ગાંધી અને ગોડસે : ૧૯૪૮ની એ ઘટના આજે પણ રાજકારણનો ચલણી સિક્કો છે

18 May, 2019 11:05 AM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ગાંધી અને ગોડસે : ૧૯૪૮ની એ ઘટના આજે પણ રાજકારણનો ચલણી સિક્કો છે

૧૯૪૮ની સાંજે દિલ્હીના બિરલા હાઉસમાં ઘટેલી એ ગમખ્વાર ઘટના આખેઆખી દેશના એકેક નાગરિકને ખબર છે. અરે, હું તો કહીશ કે ૧૮ અને ૨૦ વર્ષના યુવાનોને પણ ખબર છે અને ૧૦-૧૨ વર્ષના કિશોર પણ જાણે છે, પણ તેમને એ નથી ખબર કે ગાંધી અને ગોડસેની એ ઘટના આજે પણ દેશના રાજકારણમાં ચલણી સિક્કા જેવી ડિમાન્ડમાં છે અને એ કાયમ આવી જ ડિમાન્ડમાં રહેશે. સાધ્વી પ્રજ્ઞા એક સ્ટેટમેન્ટ કરે અને આખું બીજેપી બૅકફુટ પર આવી જાય. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને એટલે જ તેણે ગાંધીજીની હત્યા કરી હતી.

પત્યું. કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસના સાથીપક્ષોએ સાધ્વી પ્રજ્ઞા તથા બીજેપીને આડે હાથ લઈ લીધી. વિવાદ લાંબો ચાલે કે પછી વધારે વકરે એ પહેલાં બીજેપીએ શાણપણ વાપરીને ઑફિશ્યલ સ્ટેટમેન્ટ પણ જાહેર કરી દીધું કે આ સાધ્વી પ્રજ્ઞાનું પોતાનું અંગત સ્ટેટમેન્ટ છે અને આ સ્ટેટમેન્ટ માટે તેમણે માફી માગવી જોઈએ. રાષ્ટ્રપિતાની હત્યા થઈ હોય ત્યારે એ હત્યારા માટે આ મુજબનું સ્ટેટમેન્ટ આવે એ ગેરવાજબી અને બેજવાબદારીભર્યું સ્ટેટમેન્ટ કહેવાય. ખાસ કરીને એવા સમયે, જે સમયે તમે લોકો પાસે જઈને મતની માગણી કરી રહ્યા હો, પણ મારો મુદ્દો એ છે કે દેશમાં કોઈને પોતાની અંગત વિચારધારા હોઈ શકે કે નહીં? કોઈ અંગત રીતે જે ધારે છે, માને છે એ તેણે કહેવાનું કે નહીં કહેવાનું?

ધારો કે સાધ્વી પ્રજ્ઞાનું આવું સ્ટેટમેન્ટ આવ્યું તો એ સ્ટેટમેન્ટને ક્યાંય બીજેપી સાથે નિસ્બત નથી અને એ હકીકત છે. દેશના એકેક દેશવાસીઓએ સમજવું જોઈશે કે આ અને આ પ્રકારનાં જે સ્ટેટમેન્ટ જેકોઈ કરી રહ્યા છે એ બધા જે-તે વ્યક્તિની અંગત વિચારધારા દર્શાવે છે અને આ વિચારધારા પણ જાણવી જરૂરી છે. જો ૧૨ કલાકમાં માફી માગી લેવામાં આવે અને એ પાર્ટીના કહેવાથી માગી લેવામાં આવી હોય તો એનો અર્થ એવો થઈને ઊભો રહેશે કે એના મનના વિચારો, દિલની ભાવનાઓ અકબંધ રહેશે, પણ એ માત્ર કહેવા ખાતર કે પછી દેખાડવા ખાતર માફી માગી લેશે અને પોતાનું સ્ટેટમેન્ટ પાછું લઈ લેશે. આ રીતે સ્ટેટમેન્ટ પાછું નહીં લેવડાવો. ભલે તે સાધ્વી પ્રજ્ઞા હોય કે પછી સૅમ પિત્રોડાનું પેલું ભારે વિવાદી ગણાય એવું ‘હુઆ તો હુઆ’ સ્ટેટમેન્ટ હોય. માન્યું કે તમારા મોઢેથી ભૂલથી નીકળેલું સ્ટેટમેન્ટ તમારે સુધારવું જ જોઈએ. જીભ છે, લપસે પણ ખરી, પણ લપસેલી જીભને ફરીથી એના રસ્તા પર લઈ આવવાની જવાબદારી તમારી છે. એને માટે પાર્ટીના એવા કોઈ દબાણને કામે ન લગાડવું જોઈએ કે જે કહેતી વખતે, બોલતી વખતે કે પછી એ સાંભળતી વખતે પણ તમારામાં રહેલી નકારાત્મકતા બહાર આવતી હોય.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ પ્રકરણ : સ્વસ્થતા બન્ને પક્ષે આવકાર્ય છે, તંદુરસ્તી બન્ને પક્ષે અનિવાર્ય છે

સાધ્વી પ્રજ્ઞાને લાગતું હોય કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા તો એ તેમની પોતાની વિચારધારા છે. આ વિચારધારાને કેટલી આગળ વધવા દેવી એ નક્કી કરવાનું કામ લોકશાહીમાં મતદારોની છે. દિલ્હીમાં હજાર સિખો કપાઈ ગયા એ પછી પણ ‘હશે, એમાં શું’ છે એવું ધારનારા સૅમ પિત્રોડાની આ વિચારધારા જાણ્યા પછી મતદારોએ નક્કી કરવાનું છે કે કૉન્ગ્રેસના એક સિનિયર નેતા જો આવું માનતા હોય તો તેમને સરકાર હાથમાં આપવી કે નહીં? આજનો મતદાર બુદ્ધિશાળી છે, વિચક્ષણ છે અને હોશિયાર છે. ઉમેદવાર શું કહે છે એ પણ તે જાણે છે અને એવું કહેવા પાછળનો તેમનો હેતુ શું છે એ પણ તે જાણે છે.

manoj joshi columnists mahatma gandhi