ગૌરવ તરફ એક ડગઃ એક કોળિયો શું કામ બત્રીસ વાર ચાવવાની જહેમત ઉઠાવવી જોઈએ?

09 July, 2019 12:15 PM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગૌરવ તરફ એક ડગઃ એક કોળિયો શું કામ બત્રીસ વાર ચાવવાની જહેમત ઉઠાવવી જોઈએ?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ખાનપાનની વાતને જ આપણે આગળ વધારીએ. વાચકોને મજા પણ આવે છે અને આ વિષય પર હજી વાત અધૂરી પણ છે. ગઈ કાલે એક વાચકમિત્રએ સવાલ પૂછ્યો કે ચાવી-ચાવીને ખાવા માટે શું કામ સલાહ આપવામાં આવી છે. આનો જવાબ આપતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કે, હું કોઈ વૈદરાજ કે એલોપથીનો ડૉક્ટર નથી કે મારી વાતને બ્રહ્મસમાન ગણવામાં આવે, પણ હા, એ પણ એટલું સાચું કે મને યોગ્ય વ્યક્તિ પાસેથી સલાહ મળી છે અને એનો જાત-અનુભવ કર્યો છે, એના લાભ જોયા છે અને એ પછી જ અહીંયા એ વાત કહેવાની તસદી લીધી છે.

ચાવવું શું કામ જોઈએ. આયુર્વેદ કહે છે કે ખાવાનો દરેક કોળિયો ઓછામાં ઓછો બત્રીસ વખત ચાવવો જોઈએ. આવું કહેવા પાછળનાં ઘણાં કારણોમાંનું એક કારણ એ છે કે હોજરી પાસે દાંત નથી એટલે એ કોળિયાને ઘી જેવો લસપસતો તમારે જ બનાવવાનો છે. બીજું કે કોઈ ધાન, કઠોળ કે શાકભાજીમાં રહેલાં સત્વો સીધા તમને મળી નથી જવાના. બહુ વખત પહેલાં કાન્તિ ભટ્ટને મળવાનું થયું હતું ત્યારે તેમણે એક સરસ વાત કહી હતી. કાન્તિભાઈએ કહ્યું હતું કે ‘આજે લોકો ખીચડી પણ ચમચીથી ખાવા માંડ્યા છે. આમાં મગ અને ચોખાના સંયોજનમાંથી ઉત્પન્ન થતું અને આંગળીના કારણે ચોળાઈને પેદા થતું પ્રોટિન કેવી રીતે ખાવાવાળાને મળે?’ મળે જ નહીં, ખીચડી તમારે પાંચ આંગળીના વેઢેથી ચોળી-ચોળીને ખાવી જોઈએ અને ખોરાકને ચાવવાનું પણ આ જ કારણ છે. ખોરાકમાં રહેલાં અલગ-અલગ સત્વો તમને અમુક વખત ચાવ્યા પછી મળવાના શરૂ થાય છે. આમ વધારે ને વધારે ચાવવાના એક નહીં અનેક કારણો છે અને એનું પાલન કરવું જોઈએ. જો એ પાલન ન કરીએ તો પ્રોટિન શૅક અને વિટામિનની રંગબેરંગી ગોળીઓ ગળવાનો વારો આવી જાય.

કોળિયો ચાવવાનું બીજું પણ એક કારણ સમજવાની જરૂર છે. સીધા પેટમાં ઓરી દેવાયેલા ખોરાકથી પેટ લાંબા સમય સુધી ભરાતું નથી, જેને લીધે છેલ્લે-છેલ્લે બિનજરૂરી ગણાય એવી બે-ચાર રોટલી પણ પેટમાં ઊતરી જાય છે. આ વધારાના ખોરાકને પચવાની મહેનત કરવી પડે છે અને તમે જો આળસુ હો, જો તમને કસરત કરવામાં ભાર પડતો હોય કે પછી તમને રનિંગ, જોગિંગ કે વોકિંગ જેવી એક્સરસાઇઝ કરવામાં તકલીફ પડતી હોય તો સ્વાભાવિક રીતે તમારું પાચનતંત્ર પણ એ જ આળસ કરવાનું છે જે તમે કરો છો. વધારે ચાવેલા ખોરાકના કારણે પેટ ઝડપથી ભરાઈ જાય છે અને અંકરાતિયાની જેમ ખા-ખા નથી કરવું પડતું. આ સિવાયના લાભ પણ છે, ધારો કે આ સિવાયના લાભ અહીંયા વર્ણવવામાં ન આવે તો પણ એટલા લાભ તો તમને કહી જ દીધા કે હવેથી કોઈનું મગજ ખાવાનું મન થાય તો એ પણ ચાવી-ચાવીને ખાવું. રામજાણે, એનાથી કેટલાગણો ફાયદો થાય અને શરીરને અગણિત લાભ મળે.

આ પણ વાંચો : ગૌરવ તરફ એક ડગઃ આ જાડાપાડા શબ્દનો સાચો અર્થ સમજવાનો સમય આવી ગયો છે

એક સમય હતો જ્યારે પ્લમ્પ સન્નારીને સૌંદર્યની નિશાની ગણવામાં આવતી. કાલિદાસ આ પ્રકારની સન્નારીઓ પર કાવ્ય લખતાં અને ગાલિબની ગઝલની રચના પણ આવી પ્લમ્પ સન્નારીઓ પર થતી. આજે પણ પ્લમ્પ હોવું એ સૌંદર્યની સારી નિશાની છે જ, પણ એમાં રોગ હોવો, બીમારી હોવી, આળસ હોવી એ તો બહુ ખરાબ વાત છે, છે અને છે જ.

manoj joshi columnists