કૉલમ:60 મિનિટ શું કામ તમારે મોબાઇલ-સોશ્યલ મીડિયાથી દૂર રહેવું જોઈએ

22 April, 2019 09:16 AM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

કૉલમ:60 મિનિટ શું કામ તમારે મોબાઇલ-સોશ્યલ મીડિયાથી દૂર રહેવું જોઈએ

ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ ઓછાં હતાં એમ છેલ્લા એકાદ વર્ષથી સાલું આ ઇન્સ્ટાગ્રામ પણ ઉમેરાયું અને બધા એની લતની અડફેટમાં આવી ગયા. થોડી વાર માટે વૉટ્સઍપ બંધ થાય ત્યાં તો માણસ આમ ઘાંઘો-ઘાંઘો થઈ જાય. બેચેની લાગવા માંડે અને જીવ ચૂંથાવા લાગે. બધું ચેક કરી લે અને પાંચ મિનિટમાં તો બે વખત મોબાઇલ રીસ્ટાર્ટ પણ કરી લે. એ પછી પણ ચાલુ ન થાય તો બે જણને પૂછી પણ લે અને પૂછી લીધા પછી જો ભૂલથી પણ એવી ખબર પડે કે એનું નેટવર્ક, ઇન્ટરનેટ અને એનું સોશ્યલ મીડિયા બરાબર કામ કરે છે તો મોઢામાંથી એકાદી સરસ્વતી પણ સરી જાય. હવે આપણે ખરેખર દેખાડાની જિંદગી જીવતા થઈ ગયા છીએ, કારણ વિનાના કોઈના ડિસ્પ્લે પિક્ચરનાં વખાણ કરવાનાં, લાઇકનું બટન દબાવીને દેખાડો કરી લેવાનો, એકાદી કમેન્ટ કરીને જતન કરતા હોવાનો ભાવ પણ ઊભો કરી દેવાનો. પણ આવું બધું કરતાં પહેલાં એટલું યાદ રાખજો, વૉટ્સઍપ જીવન નથી. વૉટ્સઍપનું અસ્તિત્વ જરાય જરૂરી નથી. ફેસબુક પર અત્યારે બૅન લાગી જાય અને ફેસબુક બંધ થઈ જાય તો પણ કોઈ ફરક નથી પડતો અને ટ્વિટર બંધ થઈ જાય તો પણ કંઈ લૂંટાઈ નથી જવાનું. પણ એમ છતાં પણ આપણા માટે આ દુનિયા એટલી મહkવની થઈ ગઈ છે કે જેની કલ્પના પણ કરવી અઘરી છે.

આ જ વિષય પર મેં અગાઉ પણ કહ્યું છે, પણ એ વાત સંવેદનાના હેતુથી હતી; આજે આ વાત સકારણ કરવાની છે, વાજબી કારણોસર કરવાની છે. જો દિવસમાં એક કલાક એટલે કે સાઠ મિનિટ સોશ્યલ મીડિયાથી દૂર રહેવામાં આવે તો ઘણું સારું કામ કરી શકીએ છીએ. એવું સારું કામ જેની ચર્ચા સોશ્યલ મીડિયા પર પણ હજારો અને લાખો લોકો કરી શકે.

હું આજની યંગ જનરેશનને કહેવા માગું છું કે સોશ્યલ મીડિયાથી દિવસમાં એક કલાક, માત્ર એક કલાક દૂર રહીને જો એ એક કલાકને સોશ્યલ ઍક્ટિવિટીમાં આવે તો ખૂબ જ સારું પરિણામ દેશને મળશે. માત્ર એક કલાક. આ એક કલાક દરમ્યાન સોશ્યલ મીડિયા અને મોબાઇલ બન્નેને તમારાથી દૂર કરી દો. સોશ્યલ મીડિયાને કારણે આજે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે કે તમને ક્યાંય સમયનું મૂલ્ય રહ્યું જ નથી.

આ પણ વાંચોઃ સાધ્વી પ્રજ્ઞા ઉવાચ :ક્યારે શું બોલો છો, કયા પદથી બોલો છો મહત્વનું છે.

સમયનું મૂલ્ય ત્યારે નથી સમજાતું જ્યારે એ પસાર થતો હોય છે; પણ જ્યારે એની જરૂર હોય છે ત્યારે પસાર કરેલા સમય, વીતેલા સમય કે પછી વેડફી નાખેલા સમયનું મૂલ્ય સમજાઈ જતું હોય છે. આપણા યુવાધન પાસે જે શક્તિ છે, જે તાકાત છે એવી તાકાત અને શક્તિ દુનિયાના બીજા કોઈ યુવાધન પાસે હોય એવું હું માનતો નથી. પણ આપણું એ યુવાધન પોતાની શક્તિ અને પોતાની તાકાત આ સોશ્યલ મીડિયા પર ખર્ચી રહ્યું છે. આ ખર્ચ બંધ કરવાનું હું નથી કહેતો, પણ હું માત્ર દિવસમાં એક કલાક એનો વપરાશ બંધ કરવાનું કહું છું. આજે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે મોબાઇલ ડેટા એટલોબધો આપવામાં આવે છે કે એ સાત જણના પરિવાર વચ્ચે પણ ખૂટે નહીં. મળે એ બધું વાપરવું જરૂરી નથી. મોબાઇલ કંપનીનો તો આ ધંધો છે. એ તો કરશે, પણ એ ધંધાને લીધે જો તમારો મૂલ્યવાન સમય વેડફાતો હોય તો એ યોગ્ય નથી.

manoj joshi columnists