તમે દેખાડવા માટે વેકેશન કરવા જાઓ છો કે પછી વેકેશન કરવા માટે ફરો છો?

17 August, 2019 07:46 AM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

તમે દેખાડવા માટે વેકેશન કરવા જાઓ છો કે પછી વેકેશન કરવા માટે ફરો છો?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આ સૌથી યક્ષ પ્રશ્ન છે. તમે શાની માટે ફરવા જાવ છો? ખરેખર, આ વાત સમજવાની જરૂર છે. તમે વેકેશન શું કામ કરો છો. દેખાડવા માટે વેકેશનનું પ્લાનિંગ થાય છે કે પછી બહાર નીકળવું છે, ઘરથી કંટાળ્યા છો એટલે તમે વેકેશનના નામે નીકળી જાવ છો? ત્રીજી વાત પણ પૂછવાની, વેકેશન એ તમારું સ્ટેટ્સ છે કે પછી વેકેશન દરમ્યાન તમે સાચે જ એ જગ્યાને એક્સપ્લોર કરવાનું પસંદ કરો છો?

અફસોસની વાત એ છે કે ઇન્ડિયામાં લગભગ ૭૮ ટકા લોકો વેકેશનને સ્ટેટ્સ અને જવાબદારીની સાથે જોડીને ચાલે છે. કાં તો એવું છે કે ફેમિલીને લઈને જવાનું છે એટલે એ નીકળી જાય છે અને કાં તો એવું છે કે સાળાને કે પછી સાઢુભાઈને દેખાડવું છે કે અમે તો અહીંયા-અહીંયા અને અહીંયા ફરી આવ્યા અને એટલે પ્લાનિંગ થાય છે, પણ ક્યારેય એ જગ્યાને એક્સપ્લોર કરવાના હેતુથી એનું પ્લાનિંગ નથી થતું. સાવ એવું નથી કે કોઈ એવું નથી કરતું. કરે છે, આજે પણ નોર્થ ઇન્ડિયામાં રહેનારાઓના પ્રવાસ તમે જુઓ તો તમને ખરેખર નવાઈ લાગે કે એ કેવી રીતે ફરે છે અને કેટકેટલું જુએ છે, પણ બાકીના ભારતની વાત કરીએ તો કહેવું પડે કે ડેલીએ હાથ દઈ આવવાની માનસિકતા વધારે પડતી જોવામાં આવે છે.

વેકેશન દરમ્યાન જતાં પહેલાં થ્રી-સ્ટાર કે ફોર-સ્ટાર હોટેલ લેવાની. જેમાં બ્રેકફાસ્ટ ફ્રી હોય એ તો સમજી શકાય, પણ એની સાથોસાથ સ્વિમિંગ પૂલ પણ હોવો જોઈએ, જિમ પણ હોવું જોઈએ, સ્પા પણ હોવું જોઈએ. આ બધાની ડિમાન્ડ કરનારાઓને મારી એક નમ્ર વિનંતી કે આ બધું ત્યાં જઈને જોવા કરતાં તો બહેતર છે કે બોરીવલીથી નીકળીને અંધેરીની એકાદ ફાઇવ સ્ટારમાં કે પછી ટાઉનની એકાદ ફાઇવ સ્ટારમાં બે દિવસ રહેવા માટે આવી જાવ. આમ પણ આપણે ક્યારેય તાજ કે લીલામાં નાઇટ હોલ્ટ કરવાનો વિચારસુધ્ધાં નહીં કર્યો હોય તો બહેતર છે કે એ અનુભવ લો, પણ જો તમે દુબઈ, બૅંગકોક, કોલંબો કે બાલી જતાં હો તો હોટેલના મોહ કરતાં ત્યાં તમને શું-શું જોવા મળવાનું છે એના પર વધારે ધ્યાન આપો.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

એક સીધો હિસાબ તમને સમજાવું. તમે આ વખતે ફરવા જવા માટે એક જગ્યા પસંદ કરી. એ જગ્યાએ તમે ફરવા જતાં હો તો ક્લિઅર કરી લો કે તમારે મેક્સિમમ ફરવું છે, મેક્સિમમ એ જગ્યાને એક્સપ્લોર કરવી છે. જો આરામ કરવા જવાનું પ્લાનિંગ કર્યું હોય તો વાત જુદી છે અને એ પણ એટલું જ સાચું છે કે એ કરવા માટે અહીંથી ઊડીને હજારો કિલોમીટર દૂર જવાની જરૂર નથી. મારા અનેક મિત્રો એવા છે જે મુંબઈમાં ને મુંબઈમાં સારી હોટેલમાં કે પછી નજીકમાં લોનાવાલા કે મહાબળેશ્વર જઈને બે-ચાર દિવસ એદીની જેમ પડ્યા રહીને પોતાનો થાક ઉતારે છે. થાક ઉતારવો અને ફરવા જેવું એ બન્ને ડિફરન્ટ પૉઇન્ટ છે એટલે એને બરાબર સમજીને પ્લાનિંગ કરો એ જરૂરી છે. તમે આજે દુબઈ ગયા પછી નજીકના ભવિષ્યમાં દુબઈ નથી જ જવાના તો પછી આ જ વખતે દુબઈમાં એવી રીતે ફરો કે જાણે તમે દુબઈને લૂંટવા આવ્યા છો. બજેટની ગણતરી મગજમાં રાખો, પણ એની સાથોસાથ એ વાત પણ મનમાં રાખો કે વધુ બજેટ તમારું હોટેલના હિસાબમાં ન જાય. આપણે ફરવા આવ્યા છીએ, જોવા આવ્યા છીએ. અઢળક ફરો, મબલક ફરો, પણ ફરો. એ જગ્યાને એક્સપ્લોર કરો. ઊંચા માયલી હોટેલમાં પડ્યા રહેવાથી માત્ર પાસપોર્ટ કહેશે કે આ ભાઈ આ દેશમાં પણ ગયા છે, પણ અનુભવની બાબતમાં ખાલિપો અકબંધ રહેશે.

manoj joshi columnists