કન્ટેન્ટની દુનિયાઃ ભલા માણસ, જૂની દલીલોને આધારે આખી જિંદગી તો નથી જીવી શકાતુંને?

20 January, 2023 04:51 PM IST  |  Mumbai | Manoj Joshi

પ્રૉબ્લેમ આવશે એ એક્સહિબિટર-ઇન્ડસ્ટ્રીને આવશે અને એને લીધે સિંગલ સ્ક્રીનનાં થિયેટરોની હાલત વધુ કફોડી થશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

એક ને એક દલીલ કેટલીવાર ચાલે, કેટલીવાર એ સાંભળીને માણસ પ્રભાવિત થાય અને કેટલીવાર એવું બને કે માણસ એ દલીલ સાંભળીને તમારી વાત સાથે સહમત થઈ જાય?

ગઈ કાલનો આર્ટિકલ વાંચીને કેટલાક મિત્રોને એવું લાગ્યું કે ભલે કંઈ પણ થઈ જાય, પણ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને તો કશું થવાનું જ નથી અને એ વાત સાવ નાખી દેવા જેવી છે પણ નહીં, કારણ કે ફિલ્મો બનતી જ રહેવાની છે અને એ ફિલ્મો ડિજિટલ પ્લૅટફૉર્મ પર સૌ કોઈની સામે મુકાતી પણ રહેવાની છે, પણ પ્રૉબ્લેમ જો કોઈ ઊભો થશે તો એ મ​લ્ટિપ્લેક્સને થશે. પ્રૉબ્લેમ આવશે એ એક્સહિબિટર-ઇન્ડસ્ટ્રીને આવશે અને એને લીધે સિંગલ સ્ક્રીનનાં થિયેટરોની હાલત વધુ કફોડી થશે. જરા વિચાર કરો તમે કે ઍમેઝૉન પ્રાઇમ વધુ સસ્તું મૉડલ ઇન્ટ્રોડ્યુસ કરવા પર આવી ગયું હોય અને હજુ એવા જ નવા પ્લાન બનાવવાના મૂડમાં હોય તો એનો અર્થ પણ થાય કે આવતી કાલે સવારે સિંગલ સ્ક્રીનમાં ફિલ્મ જોવા જતા નાના માણસના હાથમાં રહેલા મોબાઇલમાં પણ એ ઍમેઝૉન કે પછી બીજું કે ત્રીજું કે ચોથું ડિજિટલ પ્લૅટફૉર્મ હશે અને એ પ્લૅટફૉર્મ પર તે ક્યાંય પણ બેસીને પોતાનું મનોરંજન મેળવતો હશે.

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ફરક નહીં પડે, કારણ કે એ તો ડાઇવર્ટ થઈને એ પ્લૅટફૉર્મ માટે ફિલ્મો કે પછી બીજી કન્ટેન્ટ બનાવવા પર આવી જશે અને કલાકારોને પણ વાંધો નહીં આવે, કારણ કે તેણે કૅમેરા સામે જ કામ કરવાનું છે. કામ ભલે પછી ડિજિટલ પ્લૅટફૉર્મ માટે હોય કે મ​લ્ટિપ્લેક્સ માટે હોય. આ જ વાત થિયેટરના કલાકારોને પણ લાગુ પડશે.

આ પણ વાંચો :  કન્ટેન્ટની દુનિયા : હજી ઘણું નવું આવવાનું છે, હજી ઘણી ચુનૌતીઓ દરવાજે ઊભી છે

પ્રોડ્યુસર મરશે જો ઑડિયન્સ થિયેટર સુધી નાટક કે પછી બીજી કોઈ લાઇવ આર્ટ જોવા નહીં જાય તો અને એ થિયેટર સુધી આવે એના માટે જ હવે પ્રોડ્યુસરથી માંડીને સૌએ સજાગ થવાનું છે. ગઈ કાલે પણ કહેવાનો ભાવાર્થ આ જ હતો અને આજે, આવતી કાલે પણ વાતનો સૂર આ જ રહેવાનો છે. કન્ટેન્ટની બાબતમાં સજાગ થવું પડશે અને એ સજાગતા લાવવાની નીતિને વધારે બળવત બનાવવી પડશે. જરા પણ એવું માનવાની જરૂર નથી કે કલાકાર કે પછી એક પણ ટે​ક્નિકલ સ્ટાફને નવી ટેક્નૉલૉજીથી ભય ઊભો થશે. ના અને ના જ. તકલીફ પ્રોડ્યુસરને પણ નહીં આવે, તેણે પોતાની જાતને નવી દુનિયામાં ઢાળવી પડશે અને તકલીફ મ​લ્ટિપ્લેક્સને પણ નહીં આવે, એ પોતાની જગ્યા પર નવું ડેવલપમેન્ટ કરીને મૉલ કે રેસ્ટોરાં કે પછી એવું કશું બનાવીને નવેસરથી ધંધો કરવાની નીતિ ડેવલપ કરી લેશે. 

તકલીફ પડશે એ ઑડિયન્સને પડશે, એ ઑડિયન્સને જે ખરા અર્થમાં સિનેમાના ચાહક છે, જે ‘શોલે’ અને ‘બૉર્ડર’ જોઈને મોટા થયા છે કે પછી ‘એક દૂજે કે લિએ’ અને ‘કયામત સે કયામત તક’ જેવી ફિલ્મો સાથે પોતાની યુવાની પસાર કરી છે. તકલીફ એ ઑડિયન્સને પડશે જે આજે પણ સિનેમા માટે શ્વસે છે અને બૉલીવુડને ખરા દિલથી ચાહે છે. તકલીફ એ ઑડિયન્સને પડશે જેના માટે આજે પણ નાટક પોતાનો જીવ અને શ્વાસ છે. તે આ અવસ્થા જોઈ નહીં શકે. જો તેમની આંતરડી દુભાવવી ન હોય તો સુધરવાની આ તકને ઝડપવાની જરૂર છે. ​થિયેટરમાં એ દુનિયા ઊભી કરવાનું કામ કરવું પડશે જે દુનિયા જોવા લોકોમાં તાલાવેલી જાગે.

columnists manoj joshi netflix amazon prime bollywood