શુભારંભ : બીજો પહેલ કરે એવી માનસિકતા છોડીને કેમ શરૂઆત આપણાથી ન કરીએ?

Manoj Joshi | Jan 10, 2019, 09:44 IST

બધું આપણે જ કરવાની જરૂર છે એવું ધારવું પડશે. રસ્તા પર પડેલો કચરો બીજો ઉપાડશે એવું માનીને બેસી રહેશો તો એ કચરો ધીમે-ધીમે મોટો ઢગલો થઈ જશે.

શુભારંભ : બીજો પહેલ કરે એવી માનસિકતા છોડીને કેમ શરૂઆત આપણાથી ન કરીએ?

મેરે દિલ મેં આજ ક્યા હૈ? -

ટ્રાફિકનું શિસ્ત નથી. સફાઈ રાખવા માટે જાગૃતિ નથી. રસ્તા પર ચાલવા માટે આપણામાં બુદ્ધિ નથી. ટૅક્સ ભરવાની માનસિકતા નથી. ટ્રેનમાં કેવી રીતે બેસવું એની સમજદારી નથી. પાણીનો વેડફાટ કેવી રીતે અટકાવવો એના વિશે જાણકારી નથી અને એવું ઘણુંબધું. આ અને આવા અઢળક સવાલો મારા, તમારા અને આપણા મનમાં હોય છે, પણ અફસોસની વાત એક જ છે કે આપણને બધાને અપેક્ષા એવી જ છે કે આ બધા પ્રશ્નો સામેની વ્યક્તિને કારણે જ છે અને આ પ્રશ્નની તકલીફો સામેવાળાથી જ છે. સામેવાળાએ સુધરવું જોઈએ, સામેવાળાએ પોતાનામાં આ ચેન્જ કરવો જોઈએ, સામેવાળાએ પોતે હવે આ રીતે રહેવું શરૂ કરી દેવું જોઈએ અને સામેવાળાએ હવે આદર્શવાદી બનવું જોઈએ. બધું સામેવાળો જ કરશે તો પછી તમે શું કરશો? બધું સામેવાળાએ જ કરવાનું છે તો પછી જરા એ તો વિચાર કરો કે કોઈકને માટે તમે પણ સામેવાળા છો જ અને તો પછી તમારામાં પણ એટલા જ વાંધાવચકાઓ છે જેના માટે તે એવું માને છે કે તમારે એ સુધારો કરવાની જરૂર છે.

બ્લેમગેમ. સાહેબ, આ આખી બ્લેમગેમ છે અને આપણે એ જ રમ્યા કરીએ છીએ. વાંક સામેવાળાનો, સુધરવાનું સામેવાળાએ, ભૂલ તો સામેવાળાની અને તકલીફ તો પણ સામેવાળા દ્વારા આપવામાં આવતી. આ બધામાંથી બહાર આવીશું તો દેખાશે કે બધું જ બહુ સરળ અને સહજ હોય છે, પણ માત્ર આપણી દૃષ્ટિ અને આપણી નજરમાં જ એવો ભાવ આવી ગયો છે કે આપણે સર્વગુણસંપન્ïન છીએ. જો આપણે સર્વગુણસંપન્ન હોઈએ તો પહેલાં તો એવું બને જ નહીં કે આપણે બીજા લોકોના વાંકો કાઢતાં બેસી રહીએ. સર્વગુણસંપન્ïનની એવી કોઈ ખાસિયત હોય જ નહીં, એ તો કામ કરવામાં માનતો હોય કે માનતી હોય અને કામ કરીને આગળ વધવાની ભાવના ધરાવતી વ્યક્તિ હોય. હું કહીશ કે તમે ખોટા છો એવું નથી, પણ હા, તમે સર્વગુણસંપન્ન તો નથી જ એ તો સ્વભાવની આ ખાસિયતથી જ ખબર પડી જાય છે અને જો આ ખબર પડી જાય છે તો પછી હવે એવો દાવો ન કરો કે બધું સામેવાળાએ જ કરવાની જરૂર છે. બધું આપણે જ કરવાનું છે અને બધું આપણે જ કરવાની જરૂર છે એવું ધારવું પડશે. રસ્તા પર પડેલો કચરો બીજો ઉપાડશે એવું માનીને બેસી રહેશો તો એ કચરો ધીમે-ધીમે મોટો ઢગલો થઈ જશે. જો ઢગલો ન થવા દેવો હોય તો, જો એ ઢગલાના પર્વત પર બેસવું ન હોય તો કચરો ફેંકીને નીકળી જનારાને ગાળ આપવાને બદલે બહેતર છે કે એ કચરાને દૂર કરવાનું કામ કરો. હું અનેક એવી વ્યક્તિઓને ઓળખું છું, મેં અનેક એવી વ્યક્તિઓને જોઈ છે જેણે દુનિયા બદલાવવી હોય છે, પણ ભલા માણસ પહેલાં તું તારી જાતને તો એક વખત બદલાવ. જો તું એ ન કરી શકતો હો તો પછી દુનિયાને બદલાવવાની વાત કેવી રીતે શોરબકોર કરીને તું કરી શકે એ તો જરા વિચાર.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK