Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રતાપચંદ્ર ષરંગી : આજના આ કળિયુગમાં પણ ઓલિયો જીવ પ્રગટે ખરો, જન્મે ખરો

પ્રતાપચંદ્ર ષરંગી : આજના આ કળિયુગમાં પણ ઓલિયો જીવ પ્રગટે ખરો, જન્મે ખરો

02 June, 2019 09:49 AM IST |
મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતાપચંદ્ર ષરંગી : આજના આ કળિયુગમાં પણ ઓલિયો જીવ પ્રગટે ખરો, જન્મે ખરો

પ્રતાપચંદ્ર ષરંગી

પ્રતાપચંદ્ર ષરંગી


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

તેમના નામથી તો હવે સૌકોઈ વાકેફ છે, પણ જ્યારે લોકસભાના ઇલેક્શનમાં ઉમેદવારીપત્રક તેમણે ભર્યું ત્યારે આખા દેશમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. દેશઆખાના સૌથી ગરીબ ઉમેદવાર જો કોઈ હોય તો એ હતા પ્રતાપચંદ્ર ષરંગી. કુલ સંપત્તિ ૧૦ લાખ રૂપિયા જેટલી થાય છે. નથી તેમની પાસે ઘર, નથી તેમની પાસે ખેતર, નથી તેમની પાસે ટૂ-વ્હીલર. સાઇકલ લઈને તેઓ દરરોજ બહાર નીકળે છે અને સાઇકલ લઈને પાછા ફરે છે.



પ્રતાપચંદ્ર ષરંગીએ ઓડિશાના બાલેશ્વર જિલ્લાના ગોપીનાથપુરના એક બ્રાહ્મણ ઘરમાં જન્મ લીધો અને ઉત્કલ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લીધું. પ્રતાપચંદ્ર વિશે વાતો પુષ્કળ છે, પણ એ આપણે આવતી વખતે કરીશું. અત્યારે મારે એ કહેવું છે કે તેમણે પોતાના લોકસભા ઇલેક્શનનો પ્રચાર કેવી રીતે કર્યો? સાહેબ, એ માણસ સાઇકલ પર ઘરે-ઘરે જઈને પ્રચાર કરતો અને દૂર જવાનું હોય તો રિક્ષા કરે. રિક્ષા કરવા ઉપરાંત જો દૂરના ગામમાં જવું હોય તો પ્રતાપચંદ્ર એસટી બસમાં પ્રવાસ કરતા. કોઈ દંભ નહીં, કોઈ રંજ નહીં. પ્રતાપચંદ્રની સફેદ દાઢી જ દેખાડે છે કે એ ઓલિયો આત્મા છે અને આ દેશમાં આજે પણ ઓલિયો આત્મા જન્મે છે એનાથી ખુશ થવા જેવી બીજી કોઈ વાત નથી.


આ પણ વાંચો : નવી સરકાર, નવી નીતિ: જો જો તમે, આ વખતે મોદી સરકાર પુરબહારમાં ખીલશે

નરેન્દ્ર મોદી માટે પણ માન એટલા માટે થાય કે તેમણે આવા ઓલિયાને કામ માટે આગળની હરોળમાં લીધા. બન્ને વચ્ચેનો સંપર્ક આમ તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સમયથી. પ્રતાપચંદ્રએ હિન્દુત્વનો પ્રચાર આસામમાં પુષ્કળ કર્યો અને એ ઉપરાંત તેમણે બીજેપીનો પ્રચાર પણ જબરદસ્ત કર્યો. પ્રતાપચંદ્ર જ્યારે વિધાનસભામાં હતા ત્યારે તેમણે પગાર લેવાની ના પાડી દીધી હતી. એ સમયે તેઓ અપક્ષ ઉમેદવાર હતા, કોઈ પક્ષનું નામ તેમની સાથે જોડાયેલું નહોતું અને એ પછી પણ તેમણે વિરોધી ઉમેદવારને ખાસ્સી મોટી હાર આપી હતી. પ્રતાપચંદ્રને એક વખત મળવાનું થયું છે, પણ એ વખતે મળીને તેમની સાદગીના પ્રેમમાં પડી જવાનું મન થઈ આવ્યું હતું. ધીમો સ્વર અને નાભિમાંથી આવતો અવાજ. તમે ઇચ્છો નહીં તો પણ તેમના પ્રેમમાં પડી જાઓ. તેમનાથી સંમોહિત થઈ જાઓ. લોકસભાની ઉમેદવારી વખતે જ્યારે પાર્ટીએ સાથ આપવાની વાત કરી, આર્થિક મદદ કરવાની વાત કરી ત્યારે પ્રતાપચંદ્રએ જવાબ આપ્યો હતો કે એ પૈસો તમારી પાસે રહેવા દો, ઇલેક્શન પછી જીતીએ કે હારીએ, આપણે એ પૈસો આ વિસ્તાર માટે ખર્ચીશું. આ પ્રકારના અનેક ઓલિયા જીવ આપણે ત્યાં છે અને હું તો કહીશ કે રાજકારણ આ જ કારણે આજે પણ રાજનીતિના સ્વરૂપમાં અકબંધ રહ્યું છે. રાજકારણમાં રહેનારા સૌકોઈએ આ પ્રતાપચંદ્ર ષરંગીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ, તેમની પૂજા કરવી જોઈએ. જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂએ પણ જ્યારે શરૂઆત કરી ત્યારે તેમની શાખ પણ આ જ પ્રકારની હતી, પણ પછી આજુબાજુમાં આવી ગયેલા લોકોને કારણે એ શાખ પર કાદવ ઊડ્યો. આશા રાખીએ કે પ્રતાપચંદ્ર ષરંગી પોતાને એવા લોકોથી બચાવી રાખે.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2019 09:49 AM IST | | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK