પ્રતાપચંદ્ર ષરંગી : દુર્જનોથી ખદબદતા આ યુગમાં ઊગેલો એક સજ્જન સૂર્ય

03 June, 2019 10:27 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતાપચંદ્ર ષરંગી : દુર્જનોથી ખદબદતા આ યુગમાં ઊગેલો એક સજ્જન સૂર્ય

પ્રતાપચંદ્ર ષરંગી

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતાપચંદ્ર ષરંગીની વાત કરતા હતા. આ ઓલિયાએ લગ્ન નથી કર્યા. હવે એના પરિવારમાં કોઈ નથી, પણ ગયા વર્ષ સુધી તે પોતાની વિધવા મા સાથે રહેતા હતા, જેનું દેહાંત ગયા વર્ષે જ થયું. એ અગાઉ એને જ્યારે પણ કોઈ એવું કહેતું કે તમારા માતુશ્રી તમારી સાથે રહે છે, તો સુધારો કરતાં અને કહેતાં કે, ના હું તેમની સાથે રહું છું. તેમણે કોઈ દેખાડો કરવા માટે કે શૉ-ઑફ કરવા માટે સાદગીની જિંદગી પસંદ નથી કરી. તેમનું જીવન જ સરળ છે અને સરળતા ભરેલા આ જીવનનું બેસ્ટ ઍક્ઝામ્પલ જો કોઈ હોય તો એ કે તેમના ઘરની બરાબર સામે એક હેન્ડ પંપ છે, આ હેન્ડ પંપ જ તેમનું બાથરૂમ છે. અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ તે આ પંપની નીચે બેસીને ખુલ્લામાં નાહી લે. જો ઠંડી વધી ગઈ હોય તો નાહવાનું ટાળી પણ દે અને બધાને એવી સલાહ પણ આપે કે આ રીતે શરીરને કષ્ઠ આપવાને બદલે એકાદ દિવસ નાહવાનું ટાળી દો.

રાતના સમયે તે પોતાના ઘરની બહાર એક બલ્બ ટીંગાડીને બાળકોને લઈને બેસી જાય. તેમને ભણાવે અને ભણાવ્યા પછી આપણી પૌરાણિક વાર્તા કહેવા બેસી જાય. આ તેમનો દૈનિક ક્રમ છે. વિધાનસભામાં દાખલ થયા અને વિધાનસભ્ય બન્યા પછી પણ તેમણે આ ક્રમને અકબંધ રાખ્યો. બે દિવસ એ આવી ન શક્યા હોય તો ત્રીજી રાતે આવીને એ બાળકોની પણ માફી માગે. પ્રતાપચંદ્ર ષરંગીએ મને જ કહેલી એક વાત કહું તમને. જવાબદારીને સ્વીકારવાની ન હોય, સભાનતાપૂર્વક અપનાવવાની હોય.

ગઈ કાલે કહ્યું હતું એમ, ઓલિયા જેવા આ નેતાનું ઘર તમે ગૂગલ કરીને એક વખત જોઈ લેજો. ઘર છે જ નહીં, ઝૂંપડું છે. આપણે ત્યાં જે ઝુણકા-ભાકરમાં ઝુણકા હોય એવું આસામમાં શાક બને, એને લીચો કહે છે. ચણાના લોટમાંથી બનતું આ લીચો એ તેમનો દૈનિક ખોરાક. લીચો હોય અને બે ધાનમાંથી બનેલો રોટલો હોય. વિધાનસભામાં જતાં ત્યારે તે પોતાની સાથે આ લીચો અને રોટલો સાથે લેતાં જાય અને બપોરે લંચ બ્રેકમાં કેન્ટિનમાં બેસીને ખાઈ લે. બીજા સાથી વિધાનસભ્યો કેન્ટિનમાંથી રાહતદરના ફાઇવસ્ટાર ભોજન જમતાં હોય પણ એની જ સામે બેસીને પ્રતાપચંદ્ર પોતાનું લીચો-રોટલાનું લંચ લેતાં હોય. કોઈ પૂછે તો કહે પણ ખરા, ‘મારી પ્રજા જે ખાતી હોય એ જ મારે ખાવાનું હોય. બીજાની થાળી તરફ ઈશારો કરીને કહે, આવી બાદશાહી મને ન પોષાય.’

આ પણ વાંચો : પ્રતાપચંદ્ર ષરંગી : આજના આ કળિયુગમાં પણ ઓલિયો જીવ પ્રગટે ખરો, જન્મે ખરો

મને વાંરવાર કહેવાનું મન થાય છે કે આમાં ક્યાંય દેખાડો નથી, આમાં ક્યાંય કોઈ દંભ નથી. આ માણસ જ આ પ્રકારનો છે અને આ માણસ આ જ કરવા માટે ઘડાયો છે. આને રાજનીતિ કહે છે અને આવી રાજનીતિને કોઈ બગાડી નથી શકતું. કૉન્ગ્રેસના સાથીઓ પણ નહીં અને અન્ય ભ્રષ્ટાચારી નેતાઓ પણ નહીં. જો કોઈને એવું લાગે કે પ્રતાપચંદ્ર ષરંગી વિશે આ અને આવી વાતો લખીને બીજેપીની ભાટાઈ થઈ રહી છે તો મને કહેવું છે કે આવી ભાટાઈ કરવામાં કોઈ શરમ રાખવી નહીં. નખશીખ પ્રામાણિક, નખશીખ નિષ્ઠાવાનની ચર્ચા કરવામાં જરાપણ સંકોચ રાખવો નહીં. આવા સમયે પણ સંકોચ રાખનારો રાષ્ટ્રનું અને સમાજનું અહિત કરવામાં નિમિત બનતો હોય છે.

manoj joshi columnists