત તમારે ત્યાં રહેતાં સૌ સગાંવહાલાંઓને કરવાની છે અને તેમને સમજાવવાનાં છે કે પ્લીઝ, મતદાન માટે જઈ, ગમતા કે ન ગમતા ઉમેદવારોને જાકારો આપવાનું કામ કરો. આ લોકશાહીની ગુહાર છે અને લોકશાહી ક્યારેય હાથ ફેલાવતી નથી, સિવાય ઇલેક્શન. તેણે હાથ ફેલાવ્યો છે તો ફેલાયેલા એ હાથને ખાલી પાછો ન મોકલવો એ તો માણસાઈનો ધર્મ છે. નિભાવો માણસાઈ અને કરો મતદાન.

columnists manoj joshi gujarat election 2022