જેને પોતાના કોઈ નિયમ નથી તે હંમેશાં બીજાના નિયમો પર ચાલે છે

11 January, 2019 09:06 AM IST  |  | Manoj Joshi

જેને પોતાના કોઈ નિયમ નથી તે હંમેશાં બીજાના નિયમો પર ચાલે છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

હું દુનિયા આખી ચેન્જ કરી નાખું, દુનિયાના તમામ લોકોમાં સુધારા લાવી દઉં.

આવી ઇચ્છા અઢળક લોકોને હોય છે અને તેમની ઇચ્છા પણ એવી જ હોય છે કે આખી દુનિયાને સુધારી નાખું. પેલું એક ફિલ્મમાં એક કૅરૅક્ટરનો તકિયા કલામ હતોને-તોડી નાખું, ફોડી નાખું, ભાંગીને ભુક્કા કરી નાખું. બસ, એવું જ, એવું જ તેમના મનમાં હોય છે અને એમાં કંઈ ખોટું પણ નથી. આજના સમયમાં માણસ સ્વાર્થી બની રહ્યો છે, સેલ્ફ-સેન્ટર્ડ અને સેલ્ફિશ પણ. એવા સમયે કોઈ માણસ આગળ આવે અને આગેવાની લઈને દુનિયાને બદલવાની ઇચ્છા વ્યક્ત કરે તો એ તો ઊલટી ખુશ થવા જેવી વાત છે અને એ રાજીપો વ્યક્ત પણ કરવો જોઈએ, પણ એ બધું કરતાં પહેલાં એ પણ જોવું જોઈએ કે જેને દુનિયા બદલવી છે એ વ્યક્તિમાં એ કામ માટે હીર કેટલું છે.

હમણાં એક મિત્ર સાથે ખૂબ જ સરસ વાત થઈ. જે પોતાના નિયમો પર નથી ચાલતો તેણે હંમેશાં બીજાના નિયમો પર ચાલવું પડતું હોય છે. જેણે દુનિયા સુધારવી છે, જેના મનમાં દુનિયા સુધારવાની નેમ છે, ખેવના છે, ભાવના છે તેણે આ વાતને ખૂબ જ સારી રીતે સમજવી જોઈશે. દુનિયા એમ નહીં સુધરે. કહોને, દુનિયા ઘેલસાગરી પ્રજા છે, એ તમને રડાવશે, પજવશે, ત્રાહિમામ્ પોકારાવી દેશે અને એ પછી પણ તમે અડગ રહેશો તો એ વિચારવાનું શરૂ કરશે કે તમારી વાતમાં કંઈક તો તથ્ય લાગે છે. તમારે જે કોઈને જોવા હોય એ લોકોનો ઇતિહાસ જોઈ લેજો. તમને પોતાને દેખાશે કે સુધારો કરવા નીકળેલામાંથી કેટલા અડધે રસ્તેથી પાછા વળી ગયા છે અને કેટલા એવા છે જે પોતાના પથ પર આગળ વધ્યા છે. જૂજ સાહેબ, સાવ ઓછા લોકો એવા છે જેમણે પોતાના માર્ગ પર આગળ વધવાનું સફળતાપૂર્વક ચાલુ રાખ્યું, બાકી બધા તો રસ્તો ભૂલીને પાછા વળી ગયા કે પછી સાવ ખોટા માર્ગે ચાલ્યા ગયા. અઢળક એવા લોકોને હું ઓળખું છું, મેં જોયા છે જેણે કોઈ પણ સદ્કાર્યની શરૂઆત કરતાં પહેલાં મોટી-મોટી ડંફાસો હાંકી હોય અને દુનિયા બદલી નાખવાની વાત કરી હોય અને પછી પોતે જ સાવ બદલાય ગયો હોય. જે પોતાના નિયમ પર નથી ચાલતો તેણે બીજાના નિયમ પર ચાલવાનો વારો આવી જાય છે.

નિયમ બનાવો, નિયમોનું પાલન કરો અને બનાવેલા નિયમોને ચુસ્તપણે વળગી રહો. સુધારો રાતોરાત નહીં આવે તો ચાલશે પણ એમાં તમારી દિશા બદલાવી ન જોઈએ. આ બહુ જરૂરી છે. માણસ નહીં સુધરે તો ચાલશે, તેને કાલે સુધારી લેશું. સમાજ નહીં સુધરે તો ચાલશે, તેને પરમ દિવસે સુધારી લેશું પણ તમારામાં કોઈ જાતનો ખોટી દિશાનો, ખોટી બાબતનો બગાડો આવી ગયેલો દેખાવો ન જોઈએ. આજે મોટા ભાગે આ જ બને છે.

આ પણ વાંચોઃ શુભારંભ : બીજો પહેલ કરે એવી માનસિકતા છોડીને કેમ શરૂઆત આપણાથી ન કરીએ?

જૉબ પર પણ તમને આ જ જોવા મળશે. એક ઓછું કામ કરનારો બીજા બધાને કામચોરીની આદત પાડી દેશે, પણ એક કામઢાને જોઈને આખી ઑફિસ ડબલ ર્ફોસથી કામ કરે એવું જોવા નહીં મળે, કારણ કે નેવું ટકા લોકો પોતાના નિયમ પર ચાલવાનું ભૂલી જાય છે એટલે તે ઝડપથી બીજાના નિયમ પર ચાલવાનું શરૂ કરી બેસે છે.

 

columnists