Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મશીનને લાગણી ન હોય, માણસને હોય અને એટલે જ તમારી જડતા સ્વીકાર્ય નથી

મશીનને લાગણી ન હોય, માણસને હોય અને એટલે જ તમારી જડતા સ્વીકાર્ય નથી

05 April, 2019 10:22 AM IST |
મનોજ નવનીત જોષી

મશીનને લાગણી ન હોય, માણસને હોય અને એટલે જ તમારી જડતા સ્વીકાર્ય નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

માનવનિર્મિત મશીનની જેમ જ આપણા શરીરના જુદા-જુદા સ્પેરપાર્ટ્સ અન્ય મશીનની જેમ નિયત ઍક્ટિવિટી કરે છે. કોઈ પણ ટેક્નૉલૉજિકલ મશીનને વ્યવસ્થિત ચલાવવા માટે જેમ નિયમિત સર્વિસિંગ આપતા રહો, મશીનમાં તેલ પૂરો અને ગ્રિસિંગ કરો એ જરૂરી છે એમ જ માનવશરીરમાં પણ નિયમિત ખોરાક પૂરતા રહો, કસરત અને આરામના સંતુલન સાથે સર્વિસિંગ કરો તો એ બરાબર કામ કરશે. મશીન પાસે જો ઓવરલોડ કામ લો તો મશીન ખોટકાય, બિલકુલ એ જ રીતે માનવશરીર પાસે પણ ક્ષમતાની બહાર કામ લેવા જાઓ તો એ ખરાબ થાય અને બીમાર પડે. માનવરચિત મશીન અને ઈશ્વરરચિત મશીનમાં ઘણી સામ્યતાઓ છે, પરંતુ એક બહુ મોટો ફરક છે જે કહેવા પ્રેરે છે કે ભલા માણસ, તમે માણસ છો અને મશીન નથી. ભલે તમારું શરીર કોઈક સુપરપાવરે બનાવેલા ઉત્કૃષ્ટ કોટિના મશીન જેવું હોઈ શકે, પરંતુ તમે મશીન નથી એટલે જ તમારી ક્રિયામાં જડતા આવે એ નહીં ચાલે, કારણ કે તમે મશીન નથી એટલે તમારા પ્રત્યેક કાર્યમાં પણ પ્રાણ ભળતા હોય છે. જોકે આપણી મર્યાદા ગણો કે કમનસીબી, મોટા ભાગના લોકોની પ્રત્યેક ક્રિયા આજે મશીન જેવી બની છે. સવારે ઊઠવાથી લઈને રાત્રે પાછા સૂવા સુધીની આખી પ્રોસેસ એક મશીનની જેમ પાર પાડવામાં આવે છે.



મજાની વાત એ છે કે આજકાલના કેટલાક સો કોલ્ડ ધાર્મિકો અને પોતાને વિદ્વાન માનતા ભણેશરીઓ જડતા અને મક્કમતાને એક જ ગણી રહ્યા છે. પોતે કોઈક વસ્તુને વળગી રહે છે જડતાપૂર્વક, પણ દેખાડો કરે છે પોતાની મક્કમતાનો. ખૂબ તકલીફો સહન કરવાની વાત હોય, કે બિનજરૂરી ત્યાગને દર્શાવવાનો હોય કે પછી સંઘર્ષના માર્ગ પર ચાલવાનું હોય, જડતા ક્યાંય ન ચાલે. તમે બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના જડવત્ કોઈ બાબતને પકડી રાખો અને પછી એમાં તમારી દૃઢ ઇચ્છાશક્તિ કે મક્કમતાનું પ્રદર્શન કરો તો એ ખોટું છે, સાવ ખોટું. જડતા મશીનનો ગુણ છે, માનવનો નહીં, કારણ કે મશીન પાસે વિચારો નથી, મશીન પાસે પોતાનું કોઈ મગજ નથી. માણસ પાસે છે. મશીન સેટ કરેલા પ્રોગ્રામ અનુસાર કામ કરે છે, જ્યારે માનવ પાસે સ્વતંત્ર વિચાર છે, સ્વતંત્ર બુદ્ધિ છે અને સ્વતંત્ર નિર્ણય લેવાની શક્તિ છે. મશીન પાસે એ નથી એટલે જ આપણે મશીનથી જુદા છીએ. એટલે જ ઉપવાસો કરવાની વાત હોય, ધાર્મિક ક્રિયા કરવાની વાત હોય, તમારા જીવનના લક્ષ્ય સુધી પહોંચવાની વાત હોય કે બીજી કોઈ પણ વાત કેમ ન હોય, જડતા ક્યાંય નહીં ચાલે, કારણ કે તમે મશીન નથી. તમે માણસ છો અને માણસ સમય, સંજોગ અને સ્થાન મુજબ તેની જીવનશૈલીમાં ફેરફાર કરતો રહે એ જરૂરી છે અને એવું કરવું હોય તો જડતા ન ચાલે. જડતામાં વિવેકનો, સમજદારીનો અને બુદ્ધિનો અભાવ છે. મશીનને લાગણી નથી, માણસને છે એટલે જ માણસ જડ ન હોઈ શકે. તમે જો તમારા જીવનની કોઈ પણ ક્રિયામાં જડતા ધારણ કરી રહ્યા હો તો એક વાર એ વિશે ફેરવિચાર જરૂર કરજો.


આ પણ વાંચો : ઉમેદવારનાં નામો જાહેર થઈ ગયાં છે ત્યારે તમારે શું યાદ રાખવાનું છે?


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2019 10:22 AM IST | | મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK