શિવસેનાએ કરેલી માગણી કેટલે અંશે વાજબી છે?

02 November, 2019 12:52 PM IST  |  મુંબઈ ડેસ્ક

શિવસેનાએ કરેલી માગણી કેટલે અંશે વાજબી છે?

મેરે દિલ મેં આજ ક્યાં હૈં?

કોઈને કંઈ પણ લાગે, કંઈ પણ માને, પણ એક હકીકત એ તો છે જ કે શિવસેનાની માગણી વાજબી નથી. સીધી વાત છે આ. આદિત્ય ઠાકરેએ ખૂબ સારી જીત મેળવી એની ના નહીં, રાજ ઠાકરે અને આદિત્યના દાદા બાળ ઠાકરેની શાખ અદ્ભુત છે એની પણ ના નથી અને છતાં મનમાં એક જ જવાબ આવે છે કે આદિત્યએ હજી રાજકીય રીતે પરિપક્વતા મેળવવાની જરૂર છે. મુખ્ય પ્રધાનપદ મેળવવા જેવી આ તેની ઉંમર નથી. આગળ વધીએ એ પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરવાની કે આદિત્યની ક્ષમતા કે પછી તેની ટૅલન્ટ માટે કોઈ પ્રશ્ન નથી, પણ સાથોસાથ એ ચોખવટ પણ કરવાની કે ટૅલન્ટને પણ એક ચોક્કસ સમય જોઈતો હોય છે, ટૅલન્ટને પણ એક પ્રકારની તાલીમ મળવી જોઈએ.
રાજકારણ હંમેશાં સમય જતાં તમને દાવપેચ શીખવે. તમે બધું ઘરમાંથી શીખીને આવ્યા હો તો પણ તમારે ફીલ્ડમાં આવ્યા પછી ગ્રાઉન્ડનો અનુભવ લેવો જ જોઈએ. ક્રિકેટમાં પણ આ નિયમ લાગુ પડે અને ફુટબૉલમાં પણ આ નિયમ લાગુ પડે. એવી જ રીતે, બિલકુલ એવી જ રીતે રાજકારણમાં પણ આ નિયમ લાગુ પડે છે. આદિત્ય ઠાકરે યંગ છે, ડાયનૅમિક છે અને ભારોભાર ઉત્સાહી છે એ વાત બિલકુલ સાચી છે અને તેની એ વાત સાથે સહમત થવું પણ ગમે, પરંતુ એમ છતાં કહેવાનું મન થાય કે આદિત્ય ઠાકરેએ અત્યારના સમયે એના મતવિસ્તાર, મતદારો અને વિધાનસભાની નજીક રહીને હજી ઘડાવાની જરૂર છે. ઘડતર થયું હોય તો જ તમને લાંબી રેસ જીતવા મળે.
ક્રિકેટના મેદાનમાં આપણે અનેક ખેલાડી એવા જોયા છે જેમણે નાની ઉંમરે મળેલી તકને અજાણતાં જ વેડફી નાખી હોય. જો ક્રિકેટના મેદાનમાં પણ આ બની શકતું હોય તો રાજકારણનું મેદાન તો વધારે મોટું અને રાજકારણીઓ વધારે નિંભર છે. કબૂલ કે આદિત્ય ઠાકરેના શરીરમાં બાળ ઠાકરેનું લોહી દોડે છે, પણ દોડી રહેલા એ લોહી વચ્ચે પણ ભૂલવાની જરૂર નથી કે આદિત્ય શિવસેનાનો વારસો છે અને વારસો વેડફાય નહીં એ જોવાની આપણી નૈતિક ફરજ છે. આ વારસાનું જતન થવું જોઈએ, આ મૂડીને મોટી કરવા માટે મહેનત કરવી જોઈએ અને એ મહેનત પછી એકધારો લાંબો લાભ લેવો જોઈએ. આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રનું ભવિષ્ય છે. એકેક મરાઠીઓનું જતન છે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં તમામ નગરોનું શ્વસન છે, પણ એ જ કારણસર હજી તેણે ઘડાવાની, ટિપાવાની અને ટિચાવાની જરૂર છે. મુખ્ય પ્રધાનપદ પર મૂકીને તેના પર સીધો જ કાર્યભાર મૂકવાની જરૂર નથી. આદિત્ય ઠાકરેએ રાજકારણમાં કાર્યભાર સંભાળ્યો એ પછી દિવસે-દિવસે શિવસેના વધારે બળવત્તર બની છે પણ મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે શિવસેનાએ એવું બળવત્તર બનવાની જરૂર છે જેમાં એ આગામી વર્ષોમાં ફરીથી બાળા ઠાકરેની શિવસેનાના સ્તરે પહોંચે. એ એક સમય હતો જ્યારે શિવસેનાનું નામ પડતું અને પેલા પૉપ્યુલર હિન્દી ફિલ્મના ડાયલૉગ જેવી અસર થઈ જતી : સિર્ફ નામ હી કાફી હૈ.
આદિત્ય ઠાકરેએ આ વર્ષોમાં તૈયાર થવાનું છે અને શિવસેનામાં નવા પ્રાણ પૂરીને એને એકેએક ઘર સુધી પહોંચાડવાની છે. એકલા હાથે ૬૪ બેઠક લાવનારી શિવસેનાને એ સ્તરે લઈ જવાની છે કે એ એકલા હાથે ૧૬૪ બેઠક લાવી દેખાડે. તક આજે છે, પણ આ જ તક આવતી કાલે મસમોટી બની શકે છે એ ભૂલવું ન જોઈએ.

manoj joshi columnists shiv sena