મુંબઈનો વરસાદ અને વરસાદ વચ્ચે મુંબઈ : વણથંભી યાત્રા જ મુંબઈનો આત્મા

04 July, 2019 10:31 AM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મુંબઈનો વરસાદ અને વરસાદ વચ્ચે મુંબઈ : વણથંભી યાત્રા જ મુંબઈનો આત્મા

મુંબઇમાં વરસાદ અને વરસાદમાં મુંબઇ

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પરમદિવસે મુંબઈ પર મુશળધાર વરસાદ વરસ્યો, એવો વરસાદ કે આખા મહિનામાં પડે એટલું પાણી માત્ર છત્રીસ કલાકમાં ખાબકી ગયું અને એ પછી પણ, એ પછી પણ મુંબઈ વણથંભ્યું રહ્યું. સૌ કોઈ પોતપોતાના કામમાં મચેલા રહ્યા અને સૌ કોઈએ પોતાની જવાબદારીઓ નિભાવી. મુંબઈ અટકતું નથી, મુંબઈને કોઈ અટકાવી શકતું નથી. આ જ મુંબઈનો સ્વભાવ છે. વણથંભ્યું ભાગવું એ જ મુંબઈનો આત્મા છે. અટકતાં એને આવડ્યું નથી, રોકાઈ જતાં એણે શીખ્યું નથી. મુંબઈના આ સ્વભાવને જ પ્રેમ કરવાનું મન થાય. તકલીફ વચ્ચે, અડચણો સાથે, મુશ્કેલીઓ સામે એકધારું ભાગતાં રહેવાનું અને કામ કરવાનું. કામ કરવાનું પણ ખરું અને બધી જ આગાહીઓ વચ્ચે નવેસરથી બીજી સવારે કામે નીકળી જવાનું. સાચે જ. તમે એક વખત આ અવસ્થાને ધ્યાનથી જોશો તો તમને પણ મુંબઈ અને મુંબઈકર પર ઓવારી જવાનું મન થશે.

પ્લૅટફૉર્મ પર વરસતાં પાણી વચ્ચે પણ લોકલની રાહ જોવાની અને અડધાથી પોણા કલાક સુધી એમ જ ઊભા રહીને ટ્રેન આવે એની માટે ઇન્તઝાર કરવાનો. સાહેબ, ધીરજ શું કહેવાય અને એ કેવી હોવી જોઈએ એ જો શીખવું હોય તો આપણા મુંબઈકર પાસેથી શીખવું જોઈએ. મુંબઈકરને કોઈ થાક લાગતો નથી. મુંબઈકર ક્યારેય કંટાળતો નથી. તકલીફ વચ્ચે પણ મુંબઈકર પોતાની સફર ચાલુ રાખે છે. ગુજરાતમાં તો મુંબઈવાળાઓના ટ્રાવેલિંગની વાતો સાંભળીને પણ એ લોકો થાકી જાય છે અને એમાં કશું નવું પણ નથી. માણસ થાકી જ જાય. અમદાવાદમાં રહેનારો દરરોજ સાણંદ જતો નથી પણ સરેરાશ મુંબઈકર દરરોજ ઓછામાં ઓછા ત્રીસથી ચાલીસ કિલોમીટરનું ટ્રાવેલિંગ કરે છે. અમદાવાદવાસીને સાળંગપુર દર્શન કરવા જવું હોય તો એવું લાગે કે જાણે એ બહારગામ જઈ રહ્યો છે. રાજકોટમાં રહેતી વ્યક્તિ વીરપુર જવા માટે પ્રોગ્રામ બનાવવા બેસે અને મુંબઈકર એટલું ટ્રાવેલિંગ રમતવાતમાં કરી નાખે. ટ્રાવેલિંગ કરવું, મુશ્કેલીઓને ભૂલીને ટ્રાવેલિંગ કરવું અને થોકબંધ તકલીફો સાથે ટ્રાવેલિંગ કરવું એ બધા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. મુંબઈકરને કોઈ તકલીફ ક્યારેય તકલીફ લાગી જ નથી.

આ પણ વાંચો : વસીમનામા, કાશ્મીરધારાઃ ખોટી વાત, ખોટો ઉપદેશ નખ્ખોદ વાળવાનું કામ કરે છે

પાણી ભરાયેલાં હોય, માથે સતત પાણી વરસતું હોય અને એ પછી પણ હાથમાં છત્રી અને કાન પર મોબાઇલ સાથે એની દુનિયા ચાલુ જ હોય. ગોઠણ સુધીનાં પાણી એને તકલીફ નથી આપતા અને સ્ટેશનથી ઑફિસ સુધીનું ચાલીસ મિનિટનું અંતર એને પીડા નથી આપતું. મુંબઈવાસીઓ થાકતા નથી અને એ થાકવા પણ નથી દેતા. હેટ્સ ઑફ - મુંબઈ, મુંબઈકર. તારી આ અવસ્થા માટે જે કોઈ જવાબદાર હોય પણ તું એ બેજવાબદારને યાદ કરીને વરસાદને માણવાનું પણ ચૂકતો નથી. હાઇટાઇડ સમયે નરિમાન પૉઇન્ટ જઈને એ માહોલને શ્વાસમાં ભરવાની ખુમારી પણ તારામાં છે અને બીજી સવારે, નવેસરથી તકલીફોનો સામનો કરવા માટે રેડી થઈ જવાની ત્રેવડ પણ તારામાં છે. ખરેખર, એકેએક મુંબઈકર તારિફને પાત્ર છે. દર વર્ષે આ જ અવસ્થા ઊભી થાય છે અને દર વર્ષે તું તારી ખુમારી દેખાડી દે છે - લવ યુ.

manoj joshi columnists