વિરોધીઓ જોઈ લે ‘પઠાન’ને : જાણ્યા વિના હઈશો-હઈશો કરવામાં સાર નથી એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ

13 January, 2023 04:38 PM IST  |  Mumbai | Manoj Joshi

અમદાવાદમાં વિરોધીઓએ પોસ્ટર ફાડ્યાં અને તોડફોડ કરી, તો ઇન્દોરમાં પણ એવું જ થયું અને પંજાબનાં અમુક શહેરોમાં પણ એવો વિરોધ કરવામાં આવ્યો

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન

બે દિવસ પહેલાં શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાન’નું ટ્રેલર લૉન્ચ થયું અને એ પછી સૌકોઈ સામે આવ્યું કે આ ફિલ્મ એક દેશભક્ત હિન્દુસ્તાની જાસૂસની વાત કહે છે. ટ્રેલર લૉન્ચ થાય એ પહેલાં તો આ ફિલ્મે એવો દેકારો મચાવી દીધો હતો કે તમે જેની કલ્પના પણ ન કરી હોય. અમદાવાદમાં વિરોધીઓએ પોસ્ટર ફાડ્યાં અને તોડફોડ કરી, તો ઇન્દોરમાં પણ એવું જ થયું અને પંજાબનાં અમુક શહેરોમાં પણ એવો વિરોધ કરવામાં આવ્યો. ફિલ્મના એક સૉન્ગને લઈને પણ વિરોધ થયો અને વિરોધના મૂળમાં એ જ ગીત રહ્યું. એ ગીત રિલીઝ થયા પછી વિરોધીઓ રીતસર તૂટી પડ્યા અને તૂટી પડેલા વિરોધીઓએ એક જ વાત શરૂ કરી દીધી કે મુસ્લિમ નામ ધરાવતી આ ફિલ્મ હિન્દુઓને નીચા દેખાડવાનો પ્રયાસ છે, આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. એ સમયે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, લોકશાહીમાં વિરોધની તમામ છૂટ છે અને ન ગમતાનો વિરોધ કરવો જ જોઈએ. વાણીસ્વતંત્રતા એ લોકશાહીની પ્રાથમિક શરત છે અને એ શરતના આધારે સૌકોઈને એનો વપરાશ કરવાનો હક હોવો જ જોઈએ, પણ કેવો, કઈ રીતે અને ક્યારે એની સમજણ પણ સૌકોઈમાં હોવી જોઈએ.

આ પણ વાંચો :  દરેક વાતમાં વિરોધ નોંધાવવાની ભાવના ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે જોખમી બનશે

જે ફિલ્મ તમે હજી જોઈ નથી, જે ફિલ્મ હજી આવી જ નથી અને જે ફિલ્મ સાથે જોડાયેલા પાંચ-પંદર સિવાય કોઈ વધારે કશું જાણતું નથી એ ફિલ્મનો વિરોધ કરવાનો વિચાર સુધ્ધાં કેવી રીતે થઈ શકે, એ વિચારને અમલમાં મૂકવાની કુબુદ્ધિ પણ કઈ રીતે સૂઝી શકે? ટ્રેલર જોયા પછી રીતસર દેખાય છે કે આ ફિલ્મ એક એવા જાસૂસની ફિલ્મ છે જે દેશ માટે પોતાનો જીવ હોડમાં મૂકીને રીતસર રેસમાં ઊતરે છે. હિન્દુસ્તાન માટેનો પ્રેમ પણ એમાં ઝળકતો દેખાય છે અને દેશ માટે જીવ આપવાનો ભાવ પણ ટ્રેલરમાંથી સ્પષ્ટ દેખાય છે. હા, આ જે જાસૂસ છે એ જાસૂસ પઠાણ છે, પણ તમે એનો એવો વિરોધ કેવી રીતે કરી શકો કે જાસૂસ છે એ પઠાણ કે પછી મુસ્લિમ કમ્યુનિટીનો ન હોવો જોઈએ?

આપણે જ કહીએ છીએ કે આ દેશના એકેક એવા મુસ્લિમને સરઆંખો પર રાખવામાં આવશે જેને માટે મજહબની પણ પહેલાં દેશ છે. આ જ તો ભાવ આ ફિલ્મનો છે અને એ અઢી-ત્રણ મિનિટમાં રીતસર ખબર પડી જાય. ઊડીને આંખે વળગે છે કે હઈશો-હઈશો કરીને વિરોધ કરવા નીકળેલા અને સાવ ખોટી વાત કરનારાઓને લગતો આ વિષય જ નથી. વાતને અંત તરફ લઈ જતાં પહેલાં એક નાનકડી ચોખવટ પણ કરવાની. આ ફિલ્મ કે ઍક્ટર-ડિરેક્ટર સાથે મારે દૂર-દૂર સુધી કશી લેવા-દેવા નથી અને એ પછી પણ મારે કહેવું પડે છે કે વિરોધીઓની બોલતી બંધ થઈ જાય એ સ્તરનો ફિયાસ્કો થયો છે. હકીકત એ છે કે આ કોઈ વિરોધીઓ છે જ નહીં, એ માત્ર અને માત્ર ટ્રોલર છે અને ટ્રોલ કરવાની નીતિ સાથે પોતે લાઇમલાઇટમાં રહે એને માટેનો આ ફક્ત પ્રયાસ હતો, પણ એ પ્રયાસ ખરેખર સુપરફ્લૉપ થયો છે અને એવું જ બનશે, જો જાણ્યા વિના આમ જ મૂંડી નીચી કરીને ગાડરિયા પ્રવાહમાં આગળ વધશો તો.

manoj joshi pathaan Shah Rukh Khan