યે બાત કુછ હજમ નહીં હૂઈ : આક્ષેપનું રાજકારણ અને રાજકારણમાં આક્ષેપબાજી

06 April, 2019 02:50 PM IST  |  | મનોજ નવનીત જોષી

યે બાત કુછ હજમ નહીં હૂઈ : આક્ષેપનું રાજકારણ અને રાજકારણમાં આક્ષેપબાજી

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આ કંઈ નવું નથી અને એ નવું હોઈ પણ ન શકે. એકબીજાથી જાતને ચડિયાતી પુરવાર કરવાની હોય ત્યારે સ્વાભાવિક રીતે તમારી પાસે બે જ રસ્તા હોય. એક તો તમે, સામેવાળાથી વધારે સારા છો એ પુરવાર કરો અને બીજું, તમે એ સાબિત કરો કે સામેવાળો તમારાથી નબળો છે. જો ફિલૉસૉફીને આંખ સામે રાખીને વાતને કહેવાની હોય તો કહેવું પડે કે પહેલી રીતમાં હકારાત્મકતા છે અને બીજી રીતે નકારાત્મક વિચારધારાનું બાળક છે અને અત્યારે રાજકારણમાં આ નકારાત્મક વિચારધારાનું બાળક વધારે મજબૂતીથી પગલાં માંડી રહ્યું છે. આમ જોઈએ તો આ છેલ્લા લગભગ બેથી અઢી દશકથી બની રહ્યું છે. સકારાત્મકતાનું રાજકારણ રહ્યું નથી અને આક્ષેપબાજીઓ ચરમસીમા પર છે.

જ્યારે તમે બીજાને ખરાબ ચીતરવા માટે નીકળી પડો ત્યારે તમારે એ ન ભૂલવું જોઈએ કે આ નકારાત્મકતા ક્યાંક અને ક્યાંક તમને પણ ખરાબ ચીતરવાનું કામ કરી જ રહી છે. બીજેપી કૉન્ગ્રેસને ભાંડે, એની કાર્યપ્રણાલી અને કાર્યપદ્ધતિને ભાંડે, કૉન્ગ્રેસના છેલ્લાં સાઠ વર્ષને ભાંડે એટલે સામા પક્ષે કૉન્ગ્રેસે પણ એ જ રસ્તે ચાલવાનો વારો આવી જાય અને એ બીજેપીને ભાંડે. બીજેપીને ભાંડવામાં એક મોટી તકલીફ છે. એણે સાઠ વર્ષ સુધી પોતે જ રાજ કર્યું છે એટલે સ્વાભાવિક રીતે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે બીજેપીને ભાંડવા માટે પણ એ ભૂલ કરે ત્યાં સુધી રાહ જોવી પડે એમ છે, પણ મને અહીંયા એક વાત તમામ મતદારોને કરવી છે. યાદ રાખજો, કામ કરે એનાથી જ ભૂલ થાય. કૉન્ગ્રેસે કામ કર્યું છે અને એટલે જ એનાથી ભૂલ થઈ છે. આક્ષેપો એના સ્થાને છે અને વાસ્તવિકતા એના સ્થાન પર છે. જો તમને ક્યાંય પણ એવું લાગતું હોય કે કૉન્ગ્રેસે કંઈ કામ જ નથી કર્યું તો આજનું આ હિન્દુસ્તાન હોઈ જ ન શકે. ભૂલવું નહીં ક્યારેય, શરૂઆત જ અઘરી હોય છે. એક વખત શરૂઆત થાય એ પછી તેને દોડાવવાનું કામ પ્રમાણમાં સહેલું અને સરળ છે. કૉન્ગ્રેસે સાવ જ કામ કર્યું નથી એવું ન કહી શકાય એવી જ રીતે બીજેપીની કામ કરવાની દાનત નથી એવી ચર્ચા પણ અસ્થાને છે. છેલ્લાં પાંચ વર્ષમાં એણે પણ કામ કર્યું છે, પણ આ બન્ને પાર્ટીથી જો કોઈ મોટી ભૂલ થઈ હોય તો એ જ કે બન્નેએ આક્ષેપોની વાત આવે ત્યારે કોઈના બાપની સાડીબારી રાખ્યા વિના એકબીજાને ગાળો ભાંડવાનું કામ કર્યું છે. હું કહીશ કે એમાં મર્યાદા ચૂકવાનું કામ જો કોઈએ કયુંર્ હોય તો એ બીજેપીના હિતેચ્છુઓ છે.

આ પણ વાંચો : મશીનને લાગણી ન હોય, માણસને હોય અને એટલે જ તમારી જડતા સ્વીકાર્ય નથી

સોશ્યલ મીડિયા આવ્યા પછી એનો ભરપૂર દુરુપયોગ આ પૉલિટિકલ પાર્ટીઓએ કર્યો છે. ડિરેક્ટ હુમલો કરવાને બદલે કે પછી સીધી જ વાત કરવાને બદલે હિતેચ્છુઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બીજેપીના આ હિતેચ્છુ અમુક અંશે જાતીય આક્ષેપોની પણ ચરમસીમા પર પહોંચ્યા છે અને એ દુ:ખ અપાવનારી વાત છે. જો તમે ઇચ્છતાં હો કે રાજકારણમાં ઍટ લીસ્ટ સ્વચ્છતા રહે તો આ કામ બંધ કરવું પડશે. ટ્વિટર, ફેસબુક કે વૉટ્સઍપ પર ફરી રહેલા મેસેજ જુઓ તો તમને દેખાઈ આવે કે આક્ષેપોમાં રાગદ્વેષ કયા સ્તરે વકરી ગયો છે.

manoj joshi columnists indian politics